29 April, 2023 04:20 PM IST | Mumbai | Umesh Shukla
માધુરી દીક્ષિત ગમી હોય તો આ માધુરી દીક્ષિત તમને ગમશે
છેલ્લા થોડા સમયથી મને કેટલાક લોકો સવાલ પૂછતા રહે છે કે આટલું કામ હિન્દી ફિલ્મોમાં અને વેબ-સિરીઝમાં કર્યું, હવે તમારી બબ્બે પ્રોડક્શન-કંપની છે, બન્ને કંપની સરસ કામ કરે છે તો એ પછી પણ કેમ તમારાથી ગુજરાતી રંગભૂમિ છૂટતી નથી?
જવાબ આપવાનું હું નૉર્મલી ટાળું. કેવી રીતે તેમને સમજાવું કે આ રંગભૂમિ તો મારું ઘર છે, મારા પેરન્ટ્સ છે. આને હું કેવી રીતે છોડું. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મેં રંગભૂમિ પર પહેલી વાર ઝાડુ કાઢ્યું હતું. એ સમયથી મારી જે ફીલ હતી એ ક્યાંય કોઈને વર્ણવી શકાય એવી નથી. પોતાના ઘરે કામ કર્યું હોય એનાથી વધારે આનંદ કે ખુશી મને એ દિવસે થઈ હતી. એ વખતે મને થયું કે આ મારું મોટું ઘર છે, હું આ જગ્યા ક્યારેય નહીં છોડું. તમને એક વાત કહું.
કરીઅરની શરૂઆતના દિવસોની વાત છે. એ સમયે હું મહેન્દ્ર જોષી સાથે કામ કરતો. પૃથ્વી થિયેટરમાં શો હતો. શો પૂરો થયા પછી બધી પેટીઓ ટેમ્પોમાં ચડાવીને હું પૃથ્વીના કૅફેમાં બેઠો-બેઠો આજુબાજુ જોતો હતો. એ સમયે મને પૃથ્વીની બાજુમાં જે બિલ્ડિંગ હતું એ લોકો બહુ નસીબદાર લાગ્યા. મારે તો હજી ૨૩૧ નંબરની બસ પકડી સાંતાક્રુઝ સ્ટેશન જવાનું, પછી વેસ્ટથી ઈસ્ટમાં આવવાનું, એ પછી ચાલતાં-ચાલતાં ભસતા કૂતરા વચ્ચેથી ઘરે જવાનું. એ સમયે પૃથ્વીના વૉચમૅને મને આવીને પૂછ્યું કે ‘શું વિચારો છો?’ તો તમે માનશો નહીં, મેં તેને મનમાં ચાલતી આ વાત કરી. હવે તમને રિસન્ટ વાત કહું.
‘ઓહ માય ગૉડ’ રિલીઝ થઈ એ પછી પૃથ્વીને બિલકુલ અડીને કૉમન વૉલવાળું જે બિલ્ડિંગ છે એમાં હું અઢી વર્ષ રહ્યો. એક વાર હું ત્યાં ચા પીતો હતો ત્યારે એ જ વૉચમૅન મને મળ્યો અને તેણે મને કહ્યું કે ‘ઉસ વક્ત આપ ઐસા બોલતે થે, આજ સે બાઇસ સાલ પહલે, કિ યહાં પે ઘર હો...’
આજે જે સપનાં સાકાર થયાં છે એ સપનાં મેં ગુજરાતી રંગભૂમિ પર જોયાં હતાં, તો પછી મારાથી કેવી રીતે આ રંગભૂમિથી દૂર થઈ શકાય અને ખરું કહું તો આ ગુજરાતી રંગભૂમિ આજે પણ મને કંઈક ને કંઈક આપે જ છે.
થિયેટર એક એવી જગ્યા છે જ્યાં ક્રાફ્ટને શાર્પ ન કરી શકાય. લાઇવ ઑડિયન્સ હોય, પ્રતિભાવ તરત જ આવે. તમે જે લખો કે ડિરેક્ટ કરો કે પછી અભિનય કરો, તરત જ અભિવ્યક્તિ આવે. થિયેટર પાસે બધા પ્રકારની ઑડિયન્સ છે. એમાં નીશ પણ આવી ગઈ અને માસી ઑડિયન્સ પણ આવી ગઈ. દરેક એજ-ગ્રુપની ઑડિયન્સ આ રંગભૂમિ આપે છે.
