કરાચીની જેલમાં આ માછીમારે મોતીકામ કરીને અધિકારીઓનાં દિલ જીતી લીધાં

25 June, 2023 05:01 PM IST  |  Mumbai | Shailesh Nayak

ભારતની દરિયાઈ સીમા પાર કરવાને કારણે પાકિસ્તાનની સેનાના હાથે ચડીને સાડાત્રણ વર્ષ સુધી કરાચીની જેલમાં રહેલા ગુજરાતના વણાકબારાના માછીમાર જિતુ સોમા બામણિયાએ જેલમાં મોતીથી બ્રેસલેટ, પર્સ અને માળા જેવું ક્રાફ્ટ બનાવીને જેલ અધિકારીઓનાં દિલ જીતી લીધાં હતાં.

પાકિસ્તાનની જેલમાં રહીને જિતુ બામણિયાએ મોતીમાંથી બનાવેલાં બ્રેસલેટ, પર્સ, માછલી સહિતની વસ્તુઓ તથા પરિવાર સાથે જિતુ બામણિયા

ભારતની દરિયાઈ સીમા પાર કરવાને કારણે પાકિસ્તાનની સેનાના હાથે ચડીને સાડાત્રણ વર્ષ સુધી કરાચીની જેલમાં રહેલા ગુજરાતના વણાકબારાના માછીમાર જિતુ સોમા બામણિયાએ જેલમાં મોતીથી બ્રેસલેટ, પર્સ અને માળા જેવું ક્રાફ્ટ બનાવીને જેલ અધિકારીઓનાં દિલ જીતી લીધાં હતાં. તેમની પાકિસ્તાની જેલના અનુભવો અને ક્રાફ્ટવર્કમાંથી થતી કમાણી વિશેની વાતો જાણીએ

થોડા દિવસ પહેલાં પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા માછીમારો ગુજરાત પાછા ફર્યા. આમ તો એક પ્રક્રિયાના ભાગરૂપે આ બાબત હતી, પરંતુ વડોદરા રેલવે સ્ટેશને ઊતરેલા અને ત્યાંથી સૌરાષ્ટ્રમાં પોતાના ઘરે પહોંચેલા માછીમારોમાંથી એક માછીમાર અલગ જણાઈ રહ્યો હતો. હાથમાં ‘આર’ લખેલા મોતીકામથી શોભતા બ્રેસલેટ સાથે આ યુવાન માછીમાર જિતુ સોમાભાઈ બામણિયા ઉત્સાહના સંચાર સાથે ઊનાથી દીવ જતા માર્ગમાં આવતા વણાકબારામાં પોતાના ઘરે પહોંચ્યો. ‘આર’ લખેલું બ્રેસલેટ અને પર્સ તેની પત્ની રમીલાને આપ્યું ત્યારે પતિની સાથોસાથ આ સરપ્રાઇઝ ગિફ્ટ જોતાં જ પત્નીની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. આમ પણ પોતાના પતિ પાકિસ્તાનની જેલમાંથી પાછા આવે એની રાહ રમીલા જોતી હતી. એવામાં પતિ ઘરે આવતાં તેની ખુશી તો સમાતી જ નહોતી, સાથોસાથ પતિએ તેની યાદમાં પાકિસ્તાનની જેલમાં બેઠાં-બેઠાં બનાવેલું બ્રેસલેટ અને પર્સની ગિફ્ટ આપતાં રમીલાને ડબલ ખુશી થઈ. પાકિસ્તાનની જેલમાં બંધ પતિએ ત્યાં પણ પોતાની યાદમાં બ્રેસલેટ અને પર્સ બનાવ્યું એનું અચરજ રમીલા બામણિયાને થયું એવું જ અચરજ પાકિસ્તાનની કરાચી જેલના અધિકારીઓ અને કર્મચારીઓને આ મોતીકામથી થયું હતું. જિતુ બામણિયાએ મોતીકામથી બનાવેલા હાથમાં પહેરવાનાં બ્રેસલેટ, પર્સ, માળા સહિતની વસ્તુઓની કલાકારીગરીથી પાકિસ્તાનની જેલના અધિકારીઓ અને કર્મચારીઓનાં મન જીતી લીધાં હતાં.

