સોશ્યલ મીડિયાના વિરાટ મંચનો સદુપયોગ થાય તો જગત વધુ બહેતર બને

21 July, 2024 10:05 AM IST  |  Mumbai | Jayesh Chitalia

અહીં ફૉલોઅર્સ ગુરુના શિષ્ય જેવા નથી હોતા. પોતે જેમને ફૉલો કરે છે એ વ્યક્તિના વ્યક્તિત્વમાં, તેમનાં નિવેદનોમાં, તેમના વિશે થતી કમેન્ટ્સમાં તેમને રસ હોય છે

પ્રતીકાત્મક તસવીર

આજના ટેક્નૉલૉજી-સોશ્યલ મીડિયાના યુગમાં ફૉલોઅર્સ અને ફૅન્સ શબ્દ બહુ પ્રચલિત અને મહત્ત્વનો બની રહ્યો છે. માણસ સોશ્યલ મીડિયાના જે પણ માધ્યમ પર હોય તેને કેટલા લોકો જુએ છે, વાંચે છે, સાંભળે છે, અર્થાત્ ફૉલો કરે છે એ તેમનું સ્થાનિક, રાષ્ટ્રીય તેમ જ વૈશ્વિક મહત્ત્વ નક્કી કરે છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્‍વિટર અર્થાત્ ઍક્સ પર ફૉલોઅર્સની સંખ્યા ૧૦ કરોડને વટાવી ગયાનો વિક્રમ જાહેર થયો. વિશ્વમાં આટલી વિરાટ સંખ્યામાં ફૉલોઅર્સ ધરાવનાર વ્યક્તિ તરીકે તેઓ બીજા સ્થાને આવી ગયા. બાય ધ વે, આપણે મોદીસાહેબની નહીં, સોશ્યલ મીડિયા, ફૉલોઅર્સ અને ફૅન્સની વાત કરવી છે.

વર્તમાન ફૉલોઅર્સ અને ફૅન્સના ટ્રેન્ડને જોતાં વિચાર આવે છે કે માણસ વિશ્વમાં ક્યાંય પણ હોય એ કરોડો લોકોનું ધ્યાન ખેંચી શકે છે, આકર્ષી શકે છે. એ માટે તેનું માત્ર રાજકારણી, સેલિબ્રિટી ક્રિકેટર કે અન્ય રમતવીર, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિ, યોગગુરુ, સ્પિરિચ્યુઅલ ગુરુ, ધાર્મિક ગુરુ હોવું જરૂરી નથી. સામાન્ય માનવીના પણ અનેક ફૉલોઅર્સ અને ફૅન્સ હોઈ શકે છે. એ માણસ શું નોખું કરે છે, કઈ રીતે કરે છે, કયા સ્તરથી કરે છે, તેની કળા કે વાત કેટલા લોકોને આકર્ષી શકે છે. દેશના કોઈ પણ ખૂણામાં રહેતી સામાન્ય વ્યક્તિ પણ પોતાની આર્ટ કે વિશેષતા મારફત કરોડો લોકો સુધી પહોંચી શકે એવી શક્તિ અને માર્ગ સોશ્યલ મીડિયાએ રચી આપ્યાં છે. ગુજરાતી લોકગીતો ગાતાં-ગાતાં ચા બનાવનાર તો પોતાના ગઢવી સમાન લોકપ્રિય અવાજથી ચર્ચાસ્પદ બને છે. કોઈ શહેરની ગલીના નાકે વડાપાઉં કે પાઉંભાજી, ભજિયાં, ઢોસા, વગેરે બનાવનાર કૉમન મૅન પણ ચર્ચાનો વિષય બને છે.

રસપ્રદ અને નોંધપાત્ર વાત એ છે કે આ માર્ગે ફૉલોઅર્સ કે ફૅન્સ ઊભા કરનાર વ્યક્તિઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની આગવી કળા-વિશેષતાને કારણે અનેક લોકોનું ધ્યાન ખેંચે છે. ઇન શૉર્ટ, સોશ્યલ મીડિયા અમીર-ગરીબ, ઊંચ-નીચ, જાતિ-ધર્મ, મહાનગર-શહેર-ગામ એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેકને પોતાના મંચ પર ફેલાવાની તક આપે છે.

અહીં ફૉલોઅર્સ ગુરુના શિષ્ય જેવા નથી હોતા. પોતે જેમને ફૉલો કરે છે એ વ્યક્તિના વ્યક્તિત્વમાં, તેમનાં નિવેદનોમાં, તેમના વિશે થતી કમેન્ટ્સમાં તેમને રસ હોય છે. ફૉલોઅર્સ કઈ રીતે સર્જાય, વધે અને એનું પરિણામ શું આવે એનું મહત્ત્વ સમજવું જોઈએ; કારણ કે આ હવે એક એવું વૈશ્વિક માધ્યમ છે જ્યાંથી સમાજને વિકાસની-સકારાત્મકતાની દિશામાં લઈ જઈ શકાય. જેને લોકો ફૉલો કરે છે યા જેના લોકો ફૅન્સ છે તેઓ તેમનો સદુપયોગ કરી શકે, કેમ કે કોણ કોને કેટલું ફૉલો કરે છે એ સમાજની વિચારધારા દર્શાવે છે. આ વિચારધારા યા ઘડતરનું કાર્ય એ લોકો મોટા પાયે કરી શકે છે. આ લાખો-કરોડો ફૉલોઅર્સ ધરાવનાર વ્યક્તિઓએ સમાજ પ્રત્યે આ કાર્યને પોતાની નૈતિક જવાબદારી પણ ગણવી જોઈએ. આ ફૉલોઅર્સનો સ્થાપિત હિતમાં ઉપયોગ થાય તો એ સમાજ માટે નુકસાનકારક પણ બની શકે.

સોશ્યલ મીડિયાના મંચ પર વિચારોનો પ્રવાહ સતત વહ્યા કરતો હોય છે, અહીં એક તરફ સતત નેગેટિવ અને વિવાદાસ્પદ વિચારો, તો બીજી તરફ સતત સકારાત્મક વિચારોનો પ્રવાહ વહેતો રહે છે. આજના યુગનું આ વિરાટ વૈશ્વિક શક્તિ મંચ છે. આનો માનવહિતમાં સદુપયોગ થાય તો જગત વધુ બહેતર બને... જો તમે આ મંચ પર સક્રિય હો તો વિચારજો...

columnists jayesh chitalia