હવે આપણે નાટકને શો કહેતા થયા છીએ, પણ પહેલાં તો ‘નાટકનો પ્રયોગ’ જ કહેવાતું. કાન્તિ મડિયા કહેતા કે આ એક એક્સપરિમેન્ટ જ છે. ક્યારેક સાવ ડેડ ઑડિયન્સ આવે. ક્યારેક માસી ઑડિયન્સ આવે, તો ક્યારેક સિસોટી મારતી ઑડિયન્સ આવે, પણ તમારે તમારી એકસૂત્રતા પકડી રાખવી પડે. મડિયાની આ જે એકસૂત્રતા જાળવી રાખવાની વાત હતી એ મેં બરાબર પકડી લીધી અને મને એનો ઘણી વાર ફાયદો પણ થયો.
ભલે માસી-લેવલ પર ‘ઓહ માય ગૉડ’ હિટ થઈ, પણ એક સમયે એક પણ કૉર્પોરેટ-હાઉસ એ ફિલ્મ લેવા આગળ નહોતું આવતું. એ લોકોને ફિલ્મ એક્સપરિમેન્ટ લાગતી હતી. બધા ડરતા હતા ત્યારે. મેં મારી રીતે એક્સપરિમેન્ટ જ કર્યું હતું, પણ હું આજે પણ કહું છું કે જો કન્ટેન્ટમાં યુનિવર્સલી અપીલ હોય તો એ સૌકોઈ સ્વીકારે, ભલે પછી એમાં પ્રયોગાત્મકતા હોય. બને કે આ વાત મારા કોઠાસૂઝથી મને મળી હોય કે પછી મારા થિયેટરના અનુભવોથી મને આવું લાગતું હોય, પણ થિયેટર આ વાત સતત તમને સમજાવવાનું કામ કરે છે. હજી એક દાખલો આપું.
‘૧૦૨ નૉટ આઉટ’ વખતે બચ્ચનજી અને ચિન્ટુજી રીતસર ડરતા હતા કે આખી ફિલ્મમાં કોઈ છોકરી જ નથી. નાટકમાં એવું ચાલી શકે, પણ જ્યારે વાત ફિલ્મની આવે ત્યારે બધા પ્રકારની ઑડિયન્સને નજરમાં રાખવી પડે. એ લોકોને બહુ હતું કે ફિલ્મમાં અમે બે જ છીએ, જે ત્રીજો પણ આવે છે, પેલો મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને એ પણ છોકરો જ છે. બેઉએ બહુ સજેસ્ટ કર્યું કે એ છોકરાને બદલે આપણે છોકરી લઈએ. એ લોકો આલિયા ભટ્ટની માંડીને બધાનાં નામ પણ બોલતા કે અમે વાત કરીએ, પણ મેં કીધું કે આપણે ત્યાં મેડિકલ સ્ટોરમાંથી દવા આપવા કોઈ છોકરી નથી આવતી અને એ પછી એ મારા કન્વિક્શનને ધ્યાનમાં રાખીને આગળ વધ્યા અને રેસ્ટ ઇઝ હિસ્ટરી. લોકોએ ફિલ્મ બહુ વખાણી, પણ એ શું કામ બન્યું, તો યુનિવર્સલ વાત.
નાટક ‘વેલકમ જિંદગી’માં પણ એક્સપરિમેન્ટ હતું અને ‘એક રૂમ રસોડું’માં પણ એક્સપરિમેન્ટ જ હતું. લોકો અમને કહેતા કે શું તમને કલાનિકેતનની સાડી નથી મળતી કે પછી આવી સાડી પહેરીને હિરોઇન ફરે છે. ‘વેલકમ જિંદગી’ વખતે લોકો કહેતા કે આ શું, આખો દિવસ સદરો પહેરીને કે નાઇટી પહેરીને ઘરમાં ફર્યા કરે છે, પણ તમે જુઓ, એ બન્ને નાટકની વાત લોકોને સ્પર્શી ગઈ અને ‘એક રૂમ રસોડું’ની વેબ-સિરીઝ પર કામ પણ ઑલરેડી ચાલુ થઈ ગયું. કારણ કે વાત યુનિવર્સલ છે.
