15 May, 2020 04:03 PM IST | Mumbai | J D Majethia
એ સમયે લોકો જોતા હતા કે ગુજરાતી પરિવાર તો સૂટ પહેરીને સૂઈ જાય અને સંસ્કારોના નામે આખો દિવસ એકબીજાને ‘જય શ્રીકૃષ્ણ’ કહીને વાત શરૂ કરે
‘વૉટ, પાગલ હો ગયે હૈં આપ લોગ?!’
તેનો આ ડાયલૉગ અને તેની મોટી થઈ ગયેલી આંખો આજે પણ મને યાદ છે. તેના પછીના વર્ડ્સ હતા...
‘ઇતના ચલ રહા હૈ શો ઔર આપ ઉસે બંધ કરના ચાહતે હો?’
અમે હા પાડી એટલે તેમણે સમજાવવાનું કામ શરૂ કર્યું. અમે તેમને કહ્યું કે ભાઈ અમે આ એટલા માટે બંધ કરવા માગીએ છીએ કે આજે જે કંટાળો અમને આવવાનું શરૂ થયું છે એ કંટાળો લોકોને આવવા માંડશે તો આજે આ સિરિયલ આટલી ઉપર છે અને લોકો આટલા ગાંડાની જેમ એના પર તૂટી પડે છે ત્યારે ભવિષ્યમાં એવું બનશે કે આ જ લોકો ગાળો આપશે. કહેશે કે કિતના ખીંચ રહે હૈં યે લોગ. એના કરતાં આપણે બંધ કરીએ.
‘ખીચડી’ ઇન્ડિયન ટેલિવિઝન માટે એક નવો જ કન્સેપ્ટ હતી, માઇન્ડલેસ ઇન્ટેલિજન્ટ કૉમેડી. આ જોનર આપણે ત્યાં કોઈ ઓળખતું નહોતું. મેં તેમને વાત કરતાં કહ્યું કે ‘ખીચડી’નાં હોર્ડિંગ લાગ્યાં ત્યારે ચૅનલે એમાં એવું મેન્શન નહોતું કર્યું કે આ એક કૉમેડી શો છે. ચૅનલને પણ ટેન્શન હતું કે શો નહીં ચાલે તો? આ ટેન્શન પણ અસ્થાને નહોતું. અગાઉ ચૅનલે ૭થી ૮ કૉમેડી પ્રોગ્રામ કર્યા હતા અને એ બધા ફેલ ગયા હતા. તેમનું એવું માનવું હતું કે આપણે આ શોને કૉમેડી શો તરીકે પ્રેઝન્ટ જ ન કરીએ. અમને આની જાણ કેવી રીતે થઈ એની વાત હું હવે કહું છું તમને.
હું અને આતિશ કારમાં જતા હતા અને રસ્તા પર મેં એક હોર્ડિંગ જોયું. હોર્ડિંગમાં કડાઈ અને એ કડાઈમાં અલગ-અલગ મસાલા પડ્યા હોય એવું દેખાતું હતું. મેં આતિશને કહ્યું કે કોઈ નવો કુકિંગ-શો આવતો લાગે છે. આતિશે જવાબ આપવાને બદલે ચૂપચાપ ગાડી ફેરવી, તેણે હોર્ડિંગ જોયું નહોતું. અમે ગાડી પાછી લઈને હોર્ડિંગ પાસે પહોંચ્યા. જોયું તો હોર્ડિંગ અમારા જ શોનું હતું. સમય અને ચૅનલ લખ્યાં હતાં. આવું કરવાનું કારણ અમે ચૅનલને પૂછ્યું તો કહ્યું કે આ જુદા પ્રકારની કૉમેડી છે એ લોકોને દેખાડવા માટે અને સમજાવવા માટે અમે આ શોને પેલા ટિપિકલ કૉમેડી શોના નામે છેતરવા નહોતા માગતા એટલે અમે આ રીતે શો પ્રેઝન્ટ કર્યો છે.
