21 July, 2024 10:36 AM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
જોક્સ પુંલ્લિંગ શબ્દ છે. શું એ જ કારણથી સ્ત્રીઓ કૉમેડિયન થવાનું ટાળતી હશે? જગતભરના હાસ્યસાહિત્ય પર નજર કરો તો આંગળીના વેઢે ગણાય એટલી સ્ત્રીઓ માંડ મળે. ઘણા રસોઇયા પોતાની રસોઈ નથી જમતા. એ ન્યાયે હાસ્યનું ભરપૂર રૉ-મટીરિયલ જે પૂરું પાડે એ લોકો હાસ્યકલાકાર કે હાસ્યલેખક થવાનું ટાળતા હશે એવું માની લઈએ? સ્ત્રીને સમાજે સૌંદર્યમૂર્તિ, પ્રેમમૂર્તિ, દયા ને ત્યાગમૂર્તિ જેવાં વિશેષણોથી અલંકૃત કરી છે. તો સ્ત્રીને ‘હાસ્યમૂર્તિ’ કેમ નહીં કહી હોય?
ખરેખર તો હસતી સ્ત્રી જ શોભે છે. પછી ભલે તે કોઈના પર હસતી હોય કે કોઈની સામે. સુંદરીની દંતકળીઓ અર્બુદા પર્વતની ગિરિમાળાઓની જેમ વેરવિખેર હોય તો પણ તે જ સુંદર લાગે. પછી તેના દાંતને ચાંદીનાં ચંપલ પહેરાવ્યાં હોય તો પણ સરસ તો તે જ લાગે.
કાશ, હાસ્યલેખનમાં મારા પૂર્વજ જ્યોતીન્દ્રભાઈ દવેની જગ્યાએ કોઈ જયવંતીબહેન દવે હોત! ધનસુખલાલના ઠેકાણે કોઈ ધનકુંવરબહેન હોત! વિનોદ ભટ્ટ કે રતિલાલકાકાના સ્થાને કોઈ વિજુબહેન કે રામુકાકી હાસ્યલેખક હોત તો? તો શું આ સાંઈરામ પણ કો’ક શામજીભાઈ દવે લખતા હોત. જોકે હું પુરુષપણે એ સ્વીકારું છું કે જેટલા જોક પત્ની પર બોલાયા છે એટલા પતિ પર લખાયા જ નથી. જાગો સન્નારીઓ-કુંવારિકાઓ-કાકીઓ-ફઈબાઓ! ઊઠો, જાગો અને હાસ્યકલાકાર થાવા માટે મંડી પડો. આકડે મધ છે અને સાવ માખ્યું વિનાનું છે.
પત્નીઓને અવારનવાર જાડી—કાળી—ભદ્દી અને ઓછી બુદ્ધિની કહીને આ પુરુષજાતે તમારી ઠેકડી ઉડાડી છે. હવે તમે પણ મચી પડો. ટાલિયા, ફાંદાળા, માવાવાળા મોંથી ગંધાતા, અદોદળા શરીરવાળા, પીવાવાળા કે સુકલકડા કેટકેટલા પુરુષોના જોક્સ તમારી રાહે છે.
હે નારીઓ! તમે છેતરાઈ ગઈ છો. તમામ ક્ષેત્રમાં પચાસ ટકા અનામત છે અને આ હાસ્યક્ષેત્ર સાવ કોરુંધાકોડ! બાકી પુરુષોની ઢગલાબંધ બાબતો હાસ્યાસ્પદ છે. આવનારા સમયમાં કોઈ મહિલા હાસ્યકલાકારને કામ લાગે એ હેતુથી કેટલાક મુદ્દાઓ ટાંકું છું. જેન્ટ્સ વાચકો ભારે હૈયે દરગુજર કરજો.
લગ્ન પછી જીવતેજીવ પતિ ‘દેવ’ થઈ જાય છે. જાણે ઇયળમાંથી ભમરી થઈ. કેટલાક વર લોકો પત્નીને ગુલામડી કે નોકરડી જ ગણે છે. જોકે આગળ જતાં અમુક પત્નીઓ પણ નોકરડીમાંથી ‘નો’ અલગ કરીને પતિને ‘કરડી’ ખાય છે. પોતાની જાતને શહેનશાહ સમજનારા હસબન્ડોને સ્વયં તો ચા બનાવતાં આવડતી નથી, પણ ચાના કોદા કાઢતાં મસ્ત આવડે છે. વળી વરસના વચલે દિવસે પોતે ચા બનાવશે તો આપણી પાસે ત્રણ વાર તો ડબ્બા ગોતાવે છે.
સ્ત્રીઓનું સમગ્ર જીવન ડબ્બા અને ડબ્બીઓ વચ્ચે જ સમેટાતું હોય છે (અહીં એક સજીવ ડબ્બો અને અન્યને નિર્જીવ ડબ્બા ગણવા વિનંતી). સગાઈ વખતે આકાશમાંથી ચાંદતારા તોડી લાવવાનું વચન આપનારા પુરુષો લગ્ન પછી ગામમાંથી દહીં લાવવાની ચોખ્ખી ના પાડી દયે છે. સગાઈ પછી આખી રાત કલ્લાકો મીઠી-મધુર વાતો કરનારા ‘રોમૅન્ટિક જાનુ’ઓને લગ્ન પછી બપોરે પણ વાત કરવાની ફુરસદ નથી હોતી.
