ભારતની LRSAM સામે ઇઝરાયલનું આયર્ન ડોમ તો પાણી ભરે

12 November, 2023 03:39 PM IST  |  Mumbai | Aashutosh Desai

ચોમેર યુદ્ધની સ્થિતિમાં આજકાલ ઇઝરાયલનું આયર્ન ડોમ ખૂબ ચર્ચામાં છે ત્યારે જાણીએ એક ખાસ ડિફેન્સ સિસ્ટમ જે ભારતની DRDO બનાવી રહી છે અને એ કઈ રીતે બધા જ દેશો પર ભારે પડે એવી છે

ઇન્ડિયાનું લૉન્ગ રેન્જ સર્ફેસ ટુ ઍર મિસાઇલ

એક વર્ષ પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને ત્યાર બાદ હમણાં થોડા સમય પહેલાં ઇઝરાયલ અને પૅલેસ્ટીન વચ્ચે પણ યુદ્ધની શરૂઆત થઈ. આપણને તો બધી તરફથી એવા હરામખોર પાડોશીઓ મળ્યા છે કે વિસ્તારવાદમાં નહીં માનતા આપણે પણ સ્વસુરક્ષા માટેની પૂરી તૈયારી રાખવી જ પડે. એવા સંજોગોમાં સ્વાભાવિક છે કે એકથી એક ચડિયાતાં અસ્ત્રો અને શસ્ત્રો આપણે પણ ખરીદીને અથવા બનાવીને આપણા ભાથામાં ગમે એવા સંજોગોને પહોંચી વળવા માટે તૈયાર રાખવાં પડે.

હવે જ્યારે ઇઝરાયલ અને પૅલેસ્ટીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વાત નીકળી ત્યારે છેલ્લા થોડા દિવસથી ઇઝરાયલના ભાથામાં જે શસ્ત્રો છે એ વિશે પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. એવામાં એક નામ આવ્યું આયર્ન ડોમનું. ઇઝરાયલ પાસે આ એક એવું શસ્ત્ર છે જે હમાસ વિરુદ્ધ ઇઝરાયલ ગમે ત્યારે વાપરી શકે છે. અત્યંત ઘાતક અને સટીક નિશાનબાજ એવું આ અસ્ત્ર હમાસના આતંકવાદીઓને જ નહીં, તેમના દ્વારા કરાયેલા મિસાઇલ-હુમલાને પણ નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બીજા દેશની કાર્યક્ષમતા વિશે જાણીએ ત્યારે અજાણપણે આપણાથી તેની સાથે આપણી સરખામણી થઈ જ જાય અને એમાં કંઈ ખોટું પણ નથી. 

તો હવે આગળની વાત વાંચવા પહેલાં એક વાર જરા ગરદન ઊંચી અને છાતી પહોળી કરીને કૉલર થોડા ઊંચા ચડાવી જ લો, કારણ કે ભારત પાસે એનું પોતાનું આયર્ન ડોમ છે અને એ પણ એવું જે ઇઝરાયલના અસ્ત્ર કરતાંય વધુ કાર્યક્ષમ અને વધુ ડેડલી છે. એથીયે વધુ ગર્વ લેવા જેવી બાબત એ કે આપણું આ આયર્ન ડોમ ઇન્ડિજિનીયસ છે. અર્થાતે ભારતે પોતે ડિઝાઇન કરેલું, પોતે બનાવેલું અને પોતે વિકસાવેલું એવું શસ્ત્ર, ભારતનું આયર્ન ડોમ એટલે  LRSAM. 

હવે જે દેશના પાડોશીઓ જ આવા લખ્ખણિયા હોય એ દેશે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર તો રહેવું જ પડે! તો આટલું એક વાક્ય વાંચીને જ આપણા બધાની છાતી ગદગદ ફૂલી જશે કે સંપૂર્ણ સ્વતંત્ર રીતે ભારતે બનાવેલા આ આયર્ન ડોમને કારણે દેશ હવે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ થઈ જશે. મતલબ કે ન કરે નારાયણ ને ધારો કે ક્યારેક એવા સંજોગો સર્જાયા કે પાકિસ્તાન અને ચાઇનાએ ભેગા મળીને ભારત પર એકસાથે હુમલો કર્યો તો એવી પરિસ્થિતિમાં પણ ભારત સામી છાતીએ લડવા માટે સક્ષમ પુરવાર થશે! શું છે આવા ઘાતક LRSAMની વાતો? આવો જાણીએ.

