વિદ્યાર્થીઓના મનના તોફાનમાં દીવાદાંડી બનશે ભગવદ્ગીતા

24 December, 2023 08:51 AM IST  |  Mumbai | Ruchita Shah

‘ગીતા’જ્ઞાનથી બાળકોનું ઉત્થાન કેટલું સંભવ છે?

અમદાવાદની સ્કૂલમાં ભગવદ્ગીતા વાંચી રહેલા સ્ટુડન્ટ્સ (તસવીર : જનક પટેલ)

ગુજરાત સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવાનો નિર્ણય લઈને ભલભલાનાં મન જીતી લીધાં છે. આ વાતની હિમાયત અલગ-અલગ સ્તરે ઘણાં વર્ષોથી થઈ રહી છે, પણ હવે આવતા વર્ષથી એનો અમલ થવાનો છે ત્યારે ટીનેજરોના મનના મહાસાગરમાં આજના ઓવરએક્સપોઝરના યુગમાં ઊઠતાં તોફાનોમાં ભગવદ્ગીતા દીવાદાંડી બની રહેશે એ નક્કી છે. જોકે કેટલાક સાક્ષરો એવી પણ ચેતવણી આપે છે કે ભગવદ્ગીતા જેવો ગ્રંથ સમજનારા અને સમજાવનારામાંથી એક પણ અણઘડ હોય તો અનર્થ થઈ શકે છે. જાણીએ આ વિશે કોનું શું કહેવું છે ‘મિડ-ડે’નાં રુચિતા શાહની કવર-સ્ટોરીમાં.

ભારતીય પરંપરાનો મહાન ગ્રંથ ગણાતા ‘શ્રીમદ ભગવદ‍્ગીતા’નાં સિદ્ધાંતો અને મૂલ્યોને સ્કૂલ લેવલ પર ભણાવવાની જાહેરાત ગુજરાત સરકારે કરી દીધી છે. વિશ્વમાં ટોચના સ્તરે બિરાજતા વિદ્વાનો દ્વારા આ ગ્રંથનો મહિમા ગાઈ-વગાડીને કહેવાયો છે અને એનો આધ્યાત્મિક સૂર ભલભલાના જીવનને સ્પર્શે એવો પણ છે, પરંતુ શું નાનાં બાળકો આ ગ્રંથના સારને સમજવા સમર્થ છે? બાળકો ‘ગીતા’ના હાર્દને સમજવાને બદલે એની કથાથી ખોટી રીતે દોરવાઈ નહીં જાય? બાળકોને આ ગ્રંથનાં સિદ્ધાંતો અને મૂલ્યો કઈ રીતે ઉપયોગી થઈ શકે છે જેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે સમાજમાં અગ્રણી સ્થાન ધરાવતા અને ‘ગીતા’નો ઊંડો અભ્યાસ કરનારા વિદ્વાનો સાથે વાત કરી ત્યારે જાણવા મળેલી રોમાંચક માહિતી આજે પ્રસ્તુત છે અહીં....

