આંધ્ર પ્રદેશમાં રાજનીતિનો લાડુ અને ભક્તોના મોઢામાં પ્રસાદની કડવાહટ

29 September, 2024 01:57 PM IST  |  Mumbai | Raj Goswami

ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (TDP) જૂન મહિનામાં સત્તામાં પાછી ફરી છે ત્યારથી હિન્દુ મતદારોમાં એની છાપ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે.

સિદ્ધારમૈયા

ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (TDP) જૂન મહિનામાં સત્તામાં પાછી ફરી છે ત્યારથી હિન્દુ મતદારોમાં એની છાપ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TDP)ના ભૂતપૂર્વ અધ્યક્ષ વાય. વી. સુબ્બા રેડ્ડીએ પણ ચંદ્રાબાબુ નાયડુ પર રાજકીય અવસરવાદનો આરોપ લગાવ્યો છે

ભારતના રાજકારણમાં ધર્મ અને આસ્થાની એવી ભેળસેળ કરવામાં આવી છે કે ઘણી વાર એ કહેવું મુશ્કેલ બની જાય છે કે ધર્મને રાજકીય ફાયદા માટે વાપરવામાં આવે છે કે રાજનીતિ ધર્મની સેવા કરે છે. લેખક ચેતન ભગતને એક વરિષ્ઠ નેતાએ એક વખત કહ્યું હતું, ‘ભારતમાં રાજકારણ ત્રણ મોટાં પરિબળોની આસપાસ ફરે છે : ધર્મ, જાતિ અને ગરીબી. નીતિ અને નૈતિકતાની વાતો બધા કરે છે, પરંતુ અસલમાં બધું નક્કી થાય છે આ ત્રણ બાબતોથી.

આંધ્ર પ્રદેશમાં જે રીતે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ચગ્યો છે એમાં સાધારણ માણસને પણ સમજાય છે કે એન. ચંદ્રાબાબુ નાયડુની સરકાર રાજકીય સ્કોર સેટલ કરી રહી છે. એમાં ભોગ લેવાઈ રહ્યો છે મંદિરની પ્રતિષ્ઠાનો અને લોકોની આસ્થાનો.

કદાચ આ પહેલી વાર છે જ્યારે કોઈ મોટા મંદિરના પ્રસાદમાં ચરબીની ભેળસેળની વાતોથી ભક્ત હિન્દુઓનાં હૃદય હચમચી ગયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ આ જાહેરાત કરી હતી.

તેમની સરકારે અગાઉની YSR કૉન્ગ્રેસ પાર્ટી (YSRCP) સરકાર પર પ્રસાદના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં બીફ ટૅલો, ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો છે. ચંદ્રાબાબુ નાયડુએ ગુજરાતસ્થિત પ્રયોગશાળાના રિપોર્ટનો હવાલો આપ્યો છે. તેમણે એને માત્ર વહીવટી નિષ્ફળતા જ નહીં, ધાર્મિક પવિત્રતાનું અપમાન પણ ગણાવ્યું હતું.

દેશભરના રાજકીય નેતાઓએ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી. ભોપાલમાં હિન્દુ કાર્યકર્તાઓએ જગન મોહન રેડ્ડીનું પૂતળું બાળ્યું. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ મુદ્દાની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન જે. પી. નડ્ડાએ લાડુ પર રિપોર્ટ માગ્યો હતો અને કેન્દ્રીય ખાદ્યપ્રધાન પ્રહલાદ જોશીએ પણ વિગતવાર તપાસ માટે કહ્યું હતું. એક પગલું આગળ વધીને કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન બંદી સંજયે TTDમાં અન્ય ધર્મોના લોકોને રોજગારી આપવા પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી.

રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસટીમની રચના કરી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડી, જેમનો પક્ષ આ વર્ષે રાજ્યની ચૂંટણી હારી ગયો હતો, તેમણે સત્તાધારી TDP પર ‘ધાર્મિક બાબતોનું રાજકારણ’ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચંદ્રાબાબુ નાયડુ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. રેડ્ડી વધુ પરેશાન એટલા માટે છે કારણ કે તેઓ હિન્દુ નથી અને નાયડુ તેમને હિન્દુવિરોધી કહીને પોતાની જમીન મજબૂત કરી રહ્યા છે.

