બુલેટની લે-વેચ એવી તો ફળી કે બની ગયા અનોખા બુલેટરાજા

04 June, 2024 09:17 AM IST  |  Mumbai | Rashmin Shah

કાંદાનો બાપીકો ધંધો સંભાળ્યા પછી બીજા થોડાક બિઝનેસમાં નિષ્ફળતા જોઈ લીધા પછી રાજેશ ગોરી શોખ ખાતર બુલેટ ખરીદવા નીકળ્યા અને તેમના હાથમાં એવી લાઇન આવી ગઈ જેની તેમણે કલ્પના સુધ્ધાં નહોતી કરી.

રાજેશ ગોરી

મુલુંડમાં રહેતા કચ્છી ભાનુશાલી પરિવારના ચાલીસ વર્ષના રાજેશ ગોરીને દિવસમાં સોથી વધુ ફોન આવતા હશે, જેમાંથી નેવું ટકા ફોનમાં તેમને બુલેટરાજાનું સંબોધન કરવામાં આવે છે. રાજેશભાઈ કહે છે, ‘મને તો માત્ર શોખ ખાતર બુલેટ ખરીદવી હતી પણ એ ખરીદવાની જર્ની એવી ઇન્ટરેસ્ટિંગ બની ગઈ કે મને લાગ્યું કે આ બુલેટને તો પ્રોફેશન બનાવી શકાય.’
ટેન્થની એક્ઝામ આપ્યા પછી તરત જ રાજેશભાઈને તેના પપ્પાએ પોતાની સાથે કાંદાના હોલસેલના બિઝનેસમાં લગાડી દીધા. વાત છે ૧૯૮૪ની. બાપીકો આ બિઝનેસ રાજેશભાઈએ છેક ૨૦૧૧-’૧૨ સુધી ચલાવ્યો, પણ પછી ઘટતી જતી ઘરાકી અને વધતી જતી ઉધારી વચ્ચે તેમણે કાંદાનો હોલસેલનો બિઝનેસ બંધ કરી દીધો. રાજેશભાઈ કહે છે, ‘હું નવી લાઇન શોધતો હતો એવામાં મને મારા એક ફ્રેન્ડની ફૅક્ટરી મળી ગઈ, જે નાશિકમાં હતી. એમાં મારે ઑટોમોબાઇલમાં આવતા ઇન્ડિકેટરના બલ્બ બનાવવાના હતા. ચાલુ ફૅક્ટરી એટલે મેં એ ખરીદી લીધી. મારા ફ્રેન્ડ સાથે મારો કૉન્ટ્રૅક્ટ એવો હતો કે હું જે માલ બનાવું એ માલ મારે બધો તેને આપવાનો અને તે એ માલ બજાજ, હૉન્ડા અને બીજી કંપનીને સપ્લાય કરે. હું તો દિવસ-રાત પ્રોડક્શન વધારવાની મથામણમાં રહેતો, પણ પ્રૉબ્લેમ એમાં આવ્યો. હું જેટલો માલ બનાવું એ બધો માલ મારો ફ્રેન્ડ ખરીદે નહીં અને બાકીનો માલ હું બહાર વેચી શકું નહીં. અધૂરામાં પૂરું પિસ્તાલીસ દિવસની ક્રેડિટ પર પણ તે મને પેમેન્ટ કરે નહીં. થોડો સમય ખેંચ્યો અને પછી મેં ફૅક્ટરી બંધ કરી દીધી.’

નવેસરથી લાઇનની શોધ આવી એટલે રાજેશભાઈ સેકન્ડ-હૅન્ડ કારની લે-વેચમાં ઇન્વેસ્ટર બન્યા. બેચાર સોદાઓ થયા અને તેમને થોડો નફો પણ થયો, પણ પછી તેમને ખબર પડી ગઈ કે સોદાબાજીમાં તેમની સાથે છેતરપિંડી થાય છે એટલે તે ત્યાંથી પણ છૂટા થઈ ગયા. રાજેશભાઈ કહે છે, ‘પૈસા હતા, મહેનત કરવાની તૈયારી હતી; પણ લાઇન નહોતી. મેં બહુ હવાતિયાં માર્યાં પણ કોઈ લાઇન મળે નહીં. એવામાં મને વિચાર આવ્યો કે હું નવરો ફરું છું તો લાવને મારી ડ્રીમ-બાઇક બુલેટ ખરીદું અને થોડો વખત લૉન્ગ ડ્રાઇવ પર જઈ આવું.’