૭૦૦ શ્લોકના અદ્ભુત ગ્રંથ ‘શ્રીમદ ભગવદ્ગીતા’ની દુનિયા નિરાળી છે. આજ સુધીમાં અનેક વિદ્વાનોએ દિશાસૂચક તરીકે આ ગ્રંથનો સહારો લીધો છે. ભલભલા નિરાશ વ્યક્તિમાં આશાવાદનો અનેરો અજવાશ પાથરીને હિંમત અને શૌર્યથી તરબતર કરવામાં આ ગ્રંથનો જોટો જડે એમ નથી. દુનિયાના લીડર્સ, વૈજ્ઞાનિકો, અભિનેતા એમ દરેક સ્તરના લોકો આ ગ્રંથનાં ગુણગાન ગાઈ ચૂક્યા છે. સતત જે નવા અર્થ અને ભાવાર્થો સાથે ભાવિકોના મનને અચંબિત કરી રહ્યો છે એ ગ્રંથ હવે નાનાં બાળકો માટે પણ દિશાસૂચક બની શકે એ આશયથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક અનોખો નિર્ણય લીધો છે. એ નિર્ણય મુજબ ગુજરાતની સ્કૂલોમાં સાતમા અને આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ‘ભગવદ્ગીતા’નાં સિદ્ધાંતો અને મૂલ્યો ભણાવવામાં આવે અને એ વાતોના પુસ્તકના પહેલા ભાગનું શુક્રવારે ગીતાજયંતી નિમિત્તે વિમોચન કરવામાં આવ્યું. સ્કૂલમાં ભણતાં બાળકોને આ મહાન ગ્રંથનો સંદેશ પાઠ્યક્રમ સ્વરૂપે ભણાવવાનો નિર્ણય મોટો છે. જે ગ્રંથના ચાહકો દુનિયાભરમાં હોય એ ગ્રંથ કઈ રીતે બાળકોના સર્વાંગી વિકાસમાં નિમિત્ત બની શકે એમ છે અને હકીકતમાં બાળકો એની પાછળની ગૂઢતાને સમજી શકશે કે કેમ એ વિષય પર કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીએ. હા, એટલું તો નક્કી કે જો બાળકો ગ્રંથની ગૂઢતા સમજ્યા તો એ તેમનાં મનના મહાસાગરમાં ઊઠતાં તોફાનો માટે દીવાદાંડી બનશે ગીતા.

 

જાણે કે ઈશ્વરની જ ઇચ્છા

તમે જોયું હશે કે છેલ્લા થોડાક અરસામાં આપણા દરેક મોટા નેતાઓ પોતાના ભાષણમાં વારંવાર ‘શ્રીમદ ભગવદ્ગીતા’ની શ્રેષ્ઠતાનો ઉલ્લેખ કરતા આવ્યા છે. ગયા વર્ષે સંસદ સત્ર વખતે સંસદ સભ્ય ગોપાલ શેટ્ટીએ સંસદમાં ‘ગીતા’નો અભ્યાસ નાનાં બાળકોના કરિક્યુલમમાં સામેલ કરવાની બાબતનો એક પ્રશ્ન સંસદમાં મૂક્યો હતો એ સંદર્ભે તેઓ કહે છે કે ‘એમાં બન્યું એવું કે કાંદિવલી-બોરીવલીમાં નિયમિત યોજાતા ભાગવત સપ્તાહના કાર્યક્રમોમાં અવરજવર વધવાથી ‘ગીતા’ વિશેની સમજણ કેળવાતી ગઈ. નાનપણમાં હું પોતે પારિવારિક સંજોગોને કારણે એના જ્ઞાનને નહોતો મેળવી શક્યો, પરંતુ અનાયાસ જ મારા જીવનની ધારા એના સંદેશ મુજબ જ ચાલી રહી હતી. સત્યનો જ સાથ આપવાની મારી નીતિ હતી અને આજે પણ છે. જેમ-જેમ આ ગ્રંથ વિશે સમજણ પડતી ગઈ એમ-એમ થયું કે જેટલો જલદી આ ગ્રંથ શીખવા મળે એટલું જીવન વધુ બહેતર બને. બાળપણથી જ જો એની વાતો મગજમાં ઊતરી જાય તો બાળકો પણ સશક્ત બનશે, કારણ કે એમાં કહેવાયેલી વાતો ભલભલાને જગાડી દે એવી પાવરફુલ છે. સંસદમાં મેં મૂકેલા પ્રશ્નનો નંબર લાગ્યો અને એની સાથે સંકળાયેલા મંત્રીને હું મારા પ્રશ્ન પાછળનાં કારણો સમજાવી શકું એવી સદ્નસીબે તક પણ મળી, જે મોટે ભાગે સવાલ-જવાબ સત્રમાં સંસદમાં ભાગ્યે જ બનતું હોય છે. એ સમયથી મેં મારા સ્તર પર બાળકોને ‘ગીતા’ શીખવવાની શરૂઆત કરી દીધી અને પોઇસર જિમ ખાનામાં ઇસ્કૉનના સંતની મદદથી દોઢસો જેટલાં બાળકોના રેગ્યુલર ‘ગીતા’ શીખવવાના ક્લાસ પણ શરૂ કરી દીધા. આ વર્ષે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે અને આવનારા સમયમાં દેશનાં દરેક રાજ્યોની સરકાર દ્વારા આ નિર્ણય લેવાય તો એ આપણા દેશના ભવિષ્યને મજબૂત કરવા માટે મારી દૃ​ષ્ટિએ બહુ મોટું પગલું લેવાયેલું ગણાશે. જેલના કેદીઓને સુધારવા માટે તેમને ‘ભગવદ્ગીતા’ની ટ્રેઇનિંગ અપાય છે, પરંતુ જો બાળકોને જ ‘ગીતા’નો હાર્દ સમજાવવામાં આવ્યો હોય તો જેલમાં જવું પડે એવું કોઈ કામ જ તેઓ ન કરે એ વાત કોઈ સમજવા માગતું નથી.’

