હવે ન્યાયની દેવીના હાથમાં તલવાર નહીં, સંવિધાન છે

20 October, 2024 10:56 AM IST  |  Mumbai | Kajal Rampariya

આમ તો આપણે ત્યાં લેડી ઑફ જસ્ટિસની આંખે બાંધેલા પાટાને કારણે કાનૂનને આંધળો કહેવામાં આવતો હતો, પણ સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં નવી ન્યાયની દેવીનો લુક ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે.

લેડી ઑફ જસ્ટિસ

આમ તો આપણે ત્યાં લેડી ઑફ જસ્ટિસની આંખે બાંધેલા પાટાને કારણે કાનૂનને આંધળો કહેવામાં આવતો હતો, પણ સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં નવી ન્યાયની દેવીનો લુક ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે.  આ મૂર્તિ અનેક રીતે ભારતીય ન્યાયવ્યવસ્થામાં બદલાવો થવાનાં એંધાણ સૂચવી રહી છે ત્યારે ન્યાયની દેવીનો ઇતિહાસ શું છે અને ભારતમાં આ મૂર્તિની એન્ટ્રી કેવી રીતે થઈ એ બધું જ જાણીએ

કોર્ટ, ફિલ્મો અને વકીલોની ચેમ્બર્સમાં તમે આંખો પર પટ્ટી બાંધેલી લેડી ઑફ જસ્ટિસ, ન્યાયની દેવીની મૂર્તિ જોઈ હશે. આંખો પર પટ્ટી, એક હાથમાં ત્રાજવુ અને બીજા હાથમાં તલવાર. જોકે દેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે ન્યાયના આ પ્રતીકને નવું રૂપ આપીને ન્યાયની નવી પરિભાષા ઘડી છે. નવી મૂર્તિમાં ફેરફાર કર્યા છે એ ફક્ત પ્રતીકાત્મક નહીં પણ સમાજમાં ન્યાય માટે નવી વિચારધારાને પણ દર્શાવે છે. ગયા બુધવારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નવી મૂર્તિમાં કેટલાક મહત્ત્વના ફેરબદલ કરવામાં આવ્યા છે જેમાં દેવીની આંખો પરની પટ્ટીને હટાવવામાં આવી છે અને તેમના હાથમાં તલવારના સ્થાને સંવિધાનનું પુસ્તક રાખવામાં આવ્યું છે. મૂર્તિના અનાવરણ બાદ લેડી ઑફ જસ્ટિસની ચર્ચા ચોમેર થઈ રહી છે અને આ નિર્ણયને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ન્યાયની આ દેવી સાથે સંકળાયેલાં ઇતિહાસ અને તથ્યો વિશે વાત કરીશું.

ન્યાયની દેવી ભારતીય પોશાકમાં

ભારતીય બંધારણ અમલમાં મુકાયાના ૭૫મા વર્ષે ન્યાયનું પ્રતીક ગણાતી આ લેડી ઑફ જસ્ટિસની આંખો પર બાંધેલી પટ્ટીને હટાવવામાં આવી છે, જે એવો સંદેશ આપે છે કે ન્યાય બધાને એકસમાન નજરે જુએ છે. આ સાથે દેવીના બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન રખાયું છે જે દર્શાવે છે કે ન્યાય બંધારણમાં ઘડવામાં આવેલી કલમોને આધીન જ અપાય છે. મૂર્તિના ફેરફાર કરવા પાછળ ન્યાયની સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની ખાસ ભૂમિકા રહી છે. તેમની માન્યતા એવી હતી કે ભારતને અંગ્રેજોએ આપેલા વારસાને પાછળ છોડીને પોતાની રીતે આગળ વધવાની જરૂર છે. કાયદો ક્યારેય આંધળો નથી હોતો. એ બધાને સમાન નજરે જુએ છે. ન્યાયનું પ્રતીક ગણાતી દેવીનું સ્વરૂપ બદલાવું જોઈએ. નવી મૂર્તિના અનાવરણ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે મૂર્તિના હાથમાં તલવારને બદલે સંવિધાન હોવું જોઈએ જેથી દેશને એ સંદેશ મળે કે ન્યાય સંવિધાનના આધારે મળે છે. તલવાર હિંસાનું પ્રતીક છે, પણ કોર્ટ બંધારણીય કાયદાને અનુસાર ન્યાય આપે છે.

