ઇતિહાસ, ઇતિહાસની વાત છે...

09 April, 2023 11:13 AM IST  |  Mumbai | Aashutosh Desai

અત્યારે NCERT દ્વારા કેટલાંક ધોરણોના અભ્યાસક્રમના હિસ્ટરીનાં ચૅપ્ટર્સમાં બદલાવો થવાની વાતે જબરો હોબાળો મચી રહ્યો છે ત્યારે સમજીએ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કઈ રીતે ઇતિહાસ અત્યાર સુધી લખાયો છે. ભલે ઇતિહાસ અફર હોય છે; પણ એને જોનાર, લખનાર અને વર્ણવનારનો..

સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન ગાંધીજી સાથે જવાહરલાલ નેહરુ અને મૌલાના અબુલ કલામ આઝાદ.


બાળકોના ધોરણ અનુસાર અભ્યાસક્રમ, અભ્યાસની રીત અને વ્યવસ્થાનું ધ્યાન રાખતી ગવર્નિંગ બૉડી નૅશનલ કાઉન્સિલ ફૉર એજ્યુકેશન, રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) છેલ્લા એક અઠવાડિયાથી સમાચારોમાં કોઈ ગોલ્ડન જ્યુબિલી હીરોની જેમ ચમકી રહી છે. ભારતની એજ્યુકેશન સિસ્ટમનું સૌથી મહત્ત્વનું અંગ એવી NCERTના નિર્ણય અને એના અમલનું રાજકારણ જબરદસ્ત ગરમાયું છે. વાત કંઈક એવી છે કે ભારતના શાળા અભ્યાસક્રમમાં હાલનું શિક્ષણ મંત્રાલય કેટલાક ફેરફાર કરી રહ્યું છે. એવું નથી કે આ ફેરફાર હમણાં જ થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શિક્ષણવ્યવસ્થા અને અભ્યાસક્રમોમાં જરૂરી ફેરબદલ દ્વારા નવો ઓપ આપવાની કામગીરી ચાલી જ રહી છે. જેમ કે કોરોનાકાળમાં NCERTએ એના દસમા અને બારમા ધોરણના અભ્યાસક્રમોમાં કેટલાક ફેરફારો અને ઘટાડાઓ કર્યા જ હતા, જેથી બાળકો પર ભણતરનો વધુ બોજ પડે નહીં અને એવા કપરા સમયમાં તેઓ ભણતર પ્રત્યે દબાણ અનુભવે નહીં. આ જ ચાલી રહેલી પ્રક્રિયાના ભાગરૂપે હાલ નૅશનલ કાઉન્સિલ અભ્યાસક્રમોમાં કેટલાક ફેરફાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેમ કે બારમા ધોરણના અભ્યાસક્રમમાંથી કાઉન્સિલ ઇતિહાસના અને નાગરિકશાસ્ત્રના કેટલાક પાઠો હટાવી દેવા અથવા એમાં ફેરફાર કરવા વિચારી રહી છે. એમાં મોગલ શાસનથી લઈને બીજા વિશ્વયુદ્ધની વાતો, મહાત્મા ગાંધી અને તેમના સમયના કેટલાક પાઠોથી લઈને સ્વતંત્રતાની ચળવળ બાબતના પણ કેટલાક પાઠોમાં ફેરફાર થશે. હવે આ અંગે કેટલાક ઇતિહાસકારો, શિક્ષણવિદો, ડાબેરીઓ, વિપક્ષ અને બીજા અનેક જાણકારો વિરોધ કરી રહ્યા છે અને આ ફેરફારથી ભવિષ્યમાં થનારી સારી કે માઠી અસરો વિશે દલીલો કરી રહ્યા છે.      

