14 March, 2022 02:07 PM IST | Mumbai | Sanjay Goradia
એબી કૉર્પ અને સંજય ગોરડિયા પ્રોડક્શન્સ કેવી રીતે પાર્ટનર બન્યાં?
વાત ચાલી રહી છે મારી કરીઅરના ૨૦૦૬ના વર્ષની. એ વર્ષે ‘બાએ મારી બાઉન્ડરી’, ‘મમ્મી વીસની દીકરી ચાલીસની’, ‘જાદુ તેરી નઝર’ પછી આપણે વાત શરૂ કરી અમારા નવા નાટક ‘પપ્પુ પાસ થઈ ગયો’ની. રાઇટર પ્રકાશ બુદ્ધિસાગર અને પ્રિયદર્શન જાધવ એમ બે લેખક પાસેથી અમે રાઇટ્સ લઈને અમારા નાટકનું કામ આગળ વધાર્યું.
પહેલેથી અમારી વચ્ચે નક્કી જ હતું કે નાટક વિપુલ મહેતા ડિરેક્ટ કરશે, પણ રાઇટર અમારે નક્કી કરવાનો બાકી હતો એટલે મેં અને વિપુલે નક્કી કર્યું કે ઓરિજિનલ નાટકની વનલાઇન પરથી નાટક લખવાનું કામ આપણે ઇમ્તિયાઝ પટેલને સોંપીએ. આપણે નાટકના પ્રોડક્શનની વાતો આગળ વધારીએ એ પહેલાં હું વધુ એક વાર સ્પષ્ટતા કરીશ કે અમે જે નાટકને રૂપાંતર ગણાવીએ છીએ એમાં હકીકતમાં તો વનલાઇન જ લીધી હોય છે, બાકી તો આખું નાટક અલગ અને નવેસરથી જ લખાવીએ એટલે એ દૃષ્ટિએ ‘પપ્પુ પાસ થઈ ગયો’ માટે તમે ઇમ્તિયાઝને જ લેખક કહો તો એમાં જરાય ખોટું નહીં કહેવાય. ઍનીવેઝ, વિપુલ અને ઇમ્તિયાઝની જોડીએ કામ શરૂ કર્યું અને અમે નાટકનું મુહૂર્ત કર્યું.
લીડ કૅરૅક્ટર પપ્પુના રોલમાં હું, તો મારી સાથે વાઇફના કૅરૅક્ટરમાં સ્નેહા દેસાઈ, સાસુના રોલમાં અનુરાધા કાનાબાર, ગુંડાની ભૂમિકામાં શરદ શર્મા ફાઇનલ થયાં તો મારા પાડોશી મિત્ર તરીકે સૌનીલ દરૂ અને ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં સુનીલ વિશ્રાણીને નક્કી કર્યા. અમારી આ નાટકની ટીમમાં હું જહાંગીર કરકરિયાનું નામ ખાસ ઉમેરીશ.
જહાંગીર પારસી નાટકનો બહુ સારો ઍક્ટર. ‘પપ્પુ પાસ થઈ ગયો’ નાટકમાં તેણે ધૂની ડૉક્ટરનું હિલેરિયસ કૅરૅક્ટર કર્યું હતું. જહાંગીરને તમે ઘણી ફિલ્મોમાં અને ટીવી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સમાં જોયો છે.
