12 February, 2025 11:56 AM IST | New Delhi | Sameera Dekhaiya Patrawala
અમેરિકન પિટ બુલ ટેરિયર, પામ સ્ક્વિરલ, પામ હેડેડ પેરાકીટ, ઇન્ડિયન લૅન્ડ ટર્ટલ
આદિમાનવ એક સમયે પ્રાણીઓની સાથે જ જંગલમાં રહેતો હતો, પણ ધીમે-ધીમે સભ્ય સમાજની રચવા થવા લાગી અને તેણે કેટલાંક પ્રાણીઓને પોતાની પાસે પોતાનાં કામો અને હેતુઓ પૂરાં કરવા માટે પાળવાનું શરૂ કર્યું. હવે પાળતુ પ્રાણીઓ ઇમોશનલ સપોર્ટ માટે પોતાના ઘરમાં રાખવામાં આવે છે. જોકે કેટલાંક પ્રાણીઓને જીવવા માટે જે કુદરતી જીવન જોઈતું હોય એ સિમેન્ટ-કૉન્ક્રીટના જંગલમાં કદી નથી મળતું. જંગલી કે સંરક્ષિત કૅટેગરીનાં પ્રાણીઓને ઘરમાં પાળવા વિશે નિયમો ઘડવામાં આવ્યા છે. તમે પણ જો પશુપંખીઓ પાળવાના શોખીન હો તો જાણી લો કે કયાં પશુ-પંખીઓને ઘરમાં પાળવાં એ ભારતીય સંહિતા મુજબ ગુનો છે
સદીઓથી પશુઓ આપણા જીવનનો હિસ્સો બન્યાં છે પણ પશુઓ સાથે પશુ જેવું વર્તનારા પણ આપણે પોતે જ છીએ. પેટ-કૅરિંગ જીવનનો હિસ્સો બન્યું છે ત્યારે માર્કેટમાંથી ખરીદેલાં પશુઓ કરતાં રસ્તા પરનાં પશુઓ પાળીને માનવતા દેખાડવાનું પણ સામાન્ય બન્યું છે. પણ જોજો, આમાં ભૂલથી પણ અમુક જાનવરો ઘરે ન લાવશો કારણ કે આ બધાં જાનવરો ઘરમાં પાળવાં ભારતમાં પ્રતિબંધિત છે એટલું જ નહીં, એની સાથે પકડાશો તો હેવી પેનલ્ટી ઉપરાંત ત્રણથી પાંચ વર્ષની જેલની સજા પણ છે.
કડક કાયદા શા માટે?
નવાં પેટ્સ ઘરમાં લાવવા બાબતે એવી સલાહ આપવામાં આવે છે કે ખરીદીને નવાં ડૉગ્સ અને કૅટ્સ ઘરે લાવો એના કરતાં રસ્તે રઝળતાં જાનવરો પર દયા દેખાડી એમને ઘર આપો. આમાં પૈસાની બચત ઉપરાંત એમને એક બહેતર જીવન સાથે પૂરતો ને પૌષ્ટિક આહાર મળે એવો ઉદ્દેશ હોય છે. આવી જાગૃતિ આવી રહી છે એ હરખની વાત છે પણ સાથે એય સમજવું પડશે કે રસ્તે દેખાતું દરેક બિનઉપદ્રવી જાનવર ઘરમાં પાળી નથી શકાતું. ચાહે એ માળાથી પડેલા ચકલી-પોપટ જ કે પછી નાનકડી ખિસકોલી કે રસ્તે ચાલતા કાચબા જ કેમ ન હોય. ઘણા લોકો માન્યતાઓ અને અંધશ્રદ્ધામાં આવીનેય આવાં જાનવરો ઘરમાં રાખી લે છે.