સૌથી પહેલાં તો એ જાણી લેવાની જરૂર છે કે કાઉન્સિલનો આ નિર્ણય નવો કે અચાનક લેવાયેલો નિર્ણય નથી. ૨૦૨૨ની સાલમાં જ કાઉન્સિલે જણાવી દીધું હતું કે તે અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે વાસ્તવમાં તમે બારમા ધોરણનું ઇતિહાસનું પુસ્તક ઉઠાવીને જોશો તો એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. આ પુસ્તકોમાંના બીજા ભાગમાં ભારતીય ઇતિહાસમાં વીતી ગયેલા શાસનકાળ વિશેનો ઇતિહાસ છે. એમાં કેટલાક પાઠ દિલ્હીની મોગલ સલ્તનત વિશેના પણ છે. કહેવાઈ રહ્યું છે કે NCERTએ બારમા ધોરણના અભ્યાસક્ર્મમાંથી આ મોગલ સલ્તનત વિશેના પાઠો કાઢી નાખ્યા છે. આ ભ્રમણા ખોટી છે જેના વિશે આગળની ચર્ચામાં આપણને સમજાશે જ. 

NCERT  દ્વારા ડિઝાઇન કરાયેલો કે નક્કી થયેલો અભ્યાસક્રમ CBSE બોર્ડના વિદ્યાર્થીઓ ભણતા હોય છે. આ સિવાય જેટલી શાળાઓ સ્ટેટ બોર્ડની હોય છે એ બધામાં અભ્યાસક્રમ સ્ટેટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. હવે મૂળ તો આ વિવાદે વધુ જોર ત્યારે પકડ્યું જ્યારે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે NCERTએ કરેલા સુધારાને અનુસરીને યુપીની રાજ્ય સરકાર પણ એના અભ્યાસક્રમમાં ફેરબદલ કરશે. આ વિધાન આવ્યું અને બધાની ઊંઘ ઊડી ગઈ.  મોટા ભાગના ડાબેરીઓ કે ઇન્ટલેક્ચ્યુઅલ્સને ડર એ વાતનો છે કે ભારત દેશમાં હાલ ૭૫ ટકા કરતાં વધુ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને જો યુપી સરકારના આ નિવેદન પછી દેશની બીજી રાજ્ય સરકારો પણ પોતાના સ્ટેટ બોર્ડના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માંડશે તો આ ૭૫ વર્ષથી દેશભરનાં બાળકોને આપણે જે ભણાવતા આવ્યા છીએ, જે સંસ્કારો રોપતા આવ્યા છીએ એ સમૂળગું બદલાઈ જશે. 

કેટલીક ખોટી ભ્રમણા

આ અંગે ફેલાયેલી કેટલીક ખોટી ભ્રમણા વિશે વાત કરીએ. પહેલી વાત, આ નવો અભ્યાસક્રમ આ વર્ષથી જ એટલે કે ૨૦૨૩-’૨૪થી જ લાગુ કરવામાં આવી રહ્યો છે અને જો તમે એમ માની રહ્યા હો કે આ અભ્યાસક્રમમાંથી માત્ર મોગલ સામ્રાજ્યના ઇતિહાસને જ અને એ પણ આખેઆખો હટાવવામાં આવી રહ્યો છે તો એ બંને જાણકારી ખોટી અને અધૂરી છે. વાસ્તવમાં મોગલ એમ્પાયરનાં માત્ર બે ચૅપ્ટર્સ જેમાં એક છે ‘કિંગ્સ ઍન્ડ ક્રોનિકલ્સ’ એટલે કે રાજા અને ઇતિહાસ અને બીજું ‘મુગલ કોર્ટ્સ’ એટલે કે મુગલ દરબાર હટાવવામાં આવી રહ્યાઁ છે. આ બંને પાઠો ભારતના ૧૬મી અને ૧૭મી સદીના સમયની વાતો કરે છે. આ સિવાય બીજા પણ ઘણા મહત્ત્વના ફેરફારો થઈ જ રહ્યા છે. જેમ કે હિન્દીનાં પાઠ્યપુસ્તકોમાંથી કેટલીક કવિતાઓ પણ હટાવવામાં આવી રહી છે. સિવિક એટલે કે નાગરિકશાસ્ત્રનાં પુસ્તકોમાંથી અમેરિકન હેગનોમી ઇન વર્લ્ડ પૉલિટિક્સ એટલે કે વિશ્વના રાજકારણમાં અમેરિકાનું આધિપત્ય અને ધ કોલ્ડ વૉર એરા અર્થાત્ શીતયુદ્ધનો સમય જેવાં ચૅપ્ટર્સ પણ હટાવવામાં આવી રહ્યાં છે. આ સિવાય ‘આઝાદી પછીનું ભારતીય રાજકારણ’ના પુસ્તકમાંથી ‘રાઇઝ ઑફ પૉપ્યુલર મૂવમેન્ટ્સ’ અને એરા ઑફ વન પાર્ટી ડૉમિનન્સ જેવાં બીજાં ચૅપ્ટર્સ પણ હટાવવા ઉપરાંત બાયોલૉજી જેવા સાયન્સના વિષયમાંથી પણ કેટલાક પાઠોમાં ફેરફાર થઈ જ રહ્યો છે.     

