06 December, 2023 01:29 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
૬૩ વર્ષના રમેશભાઈને ચોથા સ્ટેજનું લંગ કૅન્સર આવ્યું. જીવનમાં સિગારેટને એક હાથ પણ નહોતો લાગડ્યો તેમણે છતાં ફેફસાંનું કૅન્સર આવ્યું. ડૉક્ટરોએ ઇલાજ તો ચાલુ કર્યો. રમેશભાઈ તો હજી હમણાં જ રિટાયર થયા અને વિચારેલું કે બસ, હવે જીવનને પૂરી રીતે માણી લેવું છે. જવાબદારીઓ અને કામના ચક્કરમાં કશે હર્યા-ફર્યા નથી તો હવે આખી દુનિયા જોઈ લેવી છે. છેલ્લાં બે વર્ષમાં તેમણે સિંગાપોર અને દુબઈની એમ બે મોટી ટ્રિપ્સ કરી પણ જ્યારથી કૅન્સરનું નિદાન થયું છે તેમની ઘરથી હૉસ્પિટલ અને હૉસ્પિટલની ટ્રિપ્સ એટલી વધી ગઈ છે કે બાકી દુનિયા ફરવાની વાત સાવ બાજુ પર રહી ગઈ છે. જુદી-જુદી જગ્યાનાં જાત-જાતનાં પકવાન ટ્રાય કરવાનો તેમને ભારે શોખ હતો પરંતુ અત્યારે કીમો ચાલુ છે અને કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકે તો તેમને માટી ખાતા હોય એવો ભાસ થાય છે. એટલે કશું જ ભાવતું નથી. છતાં ચાલી શકે છે, પોતાનાં કામ પણ મહદ્ અંશે જાતે કરી શકે છે. ઇલાજ દરમિયાન અમુક પ્રકારનાં કૉમ્પ્લીકેશન આવતાં ડૉક્ટરે કહ્યું કે અત્યારે તેમની જે પરિસ્થિતિ છે એનો ઇલાજ તો છે પણ એ ક્યારેય ઠીક નહીં થઈ શકે. દવાઓ અને ઇલાજ સાથે તેમની પાસે હવે ૧-૨ વર્ષનું જીવન બચ્યું છે. આ હકીકત પચાવવી સહેલી તો નથી. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એ એક નગ્ન હકીકત છે પરંતુ આ પરિસ્થિતિમાં હવે શું કરવું? રમેશભાઈની જે હાલત છે એવી હાલત જીવનમાં ઘણા લોકોની હોય છે. જ્યારે પણ કોઈ ટર્મિનલ ડિસીઝ આવી જાય કે એવો રોગ જે સંપૂર્ણ રીતે ઠીક થઈ શકે એમ ન હોય તો એક ટાઇમલાઇન આપણને મળે છે. ડૉક્ટરો પોતાના અનુભવ પરથી એક આશરે સમય આપણને આપે છે કે તમારી પાસે આટલો સમય છે. આ સમયની ડેડલાઇન મળ્યા પછી શું? આદર્શ રીતે કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ જ્યારે તમને આ ડેડલાઇન મળી ગઈ છે એ આજે સમજવાની કોશિશ કરીએ.
અવસર
દરેક વસ્તુ દૃષ્ટિકોણ પર આધારિત હોય છે. એ વાત કરતાં આર્ટ ઑફ લિવિંગનાં સિનિયર ટીચર સંગીતા જાની કહે છે, ‘મૃત્યુ દરેકના જીવનમાં આવવાનું જ છે પણ જો એ કહીને આવે તો એનાથી સારું શું? તમે એના માટે પૂરી રીતે સજ્જ થઈ શકો. સામાન્ય રીતે આપણે કેટલાંય સારાં કામ પેન્ડિંગ રાખી દેતા હોઈએ છીએ, કારણ કે સામાન્ય રીતે આપણે ભવિષ્યમાં જ જીવતા હોઈએ છીએ. ભવિષ્યમાં આમ કરીશું અને ભવિષ્યમાં આ વસ્તુ કામ લાગશે એના માટે કામ કરતા હોઈએ, પરંતુ જ્યારે આવા સમાચાર મળે ત્યારે આ એક મોકો છે આજમાં જીવવાનો. ભવિષ્યને બાજુ પર મૂકીને હું આજે શું કરું એ વિચારવાનો. આ સમયે જ મોટા ભાગના લોકોને પ્રશ્નો સૂઝે છે કે જીવન શું છે? હું કોણ છું? જીવનનો અર્થ શું છે? મૃત્યુ પછી શું છે? આ પ્રશ્નો વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે. તો આ અવસરનો પૂરો ઉપયોગ કરો. દુઃખમાં સમય વિતાવવાને બદલે આ સમય છે ખુદને અને જીવનને વધુ નજીકથી સમજવાનો.’
