પિટિશનરનું મૃત્યુ થાય તો સબ્સ્ટિટ્યુશનની પ્રક્રિયા વીઝા અપાવી શકે છે

25 September, 2024 07:32 AM IST  |  Mumbai | Dr. Sudhir Shah

ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝા મેળવતાં એક-બે વર્ષ લાગે છે

પ્રતીકાત્મક તસવીર

ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝા મેળવતાં એક-બે વર્ષ લાગે છે, જ્યારે ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝા મેળવતાં બેથી લઈને વીસ વર્ષ યા એથીય વધુ રાહ જોવી પડે છે.

જેમના લાભ માટે તેમનાં અમેરિકન સિટિઝન માતા-પિતાએ યા પતિ-પત્ની કે પછી ભાઈ-બહેને ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ દાખલ કરી હોય અથવા ગ્રીન કાર્ડધારકે તેની ભારતીય પત્ની યા પતિ અને ૨૧ વર્ષથી નીચેની વયનનાં અવિવાહિત સંતાનો યા ૨૧ વર્ષથી વધુ વયનાં પણ અપરિણીત સંતાનો માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરી હોય, એ પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થઈ ગઈ હોય, પણ વાર્ષિક ક્વોટાનાં બંધનોને કારણે એ પિટિશનના બેનિફિશ્યરીઓને ઇમિગ્રન્ટ વીઝા પ્રાપ્ત થયા ન હોય એ સમય દરમ્યાન જો પિટિશનરનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો એ પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે. અમેરિકન સપનાનો ભાંગીને ભુક્કો થઈ જાય છે.

અમેરિકા જવાના છીએ એ વિચારે તેમણે ભારતમાં કોઈ પણ પ્રકારનું સ્થાયી તેમ જ નક્કર કાર્ય કર્યું નથી હોતું. આવા લોકોની મુશ્કેલી દૂર કરવા વર્ષ ૨૦૦૨ના અમેરિકના પ્રેસિડન્ટે ‘ફૅમિલી સ્પૉન્સર ‍ઇમિગ્રેશન ઍક્ટ ઑફ ૨૦૦૧’ને સહી કરીને એક કાયદો અમલમાં આણ્યો છે.

આ કાયદા હેઠળ પિટિશન દાખલ કરનારા પિટિશનરનું મૃત્યુ જો એ પિટિશન અપ્રૂવ્ડ થઈ ગઈ હોય ત્યાર બાદ થાય તો એ પિટિશનરના જે બેનિફિશ્યરી હોય તેની પત્ની યા પતિ, મા યા બાપ, સાસુ યા સસરા, ભાઈ યા બહેન, અઢાર વર્ષથી ઉપરનાં બાળકો, વયસ્ક દીકરા-દીકરીઓ, જમાઈ, વહુ, સાળી-સાળા, દાદા-દાદી, પૌત્ર-પૌત્રો કે પછી લીગલ ગાર્ડિયન અરજી કરીને જણાવી શકે છે કે તેઓ બેનિફિશ્યરી માટે ઍફિડેવિટ ઑફ સપોર્ટ આપવા તૈયાર છે. અમને મૃત પિટિશનરની જગ્યા આપો. એ પિટિશન પાછું સજીવન કરો. એના હેઠળ બેનિફિશ્યરીને ઇમિગ્રન્ટ વીઝા નહીં આપો તો એ બેનિફિશ્યરી અને તેની સાથેના લગતાવળગતા, અમેરિકામાં રહેતા, સગાંવહાલાંઓને પારાવાર હાડમારી પડશે. માનવતાના સિદ્ધાંત ખાતર અમારી આવી અરજી મંજૂર કરો, અમને મૃત પિટિશનરની જગ્યા લેવા દો.

જો આવી અરજી કરવામાં આવે તો એ રદબાતલ થયેલી પિટિશન ફરી જીવંત કરવામાં આવે છે. એના હેઠળ બેનિફિશ્યરીને ઇમિગ્રન્ટ વીઝા મળી શકે છે. આવી પિટિશન અત્યંત કાળજીભરી રીતે અને કાબેલ તેમ જ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર ઍડ્વોકેટ પાસે જ કરાવવી જોઈએ. આ પ્રક્રિયાને સબ્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે.

columnists gujarati mid-day