જરૂરી હતું આ

બાળકોના એજ્યુકેશ માટે છેલ્લાં ઘણાં વર્ષોથી સક્રિય અને સરકાર સાથે મળીને એજ્યુકેશન પૉલિસીમાં ઍડ્વાઇઝરની ભૂમિકા ભજવતા એજ્યુકેશનિસ્ટ ડૉ. સ્વરૂપ સંપટ ગુજરાત સરકારના આ પગલાથી ખૂબ જ ખુશ છે. એનું કારણ આપતાં તેઓ કહે છે કે ‘નૅશનલ કરિક્યુલમ દ્વારા કલ્ચર અને હિસ્ટરીને મહત્ત્વ આપવાનું મેન્શન કરેલું, પણ એમાં ક્યાંય આપણા ગ્રંથોનો સ્પષ્ટતા સાથે ઉલ્લેખ નહોતો એનો મને અફસોસ હતો. જેની સામે ગુજરાત સરકારે સીધો જ આ નિર્ણય લીધો છે એ બાળકોના હિતમાં છે. ઘણા ભારતીયોને પણ હજી શંકા હશે, પરંતુ યુનેસ્કોએ પણ પોતાના એક સ્ટેટમેન્ટમાં સ્વીકાર્યું છે કે ‘મહાભારત’ અને ‘રામાયણ’ આ બે મહાકાવ્યનો આખા એશિયા ખંડ પર બહુ જ મોટો પ્રભાવ રહ્યો છે. ન્યુ એજ્યુકેશન પૉલિસીની વિવિધ સ્કીમ અંતર્ગત પણ આપણા સંસ્કૃતના શ્લોકોનું પઠન અને એના ઉચ્ચારણને કારણે બ્રેઇનને થતા લાભો પર અમે પ્રયોગો કરી ચૂક્યા છીએ. મને એ વાતની ખુશી છે કે આપણા વડા પ્રધાન ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા એ સમયે પ્રોગ્રેસનો જે પાયો બનાવીને ગયા એ દિશામાં આજે પણ એટલી જ તત્પરતા સાથે કામ થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈએ તેમના સમયમાં ગુજરાતમાં શરૂ કરેલા કામની રફતાર નથી ઘટી. આપણાં તમામ વેદ-શાસ્ત્રોનો સાર ગણાતા ‘શ્રીમદ ભગવદ્ગીતા’ને બાળકો સુધી સરળતા સાથે પહોંચાડવાનું કામ તેમના જીવન માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, એટલું ચોક્કસ કહીશ કે આ જે કોઈ પગલું સરકારે ભર્યું છે એને માત્ર એને આગળ પણ કાયમ કરવામાં આવે. સતત ત્રણથી પાંચ વર્ષ આ પ્રોગ્રામ જો સક્રિય રહ્યો તો અને તો જ એનાં ફળ આપણને જોવા મળશે. સરકારે શરૂ કરેલી આ પહેલ એ પૉલિટિકલ એજેન્ડા ન બની રહે એટલી દરખાસ્ત હું તમારા માધ્યમે ચોક્કસ કરીશ. અને બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે આમાં કોઈ ધર્મનો પ્રચારની વાત જ નથી આવતી. ‘ગીતા’ એ અધ્યાત્મિકતા સાથે સંકળાયેલો ગ્રંથ છે અને તમને તમારા રૂટ્સથી તમારા પોતાના મનની વિહવળતાઓને કઈ રીતે મૅનેજ કરવી એ શીખવે છે જેની આજના બાળમાનસને સર્વાધિક જરૂર છે એવું મને લાગે છે. બાળકોને આ એમ્પાવર્ડ કરશે અને તેમની અંદર અનેક નવી સંભાવનાઓને જગાડશે એવો મને પૂરો વિશ્વાસ છે, પરંતુ ફરી કહું છું કે આ ટેમ્પરરી જાહેરાત ન બની રહે અને પાંચ વર્ષ સતત આયોજનપૂર્વક એનું અમલીકરણ થાય એ ખૂબ એટલે ખૂબ જ મહત્ત્વનું છે.’

