પહેલાંના સમયમાં માણસ પોતાની આખી જિંદગીમાં બેથી ચાર મંદિર માંડ બનાવી શકતો

19 May, 2024 11:53 AM IST  |  Mumbai | Chandrakant Sompura

કમ્પ્યુટરને કારણે આજે આ કામ બહુ સરળ બન્યું છે. પહેલાંના સમયમાં મંદિરનો રફ સ્કેચ બનાવવામાં પણ બેથી ત્રણ મહિના નીકળી જતા અને પછીના ડીટેલ વર્કમાં બીજાં વર્ષો લાગે

મંદિર

ટેક્નૉલૉજીને કારણે જેમ ઘણાં કામ સરળ થયાં છે એવી જ રીતે મંદિરના નિર્માણનું કાર્ય પણ ઘણું સરળ થયું છે. પહેલાંના સમયમાં તો એવું થતું કે કમ્પ્યુટર અને એવી બીજી કોઈ સુવિધા નહોતી એટલે તમારે કોઈ પણ ડિઝાઇન બનાવવાની આવે તો એ હાથે બનાવવી પડતી. પેન્સિલથી હાથથી ડ્રૉઇંગ તૈયાર થાય જે બનાવવામાં ઓછામાં ઓછા દોઢ-બે મહિના નીકળી જાય. પછી તમે એ દેખાડો અને એમાં ચેન્જ આવે એટલે તમારે આખી ડિઝાઇન નવેસરથી બનાવવાની. ડિઝાઇન બનાવી હોય પેન્સિલથી અને એ પછી જો એમાં નાનીઅમસ્તી ભૂલ થાય તો ઇરેઝરથી ભૂંસી શકાય, પણ જો માપ-સાઇઝ મુજબ આગળ વધતાં મોટી ભૂલ થાય તો તમારે નવેસરથી જ કામ શરૂ કરવું પડે. મને યાદ છે કે એક મંદિર માટે કામ કરતી વખતે મેં એની ડિઝાઇનના જ ૪૦થી વધારે ડ્રાફ્ટ બનાવ્યા અને એ પછી ફાઇનલી પ્રેઝન્ટ કરી શકાય એવો ડ્રાફ્ટ તૈયાર થયો.

એક વાર ડિઝાઇન નક્કી થાય એ પછી એના ડીટેલિંગ પર કામ શરૂ થાય. એ કામમાં પણ પહેલાં ખાસ્સો સમય જતો. ઘણી વાર તો મંદિરની ડીટેલ તૈયાર કરવામાં એકેક વર્ષ પસાર થઈ જાય. એ બધું ફાઇનલ થાય તો પણ તમારું કામ અટકતું નહીં. તમે જે મંદિર તૈયાર કરતા હો એના સ્તંભથી માંડીને એના આંગણાની ડિઝાઇન પણ તમારે કરવાની અને એ પછી એમાં સમય જાય. આ બધાને કારણે પહેલાંના સમયમાં એવું બનતું કે એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન માંડ બેથી ચાર મંદિર બનાવી શકતી. જોકે હવે એવું નથી રહ્યું.

ટેક્નૉલૉજીએ મંદિર જેવું ભવ્ય શિલ્પસ્થાન ઘડવાનું કામ બહુ સરળ કરી નાખ્યું છે. કમ્પ્યુટર અને અમુક સ્પે​સિફિક સૉફ્ટવેરને કારણે હવે ડિઝાઇન બનાવવી અને એ પછી એનું 3-D પિક્ચર ઊભું કરવું સરળ બન્યું છે. તમે જે ડિઝાઇન રજૂ કરો એ ડિઝાઇનમાં ફેરફાર આવે તો પણ ૩૦ મિનિટમાં એ ફેરફાર પર કામ થઈ શકે છે. વાત આગળ વધારતાં પહેલાં કહીશ કે નેવુંના દશકમાં મેં જ્યારે રામમંદિરની ડિઝાઇન બનાવી એ સમયે એ ડિઝાઇન પેન્સિલ અને ડ્રૉઇંગ-પેપર પર તૈયાર કરી હતી. એ ત્રણ ડિઝાઇન તૈયાર કરવામાં અંદાજે સાતેક મહિના લાગ્યા અને એ પછી એક ડિઝાઇન ફાઇનલ થઈ એટલે એનું ડીટેલ વર્ક શરૂ થયું જેમાં ફરીથી દોઢેક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જોકે મજાની વાત હવે આવે છે. સુપ્રીમ કોર્ટે રામમંદિર માટે જગ્યાની ફાળવણી કરી અને એ સમયે વધારે જગ્યા મળી એટલે મોટું મંદિર બનાવવાની વાત આવી. અમે નક્કી કર્યું કે આપણે મંદિરની હાઇટ વધારીશું અને મંદિરને મોટું કરવા માટે એમાં ત્રણ મંડપ ઉમેરીશું. આ બધું કામ કરવામાં વધીને ચારેક દિવસ લાગ્યા હતા!

