કચ્છી નવા વર્ષની શરૂઆત કઈ રીતે થઈ એના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે

05 July, 2024 06:45 AM IST  |  Mumbai | Vasant Maru

કચ્છી નવું વર્ષ શરૂ થવા માટે ઘણી દંતકથાઓ પ્રચલિત છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કચ્છી નવું વર્ષ શરૂ થવા માટે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. દરિયામાં ખેપ મારવા ગયેલા કચ્છી ખલાસીઓ અને વહાણવ​ટિયાઓ દરિયામાં વરસાદ પહેલાંની આખરી ખેપ મારીને અષાઢી બીજે અચૂક પાછા આવે છે. વિશાળ દરિયાનાં તોફાનો અને ચાંચિયાઓના આક્રમણથી બચીને અષાઢી બીજે સાંગોપાંગ ઘરે પાછા આવવાને કારણે ઉત્સવ સાથે કચ્છી નવા વર્ષની શરૂઆત થાય છે. 
બીજી એક કથા મુજબ દુકાળને કારણે પોતાના પશુધનને બચાવવા કચ્છ છોડી ગયેલા માલધારીઓ સારા વરસાદની આશા સાથે અષાઢી બીજે અચૂક કચ્છ પાછા ફરે છે અને અષાઢી બીજની નવા વર્ષ તરીકેની ગણતરી કરીને ઉત્સવરૂપે ઊજવે છે.

જોકે સૌથી વધુ માન્યતા લાખા ફુલાણીની કથાને મળી છે. આશરે હજારેક વર્ષ પહેલાં કચ્છ પ્રદેશ પર જામ લાખા ફુલાણીનું રાજ હતું. લાખાબાપુ જેટલા પરાક્રમી અને પ્રતાપી હતા એટલા જ દાનવીર હતા. તેમના માટે કહેવાતું કે લાખાના દરબારમાં તો જાણે કબુડા (પારેવાં) પણ મોતીનો ચારો ચણે છે. લાખાબાપુ રોજ સવાશેર સોનાનું દાન કરતા.

લાખોભા જ્યારે યુવાન રાજકુમાર હતા ત્યારે એક વાર રાણીઓની કાનભંભેરણીથી રાજા જામ ફુલાણીએ પોતાના પુત્ર લાખા ફુલાણીને દેશવટાની શિક્ષા કરી. પિતાની આજ્ઞા માથે ચડાવીને લાખા ફુલાણી કચ્છ મુલકને રડતા હૃદયે રામ-રામ કરીને પાટણ તરફ ચાલી ગયા અને પાટણના રાજા સામંતસિંહ ચાવડા પાસે અનેક પરાક્રમો કરી મોભાદાર સ્થાન મેળવીને નામના કમાયા. 
લાખા ફુલાણીના દેશવટા બાદ કચ્છમાં ઉપરાઉપરી દુકાળ પડવા લાગ્યો. અનાજ વગર મનુષ્યો અને ઘાસ-પાણી વગર ઢોરો મૃત્યુ પામવા લાગ્યાં. દુકાળની ચિંતામાં રાજા જામ ફુલાણી મૃત્યુ પામ્યા. પિતાના મૃત્યુના સમાચાર જાણીને દુઃખી હૃદયે લાખા ફુલાણી પાટણથી કચ્છ પાછા ફર્યા. જે દિવસે લાખા ફુલાણી કચ્છ પાછા ફર્યા એ દિવસ અષાઢી બીજનો હતો. લાખા ફુલાણીએ કચ્છમાં પગ મૂકતાં જ ધોધમાર વરસાદનું આગમન થયું એના માનમાં કચ્છી નવા વર્ષની શરૂઆત થઈ.

આજના જમાનામાં ભારતભરમાં જ્યાં-જ્યાં કચ્છી વસે છે ત્યાં-ત્યાં નવા વર્ષની ઉજવણી ધામધૂમથી થાય છે. મુંબઈમાં તો અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ વિવિધ રીતે ઉજવણી કરે છે. એમાંય કચ્છ યુવક સંઘ નામની સંસ્થા કચ્છની બધી જ્ઞાતિઓને એકસૂત્રે બાંધીને છેલ્લાં ૩૧ વર્ષથી કચ્છી નાટકો દ્વારા નવા વરસે ઉજવણી કરે છે. તેમનું એકત્રીસમું નવું નાટક ‘વા રે વા જિંધગી’ મુંબઈનાં વીસ જેટલાં સ્થળોએ વિનામૂલ્ય ભજવીને હજારો લોકોને કચ્છીયતની ખુશ્બૂ ફેલાવશે. આ રવિવારે કચ્છી નવું વર્ષ છે. ‘મિડ-ડે’ના બધા વાચકોને ‘નયે વરેંજીયુ જેજીયુ જેજીયુ વધાયું.’

columnists kutchi community gujarati community news gujarati mid-day