આજે પણ કાચબા (ઇન્ડિયન લૅન્ડ ટૉર્ટોઇઝ) રાખવાથી ઘરમાં લક્ષ્મીજીનું રાજ હશે એવું માની લોકો ઘરમાં ચોરીછૂપીથી કાચબાઓ રાખે છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં છેલ્લાં આઠ વર્ષથી સર્પ ઇન્ડિયા NGO સાથે કાર્યરત રેપ્ટાઇલ ઍન્ડ વાઇલ્ડલાઇફ ઍક્ટિવિસ્ટ ૨૯ વર્ષનો દેવાંગ દવે કહે છે, ‘કાચબા રાખવાથી કેટલો લાભ થશે એની ખબર નહીં, પણ જો એ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની આંખે ચડ્યા તો એનાથી તમને ગેરલાભ ચોક્કસ થશે. આની ખાતરી આપે છે આપણા વન્ય આરક્ષણના કાયદાઓ. ભારતમાં બાયોડાઇવર્સિટી (જૈવ વિવિધતા)ને બચાવવા માટે અને પર્યાવરણીય અસંતુલનને રોકવા માટે અમુક કડક નિયમો બનાવવામાં આવ્યા છે જે અમુક વિદેશી પ્રાણીઓની માલિકીથી લઈને ભારતીય વન્યજીવનનાં પ્રાણીઓ વગેરેને વન્યજીવન કાયદા હેઠળ સંરક્ષિત પ્રજાતિઓમાં મૂકે છે. બ્રિટિશરોના જમાનામાં ભારતમાં અંગ્રેજોએ ઘણાબધા વન્ય જીવોનો શિકાર કર્યો. આ એટલી હદે થતું કે અમુક પ્રાણીઓ નાશ થવાની કગારે આવવા લાગ્યાં. આ જોતાં આઝાદી પછી ૧૯૭૨માં ઇન્દિરા ગાંધીએ અમુક વન્ય જીવોને બચાવવા માટે નૅશનલ પાર્ક અને સેન્ચુરી ડિક્લેર કરી, જેના અંતર્ગત ન કેવળ આ બધાં જાનવરોના શિકાર પર પ્રતિબંધ આવ્યો, પણ એમને ઘરમાં રાખવાંય ગેરકાયદેસર છે. જાનવરો પાછળની ગેરમાન્યતાઓ અથવા વટ પાડવા લોકો નખ, ચામડાં અને હાડકાં વગેરે માટે પણ એમનું પોચિંગ કરાવે છે. એમનું ગેરકાયદેસર એક્સપોર્ટ થવાનો કરોડોનો ધંધો ચાલે છે. એટલે વન્ય કાયદાઓ એટલા કડક છે કે જો રસ્તામાં પણ આવા અવશેષો મળે તો એને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપી દેવા જોઈએ. વધુમાં પેટ્સ તરીકે પણ એમને રખાય છે. આવાં જાનવરોની ડિમાન્ડ અને સપ્લાય બન્ને કન્ટ્રોલ કરવા એમને ઘરમાં રાખવાનું ગેરકાયદેસર છે. એ માટે કડક કાયદાઓ જેવા કે પચીસ હજારથી શરૂ થતી પેનલ્ટી કે ત્રણથી સાત વર્ષની સુધીની જેલની સજા છે.’
કેવાં-કેવાં પશુ-પક્ષી ન પાળવાં?
ભારતમાં જૈવિક વિવિધતાને બચાવવા અને પર્યાવરણીય અસંતુલનને રોકવા માટે વન્ય જીવન ઉપરાંત અમુક વિદેશી પ્રાણીઓની માલિકી પર પ્રતિબંધ છે. દેવાંગભાઈ કહે છે, ‘ઍલેક્ઝાન્ડ્રિન પૅરાકીટ્સ, મુનિયા, રોઝ રિંગ પૅરાકીટ્સ, સ્ટાર ટૉર્ટોઇઝ, બ્લૅક શેલ ટર્ટલ, સ્પૉટેડ બ્લૅક પૅરાકીટ્સ, જંગલી સસલા (હેર), કોયલ જેવાં કૉમન પશુપક્ષીઓ પણ પ્રતિબંધિત છે. આ બધી જ ભારતીય વન્ય જીવન ૧૯૭૨ના કાયદા મુજબ પ્રતિબંધિત સંરક્ષણમાં આવતી પ્રજાતિઓ છે. કોઈક પ્રાણીઓ એવા છે જે શેડ્યુલ ૧ હેઠળ છે જેમ કે વાઘ, હાથી, સ્ટાર ટૉર્ટોઇઝ જેવી કેટલીક વિલુપ્ત થતી જતી પ્રજાતિ કે જેમની સંખ્યા એટલી ઓછી છે કે વિનાશની નજીક છે એટલે એમના સંરક્ષણ પાછળ બહુ જ કડક કાયદા છે. કોઈ શેડ્યુલ ૨માં આવે છે એટલે કે એવી પ્રજાતિ જેમની સંખ્યા ઠીકઠાક છે, પણ એમનો દુરુપયોગ થાય છે એટલે સંરક્ષણ જોઈએ છે. આવાં છ શેડ્યુલ છે.’