મજાની વાત એ છે કે સિવિક, સાયન્સના વિષયોનાં પુસ્તકો કે હિન્દીના પુસ્તકમાં થઈ રહેલા ફેરફારો બાબતે કોઈને ખાસ કંઈ જ વાંધો નથી કે એની કોઈ ચર્ચા પણ કરતું નથી, પરંતુ મોગલ સામ્રાજ્યના ઇતિહાસના બે પાઠો અને એરા ઑફ વન પાર્ટી ડૉમિનન્સ જેવા પાઠો હટાવવા સામે દરેકને વાંધો છે. ખેર, આપણે આ લેખને પૉલિટિકલ નથી બનાવવો એટલે એ વિશે ચર્ચામાં ઊંડા નહીં ઊતરીએ, પણ આ થઈ રહેલા ફેરફારો વિશે કેટલાક વિદ્વાનો સાથે વાતો તો જરૂર કરી જ શકીએ.

એક્સપર્ટ્‍સ કા ક્યા કહના હૈ

ચાલી રહેલા વિવાદ વિશે વાત કરતાં રિટાયર્ડ લેક્ચરર અને શિક્ષણવિદ કલ્પનાબહેન દવે કહે છે, ‘વિદ્યાર્થીજીવનમાં ભણતરનો મુખ્ય આશય અને અર્થ જ થાય છે સાચા જ્ઞાનની પ્રાપ્તિ. સ્વાભાવિક છે કે જ્યારે તમે વિદ્યાર્થીઓને જ્ઞાનના પાઠ ભણાવી રહ્યા હો તો એ સાચું અને નિષ્પક્ષ હોવું જોઈએ, નહીં કે કોઈક એક વ્યક્તિ કે સંસ્થાના પર્સ્પેક્ટિવથી રચાયેલું કે ગોઠવાયેલું. હવે જો આટલાં વર્ષોથી અભ્યાસક્રમ બદલાઈને એ સાચી દિશા તરફ જઈ રહ્યો હોય તો એમાં ખોટું શું છે. ફેરફાર થવા જ જોઈએ અને એ જરૂરી પણ છે. સાચો અભ્યાસ કે અભ્યાસક્રમ જ એ કહેવાય જે સમય પ્રમાણે અને સમયની માગ પ્રમાણે બદલાતો અને આધુનિકતાના વાઘા પહેરતો રહે. હા, સમય વીતવા છતાં પણ ઇતિહાસ બદલાતો નથી એ વાત સાથે સહમત, પરંતુ એ ઇતિહાસ તમે કઈ રીતે કહો એ પણ ખૂબ જરૂરી છે. એક સાવ સરળ ઉદાહરણ સાથે મારી વાત તમને સમજાવું તો આપણે વર્ષોથી બાળકોને પાઠ્યપુસ્તકો અનુસાર એવું શીખવતા રહ્યા કે ૧૮૫૭માં બળવો થયો હતો. હવે ઇતિહાસમાં આ ‘બળવો’ શબ્દ જ ખોટો અને નકારાત્મક છે. ભારત અને ભારતીયોની દૃષ્ટિએ જ નહીં, ન્યાયની દૃષ્ટિએ પણ એ ‘બળવો’ નહોતો. એ ક્રાંતિની શરૂઆત હતી. ન્યાયનો જન્મસિદ્ધ હકનો દાવો હતો. એમાં ખોટું શું હતું? એને બાળવાનું નામ આપવાની જરૂર જ નહોતી.’