હું શું કરી શકું છું?
આ બાબત માટે પોતાના અલગ દૃષ્ટિકોણથી વાત કરતાં સાંતાક્રુઝની ધ યોગ ઇન્સ્ટિટ્યૂટનાં યોગ ગુરુ હંસા યોગેન્દ્ર કહે છે, ‘મૃત્યુ ક્યારે આવશે એ કોઈ કહી શકતું નથી. દરેક શરીર અલગ છે. દરેક જીવન પણ અલગ છે. તમને જ્યારે આ પ્રકારનો રોગ થાય ત્યારે મૃત્યુ વિશે નહીં, જીવન વિશેનો વિચાર જરૂરી છે. બને કે રોગને કારણે તમે કશુંક ન કરી શકતા હો, પરંતુ તમે ડિસેબલ નથી. લોકો સતત એના વિચારો કરતા રહે છે કે હવે મારાથી આ નથી થતું, પેલું નથી થતું. પરંતુ તમારે વિચારવાનું એ છે કે હવે મારાથી શું થાય છે. એ કરવા તત્પર બનો. કોઈ પણ બીમારીને શરીર સુધી સીમિત રાખો. એને મન પર હાવી ન થવા દો. આ અઘરું છે પણ શક્ય છે. જો તમે ધારો તો કરી શકો એમ છો. એ વ્યક્તિ જીવી જાણે છે જે સમજે છે કે મારે હજી ઘણું કરવાનું છે. જે સમજે છે કે હવે કશું થશે નહીં તે જીવી નહીં શકે. માંદગી અને મૃત્યુને કોઈ સંબંધ નથી. માંદગી એનું કામ કરે છે, તમે તમારું કરો.’
કૃતજ્ઞતા જરૂરી
આ સમયમાં રહી ગયેલાં સપનાંઓ, અધૂરી ઇચ્છાઓ અને અધૂરી જવાબદારીઓ પૂરી કરવાનું બધા કહેતા હોય છે. જે સમય બચ્યો છે એનો પૂરો ઉપયોગ કરી લેવો જોઈએ એમ લોકો માનતા હોય છે. આ બાબતે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘લાંબી માંદગી, પેઇનફુલ ઇલાજ, દવાઓની આડઅસર આ સમયે માણસને ચીડિયો બનાવી નાખે છે. લોકો માને છે કે છેલ્લાં વર્ષો સુખેથી કે ખુશ રહીને પસાર કરવાં જોઈએ. પરંતુ બધાના જીવનમાં એ સુખ આવતું નથી. એનું કારણ છે કે આખું જીવન કંકાસ અને તકલીફોમાં જેણે પસાર કર્યું છે એ વ્યક્તિ અચાનક ખુશ ન રહી શકે. ઊલટું બીમારીમાં આવા લોકો વધુ ચીડિયા અને ગુસ્સાવાળા બની જાય છે. એમના જીવનની તકલીફો વધી છે. આ સમયે ગ્રેટિટ્યુડ પ્રૅક્ટિસ કરવો અત્યંત જરૂરી છે. આપણી અંદર કૃતજ્ઞતાનો ભાવ લાવવાની કોશિશ કરવી કે મને જે મળ્યું છે એ ઈશ્વરની કૃપા છે. પરિવાર, મિત્રો, ડૉક્ટર્સ અને સમગ્ર પરિસ્થિતિઓ જે જીવનમાં આવી અને ગઈ એ બધા માટે આભાર પ્રગટ થાય તો મનને શાંતિ મળે અને વ્યક્તિ ખુશ રહે. એની જગ્યાએ જો સતત ફરિયાદો હોય તો કલ્પાંત જ રહે છે. એટલે બીજું કશું કરો કે નહીં, મનમાં કૃતજ્ઞતા લાવવાની કોશિશ ચોક્કસ કરો.’
