વિદ્યાર્થીને જિંદગીની અહેમિયત સમજાવી ન શકે એ શિક્ષણ કેવું?!

26 September, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IIT નામ સાંભળતાં જ તેજસ્વી વિદ્યાર્થીઓનો એક વિરાટ સમૂહ યાદ આવી જાય, પ્લેસમેન્ટમાં અનોખાં વિક્રમજનક પૅકેજીસ મેળવતા સ્નાતકો યાદ આવી જાય, પરંતુ આ સંઘર્ષ અને સફળતાની યાદીમાં વધુ એક ઘટના ઉમેરવાની છે. એ ઘટના છે વિફળતાની, મોત સામે જિંદગીના હારની. 

પ્રતીકાત્મક તસવીર

IIT નામ સાંભળતાં જ તેજસ્વી વિદ્યાર્થીઓનો એક વિરાટ સમૂહ યાદ આવી જાય, પ્લેસમેન્ટમાં અનોખાં વિક્રમજનક પૅકેજીસ મેળવતા સ્નાતકો યાદ આવી જાય, પરંતુ આ સંઘર્ષ અને સફળતાની યાદીમાં વધુ એક ઘટના ઉમેરવાની છે. એ ઘટના છે વિફળતાની, મોત સામે જિંદગીના હારની. 

હા, આ વર્ષના ૯ મહિના દરમ્યાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ના ૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એમાંથી ૭ B.techના, એક M.tech અને એક  PhDના વિદ્યાર્થી હતા; જેમાં ચાર યુવતીઓ અને પાંચ યુવકો હતાં. આ અહેવાલ અનુસાર છેલ્લા ૩૨ મહિનામાં IITના ૩૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. 

આપણે જાણીએ છીએ કે IITમાં પ્રવેશ મેળવવો એ કેટલી કપરી કસોટી છે. આ તમામ યંગસ્ટર્સે એ કસોટી પાર કરવા માટે કેટલી કારમી મહેનત કરી હશે! કેવાં-કેવાં સપનાં અને સંઘર્ષની તૈયારી સાથે તેઓ કૅમ્પસમાં પહોંચ્યાં હશે! તેમના પેરન્ટ્સ અને પરિવારજનોએ કેટકેટલા ભોગ આપ્યા હશે. એવામાં પોતાના તેજસ્વી દીકરા કે દીકરીની આત્મહત્યાએ તેમની જિંદગીની શું હાલત કરી નાખી હશે! 

ખરેખર, આવા સમાચાર હૃદયને વીંધી નાખે છે, તાર-તાર કરી નાખે છે. સ્કૂલ-કૉલેજોમાં કે આવી ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યા, કોઈ પણ સ્ટ્રેસ,  કોઈ પણ પ્રાપ્તિ-અપ્રાપ્તિ કરતાં જિંદગી મોટી છે, મૂલ્યવાન છે એ સત્ય નહીં સમજાવી શકતા શિક્ષણને આપણે શું કહીશું? શિક્ષણ એટલે માત્ર બુદ્ધિનો ઊંચો આંક? દેશની સૌથી કઠિન ગણાતી પરીક્ષા પાસ કરીને હજારો સ્પર્ધકોને પાછળ રાખી IIT જેવી ટોચની શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવનાર એ ૩૯ સ્ટુડન્ટ્સ ચોક્કસ બુદ્ધિનો ઊંચો આંક ધરાવતાં હશે. પરંતુ એમના તેજસ્વી દિમાગે જિંદગીની અહેમિયત બીજી બધી બાબતો કરતાં ઓછી આંકી! 

દુ:ખની વાત એ છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી સ્કૂલોમાં પણ આત્મહત્યાના બનાવો વધી ગયા છે. પરીક્ષામાં ફેલ થયા કે થવાની આશંકા જાગી તો આત્મહત્યા કરવા પ્રેરાતાં કિશોર-કિશોરીઓ માટે વડોદરાની ઓએસિસ સંસ્થા ‘પરીક્ષા કી ઐસી કી તૈસી’ જેવી અસરકારક ચળવળ ચલાવે છે. વ્યક્તિ પોતાના સ્વજનો અને દુનિયાને ફેસ કરવાની તાકાત ગુમાવી દે છે ત્યારે આત્મહત્યા જેવું છેવટનું પગલું ભરે છે. આ માહોલમાં વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અનેક કૉલેજોમાં કાઉન્સેલિંગ અને આઉટરીચ પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવ્યા છે એ આવકાર્ય પગલું છે. આ જોગવાઈ સમગ્ર વિદ્યાર્થીજગત માટે ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. 

taru kajaria life and style Education columnists Sociology