 

કરુણતા એ છે કે ઇતિહાસમાં જ્યારે-જ્યારે બદલાવ થાય છે ત્યારે એ બદલાવ કરનારનો બાયસ વ્યુ જાણે-અજાણે આવી જ જતો હોય છે અને એ માનવસહજ સ્વભાવ છે, એમાં તમે કંઈ જ કરી શકો એમ નથી. બીજી એક મોટી કરુણતા એ છે કે આ સરકારે કર્યું છેને, આથી એનો વિરોધ જ કરો!
દિનકર જોષી

જોકે આપણે વર્ષોથી આ નકારાત્મક શબ્દ સાથે જ આપણાં બાળકોને ભણાવતા રહ્યા છીએ એમ કહેતાં તેઓ ઉમેરે છે, ‘સાચું કહું તો હમણાં સુધી આપણે જે ઇતિહાસ ભણાવ્યો છે એ અંગ્રેજોની દૃષ્ટિએ લખવામાં આવેલો ઇતિહાસ હતો. હવે ખરેખર તો આપણા દેશનો ઇતિહાસ આપણી દૃષ્ટિએ જે હોય એ હોવો જોઈએ. તમને કહું કે આ કારણથી આપણી જ અનેક પેઢીઓમાં એવી માન્યતાઓ સર્જિત થઈ છે કે આપણા પૂર્વજોમાં કોઈ શૂરવીર નહોતા, કોઈમાં યુદ્ધકૌશલ્ય કે રાજકૌશલ્ય નહોતું. આવી માનસિકતાને કારણે ભારતીયો જ ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસને નથી જાણી શક્યા કે સમજી શક્યા કે ઘણા કિસ્સાઓમાં તો નથી સ્વીકારી શક્યા. બીજું એક ઉદાહરણ આપું તો આજકાલ શિક્ષણસંસ્થાઓમાં મનુસ્મૃતિ જેવાં ભારતીય ઇતિહાસનાં પુસ્તકોની પ્રતો બાળી નાખવાની ફૅશન ચાલી પડી છે. કારણ શું? તેઓ કહે છે કે આ પુસ્તક માનવીઓને જાતિઓમાં વહેંચવાની અને નિમ્ન કક્ષાની વાતો કરે છે. હવે ખરેખર તો એ સાચું નથી. જાતિવાદ કે જાતિ અનુસાર વર્ગીકરણ તો ભારતમાં ક્યારેય હતું જ નહીં. મનુસ્મૃતિમાં કે બીજાં ઉપનિષદોમાં વર્ણવ્યવસ્થા વિશેની વાતો કરવામાં આવી છે, પરંતુ એ કર્મ અનુસાર, કામ-ધંધો-વ્યવસાય અનુસાર. બ્રાહ્મણ કુળમાં જન્મ્યો એટલે તે બ્રાહ્મણ એટલી કૂપમંડૂક માનસિકતા ભારતીયોની ક્યારેય હતી જ નહીં. જ્ઞાનની વિદ્વત્તા પામેલી વ્યક્તિ, કર્મકાંડની જાણકાર વ્યક્તિ બ્રાહ્મણત્વ મેળવી જ શકતી હતી પછી તે ભલે ગમે એ કુળમાં જન્મ્યો હોય. જોકે અંગ્રેજ શાસને એનું જાતિ પ્રમાણે વર્ગીકૃત કરી નાખ્યું, કારણ કે બ્રિટનમાં આ પદ્ધતિ પહેલેથી ચાલતી હતી અને એને જાતિ પ્રમાણેનું વર્ગીકરણ જ સમજવામાં આવતું હતું. આથી તેમણે શબ્દ આપ્યો ‘કાસ્ટ’ અને ત્યાર બાદ ભારતીયોને પોતાની જ પરંપરાઓ બાબતે ઉતારી પાડવા જરૂરી હોય એમ તેમણે એવું ઠસાવવા માંડ્યું કે ભારતમાં જાતિવાદ છે. આવો ખોટો ઇતિહાસ ભણેલા અને સમજેલા આપણા જ લોકો આજે હવે આપણાં જ પુરાણોકાળનાં પુસ્તકો બાળે છે, એને ખોટાં ગણાવે છે; જ્યારે વાસ્તવમાં તો એનો અનુવાદ અને અર્થઘટન અંગ્રેજો અને મોગલો દ્વારા તેમને અનુકૂળ હોય એ રીતે કરવામાં આવ્યાં હતાં અને આપણને એ રીતે જ સમજાવવામાં આવ્યું હતું જે ખોટું છે.’

