20 October, 2024 11:52 AM IST | Mumbai | Raj Goswami
લૉરેન્સ બિશ્નોઈ
બિશ્નોઈ અત્યારે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ વાત નાનીસૂની નથી કે તે જેલમાં બેઠો-બેઠો મુંબઈમાં એક વરિષ્ઠ રાજકારણીની અને કૅનેડામાં નાગરિકોની હત્યા કરાવી શકે છે. તે જેલની અંદર હોય કે બહાર, એનાથી કોઈ ફરક પડતો નથી. તે જેલમાં બેસીને પોતાના દુશ્મનોના નામે સુપારી કાઢે છે અને જેલમાં બેસીને કરોડો રૂપિયા એકત્ર કરતો રહે છે
ભારત અને કૅનેડાના સંબંધો પાછલાં કેટલાંક વર્ષોથી ખરાબ રહ્યા છે અને એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ૨૦૧૮માં પહેલી વાર કૅનેડાએ એવો આરોપ મૂક્યો હતો કે ભારત કૅનેડામાં દખલ કરી રહ્યું છે. સામે ભારતની ફરિયાદ એવી રહી છે કે કૅનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને પંપાળે છે. આ અઠવાડિયે એમાં નવો ફણગો ફૂટ્યો છે. આ વખતે કૅનેડા દ્વારા ભારતીય ઉચ્ચાયુક્ત સંજય કુમાર વર્માને તપાસના દાયરા હેઠળ ‘પર્સન ઑફ ઇન્ટરેસ્ટ’ જાહેર કરવામાં આવ્યા છે. પર્સન ઑફ ઇન્ટરેસ્ટ એટલે એવી વ્યક્તિ જે શકમંદ છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી.
સ્થિતિ એ છે કે ભારતે કૅનેડાના ‘વાહિયાત આક્ષેપો’ને પગલે ઓટાવાથી એના ઉચ્ચાયુક્ત અને કેટલાક અન્ય રાજદ્વારીઓને તેમની ‘સલામતી’ માટે પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. ભારતે નવી દિલ્હીમાં દેશના કાર્યકારી ઉચ્ચાયુક્ત સહિત છ કૅનેડિયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા છે.
કૅનેડાના વડા પ્રધાને જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે નવી દિલ્હીએ કૅનેડામાં હિંસા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટોની કથિત સંડોવણીની ફોજદારી તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત સરકારની એ ભૂલ છે કે એ કૅનેડાની ધરતી પર કૅનેડિયન લોકો વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓને ટેકો આપી શકે છે.’
ટ્રુડોની પત્રકાર-પરિષદ કૅનેડિયન પોલીસના વડા રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના દાવાઓના સમર્થનમાં હતી. RCMPના વડા માઇક ડુહેમે સોમવારે આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે કૅનેડામાં ‘મોટા પાયે હિંસા’ માં ભૂમિકા ભજવી છે, જેમાં હત્યાઓનો સમાવેશ થાય છે અને જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે.
ગયા વર્ષે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે કૅનેડાના સિખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના પુરાવા છે. ભારતે આ આરોપોને ફગાવી દીધા છે. ત્યારથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે.
આમાં સૌથી વિચિત્ર અથવા સનસનાટીભરી વાત છે કે કૅનેડિયન પોલીસના વડાએ એવું કહ્યું છે કે ભારત સરકાર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની મદદ લઈને કૅનેડામાં ખાલિસ્તાની સમર્થકોને નિશાન બનાવી રહી છે. ફેડરલ પોલિસિંગના સહાયક કમિશનર બ્રિગિટ ગૌવિને કહ્યું છે કે ‘ભારત દક્ષિણ એશિયન સમુદાયને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ તેઓ ખાસ કરીને કૅનેડામાં ખાલિસ્તાની તરફી તત્ત્વોને નિશાન બનાવી રહ્યા છે. અમારી માહિતી અનુસાર તેમણે સંગઠિત અપરાધી તત્ત્વોનો ઉપયોગ કર્યો છે. એક ચોક્કસ સંગઠિત અપરાધ જૂથ-બિશ્નોઈ ગ્રુપ-વિશે આ જાહેરમાં કહેવાયું છે. અમારું માનવું છે કે આ જૂથ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.’
