13 October, 2024 02:31 PM IST | Mumbai | Aashutosh Desai
સાવિત્રી જિન્દલ
શરૂઆતનાં વર્ષો પતિની ઓથમાં રહેલાં સાવિત્રી જિન્દલે હરિયાણાના હિસારની બેઠક પર BJPમાંથી ટિકિટ ન મળતાં આત્મવિશ્વાસથી ખુદના બલબૂતા પર ચૂંટણી લડીને જીત હાંસલ કરી અને પીઢ રાજકારણીની જેમ જીત પછી ફરી BJPને સપોર્ટ જાહેર કરવાની કુનેહ પણ દાખવી. એક ઘરરખ્ખુ સ્ત્રીમાંથી સામાજિક કાર્યકર અને કૉર્પોરેટ વર્લ્ડનાં માંધાતા બન્યા પછી એક રાજકારણી તરીકે પણ કાઠું કાઢનાર ભારતનાં સૌથી ધનાઢ્ય મહિલા સાવિત્રી જિન્દલ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે
દેશનાં સૌથી અમીર મહિલા ફરી એક વાર હરિયાણા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પોતાની સેવા આપવા જઈ રહ્યાં છે. અપક્ષ તરીકે ચૂંટણી લડ્યાં, પોતે જે રાજકીય પાર્ટીનાં ક્યારેક સભ્ય હતાં એ જ પાર્ટીના ઉમેદવારોને હરાવી તેમણે પોતાનો દબદબો જાળવી રાખ્યો એવાં સાવિત્રી જિન્દલને આજે આપણે ચાર અલગ-અલગ ઍન્ગલ્સથી મળવાનો પ્રયત્ન કરીએ. સાંસારિક જીવનમાં પત્ની અને મા તરીકે, સામાજિક જીવનમાં કાર્યકર તરીકે, કૉર્પોરેટ વર્લ્ડનાં માંધાતા તરીકે અને આખરે રાજકારણી તરીકે.
સાવિત્રી જિન્દલ વિશે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં એક વાત જરૂર કહેવી અને માનવી પડે કે માત્ર ભારતવર્ષમાં જ નહીં, પણ આ મહિલા આખા વિશ્વની અગણિત સ્ત્રીઓ માટે એક ખૂબ મોટો પ્રેરણાસ્રોત સમાન છે. પતિએ મહામહેનતે બનાવેલી લેગસીને જાળવી રાખી આ મુકામ સુધી લઈ જવી અને સાથે જ આટલી મજબૂત સામાજિક અને રાજકીય શાખ ઊભી કરવી એ સહેલી વાત તો નથી જ.
અંગત જીવન
૧૯૫૦ની સાલ અને ૨૦મી માર્ચનો દિવસ આસામના તિનસુકિયા ગામના એક હિન્દુ પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું સાવિત્રી. સાવિત્રીનાં મા-બાપને ત્યારે નહોતી ખબર કે તેમના ઘરે જન્મેલી આ દીકરી એક દિવસ ભવિષ્યમાં દેશની સૌથી ધનાઢ્ય સ્ત્રી તરીકે પોતાનું નામ ભામણ ઇતિહાસમાં લખાવશે. વીસ વર્ષની છોકરીને હજી તો યુવાની શું છે એ ઠીકઠાક ખબર પડવાની શરૂ થઈ હોય ત્યાં જ સાવિત્રીનાં લગ્ન થઈ ગયાં અને જાણે સાવિત્રીનું આખુંય જીવન બદલાય ગયું, કારણ કે જેની સાથે તેનાં લગ્ન થયાં હતાં એ સાવિત્રીથી વીસ વર્ષ મોટો પુરુષ હતો એટલું જ નહીં, તે લોખંડની બાલદી વગેરે બનાવવાનું એક કારખાનું ચલાવતો હતો જેને જિન્દલ સ્ટીલ જેવું કંઈક નામ આપ્યું હતું, પણ તે પુરુષ કોઈ યુવાનને પણ શરમાવે તેવો હતો. તે જિંદગીમાં જોખમ ખેડી લેવામાં માનતો હતો. કોઈ એક ગામના કોઈ એક મહોલ્લામાં જિંદગી વિતાવી દેવી તેને મંજૂર નહોતું. આવો બાહોશ આધેડ વયનો યુવાન એટલે ઓમપ્રકાશ જિન્દલ.
