રાઇટ ટુ એજ્યુકેશન દરેક બાળકને છે, પણ સેફ્ટીનું શું?

09 February, 2024 12:04 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આરટીઈના માધ્યમ દ્વારા ગરીબ બાળકોને નિજી સ્કૂલોમાં ઍડ્મિશન સહેલાઈથી મળે છે, પણ આ૨ટીઈના અન્ય નિયમો પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

પ્રતીકાત્મક તસવીર

વૈભવી ખોના
ડોમ્બિવલી
૧૭ વર્ષ, સ્ટુડન્ટ

સ્કૂલ એ શિક્ષણનું મંદિર છે, પછી એ ઉપલો વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય, દરેકને શિક્ષણ મળવું એ ફરજિયાત માનવામાં આવે છે. જોકે સવાલ એ છે કે આરટીઈના નિયમ મુજબ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે શિક્ષણ વિભાગ દ્વારા સાવ જ બેજવાબદારી કેમ દાખવાય છે?

મુંબઈમાં ૨૧૮ ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલો જે પાંચ વર્ષથી રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઈ)ની મંજૂરી વિના ચલાવવામાં આવી રહી છે. દરેક સ્કૂલે દર ત્રણ વર્ષે આરટીઈની માન્યતા મેળવવી ફરજિયાત છે. એમાં સ્કૂલના મકાનની સ્થિતિ, વિદ્યાર્થીઓ માટે શૌચાલય, લાઇબ્રેરી અને બીજી પૂરતી સુવિધા. આગ લાગવા જેવી સ્થિતિમાં એના નિવારણની વ્યવસ્થા અને લાઇસન્સ, વિદ્યાર્થીઓની સંખ્યા વગેરેની ચકાસણી કર્યા પછી સ્કૂલને મંજૂરી આપે છે. આ નિયમો મુજબ મુંબઈની તમામ સ્કૂલોએ વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ દરમ્યાન આરટીઈની મંજૂરી લીધી હતી. જોકે એ પછી ઘણી સ્કૂલોએ આરટીઈ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મુંબઈની ૨૧૮ ખાનગી સ્કૂલોએ અત્યાર સુધી આરટીઈની મંજૂરી લીધી નથી. 

અરાજકતા ઘણાં વર્ષોથી ચાલી રહી છે, જેમાં સ્કૂલો પ્રતિસાદ આપતી નથી. આની અસર સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના એજ્યુકેશન પર પડે છે. આવી સ્કૂલોને બીએમસીની કાર્યવાહીનો સામનો કરવો પડશે. દરેક ખાનગી સ્કૂલે નિયમોને અંતર્ગત પરવાનગી લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આની સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે.

આરટીઈના માધ્યમ દ્વારા ગરીબ બાળકોને નિજી સ્કૂલોમાં ઍડ્મિશન સહેલાઈથી મળે છે, પણ આ૨ટીઈના અન્ય નિયમો પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. નિયમ મુજબ સ્કૂલમાં ૫૦ ટકા અલ્પસંખ્યક બાળકોની સંખ્યા હોવી જરૂરી છે. ઘણી સ્કૂલો આ કાયદાનો ઉલ્લંઘન કરી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણના નિયમોથી પર થઈ આ૨ટીઈના દાયરામાંથી બહાર નીકળી જાય છે.  
શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને એ દરેક બાળકને મળવો ખૂબ જ જરૂરી છે. આવું જ રહ્યું તો મધ્યમ વર્ગનાં ગરીબ બાળકોનો શૈક્ષણિક વિકાસ થશે નહીં.  આની સામે સજાગતા લાવવી ખૂબ જ જરૂરી છે. 

શબ્દાંકનઃ ભાવિની લોડાયા

columnists life and style