અમારા નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. બધું સરસ રીતે આગળ ચાલે, પણ સેકન્ડ ઍક્ટમાં અમે બરાબર અટવાયા, પણ મેં તમને કહ્યું છે એમ, વિપુલ હંમેશાં બધા મોરચા પર ઊભો જ હોય. અટવાયેલા ઇમ્તિયાઝને વિપુલે મસ્ત રસ્તો કાઢી આપ્યો અને એ બધા ઇન્પુટના આધારે ઇમ્તિયાઝે સેકન્ડ ઍક્ટ સરસ રીતે ઊભો કર્યો, પણ મેં તમને કહ્યું એમ, ઇમ્તિયાઝને ઇન્પુટ મળ્યાં એટલે એ રસ્તો નીકળ્યો. કહેવાનો ભાવાર્થ એ કે નાટક એક સહિયારું સર્જન છે, એમાં સૌકોઈનો ફાળો ઉમેરાતો હોય છે અને એ પછી એ સક્સેસ સુધી પહોંચે છે. એટલાં સરસ એ ઇન્પુટ હતાં કે નાટક ઘીથી લથબથ શીરા જેવું બની ગયું અને કોઈ જાતની તકલીફ વિના, સહેલાઈથી ગળે ઊતરવા માંડ્યું. ગ્રૅન્ડ રિહર્સલ્સમાં અમને દેખાયું કે નાટક હિટ છે અને એવું જ બન્યું.
૨૭ ઑક્ટોબર, શુક્રવાર અને ભાઈદાસ હૉલ.
મારા પ્રોડક્શનનું ૩૮મું નાટક ‘પપ્પુ પાસ થઈ ગયો’ ચૅરિટી શોથી ઓપન થયું અને ધારણા મુજબ જ હિટ થયું. એક્ઝૅક્ટ એક વીક પછી એટલે કે પાંચમી નવેમ્બરે અમે પબ્લિક શોમાં નાટક ઓપન કર્યું. અમે આ નાટકના માત્ર ૯૮ શો કર્યા, પણ આ નાટક કરવાની મને બહુ મજા આવી એ તો હું સ્વીકારીશ જ. તમને પણ મજા આવશે, યુટ્યુબ પર ‘પપ્પુ પાસ થઈ ગયો’ અવેલેબલ છે, જરૂર જોજો.
નવેમ્બર મહિનો આવી ગયો હતો અને આ એક વર્ષમાં અમારાં ચાર નાટકો ઑલરેડી રિલીઝ થઈ ગયાં હતાં, પણ ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ જેવો ઘાટ હતો ત્યારે. કારણ કે અમારા પાંચમા નાટકની તૈયારી ઑલરેડી ચાલુ થઈ ગઈ હતી. કેવી રીતે એની વાત કરીએ.
‘પપ્પુ પાસ થઈ ગયો’નાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દિવસોમાં મારી મુલાકાત જયા બચ્ચન સાથે થઈ. વાતો ચાલતી હતી એ દરમ્યાન તેમણે વાતવાતમાં મને કહ્યું કે ‘સંજય, અમારે એબી કૉર્પમાં એક નાટક કરવું છે, જો કોઈ સારું નાટક તારી પાસે હોય તો મને કહેજે.’ મિત્રો, તમને યાદ હશે કે અમિતાભ બચ્ચન કૉર્પોરેશન લિમિટેડ નામની કંપની બચ્ચન-ફૅમિલીએ શરૂ કરી હતી. એમાં ફિલ્મો, ઇન્ટરનૅશનલ ઇવેન્ટ્સ અને એવાં બીજાં કામો થતાં, એ જ કંપનીનું નામ બદલીને એબી કૉર્પ થયું હતું.
‘તારી પાસે કોઈ નાટક હોય તો મને કહેજે...’
જયાજીએ જેવું કહ્યું કે તરત મને અમારું સુપરહિટ નાટક ‘લાલીલીલા’ યાદ આવ્યું અને મેં તેમને વાત કરી. જયાજીએ પણ આ નાટક જોયું હતું એટલે તેમણે પણ હા પાડી અને આમ એબી કૉર્પ અને સંજય ગોરડિયા પ્રોડક્શન્સ નાટકના પ્રોજેક્ટમાં ભેગાં થયાં. બન્ને કંપની વચ્ચે પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ થયાં અને હિન્દી ‘લાલીલીલા’નું પ્લાનિંગ શરૂ થયું.