૧૯૭૦નું વર્ષ ઓમપ્રકાશ અને સાવિત્રી બન્ને માટે અત્યંત મહત્ત્વનું અને જિંદગી બદલી નાખનારું સાબિત થયું, કારણ કે આ જ વર્ષમાં તેમનાં લગ્ન થયાં અને આ જ વર્ષમાં ઓ. પી. જિન્દલ એટલે કે ઓમપ્રકાશ જિંન્દલે પોતાની કંપનીનો વિસ્તાર વધારી ગ્રુપ કંપનીમાં તબદીલ કર્યો, નામ રાખવામાં આવ્યું જિન્દલ ગ્રુપ. એવું નહોતું કે ઓ. પી.ને એક દિવસ મન થયું અને તેમણે કંપની શરૂ કરી દીધી. ઓ. પી. લોખંડમાંથી બાલદીઓ બનાવવાનું કારખાનું તો ૧૯૫૨ની સાલમાં જ નાખી ચૂક્યા હતા. અર્થાત સાવિત્રી જન્મ્યાં એનાં બે જ વર્ષ બાદ તેમના ભાવિ પતિએ એક કારખાનું શરૂ કરી દીધું હતું.
હરિયાણાના હિસારમાં જન્મેલા ઓમપ્રકાશ જિન્દલ યુવાન વયથી ખંતીલા અને પોતાના વિચારો પર અમલ કરનારી વ્યક્તિ. સંયુક્ત કુટુંબમાં રહેતા ઓ. પી. એક દિવસ ઘરે હાથ-મોઢું ધોઈ રહ્યા હતા અને તેમણે નળ સાથે જોડાયેલા પાઇપ પર વાંચ્યું મેડ ઇન ઇંગ્લૅન્ડ. ઓ. પી.ને વિચાર આવ્યો કે ઘરે પાણી આપવાના પાઇપ જેવી વસ્તુ પણ આપણે બહારથી મગાવી પડે? દેશમાં કેમ નહીં બનાવી શકાય? આ વિચારે તેમને એક કારખાનું શરૂ કરવા તરફ પ્રેર્યા અને શરૂ થયું લોખંડની બાલદી બનાવવાનું એક નાનકડું કારખાનું. આજે સ્ટીલ કંપનીઓમાં લીડર ગણાતી જિન્દલ કંપનીનો પાયો એ જ સમયે નખાઈ ચૂક્યો હતો એમ કહીએ તો ખોટું નથી.
ત્યાર બાદ ૧૯૭૦ની સાલમાં સાવિત્રી સાથે લગ્ન થયાં અને એ જ સાલમાં જિન્દલ સ્ટીલ હવે જિન્દલ ગ્રુપ કંપનીઝ બની ચૂક્યું હતું. સાવિત્રી એકમાત્ર ઘરરખ્ખુ પત્ની તરીકે જ નહીં, પરંતુ ઓ. પી. જિન્દલનો ખભો બની તેમની સાથે રહ્યાં અને ૩૪ વર્ષની મહેનત બાદ ૨૦૦૪નો નવેમ્બર મહિનો સાવિત્રી અને ઓ. પી. માટે કરેલા કામનું દેશભરમાં બ્યૂગલ વગાડવાનો સમય લઈને આવ્યો. ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં આટલું ધરખમ યોગદાન આપવા બદલ બંગાળ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઓ. પી.ને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવા જય રહી હતી. આ સમય સુધીમાં તો ઓ. પી.એ એક જિન્દલ સ્ટીલ કંપનીમાંથી જિન્દલ ઑર્ગેનાઇઝેશન જેવું એક મોટું વટવૃક્ષ બનાવી દીધું હતું. જેના નામ હેઠળ જિન્દલ સ્ટીલ ઍન્ડ પાવર, જિન્દલ સ્ટેનલેસ અને જેએસડબ્લ્યુ સ્ટીલ જેવી અલગ-અલગ કંપનીઓ હતી. જ્યારે તેમને આ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો ત્યારે ઓ. પી. જિન્દલ ભારતના સૌથી ધનાઢ્ય લોકોમાં ૧૩મા સ્થાને હતા અને વિશ્વમાં સૌથી ધનાઢ્ય તરીકે તેમનું નામ ૫૪૮મા ક્રમાંકે અંકિત થઈ ચૂક્યું હતું.
