16 June, 2024 12:45 PM IST | Mumbai | Rajani Mehta
હૃદયનાથ મંગેશકર અને લતા મંગેશકર
રૂપકુમાર રાઠોડના ઘરે હૃદયનાથ મંગેશકર સાથેની મારી મુલાકાત યાદગાર તો હતી જ, સાથે રોચક પણ હતી. એનું કારણ એટલું જ કે સંગીત ઉપરાંત ધર્મ, ફિલોસૉફી, સાહિત્ય અને બીજા વિષયો પર તેમની ઊંડી સમજ અને જાણકારી. અમે વાતો કરતા હતા ત્યારે મેં લતાજીએ ગાયેલાં ગુજરાતી ગીતોનો ઉલ્લેખ કર્યો. પહેલાં જ કહ્યું એમ તેમની યાદશક્તિ અદ્ભુત છે. આ ચર્ચા દરમ્યાન તેમણે કહ્યું...
‘દિલીપ ધોળકિયાના એક ગુજરાતી ગીતનો અંતરો છે.
વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારાં
દૂર... દૂર... દૂર...’
આટલું સાંભળતાં જ મેં કહ્યું, ‘હરીન્દ્ર દવેનું મારું ગમતું ગીત છે.’ અને મેં ગુનગુનાવ્યું...
રૂપલે મઢી છે સારી રાત રે
એનું ઢૂંકડું ન હોજો પરભાત
તેમણે કહ્યું, ‘દિલીપ ધોળકિયા મને કહે કે તમે ગુજરાતી કવિતાથી કદાચ વધારે પરિચિત નહીં હો, પણ આ પ્રણયગીતમાં વિરહનો ભાવ છે.’
મેં કહ્યું, ‘સાથે એક છૂપો ભય પણ છે. ‘ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર... દૂર...’ એનો અર્થ એટલો જ કે સમય નામની નાગણ ફેણ ચડાવીને બેઠી છે. પ્રેમીઓ માટે કાળ એ મોટો પડકાર છે. જો સમય તમારી સાથે ન હોય તો મિલનમાં ઘણી બાધા આવે.’ આટલું કહીને પૂરા ગીતનું તેમણે સરસ વિશ્લેષણ કર્યું.
તેમની ‘સેન્સ ઑફ હ્યુમર’ પણ માણવા જેવી હતી. પતિ-પત્નીના સંબંધોની ખાટી-મીઠી વિશેના પોતાના અંગત અનુભવો અને ‘વનલાઇનર્સ’ અમને સૌને ખડખડાટ હસાવતાં હતાં. વાત-વાતમાં તેમને એક કિસ્સો યાદ આવ્યો. આજની એક સ્ટેજસિંગર વર્ષો પહેલાં ટીવીના ટૅલન્ટ-શોમાં જીત મેળવ્યા બાદ લતાજીના આશીર્વાદ લેવા ગઈ. હંમેશાં એમ કહેતી ફરે કે મારા પર લતાજીનો હાથ છે. પર્ફોર્મ કરતી વખતે તેના હાથના લટકા-ઝટકા અને ગળાના કંપનને જોઈને તમને હસવું આવે. ઑડિયન્સને હંમેશાં એમ જ કહે, ‘હું ગીત ગાતા અને મારા અંગમરોડ દ્વારા લતાજીની ગાયકીને એક્સપ્રેસ કરું છું.’ એની વાત કરતાં હૃદયનાથજી કહે છે...
‘એક શોમાં હું ચીફ ગેસ્ટ હતો ત્યારે તેણે ‘રાત ભી હૈ કુછ ભીગી ભીગી’ (મુઝે જીને દો) શરૂ કર્યું. મુખડું પૂરું કરતી વખતે તેણે ‘છમ છમ, છમ છમ’ હાથથી અભિનય કરતાં ગાયું. ગ્રીનરૂમમાં મને મળવા આવી ત્યારે કહે, હવે મેં ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું છે. મેં કહ્યું, મને લાગ્યું જ, તું જે રીતે ‘છમ છમ, છમ છમ’ ગાતી હતી એ જોઈને મને થયું કે હમણાં ડાન્સ કરતી-કરતી ઑડિયન્સમાં આવશે.’
આ કિસ્સો હૃદયનાથજીએ પોતે પેલી ગાયિકાની ઍક્ટિંગ કરતાં કહ્યો અને અમે સૌ હસીને લોટપોટ થઈ ગયા.
