29 September, 2024 03:07 PM IST | Mumbai | Rajani Mehta
પુત્રી અપરાજિતા સાથે ભારત ભૂષણ.
પરોઢના ચાર વાગ્યા છે અને વીજળીના ચમકારા સાથેના કડાકા-ભડાકાથી મારી ઊંઘ ઊડી જાય છે. મુશળધાર વરસાદના પરિણામે વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ છે. રાતે સૂતાં પહેલાં હવે તો ભાદરવો આવ્યો એટલે એક મહિનો ગરમી પડે જ એમ માનીને ‘ઑન’ કરેલું AC બંધ કર્યું અને જીવ વિચારે ચડી ગયો.
હવે ઋતુચક્ર એટલું બદલાઈ ગયું છે કે સાઉદી અરેબિયામાં પૂર આવતાં ઊંટોના કાફલા તણાઈ જાય છે. ભારતમાં અમુક પ્રદેશમાં બરફના કરા પડ્યા એ સમાચારથી કોઈને નવાઈ નથી લાગતી. કુદરતની લીલા ન્યારી છે. એ ક્યારે, કોને, કેવી રીતે ન્યાલ કે બરબાદ કરી દેશે એની કોઈને ખબર નથી હોતી. ભારત ભૂષણના જીવનમાં પણ એવું જ બન્યું.
૪૦ના દસકમાં નાના-મોટા રોલ કરતા ૧૯૫૨માં ‘બૈજુ બાવરા’ની લોકપ્રિયતાએ તેમના કિસ્મતની બાજી પલટી નાખી. તેમની ગણના ટોચના અભિનેતામાં થવા લાગી અને અઢળક ફિલ્મોની ઑફર્સ આવવા લાગી. પરિસ્થિતિ એવી આવી કે સાઉથના એસ. એસ. વાસનની ફિલ્મ ‘ઇન્સાનિયત’ (૧૯૫૫) તેમણે એમ કહીને અસ્વીકાર કરી કે આમાં મને અભિનયક્ષમતા દેખાડવાનો કોઈ મોકો નહીં મળે.
જે ફિલ્મમાં દિલીપ કુમાર સાથે બીજા હીરો તરીકે કામ કરવાનો અવસર મળતો હોય એવી ભૂમિકા તેમણે જતી કરી એ બતાવે છે કે એ સમયે ભારત ભૂષણનો આત્મવિશ્વાસ કેટલી બુલંદી પર હશે. ત્યાર બાદ એ રોલ દેવ આનંદે કર્યો. એ અલગ વાત છે કે દેવ આનંદે પાછળથી એકરાર કર્યો કે એ મારા જીવનની મોટી ભૂલ હતી.
એ સમયે ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક ફિલ્મો વધુ બનતી. આ ફિલ્મોમાં ભારત ભૂષણના વ્યક્તિત્વને અનુરૂપ અનેક ભૂમિકાઓ મળતી ગઈ જેને મીઠા મધુરા સંગીતનો સાથ મળ્યો. આ કારણે તેઓ એક સેલેબલ હીરો તરીકે એસ્ટાબ્લિશ થયા. ૧૯૫૫માં ‘ચૈતન્ય મહાપ્રભુ’ માટે તેમને ફિલ્મફેરનો ‘બેસ્ટ ઍક્ટર અવૉર્ડ’ મળ્યો. ટૂંકમાં કહીએ તો ભારત ભૂષણ જેવા અભિનેતા માટે ‘પાંચે આંગળી ઘીમાં’ જેવી આ વાત હતી.
ત્રણ બંગલા, ચાર વિદેશી ગાડી અને બેસુમાર દોલત, શોહરત અને સમૃદ્ધિની રેલમછેલ હોવા છતાં ભારત ભૂષણ ફિલ્મી દુનિયાનાં દૂષણોથી દૂર રહ્યા હતા. શરાબ અને શબાબમાં તેમને રસ નહોતો. કોઈ હિરોઇન સાથે તેમના રોમૅન્સની અફવાઓ ઊડી નથી. બસ, તેમને એક શોખ હતો સ્મોકિંગનો, જે છોડી દીધો. એ વિશે વાત કરતાં તેમની પુત્રી અપરાજિતા કહે છે, ‘‘ચૈતન્ય મહાપ્રભુ’ બાદ લોકો તેમને ભગવાનની જેમ પૂજતા. એક ચાહક તેમને મળવા બંગલાની બહાર રોજ રાહ જોઈને ઊભો રહેતો. એક દિવસ તેને અંદર બોલાવ્યો. આવતાં વેંત તે પિતાજીને પગે લાગ્યો અને કહે, ‘હું તમને બહુ ઇજ્જત આપું છું. આજે મારી ઇચ્છા પૂરી થઈ. એક વિનંતી કરું? એ દિવસે તમને બાલ્કનીમાં સિગારેટ પીતા જોઈ મને બહુ ખરાબ લાગ્યું. આપના જેવા સંસ્કારી માણસને આ શોભતું નથી.’ બસ, એ દિવસથી તેમણે સ્મોકિંગ છોડી દીધું.’