શોધ શરૂ થઈ બુલેટની

રાજેશભાઈના પપ્પા પાસે બુલેટ હતી અને એ સમયથી તેમને બુલેટ બહુ ગમતી. બુલેટ ખરીદવા રાજેશભાઈ ગયા ત્યારે તેમને ખબર પડી કે સવા લાખની એ બાઇકનું બુકિંગ તમે આજે કરો એટલે નવ મહિના પછી ડિલિવરી મળે. રાજેશભાઈ કહે છે, ‘ઑન આપવાની મેં તૈયારી દેખાડી કે પચીસ હજાર ઑન લઈ લે, તો પણ ડિલિવરી મળી નહીં એટલે મેં સેકન્ડ-હૅન્ડ બુલેટ શોધવાનું શરૂ કર્યું અને મને બુલેટની સાચી ડિમાન્ડની ખબર પડી. એ સમયે ક્વિકર નામની વેબસાઇટ પર સેકન્ડ-હૅન્ડ સ્કૂટર મળી જતાં. બુલેટ મને જોવા મળે, હું કૉન્ટૅક્ટ કરું અને કલાક પછી સોદા માટે ફોન કરું ત્યાં ખબર પડે કે બુલેટ તો વેચાઈ ગઈ. આવું મારી સાથે ચાર-પાંચ વાર બન્યું અને એ પછી મને એક સિલ્વર બુલેટ મળી. મને બ્લૅક જોઈતી હતી, પણ મેં લઈ લીધી. થોડા દિવસોમાં મને ફરી એક મરૂન બુલેટ મળી. મને થયું કે સિલ્વર કરતાં આ સારી છે એટલે મેં મરૂન લઈ લીધી અને સિલ્વર બુલેટ વેચવા મૂકી દીધી. તમે માનશો? સિલ્વર બુલેટ મેં ખરીદી હતી એના કરતાં દસ હજાર રૂપિયા મને વધારે આપી ગઈ.’

મરૂન બુલેટ હજી તો માંડ વાપરવાનું શરૂ કર્યું હતું ત્યાં રાજેશભાઈ પાસે પાંચસો CCની વધુ એક બુલેટ આવી, જે તેમણે ખરીદી અને મરૂન વેચી તો એ મરૂન બુલેટમાં રાજેશભાઈને ખરીદકિંમત કરતાં પંદર હજારનો પ્રૉફિટ થયો. રાજેશભાઈ કહે છે, ‘હું આ બધું કરતો ત્યારે મારી વાઇફ શારદા મારા પર ગુસ્સો કરતી. એક તો તેને આ બુલેટ ગમે નહીં. તે એવું જ કહે કે આના કરતાં ઍક્ટિવા વપરાય, કંઈ લેવા જવું હોય તો કામ લાગે. પણ મારી એક જ વાત હતી કે મને બિઝનેસ નહીં મળે ત્યાં સુધી તો હું બુલેટ જ વાપરીશ.’
ખરીદેલી પાંચસો CCની બુલેટમાં થોડા સમયમાં મેઇન્ટેનન્સ આવ્યું અને એમાં પચીસ હજારનો ખર્ચ આવ્યો. રાજેશભાઈ કહે છે, ‘બુલેટમાંથી પચીસ કમાયો ને ત્રીજી બુલેટ એ પચીસ હજાર લઈ ગઈ, પણ આ આખી પ્રોસેસ સમયે મને સમજાઈ ગયું કે ડિમાન્ડ-સપ્લાયનો આ જે ગૅપ છે એ ગૅપ જો પકડાઈ જાય તો લાઇન ખૂલી જાય.’

છેલ્લી બુલેટ અને લાઇન ચેન્જ
પાંચસો CCની બુલેટ વાપરતા રાજેશભાઈને એ જ દિવસોમાં ખબર પડી કે ઘાટકોપરમાં એક ભાઈને પોતાની બ્લૅક બુલેટ વેચવી છે. ફોન પર વાત કરીને રાજેશભાઈ પહોંચ્યા એ બ્લૅક બુલેટ ખરીદવા. રાજેશભાઈ કહે છે, ‘એ ભાઈ અમારા કચ્છી ભાનુશાલી જ હતા. તેમણે પાંચેક હજાર રૂપિયા ઓછા કરી આપ્યા અને મેં ૧,૧૦,૦૦૦માં સોદો કરી નાખ્યો. એ પછી અમે બેઠાં-બેઠાં વાત કરતા હતા ત્યાં એ ભાઈને ફોન આવ્યો કે મારે એ બુલેટ ખરીદવી છે. તેમણે કહ્યું કે હમણાં જ સોદો થઈ ગયો, પણ એ ભાઈ માને જ નહીં. કહે કે જેણે બુલેટ લીધી એ ભાઈ સાથે વાત કરાવો એટલે પેલા ભાઈએ મારી સાથે વાત કરાવી. તે વાત પડતી મૂકવા તૈયાર જ ન થાય. મેં એમ જ તુક્કો માર્યો કે ચાલો, જોઈતી હોય તો બુલેટ આપી દઉં, પ્રાઇસ ૧,૩પ,૦૦૦ રૂપિયા.’

