આવક-જાવકનું સંતુલન એ જ આર્થિક તંદુરસ્તીનો રામબાણ ઇલાજ છે

04 November, 2024 05:22 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

મુંબઈના એક પરામાં રહેતા ભાઈને ગાડીમાં ફરતા જોઈને આજુબાજુવાળાને આશ્ચર્ય થયું. એક મોટી કંપનીમાં સારી પોસ્ટ ધરાવતા અને ઊંચો પગાર મેળવતા હોવા છતાં હૉન્ડાસિટી ખરીદી શકવાની ક્ષમતા એ ભાઈ પાસે હોવાનું લાગતું નહોતું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના એક પરામાં રહેતા ભાઈને ગાડીમાં ફરતા જોઈને આજુબાજુવાળાને આશ્ચર્ય થયું. એક મોટી કંપનીમાં સારી પોસ્ટ ધરાવતા અને ઊંચો પગાર મેળવતા હોવા છતાં હૉન્ડાસિટી ખરીદી શકવાની ક્ષમતા એ ભાઈ પાસે હોવાનું લાગતું નહોતું, પણ હપ્તા પર ગાડી મેળવી આપતી આકર્ષક સ્કીમનો આ પ્રભાવ હતો. માસિક પગાર અને અન્ય થોડી સાઇડ ઇન્કમમાંથી ઘરખર્ચ કાઢ્યા બાદ નિયમિત રીતે થોડી બચત તો થતી જ હતી. એમાંથી હપ્તા ભરવાનું શક્ય હોવાથી ગાડી વસાવી.

એક રાતે અચાનક એ ભાઈની પત્નીને પેટમાં દુખાવો ઊપડ્યો. ઘરગથ્થુ ઉપચાર કર્યા છતાં દુખાવો શમ્યો નહીં. ડૉક્ટરે આવીને દરદીને તપાસ્યા. દુખાવો ઍપેન્ડિક્સનો જણાતો હતો છતાં પાકું નિદાન કરાવવા ઇન્વેસ્ટિગેશન કરાવવું જરૂરી હતું. તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડાયાં. ઑપરેશન જરૂરી હોવાથી પછીના દિવસે ઑપરેશન થઈ ગયું. ત્રીજા દિવસે ડિસ્ચાર્જ મળવાનો હતો. અંદાજે ૮૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો. 

શરીરમાં કોઈ તકલીફ નથી એવું સતત લાગતું હોય એવામાં આવો મોટો પ્રૉબ્લેમ આવે અને આટલી મોટી રકમ ખર્ચવી પડે એ કંઈ નાનીસૂની વાત નથી. કારણ કે પપ્પાના બાયપાસમાં ત્રણ મહિના પૂર્વે જ સારો એવો ખર્ચ થઈ ગયો હતો. ગાડી આવ્યા પછી પહેલા જ વર્ષમાં આવું બધું થતાં ગાડી ફળી કે નહીં એના વિચારે મન ચડી ગયું. ચિંતાનો પાર નહોતો અને બચતનું નામ નહોતું. જે થોડી હતી એ ગાડીના હપ્તા ભરવા ઉપરાંત ડિપોઝિટ અને દવાના ખર્ચમાં પતી ગયેલી. હાથ લાંબો કરી શકવા મન તૈયાર નહોતું. આમ પણ હૉન્ડાસિટી ગાડીવાળા હાથ શી રીતે લંબાવે?

દીકરાના કૉલેજનો ખર્ચ અને ‌દીકરીના લગ્નપ્રસંગના આવીને ઊભેલા ખર્ચાઓ વચ્ચે આવી પડેલા આ આકસ્મિક ખર્ચને પહોંચી વળવાની ઊંડી ચિંતા, ક્યારેક તો આંસુ રૂપે ટપકી પડતી. 

કટોકટીમાં માણસની નજર છેલ્લે સોના પર પડતી હોય છે. દીકરીને આપવા માટે રાખેલાં સોનાનાં બે કડાં અને એક બ્રેસલેટ લઈને, હપ્તા પર લીધેલી ગાડીમાં બેસીને એ ભાઈ ઝવેરીબજાર ગયા. 

ઘરેણાં વેચાઈ ગયાં, હૉસ્પિટલનું બિલ ચૂકવાઈ ગયું અને હપ્તા પર લીધેલી ગાડીમાં જ એ ભાઈ પત્નીને પાછા ઘરે લઈ આવ્યા. He who buys, what he needs not, sells, what he needs. બિનજરૂરી ચીજની ખરીદી, આવશ્યક ચીજ વેચવાની લાચારીમાં પરિણમે છે.

columnists mumbai culture news finance news mutual fund investment