LRSAMને સાદી સરળ ભાષામાં કહીએ તો લૉન્ગ રેન્જ સર્ફેસ ટૂ ઍર મિસાઇલ. અર્થાત્ જમીનથી ઉપર ઊઠી લાંબા અંતર સુધી જઈને હુમલો કરી શકે એવું મિસાઇલ. આયર્ન ડોમ કરતાંય વધુ ખતરનાક અને વધુ સટીક. જોકે એ વિશે વધુ વિગતે જાણવા પહેલાં થોડી વાતો આપણે આયર્ન ડોમ વિશે જાણી લેવી પડે.

ઇઝરાયલનું આયર્ન ડોમ

આયર્ન ડોમ શું છે?
આયર્ન ડોમનો જન્મ થયો હતો ૨૦૦૬માં. અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને આયર્ન ડોમ નામનું એક ઘાતકી શસ્ત્ર બનાવ્યું હતું, જેની હમણાં ઇઝરાયલ અને પૅલેસ્ટીનના યુદ્ધ સમયે ખૂબ ચર્ચા થઈ રહી છે. ૨૦૧૧માં ઇઝરાયલ દ્વારા એનો પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો હતો જ્યારે હમાસે તેમના પર મિસાઇલ્સ દ્વારા હુમલો કર્યો હતો. જોકે ત્યારે કદાચ આપણને એ વિશે એટલી ખબર નહોતી, પરંતુ આજે હવે આપણી પાસે એ વિશે જાણકારી છે. આ અસ્ત્રને તમે સાદી ભાષામાં એક કવચ-સુરક્ષા પૂરી પાડવા સાથે હુમલો કરનારું શસ્ત્ર એમ પણ કહી શકો. થોડું વિગતે સમજીએ. માની લો કે કોઈ એક રહેણાક વિસ્તારમાં આઠથી દસ બિલ્ડિંગનો ગીચ વસતિવાળો સમૂહ છે, જ્યાં દુશ્મન મિસાઇલ દ્વારા હુમલો કરે છે. હવે આ હુમલામાં છોડાયેલું મિસાઇલ જેવું પેલા બિલ્ડિંગ નજીક ૭૦ કિલોમીટરના રેડિયસમાં આવે કે તરત અલાર્મ ઍક્ટિવ થઈ જાય અને જેવું અલાર્મ ઍક્ટિવ થયું કે એ મિસાઇલની સામે સુરક્ષા તરીકે બીજી તરફથી એકસાથે અનેક મિસાઇલ્સ છૂટવા માંડે. પેલા મિસાઇલના તો ધજાગરા ઊડી જ જાય, સાથે જ એ છૂટેલા મિસાઇલની દિશામાં હુમલો પણ કરી શકે છે. 

ઇઝરાયલ-હમાસ વચ્ચેનું ઘમસાણ જે કારણથી ફાટી નીકળ્યું એ હતું હમાસનો ૫૦૦૦ મિસાઇલ દ્વારા ઇઝરાયલ પર હુમલો. કહેવાય છે કે આ હુમલામાં આયર્ન ડોમને કારણે ઇઝરાયલ ૩૦૦૦ જેટલાં મિસાઇલને નષ્ટ કરી શક્યું હતું. આયર્ન ડોમનો ઍક્યુરસી રેટ ૯૦ ટકા સુધીનો છે. આ તો વાત થઈ ઇઝરાયલની માલિકીના આયર્ન ડોમની. આ સિવાય બીજું પણ આવું જ એક સિસ્ટમૅટિક વેપન અમેરિકા પાસે છે જેનું નામ છે THAAD.

THAAD-થાડ શું છે?
જે રીતે ઇઝરાયલ પાસે આયર્ન ડોમ છે એ જ રીતે અમેરિકા પાસે છે THAAD (થાડ), જેનું પૂરું નામ છે ટર્મિનલ હાઈ ઍલ્ટિટ્યુડ ઍર ડિફેન્સ સિસ્ટમ. આ ટેક્નૉલૉજિકલી હાઇલી ક્વૉલિફાઇડ વેપન અમેરિકા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. જોકે ત્યાર બાદ એણે બીજા દેશોને પણ એ વેચ્યું છે. આજે એ અમેરિકા સિવાય તાઇવાન પાસે છે, સાઉદી અરેબિયા પાસે અને કોરિયા પાસે પણ છે. થાડ પણ મહદંશે આયર્ન ડોમ જેવું જ કામ કરે છે. જોકે અમેરિકા એવો દાવો કરે છે કે આયર્ન ડોમ કરતાં પણ એનો ઍક્યુરસી રેટ વધુ છે અને એ વધુ ઘાતક છે. આ સિવાય અમેરિકા પાસે પૅટ્રિયટ મિસાઇલ પણ છે.