કયાં પ્રાણીઓ ન પાળી શકાય?
અહીં દેવાંગભાઈ સામાન્ય રીતે પાળવામાં આવતાં અમુક પ્રતિબંધિત પ્રાણીઓની યાદી આપે છે.
પોપટ : ઍલેક્ઝાન્ડ્રિન પૅરાકીટ્સ, રોઝરિંગ પૅરાકીટ્સ, પામ હેડેડ પૅરાકીટ, વર્નલ હૅન્ગિંગ પૅરટ, મુશટાશ પૅરટ.
નાના કદનાં પક્ષીઓ – ટ્રાઇકલર મુનિયા, રેડ ઍવડવૅટ અથવા સ્ટ્રૉબેરી ફિન્ચ, સુગરી, સ્કેલ બ્રેસ્ટેડ મુનિયા, ચકલી.
ઍક્વાટિક ટર્ટલ અને લૅન્ડ ટૉર્ટોઇઝ - સ્ટાર કાચબા શુભ હોવાની માન્યતાને લીધે ઘણી વાર પળાય છે પણ પ્રતિબંધિત છે. આમાં ઇન્ડિયન ઍક્વાટિક ટર્ટલ જેમાં સૉફ્ટ શેલ ટર્ટલ, બોન ટર્ટલ, મડ ટર્ટલ પણ આવે છે. તમે એક્ઝૉટિક પ્રજાતિ જેમ કે રેડ ઇઅર ટર્ટલ કે પછી સલ્કાટા ટર્ટલ રાખી શકો.
વાંદરાની પ્રજાતિ : બોનેટ મકાક, લંગૂર, રિસસ મકાક.
સાપ : ઓરિએન્ટલ રેટ સ્નેક, સ્પેક્ટેકલ્ડ કોબ્રા, રેડ સૅન્ડ બોઆ, કૉમન સૅન્ડ બોઆ અને ઇન્ડિયન રૉક પાઇથન.
ખિસકોલી - પામ સ્ક્વિરલ તરીકે ઓળખાતી ભારતીય ખિસકોલી
ઘુવડ - બાર્ન આઉલ અને સ્પૉટેડ આઉલ લોકપ્રિય છે. એનો કાળા જાદુમાં ઉપયોગ કરવા એમના પગ કાપી નાખવામાં આવે છે. જો સંરક્ષણ ન મળે તો આ પ્રજાતિ આવાં કામોમાં અત્યાર સુધીમાં સાવ જ નાશ પામી હોત.
વુલ્ફ ડૉગ
બન્ને બાજુનું નુકસાન
વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે જેટલું માર્ગદર્શન આપણી પાસે હોવું જોઈએ એટલું નથી એટલે લોકો અંધશ્રદ્ધા અને માન્યતાઓથી અંજાય એવું જણાવતાં દેવાંગભાઈ કહે છે, ‘એક વખત એક જણે સ્ટાર ટૉર્ટોઇઝને સરેન્ડર કરેલો. લીગલ પ્રોસેસ કરીને એને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપાયો. એ પેટ હશે એટલે એની ખાવાની આદતો બદલાઈ ચૂકી હતી ને ફક્ત ભીંડા જ ખાતો. એને નેચરમાં છોડવો અઘરો થઈ પડે, કારણ કે ઈટિંગ પૅટર્ન બદલાઈ ચૂકી હોય. નેચરમાં સર્વાઇવ કરતાં ન શીખે ત્યાં સુધી એને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની નિગરાનીમાં રાખવો પડે. લોકો પાળતી વખતે વિચારે નહીં કે જે કાચબાઓ નેચરમાં ૧૦૦ વર્ષ જીવી શકે ને મોટા થઈ શકે, એમનું આયુષ્ય અને વૃદ્ધિ ઘરમાં ઘટી જાય છે. આ સિવાય લોકો રેડ ઇઅર્ડ (સિંગાપોરી કે મલેશિયન) ટર્ટલ જેવી વિદેશી પ્રજાતિ રાખે જે જલદી વધે એટલે નૅચરલ હૅબિટાટમાં છોડવામાં આવે જ્યાં પહેલાંથી હાજર સૉફ્ટ શેલ ટર્ટલના ફૂડ રિસોર્સિસ પર અટૅક થાય. આ પ્રજાતિ ભારતીય પ્રજાતિ સામે હિંસક હોવાથી એમના વચ્ચે ઘર્ષણ થાય. ટૂંકમાં અહીંની ફૂડ ચેઇન પર અસર પહોંચે છે.’