આપણે જાણવાની અને સમજવાની જરૂર છે કે જ્યારે ઇતિહાસ લખાઈ રહ્યો હોય ત્યારે તે લખનારના દૃષ્ટિકોણના આધારે, તેની માનસિકતાના આધારે લખાતો હોય છે એ વાત સાથે સહમત થતાં ઇતિહાસના જાણકાર એવા જિતેન્દ્ર દવે કહે છે, ‘જ્યારે તમે ઇતિહાસની ચર્ચા કરતા હો ત્યારે એ લખનારની માનસિકતા અને દૃષ્ટિકોણ શું હતાં એ જાણવાની ખાસ જરૂર છે. આ માટે એક જરા કડવી પણ સત્ય હકીકતની વાત કરું તો જ્યારે ભારત આઝાદ થયું ત્યાર બાદ જ્યારે ખરા અર્થમાં આઝાદ ભારતની નવી શિક્ષણવ્યવસ્થા અને અભ્યાસક્ર્મની રચના થઈ ત્યારે દેશને મુસ્લિમ શિક્ષણપ્રધાન મળ્યા. ત્યાર બાદ શરૂઆતનાં વીસ વર્ષ સુધી મોટા ભાગે મુસ્લિમ શિક્ષણપ્રધાન જ મળતા રહ્યા. આથી સ્વાભાવિક છે કે તેમનો ઝુકાવ મુસ્લિમતરફી, મુસ્લિમ શાસન કે શાસકોતરફી વધુ હોવાનો જ. મોટા ભાગના આ શાસકો વાસ્તવમાં તો જુલમી, લૂંટારાઓ અને વિદેશી આક્રમણકારો હતા. ત્યાર બાદ જેટલા શિક્ષણપ્રધાનો મળ્યા એમાંના મોટા ભાગના ડાબેરીતરફી વિચારધારા ધરાવનારાઓ હતા, જેમને ભારતના સાચા ઇતિહાસમાં ખાસ કોઈ રસ નહોતો. તેમને મુસ્લિમતરફી અને અંગ્રેજતરફી ઇતિહાસમાં વધુ મજા પડતી હતી.’


તો પછી ઇતિહાસને જાણવાની અને સમજવાની સાચી રીત શું છે? તો ઇતિહાસને જાણવાની અને સમજવા માટે તમારે દરેક માહિતીની આધારભૂતતા ચકાસવી પડે એમ જણાવતાં જિતેન્દ્રભાઈ કહે છે, ‘કોણે નોંધી છે અને કયા આધારે નોંધી છે? એના પુરાવા અને આધારભૂતતા શું છે? તેની આ લખતી વેળા માનસિકતા કે પરિસ્થિતિ શું હતી? જેમ કે જ્યારે કોઈ મોગલ શાસક વિશે નોંધ લખાઈ રહી હોય ત્યારે એવું પણ શક્ય છે કે તે શાસક જે-તે ઇતિહાસકારના ગળે તલવાર પકડીને ઊભો હોય અથવા તે ઇતિહાસકાર તેના રહેમ-ઓ-કરમ પર જીવી રહ્યો હોય. તો એવા સંજોગોમાં સાચો અને સચોટ ઇતિહાસ નથી જ લખાવાનો.’

