04 February, 2023 03:28 PM IST | Mumbai | Rajani Mehta
ન્યુ યૉર્કમાં રાજ કપૂરની કૅન્સર ટેસ્ટ નેગેટિવ આવી અને સૌને હાશકારો થયો
ન્યુ યૉર્કમાં રાજ કપૂરની કૅન્સર ટેસ્ટ નેગેટિવ આવી અને સૌને હાશકારો થયો. જોકે હજી શ્વાસની તકલીફમાંથી તેમને રાહત નહોતી મળી. મુંબઈ આવ્યા બાદ તેમણે માંડ-માંડ ‘રામ તેરી ગંગા મૈલી’નું ફાઇનલ પૅચવર્ક પૂરું કર્યું અને ફિલ્મની રિલીઝની તૈયારી શરૂ કરી. રાજ કપૂરે મનમાં ધાર્યું હશે કે હવે નિરાંતનો શ્વાસ લેવાશે; ત્યાં ઇન્કમ ટૅક્સની નોટિસ આવી. વર્ષોથી બાકી રહેલા ઇન્કમ ટૅક્સ માટે તેઓ ઇન્સ્ટૉલમેન્ટ ભરતા હતા, પણ એ અનિયમિત હતા. આ નોટિસમાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે જો બાકી રહેલી રકમનું ‘ફુલ ઍન્ડ ફાઇનલ પેમેન્ટ’ એકસાથે નહીં ચૂકવવામાં આવે તો ‘રામ તેરી ગંગા મૈલી’નું બૉક્સ-ઑફિસ કલેક્શન ‘અટેચ’ કરવામાં આવશે અને એ સીધું ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં જમા થઈ જશે.
સત્તા આગળ શાણપણ ખોટું હોય છે એ રાજ કપૂર જાણતા હતા. ફિલ્મના શૂટિંગ સમયે પણ તેમનો હાથ તંગીમાં હતો. જોકે તેમને એક વાતની ખાતરી હતી કે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર હિટ જવાની છે, પરંતુ નોટિસ આવ્યા બાદ એકસાથે મોટી રકમ ક્યાંથી ઊભી કરવી એ મોટો પ્રશ્ન હતો. ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી પૈસા લઈ લીધા બાદ પણ ફિલ્મ ઓવરબજેટ હોવાને કારણે તેમણે લાગતા-વળગતા દરેક લોકો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. આ મુશ્કેલીમાંથી કેવળ ડિસ્ટ્રિબ્યુટર્સ જ રાજ કપૂરને બહાર કાઢી શકે એમ હતું. નાછૂટકે દરેકને સંદેશો મોકલવામાં આવ્યો, ‘તાત્કાલિક તમારી મદદની જરૂર છે.’
અહીં રાજ કપૂરની ‘ગ્રેટ શોમૅન’ની ઇમેજે તેમને બચાવી લીધા. તેમનો કરિશ્મા જ એવો હતો કે નવા હોય કે જૂના, દરેક ડિસ્ટ્રિબ્યુટર્સને તેમના જજમેન્ટ પર વિશ્વાસ હતો. એક પછી એક દરેક પોતાની ચેકબુક સાથે મુંબઈ આવ્યા અને આમ રાજ કપૂરની ઇન્કમ ટૅક્સની બાકી રહેતી રકમની ચુકવણી શક્ય બની. મનોમન તેઓ જાણતા હતા કે જો ફિલ્મની રિલીઝમાં ગરબડ થાય અને બનવાકાળ ફિલ્મ ‘ફ્લૉપ’ જાય તો પૈસા પાછા મેળવતાં લાંબો સમય લાગી જાય. એટલે સૌ ફિલ્મની સફળતાની પ્રાર્થના કરતા હતા.
રાજ કપૂરના જૂના ફાઇનૅન્સર વી. વી. પુરીએ આ ઘટનાને યાદ કરતાં કહ્યું, ‘I back a man, not a film.’ મોટા ભાગના ડિસ્ટ્રિબ્યુટર્સને રાજ કપૂરમાં વિશ્વાસ હતો એટલે જ આ કપરા સંજોગોમાં તેઓ રાજ કપૂર સાથે ઊભા રહ્યા. ઈશ્વરકૃપાથી ‘રામ તેરી ગંગા મૈલી’ પ્રેક્ષકોને પસંદ આવી. એની સફળતામાં સંગીતકાર રવીન્દ્ર જૈનના કર્ણપ્રિય સંગીતનો મોટો ફાળો હતો. અફસોસ કે એ વાતનું પૂરતું શ્રેય ઇન્ડસ્ટ્રીએ તેમને નહોતું આપ્યું.
