ખેડૂત-આંદોલન : અવિશ્વાસના ખેતરમાં આંદોલનની ખેતી!

25 February, 2024 09:09 PM IST  |  Mumbai | Raj Goswami

સ્વામીનાથન પંચે પોતાની ભલામણોમાં ખેડૂતોને તેમની આવક વધારવા માટે ખેતીના ખર્ચમાંથી ૫૦ ટકા વધુ આપવાની ભલામણ કરી હતી. એને C2+50 ટકા સૂત્ર કહેવામાં આવે છે. આંદોલનકારી ખેડૂતો આ ફૉર્મ્યુલાના આધારે એમએસપી ગૅરન્ટી કાયદો લાગુ કરવાની માગ કરી રહ્યા છે

ખેડૂત આંદોલન

૨૦૨૧-’૨૨માં ખેડૂતો તેમના એક વર્ષ લાંબા આંદોલન પછી કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ રદ કરાવવામાં સફળ થયા હતા. હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ ખેડૂતો ફરી એક વાર પોતાની માગણીઓ માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. બે મુખ્ય ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા (અરાજનૈતિક) અને કિસાન મજૂર મોરચાએ તેમની માગણીઓ માટે ૧૩ ફેબ્રુઆરીએ ‘દિલ્હી કૂચ’નો નારો આપ્યો હતો. સંયુક્ત કિસાન મોરચાએ ૧૬ ફેબ્રુઆરીએ એક દિવસીય ગ્રામીણ ભારત બંધની હાકલ પણ કરી હતી.

મોદી સરકારે તાજેતરમાં ખેડૂતનેતા ચૌધરી ચરણ સિંહ અને હરિત ક્રાંતિના પ્રણેતા એમ. એસ. સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નની જાહેરાત કરી હતી; પરંતુ કદાચ સરકારનો દાવ નિષ્ફળ ગયો છે, કારણ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશનાં ખેડૂત-સંગઠનો ફરી એક વાર કેન્દ્ર સરકાર સામે આંદોલન કરવા માટે મક્કમ છે. નવેમ્બર ૨૦૨૧માં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યું હતું, પરંતુ બે વર્ષ પછી તેઓ ફરીથી સડકો પર આવી ગયા છે.

બે વર્ષ પહેલાં દિલ્હીની સરહદો પર ખેડૂતોના ઐતિહાસિક આંદોલન સામે સરકારે ઝૂકવું પડ્યું હતું અને સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા પડ્યા હતા. ખેડૂતોને ડર હતો કે આ કાયદાઓ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ને ખતમ કરી નાખશે અને ખેતી કૉર્પોરેટ કંપનીઓના હવાલે જતી રહેશે. ખેડૂતો આ કૃષિ કાયદાને રદ કરવા માટે મક્કમ હતા અને એક

વર્ષ સુધી દિલ્હીની સીમાઓ પર બેસી રહ્યા હતા. એમાં ૭૦૦થી વધુ ખેડૂતોનાં મોત થયાં હતાં. જોકે આ દાવાઓને સરકારી સમર્થન મળ્યું નહોતું. બે વર્ષ પહેલાં સરકારે માત્ર કાયદાઓ જ રદ કર્યા નહોતા, પરંતુ એમએસપી પર ગૅરન્ટી આપવાનું વચન પણ આપ્યું હતું. આ પછી ખેડૂતોએ આંદોલન પાછું ખેંચી લીધું હતું, પરંતુ હવે ખેડૂતોનું કહેવું છે કે સરકારે એમએસપીને લગતાં વચનો પૂરાં કર્યાં નથી.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે સરકારે એ સમયે લઘુતમ ટેકાના ભાવની બાંયધરી આપવાનું વચન આપ્યું હતું. આ સાથે એણે કહ્યું હતું કે ખેડૂત-આંદોલન સમયે ખેડૂતો સામે જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા એ પાછા ખેંચવામાં આવશે. લખીમપુર ખેરી ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને નોકરી આપવામાં આવશે અને દરેક ઈજાગ્રસ્તને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે.

સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણ-કાયદાથી મુક્ત રાખવામાં આવશે. સૌથી મોટું વચન એ હતું કે સ્વામીનાથન પંચની ભલામણો અનુસાર ખેડૂતોને પાકના ભાવ આપવામાં આવશે. જોકે આ વચનોમાંથી એક પણ વચન પૂરું થયું નથી. ખેડૂત આંદોલનના નિરીક્ષકોનું કહેવું છે કે બે વર્ષ પહેલાં આંદોલન અચાનક સમાપ્ત થયું નહોતું. સરકારે કેટલાંક વચનો આપ્યાં હતાં. હવે ખેડૂતો એ વચનો પૂરાં કરવા માટે દબાણ લાવી રહ્યા છે.

નવેમ્બર ૨૦૦૪માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે ખેડૂતોની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે (મોદી સરકારે તાજેતરમાં જેમને ભારત રત્ન આપ્યો છે તે)  જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક પંચની રચના કરી હતી. એને ‘રાષ્ટ્રીય ખેડૂત આયોગ’ કહેવામાં આવતું હતું. ડિસેમ્બર ૨૦૦૪થી ઑક્ટોબર ૨૦૦૬ સુધી સમિતિએ સરકારને છ અહેવાલો સુપરત કર્યા હતા. એમાં સંખ્યાબંધ ભલામણો કરવામાં આવી હતી.

સ્વામીનાથન પંચે પોતાની ભલામણોમાં ખેડૂતોને તેમની આવક વધારવા માટે ખેતીના ખર્ચમાંથી ૫૦ ટકા વધુ આપવાની ભલામણ કરી હતી. એને C2+50% સૂત્ર કહેવામાં આવે છે. આંદોલનકારી ખેડૂતો આ ફૉર્મ્યુલાના આધારે એમએસપી ગૅરન્ટી કાયદો લાગુ કરવાની માગ કરી રહ્યા છે.

મોટા ભાગના ખેડૂતો જથ્થાબંધ બજારમાં કામ કરે છે. દૂધ સિવાયની તેમની ઊપજનું જથ્થાબંધ વેચાણ થાય છે. એમાં જો માગની તુલનામાં પુરવઠામાં અચાનક વધારો થાય તો ઊપજની કિંમતો ઘટે છે. વિક્રેતાઓ કરતાં ખરીદદારો માટે હિતકારી આવી પરિસ્થિતિઓનો અર્થ એ થયો કે ખેડૂતોને જે ભાવ મળે એ સ્વીકારવા પડે છે, તેઓ ભાવ બાંધી શકતા નથી. ખેડૂતો બીજ, જંતુનાશકો, ડીઝલ અને ટ્રૅક્ટરથી લઈને સિમેન્ટ, દવાઓ, ટૂથપેસ્ટ અને સાબુ સુધીની દરેક વસ્તુ માટે છૂટક ભાવ ચૂકવે છે; પણ તેમની ઊપજ માગ-પુરવઠાની સ્થિતિ પ્રમાણે જથ્થાબંધ વેચાય છે.

ખેડૂતોની માગણી છે કે બજારમાં બીજી બધી ચીજોની મહત્તમ છૂટક કિંમત (એમઆરપી) નક્કી હોય તો કૃષિ ઉત્પાદનોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) કેમ ન હોવા જોઈએ? આવું થવું જોઈએ? અર્થશાસ્ત્રીઓ ઊપજના ખર્ચમાં અમુક ટકા ઉમેરીને વેચાણ-કિંમતો નક્કી કરવાની નીતિનો વિરોધ કરે છે.

તેઓ કહે છે કે ખેડૂતોએ એની જ ઊપજ કરવી જોઈએ જેની બજારને જરૂર હોય. ચોક્કસ સમયે બજારમાં વિવિધ પાકોના પ્રવર્તતા ભાવો પરથી આ નક્કી કરી શકાય છે. ઊપજના ખર્ચ આધારિત એમએસપીમાં ખેડૂતો બજારની જરૂરિયાતને ધ્યાનમાં નહીં લે અને મહત્તમ કિંમતની ગૅરન્ટી છે એટલે કશું પણ ઊપજ કરશે, જેથી અમુક ઊપજનો પુરવઠો વધી જશે અને અમુકનો ઘટી જશે.