શો હતો પણ સાવ જુદો જ. તમને કહ્યું હતું એમ, એ સમયે લોકો જોતા હતા કે ગુજરાતી પરિવાર તો સૂટ પહેરીને સૂઈ જાય અને સંસ્કારોના નામે આખો દિવસ એકબીજાને ‘જય શ્રીકૃષ્ણ’ કહીને વાત શરૂ કરે, પણ આપણો શો તો અલગ જ. જે ટિપિકલ ડેઇલી શૉપ આવતા હતા એ શોની પેરોડી કે પછી મિમિક્રી કહીએ એ પ્રકારનું જ અમારું બંધારણ હતું. લોકો શરૂઆતમાં તો જોઈને ડઘાઈ ગયા કે આ પરિવાર શું સાચો પરિવાર છે ખરો? કોઈ બાપુજીને આ રીતે હેરાન કરે ખરું? સાચું કે આ લોકો મસ્તી કરે છે, પણ એ મસ્તી એટલી સિરિયસ્લી થાય કે તમે કલ્પના પણ ન કરી શકો કે એ મસ્તી તેમની રોજિંદી જીવવાની સ્ટાઇલ છે. જયશ્રીનો પતિ નથી, પણ અમે એ નથી બતાવ્યું કે તે સધવા છે કે વિધવા. આ વાતને અમે ખૂબ સરસ રીતે હૅન્ડલ કરી હતી. સિરિયલમાં એક પ્રસંગ વખતે મેંદી માટે ફૈબા એમ કહે છે કે જયશ્રી મેંદી ન લગાડી શકે. આ આખા ઇશ્યુ સમયે અમે ખૂબ સરસ રીતે બધું દર્શાવ્યું હતું અને સમજાવ્યું હતું કે વિધવા હોય તો પણ શા માટે મેંદી ન લગાવી શકે.
શરૂઆતમાં લોકોને કૉમેડી પલ્લે નહોતી ચડતી, પણ ધીમે-ધીમે પાત્રોને જાણતા ગયા, ઓળખતા ગયા અને એમ કરતાં-કરતાં સિરિયલ સાથે કનેક્ટ થઈ ગયા. કહેવા લાગ્યા કે શું સુપર્બ શો બનાવ્યો છે. પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે લોકો ધીરે-ધીરે આ શો સાથે જોડાયા હતા. મને પાક્કું યાદ છે કે ૧૮ એપિસોડ પછી અમને પાકિસ્તાનથી ઈ-મેઇલ આવી હતી, જેની વાત બે વીક પહેલાં મેં તમને કરી તો ૧૯મા એપિસોડ પછી અમને ચૅનલમાંથી શૈલજાએ ફોન કરીને એવું કહ્યું કે તમારો શો બાળકો પણ જુએ છે તો તમે બચ્ચાંઓ માટે પણ શોમાં કંઈક કરો. અમારાં પાત્રોમાં બે બચ્ચાંઓ તો હતાં જ, જૅકી અને ચકી. હવે અમે એ બન્ને બાળકોને ડ્રાઇવિંગ-સીટ પર લઈ આવવાનો વિચાર કર્યો. ઑડિયન્સમાં રહેલાં બાળકોને પકડવા માટે અમે સિમ્પલી એવી વાર્તા નક્કી કરી અને સિરિયલમાં એક ડાન્સ-કૉમ્પિટિશન રાખી અને કઈ રીતે એ ડાન્સ-કૉમ્પિટિશનમાં દાદાજીનો પગ તૂટી જાય છે અને છતાં તેઓ ડાન્સ કરીને કૉમ્પિટિશન જીતે છે એની વાત કરી. લાગણીઓ પણ હતી અને ફન પણ હતું. આ એપિસોડથી અમારા જૅકી-ચકીનો રોલ વધ્યો તો સાથોસાથ જૅકી-ચકી જે બોલતા હતા એ ‘બડે લોગ, બડે લોગ’ પણ ફેમસ થયું. દાદાજી સાથે બાળકોના સંબંધો જોઈને લોકોને ખૂબ મજા આવી હતી. આ બાળકો દાદાજીને ખૂબ હેરાન કરે છે, પણ પ્રેમ પણ એટલો જ કરે છે અને આ પ્રેમ લોકો સુધી પહોંચ્યો તો સાથોસાથ એ પણ બધાને સમજાયું કે ઇટ્સ અ સ્ટોરી ઑફ ડિફરન્ટ નૉર્મલ પીપલ.