નાયડુની તેલુગુ દેસમ પાર્ટી (TDP) જૂન મહિનામાં સત્તામાં પાછી ફરી છે ત્યારથી હિન્દુ મતદારોમાં એની છાપ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ભૂતપૂર્વ અધ્યક્ષ વાય. વી. સુબ્બા રેડ્ડીએ પણ નાયડુ પર રાજકીય અવસરવાદનો આરોપ લગાવ્યો છે. રેડ્ડીએ મુખ્ય પ્રધાનને તેમના દાવાઓને સાબિત કરવા માટે ભગવાન વેન્કટેશ્વર સમક્ષ શપથ લેવાનો પડકાર ફેંક્યો છે.

YSRCP, કૉન્ગ્રેસ અને ડાબેરીઓ માને છે કે ભેળસેળવાળું ઘી ધરાવતું ટૅન્કર જુલાઈના મધ્યમાં જપ્ત કરવામાં આવ્યું હતું અને જુલાઈના અંત સુધીમાં પરીક્ષણોનાં પરિણામો બહાર આવી ગયાં હતાં તો તેમણે સપ્ટેમ્બર સુધી આ મુદ્દાને કેમ ગુપ્ત રાખ્યો હતો?

TTD માટે વિવાદો નવા નથી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં એ સમયે વિપક્ષમાં રહેલા YSRCPએ તેલુગુ દેસમ પાર્ટીની સરકાર પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે દેવતાના ખજાનામાંથી એક કીમતી ગુલાબી હીરો ગાયબ થઈ ગયો છે.

મંદિરના એક વરિષ્ઠ પૂજારીએ વિપક્ષના દાવાઓને સાચા ગણાવ્યા બાદ આ દાવો રાજકીય અને ચૂંટણીના મુદ્દામાં ફેરવાઈ ગયો હતો. TTD મૅનેજમેન્ટે પાદરી અને YSRCPના નેતા સામે બદનક્ષીનો દાવો દાખલ કરીને પ્રતિક્રિયા આપી હતી. ૨૦૧૯માં સત્તા-પરિવર્તન પછી આ કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને ગુલાબી હીરાનો વિવાદ શાંત થયો હતો.

તાજા વિવાદનો એક બીજો પક્ષ પણ છે. તિરુપતિ મંદિરમાં લાડુ માટેનું ઘી નંદિની કર્ણાટક દૂધ કેન્દ્ર તરફથી છેલ્લાં ૪૦-૫૦ વર્ષથી આવે છે. અહીં એ પણ સમજવા જેવું છે કે કૉર્પોરેટજગતની નજર લાંબા સમયથી ડેરી જેવા મોટા ઉદ્યોગ પર છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે કે દેશભરમાં સાંચી, અમૂલ, નંદિની જેવી સ્થાપિત બ્રૅન્ડ્સ ધરાવતા સહકારી દૂધ સંઘો કેન્દ્ર સરકાર પાસે આવે અને એમની કામગીરી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ હેઠળ આવે.

એટલે છેલ્લાં ૬-૭ વર્ષથી દૂધ યુનિયનોને કબજે કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે સમયાંતરે એમના પર આક્રમણો થતાં રહ્યાં છે. કર્ણાટકની નંદિની બ્રૅન્ડ સાથે પણ આવો જ આડકતરો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કર્ણાટકના લોકો આ બ્રૅન્ડ સાથે એટલા જોડાયેલા છે કે સ્થાનિક રાજકીય પક્ષો વિરોધમાં આવી ગયા હતા. રાજ્યની ચૂંટણીમાં નંદિની બ્રૅન્ડ પણ એક મોટો મુદ્દો બની ગઈ હતી. એ પછી કેન્દ્ર સરકારે વિવાદમાંથી હાથ પાછા ખેંચી લીધા હતા.

એકંદરે, આંધ્ર પ્રદેશના એક પ્રખ્યાત પ્રસાદે લોકોના મોઢામાં કડવાશ પેદા કરી છે. આ વખતે પ્રયોગશાળાનો રિપોર્ટ એમાં ચરબી જેવી ચીજની પુષ્ટિ કરે છે. રાજકરણીઓ કહે છે કે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચી છે, પણ સરેરાશ ભક્તો મજાથી પ્રસાદ ખાઈ રહ્યા છે. વિવાદ થયો એ પછી ૪ દિવસમાં તેઓ ૧૪ લાખના લાડુ ખાઈ ગયા છે. મંદિરમાં પ્રસાદનું વેચાણ ચાલી રહ્યું છે અને સાથે જ રાજકીય યુદ્ધ પણ ચાલી રહ્યું છે.