૨૦૧૦ જ્યારે કૉન્ગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સત્તામાં હતી ત્યારે સરકારે સ્વામીનાથન પંચ દ્વારા સૂચવવામાં આવેલી ફૉર્મ્યુલામાંથી એમએસપી નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં તત્કાલીન કૃષિ રાજ્યપ્રધાન કે. વી. થોમસે કહ્યું હતું કે આમ કરવાથી બજાર દૂષિત થઈ જશે.

બીજેપીના પ્રકાશ જાવડેકરે એપ્રિલ ૨૦૧૦માં રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો કે સરકારે પંચની ભલામણો સ્વીકારી છે? જવાબમાં થોમસે ગૃહને કહ્યું હતું કે ‘પ્રો. સ્વામીનાથનની આગેવાની હેઠળના રાષ્ટ્રીય ખેડૂત આયોગે ૫૦ ટકા લઘુતમ ટેકાના ભાવની ભલામણ કરી હતી. જોકે સરકારે એ ભલામણ સ્વીકારી નથી, કારણ કે એમસીપીની ભલામણ વસ્તુનિષ્ઠ માપદંડો અને પ્રાસંગિક કારણોને ધ્યાનમાં લીધા પછી કૃષિ-ખર્ચ અને ભાવ આયોગ (સીએસીપી) દ્વારા કરવામાં આવે છે. એટલે ખર્ચ પર ઓછામાં ઓછા ૫૦ ટકાનો વધારો કરવાથી બજાર દૂષિત થશે.’
કેન્દ્ર સરકાર આ જ તર્કના આધારે એમસીપી નક્કી કરવાનો ઇનકાર કરી રહી છે અને ખેડૂતો એ જ માગમાં અડગ બની રહ્યા છે. એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં આ મુદ્દો વધુ સળગશે. કૉન્ગ્રેસે બીજેપી પર નિશાન સાધ્યું છે. પક્ષના પ્રવક્તા પવન ખેડાએ પત્રકારોને કહ્યું હતું કે ‘મોદી સરકાર કહે છે કે સ્વામીનાથન આયોગની ભલામણો કૉન્ગ્રેસ દ્વારા લાગુ કરવામાં આવી નથી, પરંતુ ૨૦૧ ભલામણોમાંથી યુપીએ સરકારે ૧૭૫ લાગુ કરી હતી. ૨૬ ભલામણો બાકી હતી, જેમાંથી એમએસપી સંબંધિત સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાત કૉન્ગ્રેસ અધ્યક્ષ (મલ્લિકાર્જુન) ખડગે અને રાહુલ ગાંધીએ કરી છે.’

રાહુલ ગાંધીએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે ‘કૉન્ગ્રેસે સ્વામીનાથન પંચ મુજબ દરેક ખેડૂતને પાક પર એમએસપીની કાનૂની ગૅરન્ટી આપવાનો નિર્ણય લીધો છે. જો ભારતીય ગઠબંધન સત્તામાં આવશે તો તે તેમને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની ગૅરન્ટી આપશે.’

એ સમજવું જરૂરી છે કે સરકાર દરેક પાક પર એમએસપી આપતી નથી. સરકાર ૨૪ પાક માટે એમએસપી નક્કી કરે છે. શેરડીની એમએસપી કૃષિ મંત્રાલયના કૃષિ-ખર્ચ અને ભાવ આયોગ (સીએસપી) દ્વારા નક્કી કરવામાં આવે છે. એ એક વિભાગ તરીકે સૂચન કરે છે. એ એવી સંસ્થા નથી કે કાયદાકીય બાબત તરીકે એમએસપી નક્કી કરી શકે.
ઑગસ્ટ ૨૦૧૪માં શાંતા કુમાર સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશમાં માત્ર ૬ ટકા ખેડૂતોને જ એમએસપીનો લાભ મળે છે. બિહારમાં એમએસપી પર ખરીદી થતી નથી. રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી સીધા ખાદ્યાન્નની ખરીદી કરવા માટે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (પીએસીએસ)ની સ્થાપના કરી હતી, પરંતુ ખેડૂતો કહે છે કે પીએસીએસ ઘણું અનાજ ખરીદે છે અને ચુકવણીમાં મોડું કરે છે, જેથી ખેડૂતો તેમની પેદાશો વચેટિયાઓને ઓછી કિંમતે વેચવા માટે મજબૂર છે.