અધૂરાં કર્તવ્યો પર ભાર
પોતાના મૃત્યુના ન્યુઝ પચાવવા કોઈ પણ માટે સહેલા ન હોઈ શકે એ સહજ છે. જીવવાનો મોહ દરેક મનુષ્યને હોય જ છે. જે જ્ઞાની છે એ સમજે છે અને જે નથી સમજતું તેણે આ સમયે આ જ્ઞાન મેળવવું જરૂરી છે, જે વાત કરતાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સેક્રેટરી આત્મપ્રીત મૌલિકજી કહે છે, ‘શું આપણને કપડાં બદલવાનો અફસોસ થાય છે? આત્મા અને શરીર બંનેનો સંબંધ આ જ છે. મોટા ભાગના લોકો ભૌતિક ઇચ્છા એક પણ બાકી ન રહી જાય એની પેરવીમાં હોય છે. એ પણ કરી શકાય. એમાં કશું ખોટું નથી પરંતુ એનાથી આગળનો વિચાર એ છે કે એ ક્ષણિક આનંદ છે. તમે આંખ બંધ કરીને વિચારો કે તમે જીવનમાં સૌથી વધુ ખુશ ક્યારે થયા અને કઈ ખુશી તમારી લાંબી ટકે છે? મોટા ભાગના લોકો એ વાત સ્વીકારશે કે જ્યારે તેમણે બીજાને સુખ આપ્યું ત્યારે તેઓ સૌથી વધુ ખુશ થયા હતા. તમારાં અધૂરાં સપનાંઓ કે અધૂરી ઇચ્છાઓ ચોક્કસ પૂરી કરી શકો પરંતુ અધૂરાં કર્તવ્યો પર વધુ ભાર આપો. એ કરશો ત્યારે તમને સાચું સુખ અને શાંતિ મળશે. માણસ કશું લઈને આ સંસારમાંથી જતો નથી, પણ મૂકીને જાય છે. આપીને જાય છે. એટલે આ વાતને સમજવી જરૂરી છે.’
શું કરવું?
આવા સમયે મોટા ભાગના લોકોના મનમાં સતત વિચારો ચાલ્યા કરે છે. બીમાર વ્યક્તિ બેડ પર પડ્યા-પડ્યા સતત વિચારો જ કર્યા કરતી હોય છે. એને બ્રેક લગાવવા માટે, મનનો ભાર હળવો કરવા માટે અને ગૂંચવણભર્યા વિચારોમાં સ્પષ્ટતા લાવવા માટે તમારે ડાયરી લખવાની આદત પાડવી. ઘણી એવી નકારાત્મક વાતો હોય છે જે લખી નાખવાથી મનમાંથી નીકળી જતી હોય છે અને તમે હળવા થઈ શકો છો. ‘કોઈ વાંચી જશે તો શું’ના ડરને મનમાંથી કાઢીને બિન્દાસ તમે તમારા માટે લખો. દિવસનો થોડો સમય પ્રાણાયામ અને ધ્યાનને આપો જ. ૧૦ મિનિટના પ્રાણાયામ અને ૨૦ મિનિટનું ધ્યાન. ભલે, આખું જીવન કર્યું હોય કે ન કર્યું હોય, આ સમયે એ તમારી આવશ્યકતા છે. ચોક્કસ કરો. બીમારીને સહન કરવામાં જ નહીં, બીમારીને હીલ કરવામાં પણ તમને મદદ મળશે. સમગ્ર જીવન દરમિયાન આપણી ઘણી ઇચ્છાઓ હોય છે જે અધૂરી રહી જાય છે. એને એક પેપરમાં ઉતારો. એની કેટલી આવશ્યકતા છે, કેટલી વસ્તુ શક્ય છે, કેટલી શક્ય નથી એ બધું સમજીને પ્લાન કરી લો. એમાં જેની હેલ્પ જોઈએ એ બિન્દાસ માગી લો. પણ આ બધામાં જો કશું છૂટી જાય તો એનો પણ સ્વીકાર જરૂરી છે. કશું રહી ગયું તો જવા દેતાં પણ શીખવું પડશે. બને એટલો લોકોને પ્રેમ આપવાની કોશિશ કરો. પ્રેમ શાશ્વત છે. લોકો તમને તમે આપેલા પ્રેમ બદલ જ યાદ રાખે, નહીં કે તમારા કટુ સ્વભાવને. ગમે તેવી બીમારી હોય પરંતુ તમે એટલું તો કરી જ શકો. અબોલા ટાળો. ઝઘડાઓ પતાવો. બધાને માફ કરો અને બધાની માફી માગી લો.
કોઈ પણ બીમારીને શરીર સુધી સીમિત રાખો. એને મન પર હાવી ન થવા દો. આ અઘરું છે પણ શક્ય છે. જો તમે ધારો તો કરી શકો એમ છો. એ વ્યક્તિ જીવી જાણે છે જે સમજે છે કે મારે હજી ઘણું કરવાનું છે. જે સમજે છે કે હવે કશું થશે નહીં તે જીવી નહીં શકે. માંદગી અને મૃત્યુને કોઈ સંબંધ નથી. માંદગી એનું કામ કરે છે, તમે તમારું કરો.
યોગ ગુરુ હંસા યોગેન્દ્ર