પાકિસ્તાન અને ભારત વચ્ચે આમ તો બારમે રાહુ જેવો ઘાટ વર્ષોથી રહ્યો છે એટલે એની તરફદારીની વાત નથી, પરંતુ વાત કંઈક એવી છે કે ગુજરાતની મોતીકામની કલાને કારણે ગુજરાતના માછીમારોએ તેમની કલાકારીગરીથી પાકિસ્તાનની જેલમાં પણ ઘેલું લગાડ્યું છે. પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના ઘણા માછીમારોએ તેમની કલા દ્વારા મોતીમાંથી બનાવેલાં બ્રેસલેટ, પર્સ, માળા, માછલી સહિતની વસ્તુઓની જેલમાં પણ ડિમાન્ડ રહી. ગુજરાતના મોતીકામના ચાહકો પાકિસ્તાનમાં પણ છે. જેલના કેટલાક અધિકારીઓએ પરિવાર માટે આ વસ્તુઓ બનાવીને પૈસા પણ ચૂકવ્યા હતા. પાકિસ્તાનની જેલમાં બંધ કેટલાક માછીમારો આવક મેળવવા માટે ખાસ પ્રકારનું મોતીકામ કરીને જે આવક થાય એમાંથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખરીદી શકે છે. 

સાડાત્રણ વર્ષ સુધી પાકિસ્તાનમાં આવેલી કરાચીની જેલમાં મોતીકામ કરીને આર્થિક ઉપાર્જન કરનાર ગુજરાતના વણાકબારાના માછીમાર જિતુ સોમા બામણિયા પાકિસ્તાનની જેલનો પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘૨૦૧૯ના ડિસેમ્બરમાં માછીમારી કરતાં મને પકડ્યો હતો. આશરે સાડાત્રણ વર્ષ હું કરાચીની રાંડી જેલમાં રહ્યો. અહીં જ્યારે આવ્યો ત્યારે થયું કે હવે મારું શું થશે? હું શું કરીશ? એવી ચિંતા મને સતાવતી હતી ત્યારે મારી જેમ મારા પહેલાં પકડાયેલા ગુજરાતના માછીમાર ભાઈઓએ અમને મોતીમાંથી બ્રેસલેટ બનાવતાં શીખવાડ્યું હતું અને કહ્યું હતું કે આ રીતે તમે બનાવશો તો જીવનજરૂરિયાતની વસ્તુઓ લઈ શકશો. આ માછીમાર ભાઈઓ પાસેથી અમે મોતીમાંથી બ્રેસલેટ, માળા, પર્સ, માછલી સહિતની વસ્તુઓ બનાવતાં શીખ્યા હતા. ધીરે-ધીરે હું આ કામ શીખી ગયો અને મોતી તેમ જ દોરા મગાવીને કામ ચાલુ કરી દીધું હતું, કેમ કે આ કામ કરીએ તો અમારો ગુજારો થાય એમ હતું. બ્રેસલેટ અને બીજાં આર્ટિકલ્સ બનાવવાના અમને પૈસા મળતા હતા અને એમાંથી અમે જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદતા હતા.’ 

ગુજરાતના માછીમારોએ બનાવેલાં આર્ટિકલ્સ જોઈને અચરજ પામેલા જેલના અધિકારીઓ વિશે અને જેલમાં રહીને ઑર્ડર પ્રમાણે બ્રેસલેટ સહિતની વસ્તુઓ બનાવનાર જિતુ બામણિયા કહે છે કે ‘જેલમાં મેં જે બ્રેસલેટ બનાવ્યું હતું એ જેલના અધિકારીઓને પસંદ પડ્યું હતું. ભારતીયો સિવાય આવી વસ્તુ કોઈ બનાવતા નથી એટલે તેમને સારું લાગતું. જેલર સહિતના લોકો આવતા અને તસવીર બનાવવી હોય, છોકરાઓ માટે પર્સ, બ્રેસલેટ બનાવવા માટે ઑર્ડર આપતા. દિવસમાં મને એક-બેથી માંડીને દસેક ચીજો બનાવવાના ઑર્ડર મળતા હતા. હું ત્યાં રહ્યો ત્યાં સુધી અંદાજે ૧૦૦૦ જેટલાં બ્રેસલેટ બનાવ્યાં હશે. હું ડિઝાઇનવાળાં તેમ જ સાદાં બ્રેસલેટ બનાવતો હતો. જોઈ-જોઈને લખાણ સાથેનાં બ્રેસલેટ બનાવતો. અમે પાંચ-સાત લોકો એકઠા થઈને મોતી અને દોરામાંથી બ્રેસલેટ, પર્સ, માળા, માછલી સહિતની વસ્તુઓ બનાવતા હતા. અમને મોતી અને દોરી અધિકારીઓ લાવી આપતા હતા.’ 
કમાણીનો ઉપયોગ

