09 October, 2024 02:46 PM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
જો તમે કોઈ અમેરિકન સિટિઝનને છેલ્લાં બે વર્ષમાં એક વખત પણ રૂબરૂ મળ્યા હો, તમે બન્ને પરણવાલાયક હો અને એકબીજા જોડે અમેરિકામાં પરણવા ઇચ્છતાં હો તો એ અમેરિકન સિટિઝન તમારા લાભ માટે ‘K-1’ સંજ્ઞા ધરાવતું ‘ફિઑન્સે વીઝા’ની પિટિશન દાખલ કરી શકે છે.
આ પિટિશન સાથે તે અમેરિકન સિટિઝને એક સોગંદનામું આપવાનું રહે છે, જેમાં તેણે પુરાવાઓ સહિત દર્શાવી આપવાનું રહે છે કે એ જેના લાભ માટે K-1 વીઝાની પિટિશન દાખલ કરી રહ્યા છે એ વ્યક્તિને છેલ્લાં બે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત રૂબરૂ મળ્યા છે.
પુરાવા તરીકે જે સ્થળે મળ્યા હો ત્યાં પાડેલા ફોટાે, પરદેશમાં મળ્યા હો તો બન્નેના પાસપોર્ટ, ઍરલાઇન્સની ટિકિટો, બોર્ડિંગ પાસ, હોટેલનાં બિલો, ત્યાર બાદ એકબીજા જોડે જે ઈ-મેઇલ પર ચૅટિંગ કર્યું હોય એ દર્શાવતાં પ્રિન્ટઆઉટ એ સઘળું આપવાનું રહે છે. જો લગ્ન સમયે બન્ને કુંવારાં હોય તો બન્નેનાં બર્થ-સર્ટિફિકેટ આપવાનાં હોય છે. જો આ પૂર્વે તમારામાંથી કોઈ પણ લગ્નગ્રંથિથી જોડાયાં હોય અને એ લગ્ન ડિવૉર્સમાં કે જેની સાથે લગ્ન કર્યાં હોય તેના મૃત્યુમાં પરિણમ્યાં હોય તો એ ડિવૉર્સની ડિક્રી અથવા ડેથ-સર્ટિફિકેટ આપવું જોઈએ. છૂટાછેડા કોર્ટ મારફત જ મેળવેલા હોવા જોઈએ. જો ડીડ ઑફ સેપ્રેશન કે એવા કોઈ ડૉક્યુમેન્ટ દ્વારા તમે કોર્ટમાં ગયા સિવાય છૂટાછેડા મેળવ્યા હોય તો એ માન્ય નહીં ગણાય.
તમે અમેરિકામાં લગ્ન ક્યાં કરશો? ક્યારે કરશો? કેવી રીતે કરશો? કોને-કોને આમંત્રણ આપશો? એ માટે શું-શું તૈયારી કરી છે? આ સઘળું સોગંદનામામાં દેખાડવાનું રહેશે. તમે જે પરદેશી વ્યક્તિ સાથે લગ્ન કરવા ઇચ્છો છો તેના દેશમાં શા માટે લગ્ન કરવા નથી જતા? એ વ્યક્તિને લગ્ન કરવા અમેરિકામાં જ શા માટે બોલાવો છો? આનાં સબળ કારણો જણાવવાનાં રહેશે.
કૉન્સ્યુલર ઑફિસરને ખાતરી થાય કે તમે આજીવન સાથે ગાળવા માટે જ અમેરિકન વ્યક્તિ જોડે લગ્ન કરવાની ઇચ્છા ધરાવો છો, નહીં કે એ બહાને અમેરિકામાં પ્રવેશવા ઇચ્છો છો એટલે તેઓ K-1 ફિઑન્સે વીઝા આપશે. એ મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ તમારે એ જ વ્યક્તિ જોડે ૯૦ દિવસની અંદર લગ્ન કરવાનાં રહેશે.