સાપ વિશે તો લોકોને ખૂબ મૂર્ખ બનાવાય છે એવું જણાવતાં દેવાંગભાઈ કહે છે, ‘રેડ સૅન્ડ બોઆ ભારતીય બિનઝેરી સાપ છે. એની પૂંછડી મોઢા જેવી જ દેખાય. એના વેચાણ માટે અંધશ્રદ્ધા જોડવામાં આવી છે. એની પૂંછડી પર કોઈ વસ્તુથી આંખ જેવાં નિશાન બનાવી એને બેમોઢાળો સાપ હોવાથી શુભ છે એવું બોલી માર્કેટમાં વેચાય છે. આ લેવો-વેચવો-રાખવો ગેરકાયદેસર છે.’
વન્ય જીવોને ખવડાવવું પણ પ્રતિબંધિત છે
મુંબઈમાં છાશવારે વાનરોનો અટૅક થાય છે. આ વાનરોને રાખવું-ખવડાવવું પણ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો છે. એ વિશે દેવાંગભાઈ કહે છે, ‘ઘરમાં પહેલી વખત વાંદરો આવ્યો એટલે ખાવાનું આપે ને એમને આદત પડે પછી સોસાયટીઓમાં વાંદરાનાં ટોળેટોળાં આવે. ફ્રિજ, કિચન, ઘરો પર અટૅક થાય. આ ગુનાહિત કામ છે. આ જ રીતે ઘરમાં જો કોઈ ઇન્ડિયન પૅરાકીટ્સને ખવડાવવું ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિ છે.’
રેડ ઍવડવૅટ
એક્ઝૉટિક પેટ્સ પર કાયદાઓ
ડૉગ્સમાં ઘણીબધી પ્રજાતિઓ છે. ખાસ કરીને જ્યારથી પિટબુલના અટૅકના કેસ થયા છે ત્યારથી એના પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે એવું જણાવતાં દેવાંગભાઈ કહે છે, ‘આના કાયદા હજી પણ અન્ડર ડેવલપમેન્ટ છે. પિટબુલ ટેરિયર, અમેરિકન બુલડૉગ, સેન્ટ્રલ એશિયન અને કાઉકેશિયાન શેફર્ડ ડૉગ, જૅપનીઝ ટોસા અને અકિટા, મેસ્ટિફ, રોટવેલર, વુલ્ફ ડૉગ જેવા ૨૩ ડૉગ્સ કે જે એમની સાઇઝ, અગ્રેસિવ નેચર, શિકારી સ્વભાવ કે સામાજિક વર્તનને લીધે વિદેશી હોવા છતાંય પ્રતિબંધિત છે. ભારતીય લોકો ફક્ત કૂતરાના રહેવા-ખાવાનો ખર્ચો કરે, એના માટે ડૉગ ટ્રેઇનિંગ એમને જરૂરી નથી લાગતી. આ સિવાય ગયા વર્ષે વિદેશી જાનવરો માટે પણ એક નવો નિયમ આવ્યો છે જેમાં તમારે ઇગુઆના પણ ઘરમાં રાખો તો એને ગવર્નમેન્ટમાં રજિસ્ટર કરાવવું પડે છે.’