પરંતુ વિધિની વક્રતા જુઓ કે ૨૦૦૪ના નવેમ્બર મહિનામાં તેમને અવૉર્ડ મળ્યો અને ૨૦૦૫ની સાલના માર્ચ મહિનામાં તો એક હેલિકૉપ્ટર-દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. હવે જિન્દલ પરિવાર પણ બીજા ભારતીય પરિવારો જેવો જ હતો જ્યાં ઘરની મહિલાઓ ઘરનો કારભાર સંભાળે અને પુરુષો બહારનો કારોબાર અને કારભાર સંભાળે. પતિના મૃત્યુ બાદ અચાનક આવી પડેલી જવાબદારીઓ જેમાં મુખ્યત્વે કંપનીઓનો કારભાર અને કારોબાર સંભાળવાનો હતો જે એક દૃષ્ટિએ સાવિત્રી માટે સાવ નવું હતું, પરંતુ આવી પડેલી જવાબદારીઓ માણસને ઘણુંબધું શીખવી દેતી હોય છે. એ જ રીતે સાવિત્રીએ પણ આંખનાં આંસુ લૂછી નાખ્યાં અને મંડી પડ્યાં કંપનીઓની બાગડોર સંભાળવા.
દીકરીઓ સીમા, સારિકા, નિર્મળ અને ઊર્મિલાનાં લગ્ન તો ઓમપ્રકાશ જીવિત હતા ત્યારે જ કરાવી દીધાં હતાં. આથી દીકરાઓની સાથે અને પડખે રહીને કંપનીની જવાબદારીઓ નિભાવવાની હતી. દીકરાઓ પૃથ્વીરાજ, સજ્જન, રતન અને નવીનને કાબેલિયત અનુસાર કંપનીઓ વહેંચી આપી અને પોતે શરૂ કર્યું પતિની સામાજિક અને રાજકીય ધરોહર તરફ ધ્યાન આપવાનું.
સામાજિક કાર્યકર
ઓમપ્રકાશ જિન્દલ પોતે એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હોવાની સાથે જ એક સામાજિક કાર્યકર પણ હતા. તેમણે પોતાના જન્મસ્થાન એવા હરિયાણાના હિસારને જ પોતાનું કર્મસ્થાન પણ બનાવ્યું હતું. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમણે અહીંથી જ કારકિર્દીની શરૂઆત કરી હતી. પતિ ઓ. પી. જિન્દલ હિસારથી જ ચૂંટણી લડી વિધાનસભા સુધી પહોંચ્યા હતા અને હરિયાણા રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આથી હવે એ લેગસી પણ પત્નીએ જાળવવાની હતી. સાવિત્રી દેવીએ સામાજિક જવાબદારીઓ દ્વારા એની શરૂઆત કરી. જિન્દલ ગ્રુપ ઑફ કંપનીએ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી તરીકે શાળાઓ અને કૉલેજો શરૂ કરી હતી. સાવિત્રી દેવીએ ત્યાંથી પોતાના કામની શરૂઆત કરી અને હિસારને જમીની સ્તરે ખેડવાનું શરૂ કર્યું.
સાવિત્રી જિન્દલને ધીરે-ધીરે આખાય વિસ્તારની એટલી સમજ આવી ગઈ હતી કે હિસારમાં કેટલા પંજાબીઓ છે, કેટલા વેપારી એટલે કે બનિયા છે, કેટલા સૈની છે અને કેટલા હજાર જાટ અને બ્રાહ્મણ છે.