મળશે સૉલિડ પરિણામ

જેમના જીવનમાં ‘ભગવદ્ગીતા’ની એન્ટ્રી થઈ છે તેમના જીવનમાં અકલ્પનીય પરિણામો મળ્યાં છે અને એટલે જ હવે ઘણી બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા ગીતાસારને જુદા-જુદા દૃ​​ષ્ટિકોણથી સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એમબીએના સ્ટુડન્ટ માટે ‘ભગવદ્ગીતા’ અને મૅનેજમેન્ટ ફન્ડા પર ટ્રેઇનિંગ આપતા ત્રીસ વર્ષથી ઇસ્કૉનમાં કાર્યરત અને ગોવર્ધન ઇકો વિલેજના ડિરેક્ટર ગૌરાંગ દાસજી કહે છે કે ‘‘ભગવદ્ગીતા’ જેવો સાપેક્ષ ગ્રંથ શોધવો મુશ્કેલ છે. ‘ગીતા’નો ઉદ્ભવ કેટલો રોમાંચક છે એ જુઓને. અર્જુન એટલે એવું વ્યક્તિત્વ જેની પાસે સફળતાની કોઈ કમી નહોતી, આવડતની કોઈ કમી નહોતી. તમે તેને દ્રોણાચાર્ય ઇન્સ્ટિટ્યૂટનો ગોલ્ડ મેડલિસ્ટ કહી શકો એવો અર્જુન યુદ્ધના મેદાનમાં પહોંચીને ભયંકર આઇડે​ન્ટિટી ક્રાઇસિસ વચ્ચે ફસાયો. યુદ્ધના મેદાનમાં આવ્યો એ પહેલાંથી જ તેને ખબર જ હતી કે યુદ્ધ કોની સામે લડવાનું છે અને છતાં જ્યારે સામે ભીષ્મ અને દ્રોણાચાર્ય આવ્યા ત્યારે તેનો આત્મવિશ્વાસ ડગમગાઈ ગયો. શું કરવું તેને સમજાયું જ નહીં. યોદ્ધા તરીકે તેનું કર્તવ્ય શત્રુનો સંહાર કરવાનો હતો, પણ સામે એ જ ભીષ્મના પૌત્ર હોવાને નાતે તેમના માટે તેને પ્રેમ પણ હતો, એ જ દ્રોણાચાર્યને ગુરુ તરીકે તે ભરપૂર આદર કરતો હતો. યોદ્ધા તરીકે તે આગળ વધે કે પૌત્ર તરીકે કે શિષ્ય તરીકે. આ આઇડેન્ટિટી ક્રાઇસિસ અને આ મેન્ટલ ટ્રોમા વચ્ચે યુદ્ધ કરવાનો ફાઇનલ કૉલ લઈ લીધા પછી તે મનોમન અટવાયો અને એમાં તે એવો ઉદાસ થયો અને દુ:ખની ગર્તામાં ધકેલાયો કે ડિપ્રેશન જેવી સ્થિતિમાં આવી પહોંચ્યો. આજના પરિવેશમાં અર્જુન જેવી કન્ફ્યુઝન ઘણા સ્ટુડન્ટ્સ પણ ભોગવી રહ્યા છે. વિશ્વમાં મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ સતત વધી રહ્યા છે, કારણ કે લોકોમાં સતત આ આઇડેન્ટિટી ક્રાઇસિસ જોવા મળી રહ્યા છે. આ કૉન્ફ્લિક્ટ જ લોકોને પૅરેલાઇઝ કરી નાખે છે. તેની નિર્ણય લેવાની ક્ષમતા ખતમ કરી નાખે છે. આજે જુઓ કે દરરોજ ૩૭૦ લોકો ભારતમાં આપઘાત કરે છે અને દુનિયામાં પચાસ કરોડ લોકો મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ ભોગવી રહ્યા છે. આ સ્થિતિમાં રહેલા અર્જુનને ભગવાન કૃષ્ણએ દિશા દેખાડી અને તેણે જે નિર્ણય લીધો હતો એમાં ડટેલા રહેવાની હિંમત કેળવવામાં પણ મદદ કરી. જે બદલાવથી અર્જુન ડરી રહ્યો હતો એ બદલાવ શાશ્વત નથી, પણ શું શાશ્વત છે એની સમજ આપી. હકીકતમાં ‘ભગવદ્ગીતા’ એ બહારના યુદ્ધ કરતાં પણ વ્યક્તિની અંદર ચાલતા યુદ્ધમાંથી માર્ગ કેમ શોધવો એ સૂચવતો ગ્રંથ છે અને એટલે જ એનું મહત્ત્વ કલ્પનાતીત છે.’