પછી એકધારી ગાડી ચાલી અને છેક ૯૮મા એપિસોડમાં અમે બ્રેક લીધો. આતિશે કહ્યું કે હવે મને લખવાનો કંટાળો આવે છે અને મને પણ થયું કે વાત ખોટી નથી. સ્ક્રીન પર જોતાં-જોતાં ક્યારેક કશું રિપીટ થતું હોય એવું લાગવા માંડ્યું હતું. બ્રેકનું નક્કી કરીને અમે ચૅનલ પાસે જઈને મીટિંગ કરી. ચૅનલ માને નહીં એટલે મેં સમજાવ્યા કે આપણે ત્યાં એટલે કે હિન્દુસ્તાનમાં સીઝનનો કોઈ કન્સેપ્ટ નથી. મેં તેમને કહ્યું કે આપણે ત્યાં શેરડીમાંથી રસના છેલ્લા ટીપા સુધી એમાંથી રસ કાઢવામાં આવે એવું સિરિયલની વાર્તા સાથે કરવામાં આવે છે. છેલ્લામાં છેલ્લું રસનું ટીપું કાઢી લેવામાં આવે છે, પણ એ વાર્તાને જીવતી બંધ કરવાની કોઈ સિસ્ટમ નથી. આપણે એવું કરીશું. થોડો જ સમયમાં પાછા એક નવા જ ઉત્સાહ સાથે આપણે લોકો સમક્ષ આ શો અને આ કૅરૅક્ટર મૂકીશું. એવા સમયે બધાને અમે સમજાવ્યું કે ફૉરેનની આ નવી સીઝનની સિસ્ટમને આપણે પાછી લઈ આવીએ. તમે માનશો નહીં, આજે આ જે સીઝન-સિસ્ટમ થઈ છે એને ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું કામ ‘ખીચડી’એ કર્યું અને એ પછી બધાને સમજાયું કે ‘ક્યારે બંધ થાય છે?’ એવો પ્રશ્ન લોકો પૂછે એ સમયે નહીં, પણ ‘શું કામ બંધ કરો છો’ એવો સવાલ પુછાય ત્યારે વિદાય લેવાની.
સીઝન-ટૂ સાથે એમાં આપણે નવું કરીશું એવી આશા સાથે બધાને અમે મનાવ્યા અને અમે બ્રેક લીધો. વાત આવી થોડા સમય પછી નવી સીઝનની. આ નવી સીઝનમાં અમારે કંઈક નવું કરવાનું હતું, ધમાકેદાર કરવાનું હતું અને પહેલાં કરતાં બે વેંત ઉપર કહેવાય એવું કરવાનું હતું. અમે એ કામ કર્યું ‘ઇન્સ્ટન્ટ ખીચડી’ના નામે.
એ જ બાબુજી, એ જ જયશ્રી, પ્રફુલ, જૅકી-ચકી અને બાકીનાં બીજાં કૅરૅક્ટર સાથે અમે વન-અપ કહેવાય એવી વાત લઈ આવ્યા. આ જે પારેખ-ફૅમિલી છે એ ફૅમિલીના ઘરની નીચે ક્રૂડ નીકળે છે અને એ લોકો પ્લેન ખરીદે છે. આ એ શોની મેડનેસની નિશાની કહેવાય એટલી વાત છે, પણ કહેવાનો અર્થ એ કે અમે આ સ્તરે મેડનેસ પર ગયા હતા. નવેસરથી સેકન્ડ સીઝને પણ ધમાલ કરી દેખાડી. લોકોને બહુ મજા આવવા માંડી અને એક તબક્કે પહોંચ્યા પછી અમને એવું લાગ્યું કે હવે ફરીથી બ્રેક લઈએ. એક વાત હું કહીશ તમને કે અમે દૂરંદેશી સાથે આગળની વાત જોતા આવ્યા છીએ. ‘ઇન્સ્ટન્ટ ખીચડી’ શરૂ થયાના થોડા સમય પછી ડેઇલી શૉપનો ટાઇમ આવી ગયો હતો. લોકોને લાંબું યાદ નહોતું રાખવું અને બધા બીજા જ દિવસે વાર્તામાં શું થાય છે એ જોવા માગતા હતા. ઑડિયન્સમાં આવી રહેલા આ ચેન્જ વચ્ચે અમે બ્રેક લીધો અને એ બ્રેકે અમને પણ જુદી દિશામાં લઈ જવાનું કામ કર્યું. ‘ઇન્સ્ટન્ટ ખીચડી’ અટકાવ્યા પછી જ અમારી લાઇફમાં બા એટલે કે ‘બા, બહુ ઔર બેબી’ આવી અને બીજા શો પણ આવ્યા. બીજી એક વાત કહીશ હું તમને કે મોટા ભાગના અમારા શોમાંથી બ્રેક લેવાનું કામ અમે જ કર્યું છે. જે કામ તમને કંટાળો આપવા માંડે એ કામ બીજા કેવી રીતે વખાણી શકે? તમે પણ જ્યારે કંટાળો આવે ત્યારે આ વાત યાદ કરજો. બહુ લાભ થશે.