લૉરેન્સ બિશ્નોઈ કે પંજાબી ગૅન્ગસ્ટર છે. તેની સામે હત્યા અને ગેરવસૂલી સહિતના બે ડઝન ગુનાહિત કેસ છે. તેની ગૅન્ગને ૭૦૦થી વધુ ગોળીબારની ઘટનાઓ સાથે જોડવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે જે સમયે મહારાષ્ટ્રની નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈનું નામ બહાર આવ્યું છે એ જ સમયે તેનું નામ કૅનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હત્યામાં ઉજાગર થયું છે.
બિશ્નોઈ અત્યારે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ વાત નાનીસૂની નથી કે તે જેલમાં બેઠો-બેઠો મુંબઈમાં એક વરિષ્ઠ રાજકારણીની અને કૅનેડામાં નાગરિકોની હત્યા કરાવી શકે છે. ૨૦૨૧માં તેને MCOCA હેઠળ નોંધાયેલા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. ૨૦૨૩ના ઑગસ્ટમાં ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ માદક દ્રવ્યોની દાણચોરીના કેસને ટાંકીને બિશ્નોઈની કસ્ટડી મેળવી હતી અને તેને સાબરમતી જેલના ઉચ્ચ સુરક્ષા ધરાવતા વૉર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અહેવાલમાં બિશ્નોઈ અને તેના સહયોગી ગોલ્ડી બ્રારના ખાલિસ્તાન તરફી સંગઠનો સાથેના સંબંધો બહાર આવ્યા છે. બિશ્નોઈ ગૅન્ગમાં ભારતના ૫ રાજ્યોના ૭૦૦ સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ ભારતની બહાર પણ પહોંચ ધરાવે છે.
તેણે પોતાની જાળ એવી રીતે ફેલાવી કે હવે તે જેલની અંદર હોય કે બહાર, એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે કે તે જેલમાં બેસીને જે ઇચ્છે છે એ ખૂબ જ સરળતાથી કરે છે. તે જેલમાં બેસીને પોતાના દુશ્મનોનાનામે સુપારી કાઢે છે અને જેલમાં બેસીને કરોડો રૂપિયા એકત્ર કરે છે. NIAની પૂછપરછ દરમિયાન તેણે તેના કામની સંપૂર્ણ કાર્યપદ્ધતિ અને એના દરેક સત્યનો ખુલાસો કર્યો હતો.
અગાઉ એપ્રિલ મહિનામાં ઍક્ટર સલમાન ખાનના ફ્લૅટ બહાર ગોળીબારમાં બિશ્નોઈએ જવાબદારી લીધી હતી. બિશ્નોઈએ ૨૦૧૮માં કાળિયાર હરણની હત્યાના કેસમાં ખાનને જાહેરમાં ધમકી આપી હતી. બિશ્નોઈ સમુદાયમાં આ પ્રાણીને પવિત્ર માનવામાં આવે છે.
હવે તેણે સલમાન ખાનના જ ખાસ મિત્ર બાબા સિદ્દીકીને નિશાન બનાવ્યા છે. તેમ છતાં મુંબઈ પોલીસને તેની હિરાસત મળતી નથી એ પણ નવાઈ છે. મીડિયાના અહેવાલો અનુસાર એપ્રિલના ગોળીબાર પછી મુંબઈ પોલીસે સાબરમતી જેલમાં બંધ બિશ્નોઈની કસ્ટડી મેળવવા માટે ઘણી વખત અરજી કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયના આદેશને કારણે દરેક વખતે એને નકારી કાઢવામાં આવી હતી.
દરમિયાનમાં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારે ભારતના ગૃહ મંત્રાલય સામે કૅનેડામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આઘાતજનક આક્ષેપ કર્યા છે. એના અહેવાલ અનુસાર કૅનેડાના અધિકારીઓએ ભારત સરકારની વરિષ્ઠ વ્યક્તિઓ પર કૅનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ સામે હિંસા આચરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ખાલિસ્તાની તરફી તત્ત્વો પરના અન્ય હુમલાઓનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર આ દાવાઓને ભારત-કૅનેડા વચ્ચે આંતરવામાં આવેલા અમુક સંદેશાવ્યવહાર અને એકત્રિત કરેલી ગુપ્ત માહિતીમાં સમર્થન આપવામાં આવ્યું છે.
કાશ્મીરમાં અબદુલ્લા અને સિંહાનું ગઠબંધન કેવું રહેશે?