ભારત છે વિશ્વનો સરસેનાપતિ 
આયર્ન ડોમ હોય કે THAAD કે પછી પૅટ્રિયટ - આ બધાં જ મિસાઇલને માત આપી શકે એવું તગડું મિસાઇલ છે રશિયા પાસે, જેનું નામ છે S-400. રશિયા પાસેથી આ મિસાઇલ ચાઇનાએ પણ ખરીદ્યું છે અને ભારતે રશિયા સાથે આ મિસાઇલ માટે ૨૦૧૮માં વ્લાદિમીર પુતિન સાથે એક ઍગ્રીમેન્ટ સહી કર્યું હતું. એ અનુસાર એવું નક્કી થયું કે ભારત રશિયા પાસેથી કુલ પાંચ S-400 મિસાઇલ્સ ખરીદશે. એમાંથી ત્રણ મિસાઇલ તો ભારતમાં આવી પણ ચૂક્યાં છે. બાકીનાં બે હજી આવવાનાં બાકી છે. એ હાલ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું હોવાને કારણે ખોરંભે ચડ્યું છે. ભારત બાકીનાં બે મિસાઇલની રાહ જોઈને બેસી રહ્યું છે એવું માનવાની જરૂર જરાય નથી. જે મિસાઇલ્સ દેશમાં આવી ચૂક્યાં છે એમાંથી એક પોતાનું સ્થાન ઉત્તર-પશ્ચિમમાં લઈ ચૂક્યું છે અને બીજું એક સ્થાન જમાવી ચૂક્યું છે ઉત્તર-પૂર્વમાં. અર્થાત્ એક પાકિસ્તાનને પોતાનું નિશાન બનાવીને ચોકીપહેરો કરી રહ્યું છે અને એક ચાઇના તરફ છાતી કાઢીને ઊભું છે. 

કહેવાય છે કે જ્યાં સુધી સિંહ પોતાના નહોર દેખાડે નહીં ત્યાં સુધી એની ધાક કોઈ માનતું નથી. S-400 વખણાયું તો ખૂબ, પરંતુ એનાં જેટલાં ગુણગાન ગવાયાં એટલાં કારગત નીવડશે કે નહીં એ હજી ખબર નથી, કારણ કે ક્રિમિયાના છોરથી યુક્રેને જ્યારે રશિયા પર હુમલો કર્યો હતો ત્યારે તો આ મિસાઇલ એટલાં કારગત નહોતાં નીવડ્યાં જેટલાં રશિયા ગણાવતું હતું.  
તો આ બધી આખા વિશ્વની સૌથી શ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ છે, પણ ભારત હવે એ સ્થાને પહોંચી ચૂક્યું છે જ્યાં બીજા દેશોની સૌથી શ્રેષ્ઠ સિસ્ટમથી પણ એ સંતોષ માને એવું નથી. અને કેમ ન હોય! દેશ જ્યારે એટલો કાબેલ બની ચૂક્યો હોય કે જાતે સૌથી શ્રેષ્ઠ કરતાં પણ એક ડગલું આગળ, સૌથી ઉચ્ચતમ શ્રેષ્ઠ કંઈક બનાવી શકતું હોય તો શું કામ સંતોષ માને?