સાહિત્ય અને સંગીતપ્રેમી ભારત ભૂષણના ઘરે નિયમિત મહેફિલ જામતી. સાહિર લુધિયાનવી સાથે ગાઢ દોસ્તી. એ ઉપરાંત શાસ્ત્રીય સંગીતના મહારથીઓ સાથે તેમને ઘરોબો. આ મહેફિલમાં ફિલ્મી દુનિયાના મિત્રો પણ સામેલ થાય. મધુબાલા અને ભારત ભૂષણની પત્ની સારાં મિત્રો હતાં. બધું સમુંસૂતરું ચાલતું હતું ત્યારે જ એક ઘટના બની. ૧૯૬૦માં બીજી પુત્રી અનુરાધાના જન્મ બાદ તેમની પત્નીનું નિધન થયું. ભારત ભૂષણ ભાંગી પડ્યા. ઉપરથી અનુરાધા પોલિયોનો શિકાર બની. બન્ને બાળકીઓની જવાબદારી ભારત ભૂષણ પર આવી ગઈ. પત્નીની વિદાયના એક વર્ષ બાદ પરિવારની સલાહ માનીને ભારત ભૂષણે અભિનેત્રી રત્ના સાથે લગ્ન કર્યાં, જે ‘બરસાત કી રાત’માં તેમની સહકલાકાર હતી.
જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે પરંતુ અમુક પીડા માનવસર્જિત હોય છે. ભારત ભૂષણે એવી જ એક ભૂલ કરી. નાના ભાઈની સમૃદ્ધિ અને સફળતા જોઈને મોટા ભાઈ રમેશે એક સલાહ આપી કે આપણે ફિલ્મ પ્રોડક્શનમાં હાથ અજમાવવો જોઈએ. ભારત ભૂષણે હા પાડી. મોટા ભાઈ મુંબઈ આવી ગયા. પહેલી ફિલ્મ બનાવી ‘બસંત બહાર’. ત્યાર બાદ આવી ‘બરસાત કી રાત’. આ ફિલ્મોનું સંગીત લોકપ્રિય થયું, પણ કમાણી ન થઈ. આ તરફ ભારત ભૂષણની લોકપ્રિયતા ઓછી થતી જતી હતી. ફિલ્મોમાં હીરો તરીકે કામ ઘટતું જતું હતું. ત્રીજી ફિલ્મ ‘દુજ કા ચાંદ’ સદંતર નિષ્ફળ ગઈ. મોટું નુકસાન થયું. હાર્યો જુગારી બમણું રમે એમ ભાઈએ સલાહ આપી કે હવેની ફિલ્મમાં નવો હીરો લઈએ. આમ ‘નયી ઉમ્ર કી નયી ફસલ’માં તેમના પુત્ર રાજીવને હીરો બનાવ્યો. ફિલ્મ સુપર ફ્લૉપ ગઈ અને ભારત ભૂષણ કરજના ડુંગર હેઠળ દબાઈ ગયા.
હીરો તરીકે તેમની અંતિમ ફિલ્મ હતી ‘જહાંઆરા’ (૧૯૬૪). ત્યાર બાદ લીડ રોલમાં તેમણે ‘તકદીર’ (૧૯૬૭)માં કામ કર્યું. ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૯)માં શશી કપૂરના પિતા તરીકે ભૂમિકા ભજવીને ચરિત્ર ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. માથા પર મોટું દેવું હતું છતાં કોઈની સામે હાથ લાંબો ન કર્યો. લોકો કહેતા કે મોટા ભાઈએ લાલચમાં આવીને હિસાબમાં ગોટાળા કર્યા અને ભારત ભૂષણને કંગાળ બનાવી દીધા. તેમની ખાનદાની એટલી કે તે ચૂપ રહ્યા. ભાઈ પર કોઈ આરોપ ન લગાવ્યો. ચડતા સૂરજને હરકોઈ પૂજે છે પરંતુ અસ્ત થતા સૂર્યની ગરિમા કોઈ નથી કરતું. તેમને ઇન્ડસ્ટ્રીમાં કામ મળવાનું ઓછું થતું ગયું. અંતે એવો સમય આવ્યો કે ૧૯૭૦માં બંગલા, ગાડી વેચીને તેઓ મલાડમાં બે બેડરૂમના ફ્લૅટમાં આવી ગયા. (કાર્ટર રોડ પરનો તેમનો વિશાળ બંગલો રાજેન્દ્ર કુમારે ખરીદીને ‘ડિમ્પલ’ નામ આપ્યું જે વર્ષો બાદ રાજેશ ખન્નાએ ખરીદ્યો અને ‘આશીર્વાદ’ નામ આપ્યું. આજે એ બંગલો બીજા કોઈની મિલકત છે.)