જ્યારે કોઈ મોગલ શાસક વિશે નોંધ લખાઈ રહી હોય ત્યારે એવું પણ શક્ય છે કે તે શાસક જે-તે ઇતિહાસકારના ગળે તલવાર પકડીને ઊભો હોય અથવા તે ઇતિહાસકાર તેના રહેમ-ઓ-કરમ પર જીવી રહ્યો હોય. તો એવા સંજોગોમાં સાચો અને સચોટ ઇતિહાસ નથી જ લખાવાનો.
જિતેન્દ્ર દવે

બીજી એક રસપ્રદ માહિતી વિશે વાત કરતાં જિતેન્દ્રભાઈ કહે છે, ‘અનેક લોકો આજે એવું કહેતા રહે છે કે ગાંધીજી જો ખરેખર બૅરિસ્ટર હતા અને તેઓ અહિંસામાં માનતા હતા તો તેમણે આપણા દેશના ત્રણ ક્રાંતિકારીઓને જ્યારે ફાંસી થઈ રહી હતી ત્યારે કેમ કોઈ પગલાં ન લીધાં? ત્યારે કેમ તેમણે અંગ્રેજ સરકારને કંઈ કહ્યું નહીં? હવે પેઢી આવા સવાલો કરી શકે અને શંકા ઊભી કરી શકે, કારણ કે ઇતિહાસમાં આ વિશેની કોઈ સરખી કે સચોટ નોંધ કે ચોખવટ કરવામાં આવી નથી. સાચી વાત એ છે કે ગાંધીજીએ અંગ્રેજો સામે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે તેમને ફાંસીની સજા ન થવી જોઈએ, આ તેમની સાથે થઈ રહેલો અન્યાય છે. જોકે આવી માહિતીઓ આપણાથી અછૂતી રહી ગઈ છે, કારણ કે આપણે ઇતિહાસને આપવું જોઈએ એટલું મહત્ત્વ આપ્યું જ નહીં અને મુસ્લિમ શિક્ષણપ્રધાનોની દેખરેખ હેઠળ જે અભ્યાસક્રમ ડિઝાઇન થતો રહ્યો એ ભણાવતા રહ્યા.’

જુઓ, એ વાત તો સાવ સાચી છે કે ઇતિહાસ જે છે એ છે જ, એને તમે બદલી શકવાના નથી. અભ્યાસક્રમ બદલી નાખવાથી કંઈ ઇતિહાસ બદલાઈ જવાનો નથી. મહત્ત્વનું એ છે કે વિદ્યાર્થીઓને સાચું શીખવવામાં આવે એવું દૃઢપણે માનતા દિનકર જોષીએ ઇતિહાસને ઉજાગર કરતાં પ્રકાશનો પડછાયો અને પ્રતિનાયક જેવાં સ્ફોટક પુસ્તકો લખ્યાં છે. સાહિત્યકાર અને ઇતિહાસકાર દિનકર જોષી અભ્યાસક્રમના બદલાવ બાબતે સચોટ ઇતિહાસનો આગ્રહ રાખતાં કહે છે, ‘વિદ્યા સ્વીકારની ઉંમર એ બાળકની એવી ઉંમર છે જ્યારે તેને જે ભણાવવામાં આવે એ જ તે સાચું માનતું હોય છે અને એની છાપ, અસર જીવનભર રહેતી હોય છે. આજે આ વાત નીકળી છે તો મને મારો અભ્યાસકાળનો સમય યાદ આવે છે. એ સમયે અમને એવું શીખવવામાં આવ્યું હતું કે સોમનાથના મંદિરનું શિવલિંગ તોડીને અફઘાનો એના પથ્થરના ટુકડા અફઘાનિસ્તાન લઈ ગયા અને ત્યાં મસ્જિદનાં પગથિયાંઓ પર ગોઠવ્યા હતા. ત્યાર બાદ અંગ્રેજોનું અફઘાન સાથે યુદ્ધ થયું અને સોમનાથનો બદલો લેવાયો. આવું જાણીને એક બાળક તરીકે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો કે મુસલમાનો આવું કરી જ કઈ રીતે શકે? જોકે પાછળથી મને સમજાયું અને ખબર પડી કે ઇતિહાસમાં ખરેખર આવી કોઈ માહિતી છે જ નહીં. છતાં અભ્યાસક્રમમાં આવા પાઠો આવવાનું કારણ એ હતું કે અંગ્રેજો વેપારી પ્રજા હતી અને ભારતમાં તેમણે હિન્દુઓ સાથે જ વેપાર કરવાનો હતો. આથી હિન્દુ જાતિના લોકોને ખુશ કરવા માટે તેમણે ભણતરમાં એવા પાઠો અને ઇતિહાસ નાખ્યો જેથી હિન્દુ પ્રજા ખુશ થાય અને તેમને એવી લાગણી જન્મે કે અંગ્રેજો હિન્દુઓ માટે લડ્યા અને બદલો લીધો. હવે આ ખોટું હતું. આથી જ હું કહું છું કે બદલાવ થાય એ સારું છે અને જરૂરી પણ છે; પરંતુ એ બદલાવ સાચો હોવો જોઈએ, સાચી માહિતી સાથેનો હોવો જોઈએ.’