કંગના બેવકૂફ છે કે બિન્દાસ?

હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટાઈ આવેલી BJPની સંસદસભ્ય કંગના રનૌત પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવામાંથી પાછી પડતી નથી. છેલ્લા મહિનામાં આ બીજી વખત BJPએ પોતાને કંગના રનૌતનાં નિવેદનોથી દૂર કરવી પડી છે. BJP સાથે જોડાતાં અને સંસદસભ્ય બનતાં પહેલાંથી કંગના અવારનવાર તેનાં નિવેદનોથી વિવાદ ઊભો કરતી હતી. હવે સંસદસભ્ય બન્યા પછી બિન્દાસ રીતે કોઈ પણ બાબત પર કશું પણ બોલવાની તેની આદતમાં ફરક આવ્યો નથી. પરિણામે BJPનું નીચાજોણું થઈ રહ્યું છે. એમાંય આ વખતે તો તેનું બયાન પાર્ટીના ટોચના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાગે એવું છે અને એ પણ હરિયાણાની ચૂંટણીમાં.

તાજા વિવાદમાં કંગનાએ કહ્યું હતું કે ત્રણ કૃષિકાયદાઓ ખેડૂતો માટે ફાયદાકારક છે અને એમને ફરીથી લાગુ કરવા જોઈએ. કંગનાએ પાછું આવું વિચારપૂર્વક કહ્યું છે. ‘હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ બનશે,’ તેણે કહ્યું હતું, ‘પરંતુ ત્રણ કૃષિકાયદાઓ પાછા લાવવા જોઈએ. ખેડૂતોએ આ અંગે જાગૃત રહેવાની જરૂર છે.’

વિરોધ પક્ષ કૉન્ગ્રેસે આ મુદ્દો ઉપાડી લીધો છે અને વડા પ્રધાનને સીધો સવાલ કર્યો છે કે પંજાબ-હરિયાણાના ૭૦૦ ખેડૂતોનો ભોગ લેનારા કૃષિકાયદાને પાછા લાવવામાં આવશે કે કેમ? કંગનાના આ નિવેદનથી BJP એટલી પરેશાન થઈ ગઈ હતી કે પાર્ટીએ પોતાના જ સંસદસભ્યના શબ્દોની નિંદા કરવી પડી છે એટલું જ નહીં, તેની પાસે માફી પણ મગાવી છે.

કંગનાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે BJPએ તેને થોડા દિવસ પહેલાં ખેડૂતો વિરુદ્ધ કંઈક બોલવાની સૂચના આપી હતી. અગાઉ તેણે કહ્યું હતું કે ખેડૂત-આંદોલનમાં બળાત્કાર થતા હતા અને લાશો લટકતી હતી. તેણે એવું પણ કહ્યું હતું કે વિદેશી તાકાતો ખેડૂતોના નામ પર દેશમાં બંગલાદેશ જેવી અરાજકતા ઊભી કરવા માગે છે.

BJPને બરાબર ખબર છે કે સરકાર માટે ખેડૂતોમાં રોષ છે અને અવિશ્વાસની ખાઈ સર્જાઈ છે. કેન્દ્રએ MSP વધારીને અને ખેડૂત ફન્ડ દ્વારા પણ ગુસ્સો ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કંગનાના નિવેદનથી ઘા તાજા થયા છે. કંગનાએ ભલે તેના શબ્દો પાછા ખેંચ્યા હોય, વિપક્ષ જે મુદ્દો ઇચ્છતો હતો એ મળી ગયો છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખેડૂત-આંદોલન પર ટિપ્પણીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે અને પૂછ્યું છે કે સરકારમાં નીતિ કોણ નક્કી કરે છે : વડા પ્રધાન મોદી કે BJPના સંસદસભ્ય? 

સિદ્ધારમૈયા કેજરીવાલ બનવા તરફ જઈ રહ્યા છે?

