27 July, 2024 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન ભોજાણી
‘બા, બહૂ ઔર બેબી’ના ગટ્ટુની ઓળખાણ આપવી પડે? ‘માલગુડી ડેઝ’, ‘દેખ ભાઈ દેખ’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘ઑફિસ ઑફિસ’, ‘ખિચડી’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘ભાખરવડી’, ‘વાગલે કી દુનિયા’ જેવી લોકપ્રિય સિરિયલો તથા ‘જો જીતા વોહી સિકંદર’, ‘અંદાઝ’, ‘કર્તવ્ય’, ‘અગ્નિપથ’, ‘ડંકી’ જેવી ફિલ્મોમાં અભિનય ઉપરાંત ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ સહિત ઘણી સિરિયલો અને ‘કમાન્ડો 2’ ફિલ્મનું દિગ્દર્શન કરનાર દેવેન ભોજાણીની બેત્રણ વેબ-સિરીઝ અને એક ફિલ્મ થોડા સમયમાં આવી રહી છે. ૫૪ વર્ષના ઍક્ટર ડિરેક્ટર દેવેન ભોજાણીને તો આપણે ઘણા માણ્યા છે, આજે આપણે તેમની અજાણી વાતો જાણીએ.
ભણેશરી દીકરો
મુંબઈમાં રહેતાં બળવંતરાય અને દક્ષાબહેન ભોજાણીનો દીકરો દેવેન ખૂબ ડાહ્યોડમરો, ફર્સ્ટ બેન્ચ પર બેસે, ટીચરોનો લાડકો, ટૉપ ફાઇવમાં આવે. જેને ભણેશરી કહી શકાય એવો. ટેન્થમાં તેને ૮૭ પર્સન્ટ મળ્યા, જે એ સમયે એટલે કે લગભગ ચાર દાયકા પહેલાં ઘણા સારા કહેવાય. તેને CA થવું હતું એટલે મુંબઈની નંબર વન ગણાતી નરસી મોનજી કૉલેજમાં ઍડ્મિશન લીધું અને અહીં જ આ છોકરાની જિંદગીએ એક મોડ લીધો. આ વાત છે ધ બેસ્ટ ઍક્ટર દેવેન ભોજાણીની.
જીવનના આ હસીન મોડની વાત કરતાં દેવેન ભોજાણીએ એક પ્રસંગ કહ્યો : મેં અને મારા મિત્ર હાર્દિકે કૉલેજના નોટિસ બોર્ડ પર વાંચ્યું કે ૮ નંબરના રૂમમાં ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશન માટે ૧૧ વાગ્યે ઑડિશન છે. મારા મિત્રે કહ્યું ચાલ, આપણે પાર્ટ લઈએ. મેં તેને કહ્યું કે ઑડિશન વગેરે જવા દે, ભણવાનું બગડશે અને ૧૧.૨૦ તો થઈ ગઈ છે. તેને જવું હતું અને મારે નહોતું જવું એટલે રૂમ તરફ જતાં ખેંચતાણ ચાલતી હતી, પણ રૂમ નજીક આવી ત્યાં તે કહે, હું ભાગ નહીં લઈ શકું કારણ કે હું DR (ડિવિઝન રેપ્રિઝેન્ટેટિવ) છું, હું કૉલેજના કામમાં બિઝી થઈ જઈશ, પણ તું તો જા. તેનો આગ્રહ હતો ને મારે નહોતું જવું, પણ ૮ નંબરની રૂમ આવી એવો જ એ દરવાજો ખોલી મને રૂમમાં ધક્કો મારી બહારથી કડી બંધ કરી જતો રહ્યો. હું ડરી ગયો. અંદર એન્ટર થયો તો પચાસેક સ્ટુડન્ટ અને ડ્રામા સર હતા, જેમના વિશે સાંભળેલું કે કડક છે. સર પ્રોફેસર જેવા જરાય નહોતા લાગતા; ખૂંખાર, મોટી-મોટી આંખો, દાઢીવાળા ને વાળ વિખરાયેલા. બીજાનું ઑડિશન ચાલતું હતું, મેં નામ લખાવ્યું અને કહ્યું, સૉરી, લેટ થઈ ગયો છું તો જતો રહું? એટલે સરે કહ્યું, ચલ ચલ, બેસ ચૂપચાપ. મેં જોયું તો ઑડિશન લેનારા મહેન્દ્ર જોશી બધાનું બહુ અપમાન કરી રહ્યા હતા, ખરાબ રીતે વાત કરતા અને મશ્કરી કરતા હતા (હવે તેઓ હયાત નથી). મારો વારો આવ્યો, મને થયું કે આ પ્રોફેસર ઑડિશન આપનારા સાથે આવું કેવી રીતે કરી