વાત ફેરફારની થઈ રહી છે ત્યારે બે મોટા ફેરફાર તો થયા જ છે પણ એની સાથે ન્યાયની દેવીનો લુક પણ ચેન્જ થયો છે. લેડી ઑફ જસ્ટિસની નવી મૂર્તિ સફેદ રંગની છે. એમાં દેવીને ભારતીય પોશાક સાડીમાં દર્શાવાઈ છે. મૂર્તિને ચોરસ પ્લૅટફૉર્મ પર ઊભી રાખવામાં આવી છે. દેવીના માથે એક સુંદર મુગટ, માથા પર ચાંદલો, કાન અને ગળામાં આભૂષણો પણ પહેરાવાયાં છે. મૂર્તિમાં એક ચીજ નથી બદલી અને એ છે ત્રાજવું. કોર્ટમાં ચુકાદો આપતાં પહેલાં બન્ને પક્ષની વાત સાંભળવામાં આવે છે એમ દર્શાવતા ત્રાજવાને સંતુલન અને નિષ્પક્ષતાનું પ્રતીક માનવામાં આવે છે. એ ક્યારેય પક્ષપાત કરે નહીં.

આ ઉપરાંત આંખો પરની પટ્ટી એ દર્શાવતી હતી કે કાયદો બધા માટે સમાન છે. તાજેતરમાં ભારત સરકારે બ્રિટિશકાળથી લાગુ થયેલા ઇન્ડિયન પીનલ કોડ (IPC)ને બદલે ભારતીય ન્યાયસંહિતા (BNS) કાયદો લાગુ કર્યો હતો. લેડી ઑફ જસ્ટિસની મૂર્તિમાં ફેરફાર કરવો પણ ભારતીય બંધારણીય વ્યવસ્થા માટે તથા ન્યાય વ્યવસ્થા માટે લોકોની વિચારધારાને બદલવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે.

ત્રણ મહિને બની મૂર્તિ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના આદેશ બાદ લેડી ઑફ જસ્ટિસની તૈયાર કરવામાં નવી મૂર્તિને પ્રખ્યાત શિલ્પકાર વિનોદ ગોસ્વામીએ બનાવી છે. ત્રણ તબક્કામાં બનાવવામાં આવેલી મૂર્તિને બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. ચીફ જસ્ટિસે આપેલા માર્ગદર્શનના આધારે સૌથી પહેલાં સ્કેચ બનાવીને નાની મૂર્તિ બનાવાઈ હતી. એ મૂર્તિ ફાઇનલ થયા બાદ છ ફીટ ઊંચી પ્રતિમાને ઘડવામાં આવી હતી. લેડી ઑફ જસ્ટિસની મૂર્તિનું વજન ૧૦૦ કિલો છે. ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાની સાથે મૂર્તિ નવા ભારતની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે એવી ઇચ્છા ડી. વાય. ચંદ્રચૂડની હતી અને તેમની વિચારધારાને આધારે મૂર્તિ બનાવવામાં આવી છે. નવી મૂર્તિ ન્યાયનું ભારતીયકરણ થઈ રહ્યું હોવાનું દર્શાવે છે અને સામાન્ય લોકો સાથે જોડવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ મૂર્તિને મજબૂત અને ટકાઉ બનાવવા માટે ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૧૭મી સદીમાં ભારતમાં આવી

મળતી માહિતી મુજબ ૧૭મી સદીમાં એક અંગ્રેજ અધિકારી પહેલી વાર લેડી જસ્ટિસને ભારતમાં લાવ્યા હતા. તે ન્યાયાલયના અધિકારી હતા. ૧૮મી સદીમાં બ્રિટિશકાળ દરમિયાન ન્યાયની આ દેવીને દેશની તમામ અદાલતોમાં સ્થાપતિ કરવામાં આવી હતી. ત્યારથી ભારતમાં લેડી ઑફ જસ્ટિસનું મહત્ત્વ વધ્યું.

ન્યાયની દેવીનો રોચક તિહાસ

લેડી ઑફ જસ્ટિસનો ઇતિહાસ બહુ પ્રાચીન હોવાથી એનો ઉલ્લેખ ઇજિપ્ત અને ગ્રીસની પૌરાણિક કથામાં થયેલો છે. ઇજિપ્તની દેવી માટને ન્યાય, કાયદા અને શાંતિની વિચારધારાનું પ્રતીક માનવામાં આવે છે. દેવી માટ સત્ય, વ્યવસ્થા અને સંતુલનનું પ્રતીક ગણાય છે. આ દેવી સામાન્ય રીતે એક પાંખ પકડીને ઊભેલી હોય એવી મુદ્રામાં જોવા મળતી અને આ પાંખનો ઉપયોગ મૃત્યુ બાદ આત્માના ન્યાય માટે થતો હોવાની વાયકા છે.