અપરાજિતાએ રામાનંદ સાગરની ‘રામાયણ’માં મંદોદરીની ભૂમિકા ભજવી હતી. બે પુત્રીઓની માતા અપરાજિતાએ પતિના નિધન બાદ ડબિંગ-આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું અને બાદમાં ફિલ્મો અને સિરિયલ્સમાં અભિનય શરૂ કર્યો. ૧૦ વર્ષ બાદ અભિનય છોડી આધ્યાત્મિક લેખિકા અને મોટિવેશનલ સ્પીકર તરીકે તે પુણેમાં સેટલ થઈ છે. વીતેલી યાદોને વાગોળતાં તે કહે છે, ‘પિતાજીએ વિકટ પરિસ્થિતિઓનો બહાદુરીથી સામનો કર્યો. મારી માતાના મૃત્ય બાદ તે ભાંગી પડ્યા હતા. તેમણે કહ્યું હતું, ‘મૈંને અપની સબસે અચ્છી દોસ્ત કો ખો દિયા.’ જીવનભર અમને માની ખોટ ન લાગવા દીધી. આર્થિક મુશ્કેલીના સમયે કોઈને દોષ ન આપ્યો. કોઈની સામે હાથ ન ફેલાવ્યો. સઘળું વેચીને પાઈ-પાઈનું કરજ ચૂકવી દીધું. તેમનું પ્રિય ગીત હતું ‘મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા.’ હું મા બની ત્યારે મેં સવાલ કર્યો કે તમે આટલી તકલીફોનો સામનો કેવી રીતે કર્યો? કહે, ‘તુમ ભી તો દેવ આનંદ કી ફૅન હો’ આમ કહેતાં ગીત ગાતાં કહે કે જીવનના આ પડાવ પર જે મળે એને તકદીર માનીને સ્વીકારી લેવું જોઈએ.’
જેમ-જેમ સમય વીતતો હતો તેમ ભારત ભૂષણની આર્થિક અને શારીરિક હાલત બગડતી જતી હતી. સમય એવો આવ્યો કે ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરવું પડ્યું. બસની લાઇનમાં પ્રવાસ કરતા ભારત ભૂષણને દુનિયા ઓળખતી પણ નહોતી. તેમની તબિયત લથડી પરંતુ મોંઘી સારવાર માટે પૈસા નહોતા. પત્ની રત્ના માંડ-માંડ ઘર ચલાવતી. ફિલ્મી દુનિયાએ પણ તેમની હાલતની નોંધ ન લીધી. મુફલિસીના આ આલમ વચ્ચે ભારત ભૂષણ ઈશ્વરને યાદ કરીને કદાચ આ જ ગીત ગાતા હશે. ‘દુનિયા ન ભાયે મોહે, અબ તો બુલા લે, ચરનોં મેં ચરનોં મેં તેરે’ (બસંત બહાર – શંકર-જયકિશન - મોહમ્મદ રફી – શૈલેન્દ્ર)
ભારત ભૂષણ પીડામાં એક વખત બોલી ગયા હતા, ‘મૌત સબકો આતી હૈ પર જીના સબકો નહીં આતા. ઔર મુઝે તો બિલકુલ નહીં આયા.’ ઈશ્વરે દયા કરીને ૭૧ વર્ષના ભારત ભૂષણને ૧૯૯૨ની ૨૭ જાન્યુયારીના દિવસે મુક્તિ આપી. એ દિવસથી તેમના ચાહકો સ્વરાંજલિ આપતા ગાય છે, ‘જબ જબ બહાર આઈ ઔર ફૂલ મુસ્કુરાએ, મુઝે તુમ યાદ આએ...’ (‘તકદીર’ – લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ – મોહમ્મદ રફી – આનંદ બક્ષી)