કેટલાક પુરુષો એવડી મોટી દાઢી રાખે છે કે ઘરમાં સાવરણીની જરૂર ન પડે. અમુકની મૂછો શેઢાળીનાં પીંછાં જેવી ઊગે છે તોય તે
કલ્લાક-કલ્લાક સલૂનમાં બેઠા રહે છે તો વળી બૈરાંઓ પાર્લરમાં જાય એમાં ઘણાનો ગરાહ લૂંટાઈ જાય છે. અમુક પુરુષોની બન્ને આઇબ્રો એકતાના સૂત્રને અનુસરીને કપાળમાં ભેગી થઈ ગઈ છે, અસલ પૌરાણિક સિરિયલમાં આવતા દૈત્યો જેવી જ લાગતી હોય છે. પોતાની પત્નીને ગાઉન પર ચૂંદડી ઓઢવાનો આગ્રહ રાખનાર નરબંકાઓ પાછા જીન્સ અને ટૉપમાં ભમતી બાજુવાળી બબીતાને ધારી-ધારીને જુએ છે.
ભૂલવું એ પતિઓનો પ્રાકૃતિક ગુણ છે. તેમને દર વર્ષે પત્નીનો બર્થ-ડે યાદ કરાવવો પડે, પણ પોતાની સાથે ભણતી સહાધ્યાયીનો જન્મદિન વરસોથી સ્મરણમાં હોય. ઘણી વાર ઍનિવર્સરી ભૂલી જાય તો ઘણી વાર યાદ હોય તો ગિફ્ટ લાવવાનું ભૂલી જાય. પોતાના સાળા પાસેથી લીધેલા રૂપિયા આપવાનું ભૂલી જાય. નાહ્યા પછી સ્નાનની નિશાનીરૂપે ભીનો ટુવાલ પલંગ પર ભૂલી જાય ને પારકી સ્ત્રીઓનાં વખાણ કરતી વખતે અમુક પતિદેવો સાનભાન પણ ભૂલી જાય. સુંદર સ્ત્રીઓ સાથે પ્રસંગોપાત્ત વાત કરતી વખતે ફાંદને અંદર દબાવીને શ્વાસ લેવાનું પણ ભૂલી જાય. ‘રસોઈ સિવાય તમે ઘરમાં બીજું કરો છો શું?’ આવું મહેણું મારતી વખતે તે સપ્તપદીનાં વચનો પણ ભૂલી જાય છે. કેટલાક પુરુષોને પોતાનાં મોજાં અને ગંજી ખુદના કપબોર્ડમાંથી મળતાં નથી ને વળી તે રુઆબભેર સ્કૂલમાં ભૂગોળ ભણાવે છે. કેટલાકને સરખી કાર ચલાવતાં આવડતું નથી ને તે પત્રકાર થઈને છાપાં ચલાવે છે. અમુક પોતે માનસિક દરદી છે અને ડૉક્ટર થઈને ક્લિનિક હંકારે છે. ઘણાના છોકરા તેનું સહેજેય માનતા નથી તે પાછા પોલીસ ખાતામાં આખા ગામ પર રોફ જમાવે છે. અમુકને તો ઘરના પૂરા મત મળે એમ નથી તે નેતા થઈને ફરે છે. કેટલાકને ખરેખર પતિ થાતા નથી આવડતું તે ‘ઉદ્યોગપતિ’ બની ગયા છે. જે પોતે કુંવારા છે એવા ઘણાય મૅરેજ બ્યુરો ચલાવે છે. ઘણા તો વાઇફથી ડરના કારણે ‘બિલ્ડર’ થઈ ગયા છે. અમુકની કથા તો કહેવા જેવી જ નથી. તે પાછા ગામમાં વારતાયું કરી રહ્યા છે. આ પતિદેવો ખરેખર બહુ ફની છે, સમારંભોમાં શોભાસ્પદ છે; પણ જો સ્ત્રીની નજરે જોવામાં આવે તો જબરા હાસ્યાસ્પદ છે. જોકે બધા પતિદેવો આવા નથી.
જે કન્યાઓને ફૂલકાજળીના જાગરણમાં ઝોલું આવી ગયું, જેમણે મોળાકત કે જયાપાર્વતીમાં છાનુંમુંનું મીઠું ખાઈ લીધું તેમને જ ઉપર લખ્યા એવા સ્વામીનાથ મળ્યા છે. અમુક બહેનોને તો લગ્ન પછી મનોમન થાય છે કે વ્રતમાં દેદો કૂટ્યો એના કરતાં આ નંગને કૂટી નાખ્યો હોત તો સારું!
થૅન્ક ગૉડ! સ્ત્રીઓ જો હાસ્યક્ષેત્રમાં આવશે તો પુરુષોની તો ટાઈ-ટાઈ ફિશ થઈ જશે હોં! માત્ર ભઈલાઓ માટે લખેલો આ લેખ જેને લાગુ પડે તેને સાદર અર્પણ. કોઈ પુરુષોએ ખોટું ન લગાડવું, સાચું લગાડવું.