અભ્યાસક્રમ બદલાય છે એ સારું છે અને જરૂરી પણ છે, બદલાવો જ જોઈએ. સમયે-સમયે એમાં જરૂરિયાત મુજબ ફેરબદલ થાય એ જરૂરી છે. જોકે એની કરુણતાના પાસા વિશે વાત કરતાં દિનકરભાઈ કહે છે, ‘કરુણતા એ છે કે ઇતિહાસમાં જ્યારે-જ્યારે બદલાવ થાય છે ત્યારે એ બદલાવ કરનારનો બાયસ વ્યુ જાણે-અજાણે આવી જ જતો હોય છે અને એ માનવસહજ સ્વભાવ છે, એમાં તમે કંઈ જ કરી શકો એમ નથી. બીજી એક મોટી કરુણતા એ છે કે આ સરકારે કર્યું છેને, આથી એનો વિરોધ જ કરો! એવી માનસિકતા આપણે છોડી શકતા નથી. પછી એ કોઈની પણ સરકાર હોય. અભ્યાસક્રમમાં કે શિક્ષણવ્યવસ્થામાં કે પૉલિસીમાં પણ બદલાવ કરે એ સાચો છે કે ખોટો, યોગ્ય છે કે અયોગ્ય, સારો છે કે ખરાબ એ સમજવાનો પ્રયત્ન ન કરતાં બસ સૌથી પહેલાં તો વિરોધ કરો! એ નક્કી જ કરી લેવામાં આવે છે.’

કલ્પના દવે

આ વિશે ઘણી વાર ઊંડાણપૂર્વક વિચારીએ તો કેટલાક સવાલો ખડા થાય છે. ક્યારેક એવું પણ લાગે કે શું શિક્ષણવ્યવસ્થા અને શિક્ષણ ખાતું સરકારથી અલગ કરીને સ્વતંત્ર કરી નાખવું જોઈએ? એનાથી કદાચ સારાં પરિણામો મળી શકે એવું બને? જોકે એ શક્ય નથી, કારણ કે અભ્યાસક્રમ ડિઝાઇન કરનાર કે ઇતિહાસ લખનાર વ્યક્તિનો દૃષ્ટિકોણ અને અંગત માન્યતા એમાં હાવી થશે જ થશે. ગમે એમ તોય સરકારહસ્તક હશે તો કમસે કમ તમને એટલી ધરપત તો છે કે કોઈ પણ નિર્ણય બાબતે દસ માણસોનાં ભેજાં કામે લાગ્યાં હશે, વીસ-પચ્ચીસ માણસોનાં ઇનપુટ્સ લેવાયાં હશે અને ત્યાર બાદ નિર્ણય કરાયો હશે. આથી આપણે બધાએ હવે એ પરિપક્વતા કેળવવાની જરૂર છે કે બદલાવ ત્યાં સુધી જ સારો છે જ્યાં સુધી મને ગમ્યો છે એવું નહીં, પરંતુ બદલાવ સારો છે કારણ કે એ સાચો છે અને જરૂરી છે.

columnists mahatma gandhi gujarati mid-day