કૅનેડામાં હાલ તો સેફ, પણ કંઈ કહેવાય નહીં

24 September, 2023 11:05 AM IST  |  Mumbai | Jigisha Jain

ભારત અને કૅનેડા વચ્ચે ખાલિસ્તાનના મુદ્દે સર્જાયેલા ટેન્શન વચ્ચે ‘મિડ-ડે’નાં જિગીષા જૈને કૅનેડામાં વસતા ગુજરાતીઓ, સ્ટુડન્ટ્સ અને તેમનાં વતનમાં વસતાં સગાંઓ સાથે વાત કરી ત્યારે સામાન્ય રીતે આવો સૂર નીકળ્યો.

પપ્પા ભાનુભાઈ ચોદવાડિયા સાથે દ્વારકેશ

ભારત અને કૅનેડા વચ્ચે ખાલિસ્તાનના મુદ્દે સર્જાયેલા ટેન્શન વચ્ચે ‘મિડ-ડે’નાં જિગીષા જૈને કૅનેડામાં વસતા ગુજરાતીઓ, સ્ટુડન્ટ્સ અને તેમનાં વતનમાં વસતાં સગાંઓ સાથે વાત કરી ત્યારે સામાન્ય રીતે આવો સૂર નીકળ્યો. જોકે મોટા ભાગનાઓએ એમ જ કહ્યું કે કૅનેડા અત્યારે તો સલામત છે, પરંતુ સતત અલર્ટ રહેવાની જરૂર છે ખરી. વળી કોઈકે તો એમ પણ કહ્યું કે અમુક સિખોથી બહુ સાચવવું પડે.

કૅનેડા ભણવા ગયેલા સ્ટુડન્ટ્સ પર શું છે અસર? : પંજાબીઓ પછી સૌથી વધુ ગુજરાતી સ્ટુડન્ટ્સ અભ્યાસ માટે કૅનેડા જવા લાગ્યા છે એવામાં બે દેશો વચ્ચેના વણસી રહેલા સંબંધોની અસર તેમની કરીઅર પર શું અને કેવી પડી શકે એ ચિંતાનો વિષય છે. શું તેમને સુરક્ષાને લઈને કોઈ ભય છે? વર્ષોથી ત્યાં વસતા ભારતીયો અને સ્ટુડન્ટ્સના અનુભવ પરથી જાણીએ કેટલીક સંવેદનશીલ બાબતો...

કૅનેડાની હાલની વણસેલી પરિસ્થિતિ શું ફક્ત રાજકારણ કે સમાચારો પૂરતી સીમિત છે કે ખરેખર ત્યાં વસતા લોકો પણ કોઈ ડર કે તકલીફનો સામનો કરી રહ્યા છે? પોતાનાં બાળકોને દુનિયાના બીજા છેડે મોકલવાની હિંમત કરનારા વાલીઓ જ્યારે કૅનેડાની હાલની પરિસ્થિતિથી અવગત થાય ત્યારે તેમના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ સમજવાની કોશિશ કરીએ.

સમય નાજુક | દહિસરમાં રહેતાં વિભૂતિ ભટ્ટનો પુત્ર નૈમેષ ભટ્ટ પોણાબે વર્ષથી કૅનેડાના ઓશાવામાં રહે છે. આઇટી સિક્યૉરિટી વિશે તે ભણવા ગયો હતો, જે કોર્સ પતી ગયો છે. હાલમાં તે સારી નોકરીની તલાશમાં છે અને એક સ્ટોરમાં કામ કરીને પૈસા પણ કમાય છે. પોતાના પુત્રની ચિંતા કરતાં વિભૂતિબહેન કહે છે, ‘ન્યુઝ સાંભળીને સહજ રીતે ટેન્શન તો આવી જ જાય. મેં તરત જ મારા દીકરાને ફોન કર્યો અને તેણે કહ્યું કે તે એકદમ સેફ છે, તેના એરિયામાં કશું નથી એટલે મને રાહત થઈ. આમ છતાં મેં તેને કહ્યું કે તું કામ સિવાય હમણાં બહાર નીકળીશ નહીં. તેની સાથે બીજા સાતેક ગુજરાતી છોકરાઓ પણ રહે છે. તેમના માટે પણ મેં તેને કહ્યું કે તેમને કહેજે કે રાતે કશે નીકળે નહીં. દિવસમાં બે-ત્રણ વખત તેની સાથે વાત કરી લઉં અને ખબરઅંતર પૂછી લઉં એટલે ખબર પડે કે તે બરાબર છે કે નહીં. મને આમ હવે ચિંતા નથી, પણ સમય નાજુક છે એટલે ધ્યાન તો રાખવું જ રહ્યું.’