અમિતાભ બચ્ચનની કંપની સાથે નાટક કરવાનો મોકો મળવો એ જરા પણ નાનીસૂની વાત નહોતી, મારા માટે ગર્વની ઘટના હતી, પણ અગેઇન મેં એ જ ભૂલ કરી, જે અગાઉ કરી હતી. ‘લાલીલીલા’ જે અમે ગુજરાતીમાં કર્યું હતું એ જ ગુજરાતી નાટકનું અમે સીધેસીધું બેઠ્ઠું ટ્રાન્સલેશન કરી નાખ્યું. હકીકતમાં ટ્રાન્સક્રિએશન કરવાનું હતું, ભાવાનુવાદ લાવવાનો હતો. હિન્દી બેલ્ટનો અમને કોઈ પરિચય નહીં. હિન્દી ઑડિયન્સમાં કયા પ્રકારનું બૅકડ્રૉપ સહજ રહે જેવા મુદ્દાથી માંડીને રોજબરોજના હિન્દીમાં કયા પ્રકારના શબ્દો આવતા હોય એની અમને ખબર નહીં એટલે ફિયાસ્કો થાય એવો ઘાટ ઘડાયો. અમે તો બસ અમારી ધૂનમાં હતા, એબી કૉર્પ જેવી કંપનીનો અમને સપોર્ટ હતો એટલે અમે તરત ઝંપલાવી દીધું જે અમારી મોટી ભૂલ હતી.
ઍડપ્ટેશન વિપુલ મહેતાને સોંપ્યું અને ડિરેક્શન પણ તેને જ સોંપ્યું એને લીધે બન્યું એવું કે નાટકમાંથી ગુજરાતીપણાની વાસ આવવા માંડી અને દૂર-દૂર સુધી હિન્દીત્વ એમાં આવ્યું જ નહીં. અમે કલાકારોમાં પણ થાપ ખાધી હતી. અમુક કલાકારો ગુજરાતી હતા. કારણ પણ સહજ હતું, અમે ગુજરાતી કલાકારો સિવાય કોઈને ઓળખતા નહોતા. એમ છતાં નાદિરા બબ્બરના ગ્રુપમાંથી એક-બે ઍક્ટરને લીધા તો વિપુલ કેટલાક મરાઠી ઍક્ટરને ઓળખતો એટલે કેટલાક મરાઠી ઍક્ટર આવ્યા. આરતી વિવેક, ઇરાવતી કર્ણિક. ઇરાવતી કર્ણિક ખૂબ સારી લેખિકા છે, તેણે નાના-મોટા રોલ પણ કર્યા છે. તો સુશાંત સેલાર નામનો મરાઠી ઍક્ટર પણ અમે કાસ્ટ કર્યો. આમ નાટક ઊભું થઈ ગયું, એબી કૉર્પના કારણે એને મીડિયા અટેન્શન પણ મળ્યું.
૧૯ નવેમ્બર અને રંગશારદા ઑડિટોરિયમ.
અમારું ૩૯મું નાટક ‘લાલીલીલા’ ઓપન થયું અને બધી ભૂલના સરવાળે નાટક સુપરફ્લૉપ થઈ ગયું. આ નાટકે બહુ સારી રીતે સમજાવી દીધું કે ભાવાવેશમાં આવીને ભાગવાથી જે પછડાટ મળે છે એ તમારા હોશ ઉડાડી દેનારી હોય છે. હિન્દી ‘લાલીલીલા’એ વધુ એક વાર પુરવાર કર્યું કે ગુજરાતીમાંથી ક્યારેય સીધાં જ હિન્દી નાટકો બનાવવાં નહીં. એમાં તમારે ડિરેક્ટર બદલવો પડે, રાઇટર નવો લાવવો પડે, પ્રૉપર હોમવર્ક કરવું પડે અને ઑડિયન્સને ઓળખવું પડે.