14 July, 2024 01:04 PM IST | Mumbai | Raj Goswami
કીર સ્ટાર્મર
ભારતની સાથોસાથ બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં દેશની સૌથી જૂની લેબર પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો હતો. કીર સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર પાર્ટી ૧૪ વર્ષ પછી ૪૦૦ પાર બેઠકો સાથે સત્તામાં પરત આવી છે. પાર્ટીએ હાઉસ ઑફ કૉમન્સ (લોકસભા)માં ૬૫૦ બેઠકોમાંથી ૪૧૨ બેઠકો મેળવી હતી, જ્યારે ભારતીય મૂળના રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને લગભગ એક સદીમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. લેબર પાર્ટીના તેજસ્વી નેતા કીર સ્ટાર્મર બ્રિટન માટે નવી આશા બનીને આવ્યા છે. તેમણે પાંચમી જુલાઈએ વડા પ્રધાનનું પદ પણ સંભાળ્યું હતું.
લેબર પાર્ટી ૧૦૦ વર્ષથી વધુ જૂની છે. લેબર પાર્ટીની રચના સંસદમાં બ્રિટનમાં નબળા અને વર્કિંગ ક્લાસના લોકોનો અવાજ ઉઠાવવા માટે કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૫માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યો હતો અને એણે સત્તામાં આવ્યા બાદ ભારતને આઝાદી આપવાનું વચન આપ્યું હતું.
જોકે ભારતે એનાથી બહુ ખુશ થવા જેવું નથી. રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની તુલનામાં લેબર પાર્ટી ભારત માટે પીડારૂપ બની રહે એવી શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરની સમસ્યાને લઈને લેબર પાર્ટીના દાયકાઓ જૂના વલણ અને પાકિસ્તાન માટે એના કથિત સમર્થનથી ભારત અને બ્રિટિશ ભારતીય સમુદાય સાથે પાર્ટીના સંબંધોમાં કડવાશ આવી છે.
૧૯૯૭માં ભારતમાં આઝાદીની પચાસમી વર્ષગાંઠની ઉજવણી થવાની હતી એ વખતે બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી સાથે મળીને ભારત સરકારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની ભારત-મુલાકાતની યોજના બનાવી હતી.
જોકે મે મહિનામાં જૉન મેજરની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ સરકારને ટોની બ્લેરની આગેવાની હેઠળની લેબર પાર્ટીએ હરાવી હતી. એ જ સમયે ભારતમાં ઇન્દર કુમાર ગુજરાલની ગઠબંધન સરકાર સત્તામાં આવી હતી.
મહારાણી એલિઝાબેથ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ ઑક્ટોબરમાં સીધા ભારત આવવાને બદલે પહેલાં પાકિસ્તાનમાં ઊતર્યાં હતાં. ભારત માટે આ પહેલો આંચકો હતો. બીજો આંચકો એ હતો કે પાકિસ્તાનની જમીન પરથી તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાને કાશ્મીરમુદ્દે પોતાના મતભેદો ઉકેલવા જોઈએ. મહારાણી સાથે આવેલા બ્રિટિશ વિદેશસચિવ રૉબિન કુકે એ વખતે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ સાથેની ખાનગી બેઠક દરમ્યાન કાશ્મીરમુદ્દાના સમાધાનમાં મધ્યસ્થી કરવાની રજૂઆત કરીને ભારતને ક્રોધિત કર્યું હતું.
એ સમયે વડા પ્રધાન આઇ. કે. ગુજરાલે બ્રિટનને ‘ત્રીજા દરજ્જાની શક્તિ’ તરીકે વર્ણવ્યું હતું. પાકિસ્તાનની જમીન પરની એ હરકતને કારણે રાણીની યાત્રા એક ઔપચારિકતા માત્ર રહી ગઈ હતી. એ સમયથી ભારતીયો લેબર પાર્ટીને શંકાની નજરે જોતા આવ્યા છે.
૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરી એ પછી જેરેમી કોર્બીનની આગેવાની હેઠળની લેબર પાર્ટીએ ‘કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળના લોકમત’નું સમર્થન કરતો ઠરાવ પસાર કર્યો હતો. કોર્બીનના આ પગલાને પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી સંકેત તરીકે જોવામાં આવ્યું હતું.
બાકી હોય એમ લેબર પાર્ટીના કેટલાક નેતાઓ પર ખાલિસ્તાનને ટેકો આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. બ્રિટનમાં ખાલિસ્તાનનો મુદ્દો ત્યારે સામે આવ્યો હતો જ્યારે પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે ગયા વર્ષે માર્ચમાં લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની સામે પ્રદર્શન કર્યું હતું. એમાં બ્રિટિશ સિખ સમુદાયના ઘણા સભ્યો હતા. એમાંના ઘણા લોકોએ ખાલિસ્તાનતરફી ધ્વજ ફરકાવ્યા હતા. તેમણે ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પર કાર્યવાહી અટકાવવાની માગણી કરી હતી.