મારો એરિયા શાંત | વિભૂતિબહેનનો દીકરો નૈમેષ કહે છે, ‘ટ‍્વિટર પર ઇન્ડિયન કૉન્સ્યુલેટનું બહાર પડેલું જાહેરનામું મેં વાંચ્યું છે એટલે ખબર પડી કે આવું ચાલી રહ્યું છે. ભારતમાં રહીને જેમ સમાચાર સાંભળીને જ ખબર પડી રહી છે કે કૅનેડામાં પ્રૉબ્લેમ ચાલી રહ્યો છે એ જ રીતે અમને અહીં કૅનેડામાં રહીને પણ સમાચાર વડે જ કંઈ ખબર પડે છે. બાકી હું જ્યાં રહું છું એ એરિયા તો એકદમ શાંત છે. ઓસાવામાં સિખ કમ્યુનિટી ખાસ રહેતી નથી. એ લોકો બ્રેમ્પટન વિસ્તારમાં વધુ જોવા મળે. ઓસાવામાં તો કૅનેડિયન લોકો નિવૃત્તિ પછી રહેતા હોય છે. હું ફક્ત ગુજરાતીઓ સાથે રહું છું એટલે વિશ્વ અતિ સીમિત બની જાય છે. બીજાનું તો ખબર નહીં, પરંતુ હું તો ઘણો સેફ છું.’

સજાગ રહેવું જરૂરી | પોતાનું બાળક કૅનેડામાં હોય અને પાછળથી ભારત સરકાર તરફથી એવું વિધાન જાહેર થાય કે કૅનેડામાં ભારતીય લોકો સુરક્ષિત નથી તો કોઈ પણ બાપનો જીવ કચવાય. જોકે મૂળ વિચારશીલ અને તાર્કિક અભિગમ ધરાવતા સુરતનિવાસી ભાનુભાઈ ચોદવાડિયા કહે છે, ‘ભારતમાં એક તરફ મણિપુર સળગે છે તો શું મુંબઈમાં કોઈ માણસ સુરક્ષિત નથી એમ કહેવાય? કૅનેડા ખાસ્સો મોટો દેશ છે. એના ખૂબ નાના ભાગમાં અને એ પણ ગણ્યાગાંઠ્યા લોકો ઉપાધિ કરી રહ્યા છે એમાં ગભરાવા જેવું નથી. વળી જીવન તો કોઈ પણ જગ્યાએ અઘરું બની શકે - પછી એ ભારત હોય કે કૅનેડા. આમ મને મારા દીકરાની ચિંતા નથી થઈ રહી; પણ હા, એનો અર્થ એ પણ નથી કે માણસે સજાગ ન રહેવું.’

ખાલિસ્તાની ચળવળ વિશે પોતાનો મત આપતાં ભાનુભાઈ કહે છે, ‘જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં તમે એને શોધો તો એનો કોઈ અર્થ સરે. ભારતમાં ખાલિસ્તાનની માગણી તમે કૅનેડા જઈને કરો તો એમાં કોઈને પણ શું મળવાનું?’

કમ્યુનિટી સપોર્ટ | કૅનેડામાં પોતે એકદમ સેફ છે એની વાત કરતાં ઇલેક્ટ્રો-મેકૅનિકલ એન્જિનિયરિંગ કરવા ગયેલો ભાનુભાઈનો દીકરો દ્વારકેશ કહે છે, ‘હાલમાં વસ્તીગણતરી મુજબ ૪૦ મિલ્યનમાંથી ૭,૭૦,૦૦૦ લોકો કૅનેડામાં સિખ કમ્યુનિટીના છે. અહીંના વિકાસ અને ઘડતરમાં તેમનો ઘણો મોટો ફાળો છે. ગુજરાતીમાં કહેવાય કે ગામ હોય ત્યાં ઉકરડો હોય. એ માટે આખું ગામ તો ખરાબ છે એમ ન કહી શકાય. મારા ઘણા મિત્રો છે જેઓ સિખ છે. તેઓ આ ઘટનાથી ઘણા દુખી છે. તેઓ એટલા સારા છે કે ખુદ અપરાધભાવ અનુભવે છે, કારણ કે તેમની કમ્યુનિટીની કોઈ વ્યક્તિએ કંઈ ખોટું કર્યું છે. હકીકતમાં કૅનેડામાં કોઈ તકલીફ નથી. નગણ્ય કહી શકાય એટલી ઓછી માત્રામાં લોકો છે જેઓ આ પ્રકારની મતલબ વગરની ચળવળો ચલાવે છે.’