LRSAM - લૉન્ગ રેન્જ સર્ફેસ ટૂ ઍર મિસાઇલ 
સંપૂર્ણ રીતે ઇન્ડિજિ​નીયસ અર્થાત્ સ્વદેશી એવી આ ડિફેન્સ સિસ્ટમ ભારતની DRDO બનાવી રહી છે. LRSAM આખરે છે શું? આવો પ્રશ્ન જો કોઈને થતો હોય તો જણાવીએ, લિસ્ટ ગણતા જજો... ક્રૂઝ મિસાઇલને ખતમ કરશે, સ્ટીલ્થ ફાઇટરને ખતમ કરશે, ડ્રોન મિસાઇલને ખતમ કરશે, પ્રિસિશન ગાઇડેડ મિસાઇલને ખતમ કરશે. આ સિવાય બીજાં સામાન્ય મિસાઇલ્સ તો આપણે આ લિસ્ટમાં ગણાવતા પણ નથી. આ બધાં જ જે અત્યાધુનિક મિસાઇલ્સ કહેવાય છે એ તમામનો ખુરદો બોલાવવાની કાબેલિયત LRSAMમાં છે. અચ્છા, બીજી એક વાત કહીએ? આ સ્ટીલ્થ ફાઇટર જ કહ્યુંને? એટલે કે રોબોટિક ગાઇડેડ મિસાઇલ્સ એ ખતમ કરવાની કાબેલિયત કે તાકાત આયર્ન ડોમમાં નથી હં! 

 

પરંતુ LRSAMમાં એ કાબેલિયત છે કે એ સ્ટીલ્થ ફાઇટરને પણ પકડી પાડી શકે છે અને નષ્ટ કરી શકે છે. વળી આ એક એવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે જે ત્રણ અલગ-અલગ રેન્જમાં કામ કરી શકે એવી એની કાબેલિયત છે : ૧૫૦ કિલોમીટર, ૨૫૦ કિલોમીટર અને ૩૫૦ કિલોમીટર. આનો અર્થ સમજો છોને? ઇઝરાયલનું આયર્ન ડોમ કોઈ પણ હુમલાને ત્યારે નષ્ટ કરી શકે છે જ્યારે એ ૭૦ કિલોમીટરની રેન્જમાં આવે, જ્યારે ભારતની આ મિસાઇલ સિસ્ટમ એવી હશે જે કોઈ હુમલો થયો હોય અને તે હજી તો ૧૫૦, ૨૫૦ કે ૩૫૦ કિલોમીટર દૂર હશે ત્યારે જ ત્યાં જઈને એને ખતમ કરી નાખશે. મતલબ કંઈક એવું સમજોને કે જો પાકિસ્તાન કે ચાઇનાએ કોઈ મિસાઇલ દ્વારા હુમલો કરવાની હિંમત પણ કરી તો આપણું આ મિસાઇલ તેમના દેશની સીમા છોડે અને આપણા દેશની સીમામાં પ્રવેશે એ પહેલાં જ એને નષ્ટ કરી નાખશે. અર્થાત્ આ તો કંઈક એવું થયું કે ‘સસુરા બૉમ્બ ફેંકા થા પાડોશી કે ઘર પે, ઉ સસુરા હમઉં કે ઘર પે ફૂટ ગવા!’ 

૨૧,૭૦૦ કરોડના આ પ્રોજેક્ટ પર હાલ પુરજોશમાં કામ ચાલી રહ્યું છે અને DRDOને પૂરો વિશ્વાસ છે કે ૨૦૨૮ની સાલ સુધીમાં આ મિસાઇલ બનાવી લેવામાં આવશે અને ડિપ્લોય પણ કરી દેવામાં આવશે. કોઈ પણ ઍર ડિફેન્સ સિસ્ટમમાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે : કન્ટ્રોલિંગ સિસ્ટમ, રડાર સિસ્ટમ અને ફાયરિંગ પાર્ટ. આ ત્રણે મુખ્ય ભાગો કોઈ પણ ઍર ડિફેન્સ સિસ્ટમને એની ઘાતકતા બક્ષે છે. LRSAMના માત્ર આ ત્રણ પાર્ટ જ નહીં, ડિઝાઇનિંગથી લઈને બૉડી સુધીના તમામ નાનામાં નાના ભાગો પણ ભારત પોતે બનાવી રહ્યું છે. 
સો, ગરદન ઊંચી કરો, કૉલર ઊંચા કરો, છાતી પહોળી કરો અને મોટા અવાજે ગર્વ સાથે કહો કે ભારત વિસ્તારવાદમાં નથી માનતું, સામેથી હુમલો કરવામાં પણ નથી માનતું; પરંતુ જો કોઈકે આંખ ઊંચી કરી તો એને નષ્ટ કરવામાં પણ પળની વાર નથી લગાડતું. પેલું આપણી હિન્દી ફિલ્મોનો હીરો કહે છેને, ‘કિસીને આંખ ઉઠા કર ભી દેખા તો આંખેં નિકાલ લૂંગા!’ બસ કંઈક એવું જ.

columnists israel sunday mid-day