રાજ કપૂરની બીમારીએ પરિવારને સાવધાન કરી દીધા. તેમની જીવનશૈલી અને ખાનપાન પર નિયંત્રણ આવી ગયું હતું. એટલું જ નહીં, રાજ કપૂર હવે એક ‘ફૅમિલીમૅન’ની જેમ ચેમ્બુરના બંગલામાં પરિવાર સાથે વધારે સમય વ્યતીત કરતા હતા. સવારે ૧૦ વાગ્યે કૃષ્ણા કપૂર સાથે ચા-નાસ્તો કરતા અને ત્યાર બાદ પંખીઓને ચણ નાખતા. તેમને કૂકડા-મરઘી પાળવાનો શોખ હતો. એમની લડાઈ જોઈને ‘રનિંગ કૉમેન્ટરી’ આપતાં નાના બાળકની જેમ ખુશ થતા.
નાજુક તબિયતને કારણે તેઓ મોટા ભાગે ઘરમાં જ રહેતા. એ દિવસોમાં દૂરદર્શન પર આવતા મોટા ભાગના કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. રમત-ગમત અને ખાસ કરીને ક્રિકેટ મૅચોનું જીવંત પ્રસારણ તેમને ખૂબ ગમતું. એટલે જ અમુક સમયે ડૉક્ટરની સલાહને અવગણીને સપરિવાર શારજાહ અને દુબઈમાં રમાતી ક્રિકેટ મૅચ જોવા પહોંચી જતા.
એક ફિલ્મમેકર અને અભિનેતા તરીકે રાજ કપૂર વિદેશોમાં ખૂબ જાણીતા હતા. એ કારણે તેમણે અસંખ્ય પ્રવાસ કર્યા. મોટા ભાગે આ પ્રવાસ રશિયા અને યુરોપના દેશોમાં થયા. તેમનો અમેરિકાનો પહેલો પ્રવાસ ૧૯૫૨માં થયો હતો. ત્યાર બાદ લાંબા સમય સુધી અમેરિકા જવાનો તેમને મોકો ન મળ્યો. રાજ કપૂરને હમેશાં એ વાતનો રંજ હતો કે જ્યારે પૂરી દુનિયા તેમના કામનાં વખાણ કરતી ત્યારે અમેરિકામાં ભાગ્યે જ તેમની સિદ્ધિઓની નોંધ લેવાતી. વિશ્વભરમાં જ્યારે ‘આવારા’ને વિવેચકો અને પ્રેક્ષકોએ પસંદ કરી ત્યારે અમેરિકન લોકોએ ફિલ્મને અને રાજ કપૂરના કામને એકદમ ઠંડો પ્રતિસાદ આપ્યો હતો.
૧૯૫૨માં વિખ્યાત અમેરિકન ફિલ્મમેકર ફ્રૅન્ક કાપરાએ ભારતીય ફિલ્મોના ફેસ્ટિવલનું આયોજન ન્યુ યૉર્કમાં કર્યું હતું. તેમનો આશય હતો કે અમેરિકન અને ભારતીય કલાકાર-કસબીઓ એકમેકની નજીક આવે અને પોતપોતાની કાર્યપદ્ધતિ અને સંસ્કૃતિ વિશે આદાનપ્રદાન કરે. એ સમયે નર્ગિસ, પ્રેમ નાથ, બીના રાય, સરદાર ચંદુલાલ શાહ અને બીજા કલાકારો સાથે રાજ કપૂર ન્યુ યૉર્ક ગયા હતા.
જ્યારે ‘આવારા’ અમેરિકામાં રિલીઝ થઈ ત્યારે ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના પત્રકાર મિલ્ટન એસ્ટ્રોએ ટીકા કરતાં લખ્યું કે આ ફિલ્મ ગરીબ લોકોના અમીર સપના જેવી છે. એનો જવાબ આપતાં વર્લ્ડ સિનેમાના અભ્યાસુ એલિયટ સ્ટેઇને લખ્યું કે મારા પત્રકારમિત્રને ફિલ્મોનો કેટલો અભ્યાસ છે એની ખબર નથી, પરંતુ હકીકત એ છે કે રાજ કપૂરની ફિલ્મ અમેરિકામાં અત્યંત લોકપ્રિય થઈ છે અને વિવેચકોને પણ ગમી છે.