હૃદયનાથજી સાથેની એ મુલાકાત અવિસ્મરણીય એટલા માટે રહી કે એ દિવસે લતાજીનાં રેકૉર્ડ ન થયાં હોય પણ ઘરની બેઠકમાં ગાયેલાં હોય એવાં મરાઠી ગીતો (જે તેમના મોબાઇલમાં હતાં) સાંભળવા મળ્યાં. એ સાંભળતાં અનુભૂતિ થઈ કે નાદબ્રહ્મ કોને કહેવાય. નિધનના દસ દિવસ પહેલાં લતાજીએ હૃદયનાથજી સાથે ફોન પર વાત કરી હતી. એ પૂરો વાર્તાલાપ અમે સાંભળ્યો અને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એમાં નહોતી કોઈ દર્દની પીડા કે મૃત્યનો ભય. સ્વસ્થચિત્તે તે સહજતાથી, પોતાના આગવા અંદાઝમાં વાત કરતાં હતાં. હૃદયનાથજી કહે, ‘આ સાંભળી એમ જ લાગે કે ૨૫ વર્ષનાં દીદી બોલી રહ્યાં છે. એ સતત મારા કાનમાં ગુંજે છે.’ આટલું કહેતાં તેમના સ્વરમાં ભીનાશ તરવરે છે. ભાઈ-બહેનના સંબંધનું આકાશ મૌન બનીને વાતાવરણને હળવી ઉદાસી તરફ લઈ જાય છે.
આ લખું છું ત્યારે હું પણ બેચેન થઈ જાઉં છું. ચાલો, એમાંથી બહાર નીકળીએ. લતાજી સાથેનાં તેમનાં યાદગાર સ્મરણોમાંથી એક પ્રસંગ શૅર કરીને મારી વાત પૂરી કરીશ. આ કિસ્સો છે એ દિવસોનો જ્યારે મંગેશકર પરિવાર નાના ચોકમાં રહેતો હતો. બન્યું એવું કે હૃદયનાથજીને લઈને લતાજી ફેમસ સ્ટુડિયો રેકૉર્ડિંગ માટે જતાં હતાં. ચોમાસાની મોસમ એટલે અનરાધાર વરસાદને કારણે ગાડી રસ્તામાં બંધ પડી ગઈ. એ પછી શું થયું એ હૃદયનાથજીના શબ્દોમાં પ્રસ્તુત છે...
‘હું બહાર નીકળ્યો અને આજુબાજુ જોયું કે કોઈ મળે તો ગાડીને ધક્કો મારીને સ્ટુડિયો સુધી લઈ જવાય. કોઈ મળ્યું નહીં એટલે દીદી કહે કે ગાડીમાં આવી જા, નહીંતર માંદો પડીશ. હું અંદર આવી ગયો. ત્યાં તો ગાડી ચાલવા લાગી. ડ્રાઇવર કહે કે દૂરથી એક યુવાન દોડતો આવ્યો અને ગાડીને ધક્કા મારે છે. વરસતા વરસાદમાં ધક્કા મારતા ગાડી ફેમસ સ્ટુડિયો પહોંચી. હું તે યુવાનનો આભાર માનવા બહાર નીકળ્યો. જોયું તો તે બીજું કોઈ નહીં પણ સંગીતકાર જયકિશન હતા. એ દિવસે તેમના જ ગીતનું રેકૉર્ડિંગ હતું. અમને કહે, તમે ઊતરી જાઓ, હું ધક્કા મારીને ગાડીને પેટ્રોલ-પમ્પ સુધી લઈ જાઉં જેથી રિપેર થઈ જાય. અમારી લાખ મના છતાં તે ગાડીને ધક્કા મારીને ગૅરેજ લઈ ગયા.’
હૃદયનાથજી એક પુસ્તક પ્રકાશિત કરવાના છે. લતાજીએ ગાયેલાં હજારો ગીતોમાંથી ‘આ ગીત મને સૌથી વધુ કેમ ગમે છે’ એ શીર્ષક હેઠળ વિવિધ ક્ષેત્રના સંગીતપ્રેમીઓના લેખોનું સંપાદન તેઓ કરશે. એ પુસ્તક માટે મારે એક લેખ લખવો અને એ સમગ્ર પુસ્તકનું ગુજરાતી ભાષાંતર મારે કરવું આ બે જવાબદારી તેમણે મને આપી એ મારું અહોભાગ્ય.
હૃદયનાથજી થોડાં વર્ષો પહેલાં એક કાર્યક્રમ કરતા હતા ‘દીદી આણિ મી’. મરાઠીભાષી આ કાર્યક્રમમાં તેમની પૌત્રી રાધા લતાજીનાં ગીતોની પ્રસ્તુતિ કરતી હતી અને હૃદયનાથજી લતાજીના રોચક પ્રસંગોની રજૂઆત કરતા હતા. અમારી સંસ્થા ‘સંકેત’ માટે આ જ કાર્યક્રમ હિન્દીમાં મોટા પાયા પર રજૂ કરવાનું નક્કી કર્યું ત્યાં કોવિડની મહામારી આવી અને એ શક્ય ન બન્યું. હવે તો તેમની નાદુરસ્ત તબિયતને કારણે એ સંભવ નથી. એક વાતનું આશ્વાસન છે કે અનાયાસ થયેલી આ મુલાકાતમાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ એ ન્યાયે લતાજીના સપ્તરંગી જીવનને જાણવા અને માણવાનો અણમોલ અવસર મળ્યો.