આ બધી ટે​ક્નિકલ વાતો વચ્ચે એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે તાજેતરનાં વર્ષોમાં ખેડૂતોનું આંદોલન રાજકીય ધ્રુવીકરણ માટે કારણભૂત બની ગયું છે. ૨૦૨૦માં કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાનૂન બનાવ્યા અને વિરોધને કારણે પાછા ખેંચવા પડ્યા ત્યારથી જનમત વહેંચાઈ ગયો છે. એક વર્ગ માને છે કે વિકાસની વાતોમાં ખેડૂતોને અન્યાય થાય છે અને બીજો વર્ગ માને છે કે ખેડૂતોનો વિરોધ રાજકીય છે અને સરકારવિરોધી છે.

એ કારણથી જ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગઈ છે. કેન્દ્ર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં પંજાબના મુખ્ય સચિવે કહ્યું છે કે એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે રાજ્ય સરકાર શંભુ અને ધાબી-ગુર્જન સરહદ પર ખેડૂતોને ભેગા થવાની મંજૂરી આપી રહી છે. મુખ્ય સચિવે પોતાના લેખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે ખેડૂતો આંદોલન કરવા માટે દિલ્હી જઈ રહ્યા હતા, પરંતુ અવરજવર પરના પ્રતિબંધોને કારણે તેઓ પંજાબ અને હરિયાણાની સરહદો પર રોકાયા છે.

કેન્દ્રને આપવામાં આવેલા જવાબમાં હરિયાણા-પોલીસ દ્વારા ખેડૂતો પર ટિયરગૅસના શેલ, રબરની ગોળીઓ અને શારીરિક બળપ્રયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે કહ્યું કે આવા બળપ્રયોગથી અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે (બુધવારે તો એક ખેડૂતનું ગોળીબારમાં મોત પણ થયું હતું, જેને પગલે ખેડૂતોએ બે દિવસ માટે ‘ચલો દિલ્હી’નું આહ્વાન સ્થગિત કર્યું છે). જોકે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજી પણ તનાવપૂર્ણ છે. પંજાબ સરકારે કહ્યું છે કે ખેડૂતો પ્રત્યે વધુ સહાનુભૂતિ બતાવવાની જરૂર છે.

ભારતમાં ખેડૂત-આંદોલનને ઘણો ટેકો મળી રહ્યો છે, પરંતુ એક મોટો વર્ગ ૨૩ પાકો માટે એમએસપીની ખેડૂતોની માગ પર પણ સવાલ ઉઠાવી રહ્યો છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે એમએસપી ૧૯૬૦ના દાયકાનો વિચાર છે, જ્યારે દેશ ખાદ્યાન્નની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો હતો. એ સમયે સરકારે ખેડૂતોને વધુ પાકનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવા એક પગલા તરીકે એમએસપીની વ્યવસ્થા રજૂ કરી હતી. હવે ‘ફૂડ સરપ્લસ’નો યુગ છે અને એમએસપીની જરૂરિયાતનો અંત આવી ગયો છે.

તો એમએસપીનો એવો વિકલ્પ શું હોય જે ખેડૂતોની આર્થિક સલામતીની ચિંતાને દૂર કરી શકે? આના માટે સરકારે ખેડૂતોના હિતકારી બનવું પડશે. કમનસીબે ખેડૂતોમાં એવી છાપ પડી રહી છે કે સરકાર ખેડૂતોવિરોધી અને ઉદ્યોગપતિતરફી છે. જ્યાં સુધી આ અવિશ્વાસની ખાઈ દૂર નહીં થાય ત્યાં સુધી આવાં આંદોલનો પેદા થતાં રહેશે.

columnists gujarati mid-day indian government