એક કમેન્ટના દસ રૂપિયા ચાર્જ કરી નાખવામાં આવે તો બધા ટ્રોલર ભાગી જાય

12 September, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમેન્ટ કરવાની આઝાદી મળી છે તો ચાલો, સાથે મળીને આપણે કોઈને ટ્રોલ કરીએ અને પછી તે ટ્રોલરિયા ચડી બેસે છે વિરોધ, વિરોધ, વિરોધ અને કમેન્ટ, કમેન્ટ, કમેન્ટ

પ્રતીકાત્મક તસવીર

મારો એક લાઇવ શો હતો ‘ભારત ભાગ્ય વિધાતા’, જેના છથી વધુ ભાષામાં હજારો પ્રયોગ થયા. શોના પ્રીમિયર પછી એક બહુ જાણીતા લેખક અને સેલિબ્રિટી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે તમે ગાંધીજીના મોઢે જે પેલો ડાયલૉગ બોલાવ્યો છે એનાથી હું નારાજ છું, ગાંધીજી એવું કંઈ બોલ્યા જ નથી. મેં તરત ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ મગાવી અને એના એક પેજ પર માર્કર પેનથી હાઇલાઇટ કરેલો પેલો ડાયલૉગ વંચાવ્યો કે જુઓ આ. તે વડીલે કાન પકડ્યા અને પછી નીકળી ગયા.

આ કિસ્સો મને અત્યારે વેબ-સિરીઝ ‘આઇસી ૮૧૪’ના વિરોધ સાથે યાદ આવી ગયો. જો કોઈના ધ્યાનમાં એ વિરોધ ન હોય તો બે લાઇનમાં એ વાત કહી દઉં.

હાઇજૅક કરીને કંદહાર લઈ જવામાં આવેલા એ પ્લેનમાં જે હાઇજૅકર્સ હતા તેનાં નામ વેબ-સિરીઝમાં ‘ભોલા’ અને ‘શંકર’ દર્શાવવામાં આવ્યાં છે. હાઇજૅકર્સ પોતાની ટીમના એ બે મેમ્બરને આ નામથી સંબોધન કરે છે જે જોઈને સોશ્યલ મીડિયાના શેરખાનો ચડી ગયા છે કે આ તો સનાતન ધર્મનું અપમાન છે. આવું કરીને ડિરેક્ટર અને પ્રોડ્યુસર દેખાડે છે કે તે લોકો કેટલી નિમ્ન સ્તરની માનસિકતા ધરાવે છે. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે ‘આઇસી ૮૧૪’ના ડિરેક્ટર-પ્રોડ્યુસર અનુભવ સિંહા સાથે મારે નાહવાનિચોવવાનો પણ કોઈ સંબંધ નથી. તે મને પર્સનલી નથી ઓળખતા કે હું તેમને. એ પછી પણ કહું છું કે સાવ વાહિયાત વિરોધ શરૂ થયો છે. એક વાર જઈને તમે જરા ખાંખાંખોળા તો કરો, જે બુક પરથી એ વેબ-સિરીઝ બની છે એ વાંચો. એ નામ આપવાનું કામ બીજા કોઈએ નહીં, પણ આતંકવાદીઓએ જ કર્યું હતું અને તેમણે જ પોતાનાં આવા ફેક-નામો બનાવ્યાં હતાં. એ નામોમાં ‘ભોલા’ અને ‘શંકર’ નામ પણ હતું જ પણ ના, કોઈને એવી તસ્દી તો લેવી નથી.

ગૂગલ પર બધું અવેલેબલ છે, પણ એ મહેનત શું કામ કરવાની. કમેન્ટ કરવાની આઝાદી મળી છે તો ચાલો, સાથે મળીને આપણે કોઈને ટ્રોલ કરીએ અને પછી તે ટ્રોલરિયા ચડી બેસે છે વિરોધ, વિરોધ, વિરોધ અને કમેન્ટ, કમેન્ટ, કમેન્ટ. સોશ્યલ મીડિયાએ આપણી વાણી સ્વતંત્રતાને બૂસ્ટ કરી છે, પણ એનો ગેરલાભ વધારે પડતો લેવામાં આવે છે. એક જણ શરૂ કરે એટલે ગાડરિયા પ્રવાહની જેમ બીજા સીધા ચોંટી જ પડે. હું તો કહીશ કે જો હમણાં આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામવાળા કમેન્ટ દીઠ દસ રૂપિયાનો ચાર્જ લેવાનો શરૂ કરી દે તો આ બધાય ટ્રોલરિયા ભાગીને ભોંયમાં ઘૂસી જાય. સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરનારાઓ પાસેથી ચાર્જ લઈને એ પૈસા સીધા અયોધ્યા રામ મંદિરમાં મોકલી દો. પછી જુઓ, સનાતનના નામનો ઝંડા લઈને ફરનારાઓ કેટલો ફાળો નોંધાવે છે?

 

- ધર્મેશ મહેતા (ધર્મેશ મહેતા ગુજરાતી રંગભૂમિ, ટીવી-સિરિયલ અને ફિલ્મો તથા હિન્દી ટીવી-સિરિયલોના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર છે.)

columnists