અહીં ઉલ્લેખનીય છે કે ગૌરાંગ દાસજીએ IIM નાગપુરના એમબીએ સ્ટુડન્ટ માટે ‘ભગવદ્ગીતા’ અને મૅનેજમેન્ટ ​સ્કિલ્સ વિષય પર એક વિશિષ્ટ કોર્સ શરૂ કર્યો છે. એમાં તેમણે સમાવેલી બાબતો આજના દરેક વિદ્યાર્થીઓ માટે અનુકરણીય છે જેનો બોધ આ મહાન ગ્રંથ આપે છે. તેઓ કહે છે કે ‘સ્ટુડન્ટની લાઇફ અને ‘ભગવદ્ગીતા’નો મેસેજ એને સાંકળીને આઠ સેશન્સના આઠ ટૉપિકમાં પહેલાં અમે પર્પઝ રાખ્યું છે એ પછી હેબિટ્સ, ફોકસ, રિલેશનશિપ્સ, ડિટરમિનેશન, ડિસ્ક્રિમિનેશન, હ્યુમિલિટી અને ટોલરન્સ. આ આઠ વિષયની અદ્ભુત સમજણ તમને ‘ગીતા’માંથી મળે છે અને એ દરેક બાળક માટે જરૂરી છે કે નહીં? ‘ભગવદ્ગીતા’ દરેક બાળકને સામર્થ્યવાન અને ચારિત્રવાન બનાવશે અને એ જ ધ્યેય સાથે અમે પણ કામ કરી રહ્યા છીએ. હું દરેક સ્ટુડન્ટ્સને ત્રણ મહત્ત્વની ક્વૉલિટી ‘ભગવદ્ગીતા’ના ત્રણ શ્લોકમાંથી શીખવાનું કહેતો હોઉં છું, જેમાં સૌથી પહેલાં રેઝિલિઅન્સ એટલે કે પરિવર્તનો, બદલાવો સામે ડરવું નહીં સ્થિર રહેવું. એ સમય પસાર થઈ જ જતો હોય છે. બીજા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ એની વાત કરે છે. એવી જ રીતે બીજા નંબરે ફોકસ. જેની આજના ટેક્નૉલૉજિકલ વર્લ્ડમાં ભરપૂર કમી છે. બીજા અધ્યાયના ચાલીસમાં શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે આ એકાગ્ર ચિત્તની મહત્તા સમજાવે છે. જીવનમાં આગળ વધવું હોય તો જેટલી એકાગ્રતા વધારે એટલી સફળતા વધારે. આજે સોશ્યલ મીડિયાએ તમારી એકાગ્રતાને દાવ પર મૂકી દીધી છે ત્યારે તમારી એકાગ્રતાનું મૅનેજમેન્ટ કેવી રીતે કરવું એ વાત બહુ જ અદ્ભુત રીતે આ શ્લોકમાં સમજાવવામાં આવી છે. અને ત્રીજી વાત આવે છે હેબિટ્સ. છઠ્ઠા અધ્યાયના ૧૭ નંબરના શ્લોકમાં તમારી આદતો કેવી હોવી જોઈએ એ વિષય પર ભગવાન કૃષ્ણ વાત કરે છે. આહાર, કામ, નિદ્રા અને રેક્રીએશન. આ ચાર બાબતોમાં જો તમે સંતુલિત છો તો તમને લાઇફમાં કોઈ જ હરાવી નહીં શકે એ વાત પણ ‘ગીતા’ શીખવે છે. વિદ્યાર્થીઓને આવી વાતો જીવનભર માટે કામ લાગે કે ન લાગે? જો લાગતી હોય તો તેમને નાની ઉંમરમાં પણ ‘ગીતા’નો અભ્યાસ કરાવવો એમાં કંઈ ખોટું ગણાય? આમાં ધર્મની વાત ક્યાં આવી? જાતને આ સવાલ કરો, જવાબ તમને તમારી અંદરથી જ મળી જશે.’