જોકે એક આશાનું કિરણ એ છે કે ચૂંટણીમાં ભારતીય સમુદાયના મત અગત્યના રહ્યા છે અને ભારતીયોને આકર્ષવા માટે કીર સ્ટાર્મરે ભારત તરફ નરમ વલણ અપનાવ્યું છે. એ જોવાનું રહેશે કે સત્તામાં આવ્યા પછી તે કઈ રીતે વર્તે છે. એ વાત નક્કી છે કે મોદી સરકારે પણ ફૂંકી-ફૂંકીને આગળ વધવું પડશે.
રશિયા-મણિપુર ‘યુદ્ધ’
દરમિયાન, ઘરઆંગણે વડા પ્રધાનની રશિયા-મુલાકાત અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની મણિપુર-મુલાકાતને લઈને એક અલગ જ ‘યુદ્ધ’ થયું હતું. નવી લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ છેલ્લા એક વર્ષથી વંશીય અથડામણથી ત્રસ્ત મણિપુરની યાત્રા કરી હતી અને ત્યાં પીડિત પરિવારોને મળ્યા હતા.
BJPએ એના પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને મણિપુરના લોકોની ઘવાયેલી લાગણીઓને શાંત કરવાને બદલે એમાં ઘી હોમવાનો આરોપ મૂક્યો હતો. સામા પક્ષે કૉન્ગ્રેસે કહ્યું હતું કે એક વર્ષથી સળગી રહેલા દેશના એક રાજ્યમાં જવાનો વડા પ્રધાનને સમય નથી, પણ રશિયાની સેર કરવા જવાનો છે.
ઉત્તર-પૂર્વની તેમની મુલાકાતમાં રાહુલ ગાંધી પાડોશી રાજ્ય મણિપુર જતાં પહેલાં BJPશાસિત આસામમાં પૂરગ્રસ્ત લોકો અને વિસ્થાપિત થયેલા કુકી-ઝો સભ્યોને મળ્યા હતા અને તેમણે એક વર્ષ લાંબી વંશીય હિંસાથી પ્રભાવિત લોકો સાથે વાતચીત કરી હતી.
BJPના વિરોધીઓને નિશાન બનાવવાનું કામ કરતા BJPના IT સેલના વડા અમિત માલવિયાએ સોશ્યલ મીડિયા પર મણિપુરના વંશીય સંઘર્ષને કૉન્ગ્રેસની દેન ગણાવીને રાહુલ ગાંધી પર આરોપ મૂક્યો હતો કે દુઃખના નામે તમાશો કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે કૉન્ગ્રેસ સત્તામાં હતી ત્યારે આ રાજ્યમાં દાયકાઓ સુધી નાગરિકો, પોલીસ અને સૈન્યના જવાનોની હત્યાઓ થઈ હતી.
દરમ્યાન, કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે એનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘પોતાને નૉન-બાયોલૉજિકલ માનતા વડા પ્રધાન મૉસ્કો જાય છે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા આસામ અને મણિપુર જાય છે. અલબત્ત, નૉન-બાયોલૉજિકલના વાજાંવાળા એવો દાવો કરતા રહ્યા છે કે તેમણે રશિયા-યુદ્ધ અટકાવી રાખ્યું હતું. લાગે છે કે આ મૉસ્કો મુલાકાત પછી કોઈ નવા વિચિત્ર દાવાઓ આવશે.’
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન માટે ધન્યવાદ પ્રસ્તાવ પર વિપક્ષ વતી ચર્ચા શરૂ કરતી વખતે રાહુલ ગાંધીએ સત્તાધારી BJP પર મણિપુરને ગૃહયુદ્ધ તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી રાજ્યની મુલાકાત ન લેવા બદલ મોદીની ટીકા કરી હતી. રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર મણિપુરમાં સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર અને અન્ય લોકો સાથે કામ કરી રહ્યું છે અને રાજ્યમાં ૫૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૧૧,૦૦૦થી વધુ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા છે.
