24 September, 2024 12:43 PM IST | Mumbai | Bhikhudaan Gadhvi
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે ટેલિફોનનું ડબલું લક્ઝરી ગણાતું. તમારા ઘરે ફોનની લાઇન ફિટ થાય તો અડધું ગામ રાજી થઈ જાય અને પાછા કહેતા ફરે કે હવે અમને નિરાંત. એ જે કહેતા એ સાચું હતું. કારણ કે ટેલિફોન જીવન નહોતું, ઇમર્જન્સીને સાચવી દેનારું સાધન હતું, પણ હવે તમે જુઓ, આજે ફોન હાથમાં ન હોય તો માણસનો જીવ અધ્ધર થઈ જાય અને આકુળવ્યાકુળ થઈને ફોન શોધવાનું શરૂ કરી દે. કબૂલ કે ફોન હવે ફક્ત ફોન નથી રહ્યો, એમાં કમ્પ્યુટર પણ આવી ગયું ને એને લીધે કામ સરળ થઈ ગયું, પણ એમ છતાં ફોનનો અતિરેક થઈ ગયો છે એ પણ આપણે કબૂલવું રહ્યું. હવે આપણાથી બાળકોથી લઈને વડીલો અને મિત્રો છૂટી શકે છે પણ ફોન નથી છૂટતો. ફોન હવે ફોન નહીં, વેન્ટિલેટર થઈ ગયો છે.
પહેલા જેવા દિવસો અને પહેલા જેવો સમય હવે ઇતિહાસ બની ગયો છે. એ સંધ્યા સમયની આરતી, રામાયણ અને મહાભારતનું વાંચન, ગીતાજીના પાઠ અને એવું ઘણું કરવા મળ્યું, પણ આ નવી પેઢીના નસીબમાં તો એવું કશું આવ્યું જ નહીં. મને લાગે છે કે અત્યારનાં જે પપ્પા-મમ્મીઓ છે એ કદાચ છેલ્લી જનરેશન છે જેણે મેદાનમાં રમવાનું સૌભાગ્ય મેળવ્યું છે અને જમીન પર પડીને ઘરમાં પાછા આવવાનો લાભ લીધો છે. આજનાં મમ્મી-પપ્પા એવી છેલ્લી પેઢી છે જેણે ભૂખ લાગ્યા પછી ઘરમાં રહેલા ડબ્બા ખાલી કર્યા છે. હું કહીશ કે આળસ અને એકલતાનો અજગર ઘર ભાળી ગયો છે. એણે તકલીફ ઊભી કરી દીધી છે અને એ તકલીફ વચ્ચે રહીને બધાને પોતાની દુનિયામાં રહેવું છે. હું તો ઘણી વાર કહેતો હોઉં છું કે કોણે કીધું કે એક દુનિયા છે. ના રે, હવે એ દિવસો પૂરા થયા. હવે તો માણસે-માણસે એક નોખી દુનિયા છે, પણ સાહેબ, એ દુનિયામાં રહેવા જેવું નથી. જગતમાં જીવવાની સાચી મજા તો બધાય ભેગા હોય ત્યારે આવે. યાદ કરો તમારું નાનપણ, એયને કેટકેટલા લોકોની સાથે રહીને તમે મજા કરી ને આજે, આજે તમે જ બાળકોને એકલાં પાડી દેવાનું કામ કરવા માંડ્યા. છોકરાંવના હાથમાં મોબાઇલ પકડાવી દીધો અને તેની જિંદગીમાંયે ઓલો એકલતાનો અજગર ભટકતો મૂકી દીધો.
માણસ ભૂલી ગયો કે ટેક્નૉલૉજી તેણે બનાવી છે. હવે માણસ ટેક્નૉલૉજીનો મોહતાજ થઈ ગયો છે અને હવે ટેક્નૉલૉજી માણસને ચલાવવા માંડી છે પણ ભૂલતા નહીં, કુદરત એનો રચયિતા નથી, આ તમારી પોતાની રચના છે જે હવે તમને દોરવાનું કામ કરે છે. કહેવત હતીને કે ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.’ આ કહેવતમાં દીકરીના સ્થાને હવે માણસ આવી ગયો છે અને ગાયના સ્થાને હવે ટેક્નૉલૉજી ગોઠવાઈ ગઈ છે.