પ્રભાવશાળી તો જ બનશે જો...

આ એવો પાવરફુલ ગ્રંથ છે કે આજ સુધી તેણે અનેકનાં જીવન બદલ્યાં છે તો બાળકોને પહેલેથી જ મળેલી એની શિક્ષા સો ટકા તેમના લાભમાં રહેશે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ અને ‘શ્રીમદ ભગવદ્ગીતા’ ગ્રંથના આધારિત ‘ભગવદ્ગીતા ટીચિંગ ઍન્ડ મૉડર્નમૅન (ઍ​પ્લિકેશન્સ ઇન સાઇકોથેરપી)’ વિષય પર ડૉક્ટરેટ કરનારા ડૉ. મહેશ પરીખના આ વિષય પરના વિચારો જાણવા જેવા છે. તેઓ માને છે કે ‘બાળકો માટે ‘ભગવદ્ગીતા’ની વાતો પચાવવી અઘરી છે અને એટલે જ એનું પ્રસ્તુતીકરણ કેવી રીતે થાય છે એ જોવું ખૂબ મહત્ત્વનું રહેશે. એના માટે સરકારનો એજન્ડા અને આશય શું છે એ જાણવું પડે. જો સરકાર માત્ર પૉલિટિક એજન્ડાના ભાગરૂપે લોકોને રાજી કરવા માટે આ પગલું લેતી હોય તો સંભવ છે કે બાળકોને ધ્યાનમાં રાખીને એનું પ્રસ્તુતીકરણ ન પણ થાય. હું ‘ગીતા’નો વર્ષોથી અભ્યાસ કરું છું અને મારા પેશન્ટ માટે ‘ગીતા’ના બેઝ પર સાઇકોથેરપી આપું છું. એ પછી પણ જો મને કોઈ કહે કે તમે બાળકોને તેમના અંદાજમાં ‘ગીતા’ સમજાવો તો એ મારી માટે અઘરું થઈ પડે. એના માટે વિશિષ્ટ બાળમાનસને અને તેમની સમજણને સમજવાની અને એમાં જ આગળ વધવાની આવડત હોવી જોઈએ. જો એમાં સરકાર નિષ્ફળ રહે તો આ આખું આયોજન વ્યર્થ સાબિત થશે. બાળકોને એમાં કોઈ પણ જાતનો લાભ થવાની સંભાવના ઓછી છે.’