ઇજિપ્ત પછી ગ્રીક અને રોમન સંસ્કૃતિએ પણ પોતાની ન્યાયની દેવી બનાવેલી. એવું પણ કહેવાય છે કે એક વખત યુનાનીઓએ દેવી થેમિસ (ઈશ્વરીય કાયદાનું પ્રતીક) અને તેની દીકરી ડાઇકની પૂજા કરી હતી. ડાઇકનો અર્થ જ ન્યાય થાય છે. ડાઇકને ત્રાજવાની એક જોડી સાથે દર્શાવાઈ હતી અને એવી માન્યતા હતી કે તે માનવીય કાયદા પર શાસન કરતી હતી.

રોમન દંતકથામાં લેડી ઑફ જસ્ટિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ન્યાયની આ દેવીને રોમમાં ‘જસ્ટિસિયા’ કહેવાય છે. રોમના સમ્રાટ ઑગસ્ટસ ન્યાયને પ્રમુખ ગુણ માનતા હતા. ત્યાર બાદ સમ્રાટ ટિબેરિયસે જસ્ટિસિયા દેવીનું મંદિર બનાવ્યું હતું, જે બાદ તે ન્યાયનું પ્રતીક બની. સમ્રાટ વેસ્પાસિયને તો દેવીની છબીવાળા સિક્કા બનાવ્યા હતા જેમાં તે એક સિંહાસન પર બેઠી છે. તેને ‘જસ્ટિસિયા ઑગસ્ટા’ કહેવામાં આવતું હતું. ત્યાર બાદ ઘણા સમ્રાટોએ પોતાને ન્યાયના સંરક્ષક જાહેર કરીને આ દેવીનો ઉપયોગ કર્યો હતો. ધીરે-ધીરે લેડી ઑફ જસ્ટિસનો વ્યાપ વધ્યો એમ દુનિયાના ઘણા દેશોમાં લેડી ઑફ જસ્ટિસને અલગ-અલગ રૂપમાં કોર્ટ, કાયદાકીય કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવી. હાથમાં ત્રાજવુ અને તલવાર ધરાવતી અને આંખે પાટા બાંધેલી ન્યાયની દેવી ન્યાય પ્રણાલીમાં નૈતિકતાનું પ્રતીક માનવામાં આવે છે. જેમ ભગવાન ભેદભાવ વિના દરેકને સમાન રીતે જુએ છે એવી જ રીતે ન્યાયની દેવી પણ પણ ન્યાય કરતી વખતે પૈસા, સામાજિક મોભો, સત્તા કે વગદાર વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ રાખતી નથી એવું માનવામાં આવે છે. હાથમાં રહેલી તલવાર લેડી જસ્ટિસની શક્તિ અને સત્તાનું પ્રતીક હોવાનું મનાય છે.

ન્યાયની દેવીની પ્રતિમા જુદા-જુદા રૂપમાં દુનિયાભરમાં જોવા મળે છે. વિશ્વભરની અદાલતોમાં લેડી ઑફ જસ્ટિસ આગવું મહત્ત્વ ધરાવે છે. મૂર્તિઓની સાથે એ પેઇન્ટિંગ્સ અને ધાતુની મૂર્તિના રૂપમાં જોવા મળે છે. ઉત્તર અને દ​ક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, મધ્ય-પૂર્વ-દક્ષિણ એશિયા અને ઑસ્ટ્રેલિયાની અદાલતો અને કાયદાકીય કચેરીઓમાં જોવા મળે છે.

પહેલી વાર ૧૮૭૨માં ઇન્સ્ટૉલેશન

ભારતમાં બ્રિટિશ રાજ દરમ્યાન લેડી ઑફ જસ્ટિસને મૂર્તિમંત કરવામાં આવી હતી. સૌપ્રથમ ૧૮૭૨માં કલકત્તા હાઈ કોર્ટમાં બિલ્ડિંગના પિલરમાં લેડી ઑફ જસ્ટિસની કોતરણી કરવામાં આવી હતી. 

columnists indian government national news india supreme court