અત્યારે જેના પર કામ કરવાનું છે એ નાટક ‘માધુરી દીક્ષિત’ની હું વાત કરું. આ ટાઇટલ સાંભળીને કોઈને પણ થાય કે એમાં ફિલ્મ ઍક્ટ્રેસ માધુરી દીક્ષિતની વાત હશે, પણ દૂર-દૂર સુધી એવું નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ. એક મરાઠી નાટક હતું, ‘થોડં તુઝં, થોડં માઝં’, જે લૉકડાઉન પહેલાં શરૂ થયું અને લૉકડાઉન પછી સંજય નાર્વેકર બિઝી થઈ જતાં ડેટ્સના અભાવે નાટક બંધ થઈ ગયું. મેં એ નાટક જોયું નહોતું, પણ એની વનલાઇન મને બહુ ગમી. હસબન્ડ-વાઇફના રોમૅન્સ વચ્ચે જો થ્રિલર પણ પૅરૅલલ હોય, એ બન્નેએ શું છુપાવ્યું એ વાત પણ હોય અને સાથે હસબન્ડ-વાઇફના ઇસ્યુઝ અલગ રીતે મૂકી શકાય તો મજા આવી જાય. ઓરિજિનલ ડિરેક્ટર સ્વપ્નિલ બાવસ્કરને ડિરેક્ટર તરીકે લઈ આ નાટક મેં લખ્યું. પહેલાં હું લખતો, પણ પછી ડિરેક્શન અને પ્રોડ્યુસરની જવાબદારી વચ્ચે લખવાનું છૂટી ગયું. ‘માધુરી દીક્ષિત’ લખવાની મને ખરેખર બહુ મજા આવી. મારા મગજમાં અમુક ઍન્ગલ્સ હતા, જેનાથી એને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય. હું દાવા સાથે કહું છું કે આ નાટક જોઈને લોકો મોઢામાં આંગળાં નાખી જશે કે હસબન્ડ-વાઇફના નાટકમાં પણ થ્રિલર ક્રીએટ કરી શકાય. લીડ રોલમાં રિદ્ધિ નાયક-શુક્લ છે તો સાથે હેમાંગ વ્યાસ, નેહા પકાઈ અને હેમંત પટેલ છે. પ્યૉર ઍક્ટર્સની આ ટીમ છે. લાઇન જ નહીં, એકેક શબ્દ પર તેમણે પ્રભુત્વ મેળવ્યું છે અને એ પછી હવે પ્લે ઓપન થવાનું છે. હું એક વાત કહીશ કે માધુરી દીક્ષિત જેટલી લોકોને ગમે છે એટલું જ ‘માધુરી દીક્ષિત’ પણ લોકોને પસંદ પડશે. આ નાટક વખતે પણ એટલું નક્કી હતું કે વાઇફ પર જોક મારીને કે સાસુ પર જોક મારીને મારે નાટક નથી કરવું. મારે કંઈક એવું કરવું છે જે કાન્તિ મડિયા અને મહેન્દ્ર જોષી પાસેથી હું શીખ્યો છું, તેમનાં કામ જોઈ-જોઈને હું શીખ્યો છું અને એ જ કારણ છે કે હું આજ સુધી આ રંગભૂમિ છોડી નથી શક્યો. ત્રણ વૉલ અને ઑડિયન્સની ચોથી વૉલ વચ્ચે જે દુનિયા ઊભી થાય છે એ ટાંચાં સાધનો સાથે ઊભી થયેલી હોય છે, પણ એ દુનિયા નક્કર હોય છે.
ઘણાને થાય કે બધા ઑપ્શન ખુલ્લા હોવા છતાં હું કેમ નાટક તરફ આગળ વધું તો એક વાત કહું, બધામાં મને સૌથી પહેલાં નાટક જ દેખાય. નાટ્યત્વની આ જ મજા છે. હું કોઈ મેજર ફિલ્મ જોઉં તો પણ મારા મનમાં તરત એ જ આવે કે આ ફિલ્મ પરથી નાટક બને તો એ કેવી રીતે બન્યું હોય?