આ જ વાતને એક ડગલું આગળ વધીને સૉફ્ટવેર ડેવલપર અને ભગવદ્ગીતા અને મૅનેજમેન્ટ વિષય પર પીએચડી કરનારા ડૉ. મિલિંદ અગ્રવાલ પણ સમર્થન કરે છે. તેમની દૃ​ષ્ટિએ ‘ગીતા’ સૌના માટે છે અને એને સમજી શકો તો એ દરેક સ્તરના અને દરેક ઉંમરના લોકોને લાભ કરનારી છે. તેઓ ઉમેરે છે કે ‘અભ્યાસની દૃ​ષ્ટિએ ભણવામાં, માર્ક્સ લાવવામાં, ફેલ થયા તો શું અને પાસ થયા તો શું? જેવા અનેક વિષયોને ગૂઢ રીતે ‘ગીતા’માં સમાવવામાં આવ્યા છે. જેમ બિઝનેસમૅનને બિઝનેસ કેમ કરવો એ ‘ગીતા’ શીખવી શકે એમ છે અને એક યોગીને આત્મસાક્ષાત્કારનો બોધ આ ગ્રંથ આપે છે એમ જ બાળકોને જીવનમાં આગળ કેમ વધવું, કેવાં મૂલ્યોથી જીવનમાં સફળ થવાય અને નિષ્ફળતા મળ્યા પછી પણ સ્ટેબલ કેમ રહેવું જેવી અઢળક ઉપયોગી બાબત મળી શકે એમ છે, પણ જો એ દૃ​ષ્ટિકોણથી તેમને સમજાવવામાં આવે તો. આજે જ્યારે બાળકો એકલાં થતાં જાય છે. સાઇકોલૉજિકલી તેઓ નબળાં પડતાં જાય છે ત્યારે તેમને ‘ગીતા’ બહુ જ મોટો મોરલ સપોર્ટ આપી શકે એમ છે.’