એવું લાગે છે કે દેશમાં રાજકારણ બદલાતું નથી, માત્ર એના ચહેરા બદલાય છે. કર્ણાટકમાં કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા મુશ્કેલીમાં છે. મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (મુડા)ના કથિત જમીનકૌભાંડ અંગે (BJP દ્વારા નિમણૂક પામેલા) રાજ્યપાલ થાવરચંદ ગહલોટ પછી કર્ણાટક હાઈ કોર્ટે પણ કહ્યું છે કે એની તપાસ થવી જોઈએ. રાજ્યપાલે ત્રણ સામાજિક કાર્યકરોની ફરિયાદ પરથી મુખ્ય પ્રધાન સામે જમીનોની વહેંચણીમાં ભ્રષ્ટાચારની તપાસને મંજૂરી આપી હતી. સિદ્ધારમૈયા એની સામે હાઈ કોર્ટ ગયા હતા અને હાઈ કોર્ટે પણ તપાસને મંજૂર રાખી છે.

સિદ્ધારમૈયા અને તેમનાં પત્ની આ કેસમાં મુખ્ય આરોપી છે. બન્ને પર બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ છે. મુખ્ય વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી (BJP)એ સિદ્ધારમૈયાના રાજીનામાની માગણી કરી છે.

કર્ણાટકના લોકો અગાઉ પણ આવું ‘નાટક’ જોઈ ચૂક્યા છે. આ વખતે પાત્રો બદલાઈ ગયાં છે. ૨૦૧૧માં BJPના બી. એસ. યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્ય પ્રધાન હતા. એ ગેરકાયદે ખાણકૌભાંડમાં ફસાયેલા યેદિયુરપ્પા પર કર્ણાટકના બે વકીલોએ કથિત જમીનકૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આ જમીન રાજધાની બૅન્ગલોરની આસપાસ હતી. બન્ને વકીલોએ આ સંબંધમાં રાજ્યપાલ અને લોકાયુક્તને પત્ર લખ્યો છે.

એ સમયે કૉન્ગ્રેસના હંસરાજ ભારદ્વાજ રાજ્યપાલ હતા. ભારદ્વાજે તરત જ કેસ ચલાવવા અને કેસની તપાસ કરવાની મંજૂરી આપી હતી. એ નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જોકે રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યા બાદ લોકાયુક્તે યેદિયુરપ્પા સામે કાર્યવાહી શરૂ કરી હતી. લોકાયુક્તે પહેલાં યેદિયુરપ્પા વિરુદ્ધ વૉરન્ટ બહાર પાડ્યું હતું અને પછી તેમના જામીન નામંજૂર કર્યા હતા.

આ મામલે જેલમાં જવું પડશે એવું લાગતાં યેદિયુરપ્પા રાજકીય રીતે બૅકફુટ પર આવી ગયા હતા. તેમણે BJP હાઇકમાન્ડના આદેશ પર મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. ઑક્ટોબર ૨૦૧૧માં યેદિયુરપ્પાએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેઓ લગભગ એક મહિના સુધી જેલમાં રહ્યા હતા.

સિદ્ધારમૈયા સાથે પણ આવું જ થવાનું છે? તેમના પર એવો આરોપ છે કે સિદ્ધારમૈયાનાં પત્ની બી. એમ. પાર્વતીને મૈસૂરના એક પૉશ વિસ્તારમાં વળતર
તરીકે ફાળવવામાં આવેલા પ્લૉટની કિંમત MUDF દ્વારા હસ્તગત કરવામાં આવેલી જમીન કરતાં ઘણી વધારે હતી.

દેખીતી રીતે દિલ્હીની જેમ સિદ્ધારમૈયાના રાજીનામાની માગણી પણ શરૂ થઈ ગઈ છે. હવે એ જોવાનું રહેશે કે સિદ્ધારમૈયા પુરોગામી યેદિયુરપ્પાના પગલે ચાલે છે કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પગલે. કેજરીવાલે ભારતીય રાજકારણમાં બે વલણો સ્થાપિત કર્યાં છે. ધરપકડ પછી પણ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહી શકે છે. બીજું, મુખ્ય પ્રધાનપદ છોડ્યા પછી પણ તેઓ તેમની ખુરશી ખાલી રખાવીને રાજ્યના સિંહાસન પર પોતાનું નિયંત્રણ જાળવી શકે છે.

columnists raj goswami political news indian politics n chandrababu naidu telugu desam party kangana ranaut narendra modi