સુરક્ષા અને સાવધાની | તો શું ડરવાની કોઈ જરૂર નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં દ્વારકેશ કહે છે, ‘સાચું કહું તો ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર તો છે જ. હું કોઈ વ્યક્તિ કે કમ્યુનિટી પર વિશ્વાસ ન કરવાની વાત કરતો જ નથી, પણ આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી દેવાની પણ જરૂર નથી. કોણ તમને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે એ તમે સમજી-વિચારીને જાણો એ આજના સમયમાં જરૂરી છે. બાકી કૅનેડાની સરકાર એવી છે કે એ કોઈની તરફેણ નહીં કરે. અમારી સાથે કંઈ પણ ખરાબ થશે તો એ અમને બચાવશે. અહીં એ રીતે બધા પ્રામાણિકતા અને યોગ્ય વ્યવસ્થા સાથે જીવે છે. બાકી એ વાતની પણ અમને ખુશી છે કે ભારત સરકાર પણ અમારી સુરક્ષા માટે ચિંતિત છે.’

વિદ્યાર્થીઓ માટે ચિંતા | કૅનેડામાં ભણતા વિદ્યાર્થીઓ અને કૅનેડામાં વર્ષોથી રહેતા ભારતીયો આ બંને પર રહેલો ખતરો અમુક રીતે જુદો-જુદો છે એ સમજાવતાં કૅનેડાનાં લીગલ સ્ટુડન્ટ કાઉન્સેલર, ગુજરાતી ભાષા માટે ત્યાંની સરકાર માટે કામ કરતાં ઑફિશ્યલ ટ્રાન્સલેટર અને ઇન્ટરપ્રિટર ચેતના દેસાઈ કહે છે, ‘મને કૅનેડામાં ૩૧ વર્ષ થયાં અને છેલ્લાં ૨૫ વર્ષથી અહીં હું કાર્યરત છું. જે લોકો વર્ષોથી આ દેશમાં રહે છે તેમના એક્સપોઝરની વાત કરું તો અમે અહીંની લોકલ કૅનેડિયન જનતા સાથે હળી-મળીને રહીએ છીએ. અમે કૅનેડિયન સોસાયટીનો જ એક ભાગ છીએ. વળી અમે કોઈ રાજકીય બાબતોમાં માથું નથી મારી રહ્યા એટલે અમે તો સુરક્ષિત જ છીએ. આ આખી ઘટનાની અસર જો કોઈ પર થઈ શકે તો એ વિદ્યાર્થીઓ છે. ભારતથી અહીં જે બાળકો ભણવા આવે છે તેઓ ફક્ત ભારતીય લોકો સાથે જ રહે છે. મોટા ભાગે ગુજરાતી છોકરાઓ બીજા ગુજરાતીઓ સાથે જ રહે છે એટલે તેમનું એક્સપોઝર સીમિત થઈ જાય છે, જેને કારણે આ પ્રકારની પરિસ્થિતિમાં તેઓ ગભરાઈ જાય એ સહજ છે. હકીકત એ છે કે કોઈ પણ ભારતીય આ દેશમાં સુરક્ષિત જ છે, કારણ કે કૅનેડાના પાયામાં માનવતા રહેલી છે. આ દેશ અહીં રહેતી દરેક વ્યક્તિની ખૂબ ગણના કરે છે જેને લીધે અસુરક્ષાનો તો પ્રશ્ન જ નથી.’

એજન્ડાથી બચવું જરૂરી | વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં ડરવાનું નથી, પરંતુ કયા પ્રકારની સાવધાનીની જરૂર છે એ બાબતે ગંભીર સત્ય સમજાવતાં ચેતનાબહેન કહે છે, ‘હું વર્ષોથી વિદ્યાર્થીઓ સાથે કામ કરતી આવી છું એટલે મને ખબર છે કે અહીં અંદરખાને શું થઈ રહ્યું છે. ગુજરાતી બાળકો કૅનેડા ભણવા આવે. સહજ રીતે તેમની પાસે ખૂબ પૈસો નહીં હોય. તેમના રહેવા-જમવાની વ્યવસ્થામાં તેમને સિખ કમ્યુનિટીની મદદ મળી રહે છે, કારણ કે વર્ષોથી આ કમ્યુનિટી સેવામાં માને છે અને કરે પણ છે. એ સેવાને કારણે સહજ રીતે ગુજરાતી બાળકો તેમના આભારી બની જતાં હોય છે. આ પરિસ્થિતિમાં ક્યારેક એવું થતું હોય છે કે અમુક તત્ત્વો આ બાબતનો ફાયદો ઉઠાવે છે. તેમને પોતાના એજન્ડામાં જોડાવાની ફરજ પાડવામાં આવે છે, સિગ્નલ પર બૅનરો લઈને ઊભા રહેવાનું કહેવામાં આવે છે કે તેમના આંદોલનમાં સામેલ થવાની ફરજ પાડવામાં આવે છે, કારણ કે તેમને ભીડ એકઠી કરવી છે. આવું ન થાય એ માટે વિદ્યાર્થીઓએ જ નહીં, સમગ્ર જનતાએ જાગૃત થવાની જરૂર છે. આ રીતે વિદ્યાર્થીઓ ખોટા રસ્તે ચડે એ પહેલાં તેમને અટકાવવા જરૂરી છે.’