‘રામાયણ’ શીખવો બાળકોને, ‘ગીતા’ નહીં : વિશ્વબંધુ પૂજ્ય શશિભાનુ મહારાજ

‘શ્રીમદ ભગવદ્ગીતા’ એ યુદ્ધભૂમિ પર રચાયેલો ગ્રંથ છે, જેમાં ધર્મની રક્ષા માટે પોતાના જ સ્વજનો પર કેમ કરીને વાર કરવો જોઈએ એ માટેની અર્જુનની મૂંઝવણ અને કશમકશને ભગવાન શ્રીકૃષ્ણ અદ્ભુત રીતે જવાબ આપે છે. જોકે ‘ગીતા’માં ઘણી બાબતો એવી છે જેનો અર્થ ન સમજાય તો અનર્થ થઈ શકે એમ છે એમ જણાવીને ગુરુવર વિશ્વબંધુ તરીકે જાણીતા પરમ પૂજ્ય શ્રી શશિભાનુદાસ રાજયોગી કહે છે કે ‘ગીતા’ દુનિયાનો શ્રેષ્ઠ ગ્રંથ છે એવું હું માનું છું, પરંતુ એની પાછળનો ગૂઢ અર્થ ન સમજો તો અનર્થ કરાવનારો પણ છે. જો ‘ગીતા’ ભણાવનારી વ્યક્તિ અણધડ હોય તો બાળમાનસ માટે એને સમજવું અઘરું થઈ શકે છે. ‘ગીતા’ બેધારી તલવાર જેવો ગ્રંથ છે. પોતાની સાથે અન્યાય થાય તો યુદ્ધ કરો, ધર્મની સ્થાપના માટે અધર્મનો રસ્તો પણ અપનાવવો હોય તો અપનાવાય અને પોતાના જ સ્વજનોની હાનિ થતી હોય તો એમાં અચકાવું નહીં જેવા અઢળક પ્રસંગો આ ગ્રંથમાં છે. એની પાછળનો ગૂઢાર્થ સમજ્યા વિના જો કોઈ બાળક એને પોતાના મૂળ સ્વરૂપમાં જ સમજી લે તો એ સો ટકા ખોટી દિશામાં ફંટાઈ શકે એમ છે. ધારો કે એક બાળકની પેન્સિલ તેની બાજુમાં બેસતા બીજા બાળકે ચોરી લીધી તો આ બાળક પેલાને મારતાં અચકાશે નહીં અને એમાં રેફરન્સ ‘ગીતા’નો આપશે અને દલીલ કરશે કે ‘ગીતા’માં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે ખોટું થતું હોય તો એનો વિરોધ કરવો અને વિરોધમાં યુદ્ધ જેવું યુદ્ધ તેમણે પોતાના જ લોકો સાથે અર્જુન પાસે કરાવડાવ્યું તો મેં તો અહીં માત્ર લાફો જ માર્યો છે. ‘ભગવદ્ગીતા’ને સમજાવનારી વ્યક્તિ જો બરાબર નહીં હોય તો બાળકો એમાંથી ખોટો સંદેશ લઈ લે એવી સંભાવનાઓ ખૂબ વધારે છે. એટલે અગ્રણી વિદ્વાનો સાથે ચર્ચા કરીને સરકાર આમાં આગળ વધે અને સિલેબસ નક્કી કરે એ જરૂરી છે. અન્યથા તમે જેને સરળતાથી અનુસરી શકો એવા ‘રામચરિતમાનસ’ નામના ગ્રંથને શીખવો. ત્યાગ, પ્રેમ, સમર્પણનો અદ્ભુત દાખલો આ ગ્રંથ પૂરો પાડશે. રાજ કોને આપવું એ સંઘર્ષ ટાળવા માટે રામ વનવાસ સ્વીકારે છે તો મોટાભાઈનો હક પોતે ન લઈ લે એ આશયથી ભરત પણ રાજ્ય ત્યાગ કરે છે. મોટાભાઈ સાથે લક્ષ્મણ જાય છે. લંકાને ઘેરી લીધા પછી પણ સીતાનું હરણ કરનારા રાવણને છેલ્લે-છેલ્લે પણ ચાન્સ આપીને રાવણ સાથે વાતચીત કરવાના પ્રયાસ થાય છે. ‘રામચરિતમાનસ’માં દુષ્ટોની પણ વંદના દેખાશે. ‘ગીતા’માં સત્તા, સંપત્તિ અને અહંકારની પુષ્ટિ માટે યુદ્ધ થાય છે અને ભયંકર વિનાશ થાય છે ત્યારે ‘રામચરિતમાનસ’માં સતત તમને પરિવારના હિત માટે પોતે બાંધછોડ કરીને આગળ વધે છે એ નીતિ દેખાશે. આ ચર્ચાનો વિષય છે અને સરકારે આ વિષય પર વિદ્વાનોને બેસાડીને ચિંતન કરાવીને નિર્ણય લેવો જોઈએ. અન્યથા આ પ્રકારના પગલાથી તમે વિધર્મીઓને સંગઠિત કરવાનું કામ કરી રહ્યા છો. ‘ભગવદ્ગીતા’ એવો ગ્રંથ છે, જેમાં સમજાવનારા અને સમજનારા બન્ને પરિપૂર્ણ રીતે પરિપક્વ હોય એ મહત્ત્વનું છે, નહીં તો બહુ જ ખરાબ રીતે સમાજમા વિકૃતિ સર્જી શકે એમ છે.’

columnists Education ruchita shah