‘BJP દલિતવિરોધી છે’
કર્ણાટકની વિજયપુરા બેઠક પરના BJPના સંસદસભ્ય રમેશ જિગાજિનાગી રાજકારણના જૂના ખેલાડી છે. તેઓ ૧૯૯૮માં પહેલી વાર ચૂંટાયા હતા અને ત્યારથી ક્યારેય હાર્યા નથી. તેઓ ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને સાતમી વારના સંસદસભ્ય છે. હવે તેમણે BJP સાથે જોડાવાના પોતાના નિર્ણય પર પણ શંકા વ્યક્ત કરી છે. તેમને કૅબિનેટમાં સ્થાન ન મળ્યું એટલે નારાજ છે. ૨૦૧૬ અને ૨૦૧૯માં તેમને પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્યપ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. પ્રધાનમંડળમાં સ્થાન ન મળવા અંગે પત્રકાર તરફથી પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પ્રધાન બનવું કે ન બનવું એ મારા માટે નહીં, મારા મતદારો માટે મહત્ત્વનું છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને પૂછે છે કે મને પ્રધાન કેમ ન બનાવવામાં આવ્યો? કેટલાક લોકો એમ પણ કહે છે કે હું દલિત છું એટલા માટે પ્રધાન નથી. મને કહો, શું આ ન્યાય છે? હું દક્ષિણ ભારતમાં એકમાત્ર દલિત છું જેણે સતત સાત ચૂંટણીઓ જીતી છે. તમામ ઉચ્ચ જાતિના સંસદસભ્યો પ્રધાન બન્યા હતા. શું દલિતો BJPને સમર્થન નથી આપી રહ્યા? એનાથી હું ખૂબ દુઃખી છું.’ મહત્ત્વની વાત એ છે કે BJPની અંદરથી દસ વર્ષમાં પહેલી વાર નારાજગીનો આવો પ્રમુખ અવાજ બહાર આવ્યો છે. અગાઉ કોઈ બોલતું નહોતું, હવે ખૂલીને બોલવાની શરૂઆત થઈ છે.
મોદીની રશિયા મુલાકાત
બીજી વખત વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીના પ્રથમ વિદેશપ્રવાસનું લક્ષ્ય રશિયા બન્યું છે. એ પહેલાં તેઓ ગ્રુપ-૭ દેશોની બેઠકમાં ભાગ લેવા ઇટલી ગયા હતા, પણ એ માત્ર શુભેચ્છા-મુલાકાત હતી. પરંપરાગત રીતે મોદીએ તેમની પ્રથમ વિદેશયાત્રા માટે ભારતના પાડોશી દેશોની પસંદગી કરી છે જેનાથી સ્પષ્ટ સંદેશ જાય છે કે ભારતે પાડોશી દેશોને મહત્ત્વ આપ્યું છે. આવી સ્થિતિમાં આ વખતે વડા પ્રધાન મોદીની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રશિયાની પસંદગી થોડી અલગ લાગે છે.
હાલમાં ભારતના રશિયા સાથે એટલા જ મજબૂત સંબંધો છે જેટલા અમેરિકા સાથે છે. મોદીએ રશિયાને ભારતનો મિત્ર ગણાવ્યું છે. એ સ્પષ્ટ છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો અતૂટ છે. ભારત કોઈ પણ મુશ્કેલી વિના એકસાથે બે અંતિમો પર ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે રશિયા-યુક્રેન યુદ્ધ દરમ્યાન પશ્ચિમના વાંધા છતાં ભારતને રશિયન તેલ સબસિડીવાળા ભાવે મળી રહ્યું છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૅથ્યુ મિલરે કહ્યું હતું કે ભારત અમારા માટે એક વ્યૂહાત્મક ભાગીદાર છે અને એમાં રશિયા સાથેના ભારતના સંબંધો વિશેની અમારી ચિંતાઓનો સમાવેશ થાય છે.
મિલરે કહ્યું હતું કે ‘અમે હમણાં જ મોદીને (હંગેરીના વડા પ્રધાન વિક્ટર) ઓરબાનની જેમ (યુક્રેનના) પ્રમુખ (વૉલોદિમીર) ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરતા જોયા. એ એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. અમે માનીએ છીએ કે ભારત રશિયાને આગ્રહ કરે કે UN ચાર્ટરનો આદર કરીને યુક્રેનમાં સંઘર્ષનો ઉકેલ લાવે.’ ફેબ્રુઆરી ૨૦૨૨માં આ સંઘર્ષ શરૂ થયો એ પછી ભારતે રશિયા સાથેના સંબંધો વધુ મજબૂત કરવાની કોશિશ કરી છે. એનું કારણ ચીન છે.
મોદીના નેતૃત્વમાં ભારતે યુક્રેન સંઘર્ષ પર સંતુલિત નીતિ અપનાવી છે. ભારતે સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરી છે અને રશિયાની ટીકા કરવાનું ટાળ્યું છે. આ નીતિ ભારતને કોઈ પણ પક્ષને ઠેસ પહોંચાડ્યા વિના એની વિદેશનીતિનાં હિતોને સંતુલિત કરવામાં મદદ કરે છે. રશિયા અને ભારત વચ્ચેના સંબંધો નવા પડકારોનો સામનો કરી રહ્યા છે, કારણ કે રશિયા અને ભારતના મુખ્ય હરીફ ચીન વચ્ચે મિત્રતા વધી રહી છે. આ ત્રિકોણીય સંબંધોની જટિલતા ત્યારે વધુ સ્પષ્ટ થઈ જ્યારે મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠનના સંમેલનમાં ભાગ લેવા જવાને બદલે વિદેશપ્રધાન જયશંકરને કઝાખસ્તાનના અસ્તાનામાં આ બેઠક માટે મોકલ્યા. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર રહ્યા હતા.