જમ્મુ-કાશ્મીરમાં, ઓમર અબદુલ્લાની આગેવાનીમાં નૅશનલ કૉન્ફરન્સની સરકાર બની ગઈ છે. સરકાર બનતાં જ ઓમરે એક સરસ નિર્ણય કર્યો છે, તેઓ જ્યારે પણ રોડ મારફત યાત્રા કરતા હોય ત્યારે તેમના કાફલા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં ન આવે અથવા ટ્રાફિકને રોકવામાં ન આવે. ઓમરે રાજ્યના પોલીસ વડાને કહ્યું છે કે તેમનો કાફલો
પસાર થતો હોય ત્યારે વધુપડતી સાઇરન વગાડવામાં ન આવે અને સુરક્ષા-કર્મચારીઓ લોકો તરફ લાકડીઓ ઉગામીને આક્રમક વ્યવહાર ન કરે. ઓમરે ટ્વીટ કરીને કહ્યું છે કે મારો અને મારા કૅબિનેટ સાથીઓનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોવો જોઈએ.
આ આવકારદાયક પહેલ છે. ભારતમાં VIP સંસ્કૃતિ નાગરિકો માટે હેરાનગતિ બની ગઈ છે. એમાંય જમ્મુ-કાશ્મીરમાં સરકારોને લોકો તેમની દુશ્મન ગણે છે. એટલે દેશની સુરક્ષાની દૃષ્ટિએ આ અત્યંત સંવેદનશીલ રાજ્યમાં જનતાનો વિશ્વાસ અને સહકાર મેળવવો અબદુલ્લાની સરકારની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. રાજ્યમાં શાંતિ જળવાઈ રહે અને આતંકવાદને જગ્યા ન મળે એ માટે જરૂરી છે કે નાગરિકો સરકાર અને સુરક્ષા એજન્સીઓની પડખે હોય, નહીં કે સામે છેડે.
સાથ-સહકારની વાત છે ત્યાં સુધી અબદુલ્લાને લેફ્ટનન્ટ ગવર્નરનું પણ ધ્યાન રાખવું પડશે. જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્રશાસિત દેશ છે એટલે મુખ્ય પ્રધાન પાસે એટલી સત્તા નથી જેટલી એક રાજ્યના વડા પાસે હોય. એટલે સરકાર બને એ પહેલાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ લીધેલા બે નિર્ણયો પરથી અટકળ લગાવવામાં આવે છે કે આવનારા દિવસોમાં LG અને મુખ્ય પ્રધાન વચ્ચે સત્તાને લઈને વિવાદ થઈ શકે છે.
એટલે એવી પણ ચર્ચા છે કે શું જમ્મુ-કાશ્મીરની નવી સરકાર એવું કોઈ કામ કરી શકશે કે જેમાં LGની મંજૂરીની જરૂર ન હોય? દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને LG વચ્ચેનો વિવાદ હજી તાજો છે એટલું જ નહીં, આજે પણ ખેંચતાણ ચાલુ જ છે.
ચૂંટણી પરિણામોના એક દિવસ પછી ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે લોકો જેના માટે હકદાર છે એવી આ વિધાનસભા નથી. એક રાજ્ય પાસે હોવી જોઈતી સત્તાઓ વિધાનસભા પાસે નથી. કોઈ કારણ વગર અમારો રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો.’
આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરના નવા મુખ્ય પ્રધાન અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા વચ્ચે શું સંબંધ હશે? ઓમર અબદુલ્લાએ BBCને કહ્યું હતું, ‘હવે આપણે એકબીજા સાથે કામ કરવાનું શીખવું પડશે. એલ. જી. સાહેબે પણ શીખવું પડશે કે તેઓ હવે અહીં સર્વશક્તિમાન નથી રહ્યા. આ ચૂંટાયેલી સરકાર છે અને ચૂંટાયેલી સરકારની પોતાની જવાબદારીઓ હોય છે. અને આપણે સાથે મળીને લોકો માટે કામ કરવું પડશે. અમે અહીં લડવા નથી આવ્યા. અમે કોઈ ઝઘડો શરૂ કરવા માગતા નથી.’
સિંહાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘કેન્દ્રશાસિત પ્રદેશ માટેનો આદેશ વિકાસ અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે છે. મારી જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે સમાજનો કોઈ પણ વર્ગ વિકાસથી વંચિત ન રહે અને હું આશા રાખું છું કે ચૂંટાયેલી સરકાર એ મુજબ કામ કરશે.’