કમ્પ્યુટરને કારણે એ શક્ય બન્યું તો આ જ ટેક્નૉલૉજી મંદિર તૈયાર કરવામાં પણ કામ લાગી. ટેક્નૉલૉજીને કારણે લેસર કટિંગ હવે સરળ બન્યું છે. લેસર કટિંગનું આખું ઑપરેશન કમ્પ્યુટર મારફત થતું હોય તો કટિંગમાં દોરા જેટલો પણ ફરક આવતો નથી અને કામ પણ એને કારણે ફાસ્ટ થયું છે. પહેલાંના સમયમાં મંદિરના નિર્માણમાં પણ આઠ-દસ વર્ષ નીકળી જતાં અને એટલો સમય ન લાગે એને કારણે લોકો સિમેન્ટ-કૉન્ક્રીટનું મંદિર બનાવવાનું વધારે પસંદ કરતા. એમાં કાર્વિંગનું જે કામ કરવાનું હોય એ ઓછું થઈ જાય તો બીજું એ કે દીવાલો પર પેઇન્ટિંગનું પ્રમાણ વધી જાય, જે કામ પથ્થરનાં મંદિરોના કાર્વિંગ કરતાં ઘણી વધારે ઝડપ સાથે થઈ શકે. સમય બચવાની સાથોસાથ સિમેન્ટ-કૉન્ક્રીટનું મંદિર બનાવવામાં ખર્ચ પણ ઘટી જાય એટલે એ રીતે પણ રાહત રહે. જોકે આ બધું પથ્થરનાં મંદિરોમાં શક્ય ન બને.

અયોધ્યાના રામમંદિરની જ વાત કરું તો રાજસ્થાનથી પથ્થર લાવવા માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ટ્રેન મારફત પથ્થર આવતો હતો તો સાથોસાથ રોડ ટ્રાન્સપોર્ટથી પણ પથ્થર મગાવવામાં આવતો હતો. એ પછી પણ પથ્થરો પહોંચવાની ઝડપમાં વધારો થઈ શકતો નહોતો તો સામા પક્ષે મંદિર તૈયાર કરવાની ડેડલાઇનને પણ ધ્યાનમાં રાખવાની હતી એટલે અમે બે વર્કશૉપ રાજસ્થાનમાં જ શરૂ કરાવી દીધી, જ્યાં મંદિરના સ્તંભનું કાર્વિંગકામ શરૂ કરી દેવામાં આવ્યું. તૈયાર થયેલા સ્તંભના એ પથ્થરો જ સીધા અયોધ્યા મગાવવામાં આવ્યા અને એ પથ્થરોને મંદિરમાં જોડવામાં આવ્યા. આ બધામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચો ખાસ્સો મોટો હતો, પણ દેશનું સૌથી મોટું મંદિર અને આટલાં વર્ષોના ઇન્તેજાર પછી બનતું મંદિર એટલે સ્વાભાવિક બધા ખર્ચાઓને પહોંચી વળવા ટ્રસ્ટ તૈયાર હતું. જોકે એ બધાને પોસાય નહીં; પણ હા, એ પછીયે એટલું તો સ્વીકારવું જ રહ્યું કે આવું અઘરું કામ કરવું પણ આજની ટેક્નૉલૉજીને કારણે સરળ અને સહજ બન્યું છે.

columnists gujarati mid-day