નવી બુલેટ કરતાં પણ દસ હજાર રૂપિયા વધારે.

પેલો માણસ તૈયાર થઈ ગયો અને બુલેટ લેવા માટે પેલા ભાઈની ઑફિસ નીચે જ આવી ગયો. એ ભાઈનો સ્વભાવ પણ સારો કે તેમણે કહ્યું કે આ તમારા નસીબના પૈસા છે અને મને સમજાયું કે બુલેટ મારું નસીબ છે. બસ, એ દિવસથી મેં નક્કી કર્યું કે આપણે આ લાઇનમાં આગળ જવું છે. પછી તો હું જ્યાં બુલેટ મળે ત્યાંથી ભેગી કરવા લાગ્યો. શરૂઆતમાં અમારી જ સોસાયટીના પાર્કિંગમાં મેં બિઝનેસ શરૂ કર્યો અને પછી મુલુંડમાં જ એક નાનકડી શૉપ લઈને કામ શરૂ કર્યું.

નામ આવ્યું બુલેટરાજા...
આજે રાજેશભાઈ પાસે સો બુલેટ સહિત પાંચસો લક્ઝુરિયસ બાઇક છે. રાજેશભાઈ મહિને દા’ડે સો બાઇકનું વેચાણ કરે છે અને એમાંથી પંચોતેર બુલેટ હોય છે. બુલેટનો જે મૅચો લુક છે એ લુકે રાજેશભાઈને એના પ્રેમમાં પાડ્યા હતા તો આજે પણ એ જ લુક યંગસ્ટર્સને પ્રેમમાં પાડે છે. હવે પૉલ્યુશનના કારણે ટેક્નિકલ સ્પેસિફિકેશનમાં ચેન્જ આવ્યા છે, જેને લીધે બુલેટના પેલા જે ભરાવદાર સ્ટ્રોક્સ હતા એ હવે સાંભળવા નથી મળતા પણ એમ છતાં બુલેટના એન્જિનનો અવાજ તો તમને બસો ફીટ દૂરથી પણ ઓળખાઈ જ જાય.

શૉપની વાત પર પાછા આવતાં રાજેશભાઈ કહે છે, ‘મેં શૉપ કરી ત્યારે મારી ઇચ્છા તો હતી કે હું મહાદેવના નામ પરથી દુકાનનું નામ રાખીશ. વાત છે ૨૦૧૪ની. એ સમયે મારી દીકરી જિનલ અને દીકરા મીતે એક ફિલ્મ જોઈ હતી ‘બુલેટરાજા’, એ લોકો આ નામ લઈને બેસી ગયાં. મેં તેમને કહ્યું કે બહુ ફન્કી નામ છે, ખરાબ લાગે; પણ તેઓ માને જ નહીં. વાત ત્યાં સુધી પહોંચી કે જો તમે આ નામ નહીં રાખો તો અમે બન્ને તમારી શૉપના ઓપનિંગમાં નહીં આવીએ. મેં હા પાડી દીધી અને દુકાનનું નામ પડી ગયું, બુલેટરાજા બાઇક્સ. મુંબઈ જ નહીં, આજે આખા મહારાષ્ટ્રમાંથી કોઈને પણ બુલેટ જોઈતી હોય તો એ મારો કૉન્ટૅક્ટ કરે અને સીધું એમ જ કહે, બુલેટરાજા, એકાદ સરસ પીસ કાઢી આપો.’

કસ્ટમર પાછો ન જાય એ માટે બીજી લક્ઝુરિયસ બાઇક રાખવાનું રાજેશભાઈએ શરૂ કર્યું છે પણ તે આજે પણ ચોખ્ખું કહે છે કે ‘બુલેટ મારાં માઈબાપ છે. એણે જ મને લાઇન આપી અને એણે જ મને રોજીરોટી આપી છે. આખા શોરૂમમાં બુલેટ તો સૌથી આગળ જ રહે અને મને કોઈ પૂછે તો હું એ જ કહું, લેવાની તો બુલેટ જ...’

columnists mulund gujaratis of mumbai gujarati community news mumbai