ક્રાફ્ટમાંથી પેદા થયેલી કમાણીનો ઉપયોગ તેઓ ભોજન માટે કરતા. જેલમાં શાક સારું નહીં આવતું હોવાથી ગુજરાતના માછીમારોનાં પ્લાસ્ટિકની બૉટલ તેમ જ ચંપલ બાળીને ચૂલો કરીને દાળ-શાક બનાવીને જમતા હતા. એની વાત કરતાં જિતુ બામણિયા કહે છે, ‘બ્રેસલેટ, પર્સ સહિતની વસ્તુઓના મને ૫૦થી લઈને ૧૫૦ રૂપિયા મળતા હતા. એમાંથી જેલમાં અમે જમવાનું બનાવતા હતા, કેમ કે જેલમાં સરકારી ખાવાનું આવતું હતું એ સારું નહોતું લાગતું. ખાલી રોટલી ખાતા, બાકી શાકમાં મજા નહીં આવતી. આપણા જેવું ન બને એટલે અમે પાંચ-સાત જણ એકઠા રહેતા અને જેલમાં લાકડાં મળે તો ઠીક, નહીં તો પ્લાસ્ટિકની બૉટલ અને ચંપલ બાળીને બપોરે રસોઈ બનાવતા હતા. દાળ-શાક બનાવતા હતા. અલગ-અલગ ગ્રુપમાં જમવાનું બનાવતા હતા. જેલમાં શાકભાજી મગાવતા હતા. એ ઉપરાંત જે વસ્તુઓ અમે બનાવતા હતા એના જે પૈસા આવે એમાંથી ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, નાહવાના સાબુ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓ લેતા હતા.’ 

જેલમાં રહીને આર્થિક ઉપાર્જન કરવા માટે મોતીકામ કરી રહેલા જિતુ બામણિયાએ ઘરના સભ્યો માટે પણ જેલમાં બેસીને બ્રેસલેટ સહિતની વસ્તુઓ બનાવી હતી. તેમનાં પત્ની રમીલા બામણિયા ખુશી વ્યક્ત કરતાં કહે છે, ‘મારા પતિ ઘરે પાછા આવ્યા એ સૌથી મોટી ખુશી છે. તેમણે જ્યારે મને પોતાના હાથે બનાવેલું મોતીનું બ્રેસલેટ અને પર્સ મને ગિફ્ટ કરીને સરપ્રાઇઝ આપી ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. તેમણે જેલમાં રહીને પણ મારી યાદમાં મારા નામના પ્રથમ અંગ્રેજી અક્ષર ‘આર’ લખીને તેમ જ પર્સ પર ‘આર’ અને ‘જે’ લખીને વસ્તુઓ આપી એ મને બહુ ગમી. આ વસ્તુઓ મારે માટે જીવનભર યાદગાર બની રહેશે.’ 

જિતુ બામણિયાની દીકરી કિરણ અને પ્રતીક્ષા તેમ જ દીકરો વીર પપ્પાને જોઈને આનંદિત થઈ ઊઠ્યાં હતાં. પરિવારના સભ્યો માટે ૨૦થી ૨૫ જેટલી વસ્તુઓ બનાવીને લાવ્યા હતા.

columnists shailesh nayak karachi gujarati community news