મહારાષ્ટ્રમાં અસલી-નકલીની પરીક્ષા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે ૨૦ નવેમ્બરે મતદાન થશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં મુખ્ય દાવેદારો સત્તાધારી મહાયુતિ ગઠબંધન છે, જેમાં BJP, શિંદે શિવસેના અને NCP (અજિત પવાર જૂથ)નો સમાવેશ થાય છે. એની સામે ઉદ્ધવ શિવસેના, NCP (શરદ પવાર જૂથ) અને કૉન્ગ્રેસનું વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધન છે.
મહારાષ્ટ્રની ચૂંટણી માત્ર ત્રણ-ત્રણ પક્ષોનાં બે ગઠબંધન વચ્ચેની સ્પર્ધા નથી પરંતુ એમાં એ પણ નક્કી થશે કે લોકો કોને અસલી શિવસેના અને કોને અસલી NCP માને છે. મહારાષ્ટ્રની ચૂંટણી પવાર પરિવાર અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં બે જૂથો માટે પણ મોટો પડકાર છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામનો ફાયદો ઉઠાવવા છતાં અજિત પવાર કાકા શરદ પવારની સામે તાકાત બતાવી શક્યા નહોતા. શરદ પવારનું આખરી ધ્યેય હવે સત્તારૂઢ મહાયુતિને હરાવવાનું છે.
સત્તાધારી મહાયુતિમાં પણ બધું સમુંસૂતરું નથી. લોકસભામાં NCPના અજિત પવાર સાથેનું ગઠબંધન ઘાતક સાબિત થયું છે એવું સમજાયા પછી BJP એની વિશ્વાસુ હિન્દુ વોટ બૅન્ક, RSS અને એનાં અન્ય સંગઠનોના સહારે ગઈ છે. અજિત પવારના મુદ્દે RSS લોકસભા ચૂંટણીમાં ખાસું નારાજ હતું. ફડણવીસના નેતૃત્વમાં BJP હવે સંઘની મદદથી પડકારોનો સામનો કરવા માટે પ્રયાસ કરી રહી છે.
એક વર્ષની અંદર એ સ્પષ્ટ થઈ ગયું છે કે એકંદરે સંખ્યા વધારવા માટે NCP પર ભરોસો કરી શકાતો નથી. NCP સાથે ગઠબંધન કર્યા પછી BJPના નેતાઓને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને પક્ષના સભ્યોએ ખુલ્લેઆમ તેમનાં મંતવ્યો વ્યક્ત કર્યાં છે.
લોકસભાની ચૂંટણી આ બધાં ગઠબંધનો માટે અગ્નિપરીક્ષા સમાન હતી. એમાં મહા વિકાસ આઘાડીએ સારું પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના, કૉન્ગ્રેસ અને શરદ પવારની આગેવાનીવાળી NCPના મહા વિકાસ આઘાડીએ ૩૦ તથા BJP, એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCPની મહાયુતિએ ૧૭ બેઠકો જીતી હતી. એટલે કે લોકોએ મહા વિકાસ આઘાડી તરફ પોતાનો ઝુકાવ દર્શાવ્યો.
જોકે હરિયાણામાં કૉન્ગ્રેસની હાર અને સતત ત્રીજી વખત BJPની સરકાર બન્યા બાદ આ ગઠબંધનને ચોક્કસપણે આંચકો લાગ્યો છે પરંતુ મહારાષ્ટ્રની વાસ્તવિકતા અલગ જ છે. એક તો બે પ્રમુખ પક્ષોનાં ફાડિયાં પછી રાજનીતિક લડાઈ અનેક ખૂણે ફેલાઈ ગઈ છે અને એમાં સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવી, કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ, મરાઠા ક્વોટા અને કૃષિ સંકટ જેવા કેટલાક મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરી રહ્યા છે.
રાજ્યના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની દશેરાએ થયેલી હત્યાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી કરી છે અને ચૂંટણી પહેલાં મહાયુતિ સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થઈ છે. વિપક્ષે હત્યાને લઈને સરકાર, ખાસ કરીને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું અને જાહેર સલામતી અને શાસનના મુદ્દાઓને ઉજાગર કર્યા હતા.
જો આઘાડી સત્તામાં આવશે તો પવાર અને ઠાકરે બન્ને મહારાષ્ટ્રના રાજકારણને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે અને તેમના પક્ષોને આગળ લઈ જશે. જો મહાયુતિ સત્તામાં પરત આવી, તો તેનું પહેલું લક્ષ્ય ઉદ્ધવ સેના અને પવાર કૉન્ગ્રેસના ઉમેદવારોને લલચાવીને બન્નેને રાજકીય રીતે કાયમ માટે ખતમ કરવાનું હશે.