મૂળ રાધનપુરની અને પરણીને કૅનેડા સ્થાયી થયેલી રુહી બારભાયા કહે છે, ‘હું આઠ વર્ષ પહેલાં અહીં આવી ત્યારે સ્ટુડન્ટ હતી અને એ વખતે મારા ઘણા ફ્રેન્ડ્સ પંજાબના હતા. તેમના માટે કૅનેડા એટલે બીજું ઘર જેવું હતું. ઘણીબધી સવલતો તેમને સ્થાનિક ગુરુદ્વારાઓ થકી મળી રહેતી અને આ તમામ મદદ તેઓ અન્ય સ્ટુડન્ટ્સને પણ કરતા. જોકે બાપદાદાના સમયથી કૅનેડા સ્થાયી થયાં હોય એવાં સિખોની ધાક છે. મારા સસરાની મોટેલમાં બહુ મિક્સ્ડ અનુભવો થયા. ફૉરેન કન્ટ્રીમાં ઇન્ડિયન્સને જોઈને આપણને બહુ સારું લાગે, પણ ખાસ કરીને અમુક વિસ્તારમાંથી આવતા પંજાબીઓ હોય ત્યારે બહુ સાચવવું પડે. તેમની સાથે ડ્રગ્સની પણ ચિંતા રહે. આ જ કારણે મારાં સસરાએ ગયા વર્ષે મોટેલ બંધ કરી દીધી. જોકે હજીયે હું માનું છું કે એકાદ-બે ટકા માથાભારે લોકો માટે થઈને આખી કમ્યુનિટી માટે પૂર્વગ્રહ બાંધી ન દેવાય.’

સંવેદનશીલ મુદ્દાઓ | કૅનેડામાં હિન્દુ અને સિખ કમ્યુનિટી વચ્ચે આમ તો સમભાવ છે, પરંતુ વચ્ચે-વચ્ચે ઓછાવધતા અંશે તકલીફો થતી રહે છે. આ બાબતે છેલ્લાં ૧૫ વર્ષથી ત્યાં જ રહેતી એક ગુજરાતી વ્યક્તિ નામ ન આપવાની શરતે કહે છે, ‘થોડા મહિના પહેલાં એક તમિલ સ્ત્રીએ બ્રેમ્પટન વિસ્તારમાં પોતાની રેસ્ટોરાં ખોલી હતી. સહજ રીતે તેને અંગ્રેજી જ આવડતું હતું. ત્યાં આવેલા લોકો તેમની સાથે પંજાબીમાં વાત કરવા લાગ્યા જે તેને આવડતી નહોતી. આ બાબતે તે સ્ત્રીને ખૂબ જ રંજાડવામાં આવી કે તમે અહીં જો રેસ્ટોરાં ખોલવા માગતાં હો તો તમારે ફરજિયાત પંજાબીમાં જ વાત કરવી પડશે. આ પ્રકારના બનાવો અહીં સામાન્ય છે અને અવારનવાર સાંભળવા મળે જ છે. તાજેતરમાં અલગ-અલગ જગ્યાએ ખાલિસ્તાનીઓની ભારતની ખિલાફ ત્રણ રૅલી નીકળી ચૂકી છે. તેઓ ભારતને નફરત કરે છે. વચ્ચે એવી પણ વાતો ચાલતી હતી કે કૅનેડિયન સરકાર ઇચ્છે છે કે બધા હિન્દુઓ ભારત પાછા ફરે. આ એટલી સંવેદનશીલ વાત છે કે એના પર ખરું કહું તો પબ્લિકમાં સામાન્ય ચર્ચા પણ ન થવી જોઈએ, કારણ કે અર્થનો અનર્થ થઈ શકે છે. કહ્યું હોય કશું અને સમજે કશું અને એમાં બિચારો કોઈ સામાન્ય

માણસ પિસાઈ જાય તો એ યોગ્ય નથી. અત્યારે દરેક વ્યક્તિએ ભલે ડરે નહીં, પણ સાવચેત રહેવું જરૂરી છે. જેટલું બને એટલું સૌહાર્દ જળવાઈ રહે એમાં જ સૌનું ભલું છે.’

india canada columnists Jigisha Jain