રાજકીય કારકિર્દી
પતિના અવસાન બાદ તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો, કારણ કે પતિ આખરે તો હરિયાણા સરકારમાં મંત્રીપદે બિરાજમાન હતા. ૨૦૦૫ની સાલમાં તો ચાલો એક વાર કોઈ પણ મતદાતા એમ વિચારી-સ્વીકારી લે કે તેમણે જે ઉમેદવારને ચૂંટીને મોકલ્યા હતા તેમનું મૃત્યુ થવાને કારણે તેમની પત્ની સત્તા પર આવે, પરંતુ ત્યાર બાદ પોતાની કાબેલિયત પુરવાર કરાવવી પડે. કૉન્ગ્રેસ પક્ષ સાથે જોડાયેલાં સાવિત્રી ૨૦૦૯ની ચૂંટણીમાં ફરી એક વાર કૉન્ગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊતર્યાં અને હિસાર બેઠક જે તેમના પતિની હતી એના પર દબદબો જાળવી રાખ્યો. તેઓ જીત્યાં અને ૨૦૧૩ની સાલ સુધી ફરી હરિયાણા વિધાનસભાનાં સભ્ય બન્યાં. ૨૦૧૩ની ૨૯ ઑક્ટોબરે સાવિત્રી ફરી એક વાર હરિયાણા સરકારમાં કૅબિનેટ પ્રધાન તરીકે નિયુક્ત થયાં. અગાઉની કૅબિનેટમાં તેમણે રેવન્યુ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ખાતાની સાથે જ પુનર્વસન અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટનાં મંત્રી તરીકે કામ કર્યું જ હતું. હવે નવી ટર્મમાં તેમણે રૂરલ ઍન્ડ અર્બન હાઉસિંગની સાથે સ્થાનિક સંસ્થાઓનાં મંત્રી તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો. ત્યાર બાદ ૨૦૧૪માં ફરી ચૂંટણી આવી અને આખાય દેશમાં કૉન્ગ્રેસના રાજ સામે વિરોધનો એક એવો વંટોળ ચાલ્યો કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હિસારની સીટ પરથી સાવિત્રી દેવી પણ ચૂંટણી હારી ગયાં.
ત્યાર બાદ દીકરો નવીન જિન્દલ કુરુક્ષેત્ર વિસ્તારથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે જીત્યો જ હતો. આથી સાવિત્રીદેવી પણ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલાં BJP સાથે જોડાયાં, પરંતુ હરિયાણા રાજ્યની ચૂંટણીનો સમય આવ્યો ત્યારે BJPએ તેમને હિસારની સીટ માટે ટિકિટ આપવાની ના કહી દીધી. પોતાના કામ અને શાખ વિશે આત્મવિશ્વાસ ધરાવતાં સાવિત્રી દેવીએ નિર્દલીય ઉમેદવાર તરીકે ઊભા રહેવાનું નક્કી કર્યું અને આખરે આઠ ઑક્ટોબરે આવેલા ચૂંટણી-પરિણામમાં તેમણે ફરી એક વાર પોતાની કાબેલિયત સાબિત કરી દેખાડી
તેમના રાજકીય જીવનમાં સાવિત્રી જિન્દલ પહેલા કૉન્ગ્રેસનાં સભ્ય રહ્યાં, ત્યાર બાદ કૉન્ગ્રેસ સાથે છેડો ફાડી BJPમાં જોડાયાં અને જ્યારે BJPએ ટિકિટ નહીં આપી ત્યારે BJP સાથે પણ છેડો ફાડી નિર્દલીય ઉમેદવાર. હવે વાત આખરે એ મુકામ પર પહોંચી કે BJP ફરી તેમને પોતાની રાજ્ય સરકારમાં સામેલ કરવા તૈયાર છે. સાવિત્રી જિન્દલે હિસાર બેઠક પરથી તેમના નજીકના હરીફ અને કૉન્ગ્રેસના ઉમેદવાર રામ નિવાસ રાણાને ૧૮,૯૪૧ મતોથી હરાવ્યા. સાવિત્રીજીને ૪૯,૨૩૧ વોટ મળ્યા, કૉન્ગ્રેસના ઉમેદવારને ૩૦,૨૯૦ વોટ મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર અને વિદાય લેતા ધારાસભ્ય કમલ ગુપ્તા ૧૭,૩૮૫ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.