એ સમય હતો જ્યારે ભારત સરકારે ભારતીય ફિલ્મોને વિશ્વ ફલક પર પ્રસારિત કરવા માટે નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએફડીસી)ની સ્થાપના કરી હતી. એનાં મૅનેજિંગ ડિરેક્ટર માલતી તાંબે વૈદ્ય એક દૂરંદેશી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં કલારસિક વિદુષી હતાં. અવારનવાર તેઓ પૂર્વ અને પશ્ચિમના દેશોમાં ભારતીય ફિલ્મોના ફેસ્ટિવલ્સનું સફળ આયોજન કરતાં.
તેમણે એનએફડીસી અને ન્યુ યૉર્કના મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટના સંયુક્ત નેજા હેઠળ ભારતીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. એમાં વી. શાંતારામ, ગુરુ દત્ત, રિત્વિક ઘટક, મૃણાલ સેન અને રાજ કપૂરની ૪૮ ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવાનું નક્કી થયું. અમેરિકન
ફિલ્મોના વિવેચક જેફ્રી ગિલમોર અને શિલ્પકાર એડરીન મોનિકા ભારતીય ફિલ્મોના મોટા ચાહક હતા. બન્ને આ પહેલાં ભારતમાં આયોજન થયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં અમેરિકન ડેલિગેશનના સભ્યો તરીકે આવ્યા હતા. એ સમયે તેમની મુલાકાત રાજ કપૂર સાથે થયેલી અને તેમના વ્યક્તિત્વથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. તેમની ઇચ્છા હતી કે રાજ કપૂર આ ફેસ્ટિવલના ‘ગેસ્ટ ઑફ ઓનર’ બને.
૧૯૮૦ બાદ રાજ કપૂરે તબિયતને કારણે વિદેશપ્રવાસ જવાનું ઓછું કરી નાખ્યું હતું. એમ છતાં જ્યારે આ બન્નેએ રાજ કપૂરને ન્યુ યૉર્ક આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે સહર્ષ સ્વીકાર્યું. જોકે જેમ-જેમ ન્યુ યૉર્ક જવાનો દિવસ નજીક આવતો ગયો એમ રાજ કપૂરની દમની વ્યાધિ વધવા માંડી. નાછૂટકે તેમના સેક્રેટરી હરીશ બીબરાએ આયોજકોને સંદેશ મોકલાવ્યો કે ‘નાદુરસ્ત તબિયતને કારણે રાજ કપૂર વિદેશપ્રવાસ નહીં કરી શકે.’ આયોજકોને આ વાત મંજૂર નહોતી. એડરીન મોનિકાએ આરકે સ્ટુડિયો પર સંદેશ મોકલાવ્યો, ‘WHO CAN REPLACE RAJ KAPOOR? IT HAS TO BE RAJ KAPOOR – OR NO ONE.’
એક ફિલ્મમેકર માટે આનાથી મોટો ખિતાબ બીજો કયો હોઈ શકે? જે ક્ષણની રાજ કપૂર વર્ષોથી રાહ જોતા હતા એ સાક્ષાત્ તેમની સામે એક કાગળમાં મૂર્તિમંત થઈને આવકાર આપી રહી હતી. અત્યાર સુધી અમેરિકાના સર્જકોએ તેમની ઉપેક્ષા કરી હતી અને એ કારણસર ત્યાંના પ્રેક્ષકો તેમની કાબેલિયતનો અનુભવ નહોતા કરી શક્યા એનો રંજ સતત તેમને કોરી ખાતો હતો.
એક સર્જકને માટે તેણે મેળવેલી સિદ્ધિઓનું બહુમાન જ તેને જીવંત રાખવા માટે પૂરતું છે. પોતાની તબિયતની પરવા કર્યા વિના રાજ કપૂરે નિર્ણય કર્યો કે હું ન્યુ યૉર્ક જઈશ. કૃષ્ણા કપૂર સાથે તેઓ ત્યાં ગયા; એટલું જ નહીં; તેમણે એ પુરવાર કર્યું કે રાજ કપૂર કેવળ ગ્રેટ શોમૅન નથી, એક ફાઇટર છે, એ વાત આવતા શનિવારે.
rajnimehta45@gmail.com