શકે! મેં કહ્યું, મને કશું આવડતું નથી. તો કહે, અહીં શું કામ આવ્યો છે? ચલ ઑડિશન આપ. મેં પૂછ્યું, હું પાગલની ઍક્ટિંગ કરું? મને બહુ ગુસ્સો આવેલો હતો, પાગલ બન્યો હતો એટલે મને કંઈ પણ બોલવાની છૂટ હતી. તેમના વિશે હું એટલું ખરાબ બોલ્યો, તેમની મશ્કરી કરી... તું પોતાની જાતને શું સમજે છે... ને તું-તડાક પર આવી ગયો, કંઈ પણ ખરાબ બોલ્યો. કહ્યું તારી દાઢીમાં જૂ છે ને એવું કેટલુંય ગાંડા જેવું બોલ્યો. પૂરું થયું ને સન્નાટો છવાઈ ગયો. સ્ટુડન્ટોએ તાળીઓ પાડી, હું ડરી ગયો હતો. મેં કહ્યું, સૉરી હું ઍક્ટિંગ કરતો હતો, હું પાર્લે ઈસ્ટમાં રહું છું, ૩૩૯ નંબરની બસ જાય છે, હું ઘરે જઉં? તેઓ
ધીરે-ધીરે મારી પાસે આવતા હતા. મને થયું લાફો મારશે. તેમણે મારું નામ પૂછ્યું. મેં કહ્યું દેવેન ભોજાણી. મને તેમના પહેલા જ નાટકમાં મેઇન રોલ આપ્યો. મારો કૉન્ફિડન્સ જોઈ ઇમ્પ્રેસ થયા. ૩૦થી ૪૦ કૉલેજો કૉમ્પિટિશનમાં હતી. મને બેસ્ટ ઍક્ટરનું પ્રાઇઝ મળ્યું. આમ શરૂઆત થઈ. હું કૉલેજનાં અને પ્રોફેશનલ નાટકો કરવા લાગ્યો. ભણવા પરથી ધ્યાન ઓછું થઈ ગયું. એક પૉઇન્ટ પર નક્કી કર્યું કે CA નથી કરવું. જોકે ગ્રૅજ્યુએશન કર્યું.
સેલ્સમૅન તરીકે પણ કામ કર્યું
દેવેનભાઈના પિતા મુંબઈની લોહાણા મહાજનવાડીમાં મૅનેજર તરીકે કામ કરતા હતા. કૉલેજમાં હતા ત્યારે દેવેનભાઈ નાનાં બાળકોનું ટ્યુશન લેતા અને પૉકેટ-મની કાઢી લેતા હતા. એ તેમની પહેલી કમાણી. એ પછી એક CAના હાથ નીચે આર્ટિકલશિપ કરતા ત્યારે કંપનીઓમાં ઑડિટ માટે મોકલતા એ તેમની બીજી જૉબ. તેમણે CS પણ કરવા વિચાર્યું હતું, પણ મિડલ ક્લાસ ફૅમિલી એટલે BCom સાથે જૉબ કરવો પડે એમ જણાવતાં દેવેનભાઈ કહે છે, ‘મેં સેલ્સમૅનની જૉબ લીધી. સોડા બનાવવાનું મશીન હું વેચતો. મહિને ૧ હજાર રૂપિયા પગાર હતો અને એક મશીન વેચાય તો ૬૦ રૂપિયા કમિશન મળે. પૃથ્વી થિયેટરનાં નાટકો પણ કરતો, પરંતુ ૪૦ જેટલા શો આમ જ કર્યા પછી એક શોના ૩૫ રૂપિયા મળવા લાગ્યા. સોડા-મેકર મશીન ઘરે-ઘરે જઈને વેચતો, પણ એકેય ન વેચાયું. મશીનો ઊંચકીને ફરવું પડે, અપમાનો અને હ્યુમિલિયેશન સહન કર્યાં, લોકો દરવાજો બંધ કરી દેતા, ઘરમાં આવવા જ ન દે અને ઘરમાં લે તો ધક્કો મારીને બહાર કાઢે. ઘરમાં કોઈ ન લેતું તેથી દુકાનો અને ઑફિસોમાં જઈ વેચવાનું ચાલુ કર્યું. ત્યાં સફળતા મળી, પંચરત્નની હીરાબજારમાં ઘણાં મશીન વેચાયાં. એ સમયે ખિસ્સાં ખાલી. ગાડી નહીં, રિક્ષા કે ટૅક્સીના પણ પૈસા નહીં. અરે પાંચ કે છ સ્ટૉપ હોય તો ચાલી નાખતો, બસના પૈસા પણ ખર્ચતાં વિચાર કરતો. મશીનોનું વજન લઈને ચાલતો એમાં બૅક પ્રૉબ્લેમ થયો એટલે ડૉક્ટરની સલાહથી જૉબ છોડી દીધી. મારા પપ્પાએ પણ ઘણા ધંધા કર્યા પણ સફળતા ન મળી. તેઓ ભોળા એટલે નુકસાન થયું, પાર્ટનરે દગો કર્યો. ડ્રાય ફ્રૂટની એક કંપનીમાં ટાઇપિસ્ટની જૉબ કરી. મમ્મીએ પણ સપોર્ટ કર્યો. તે ટ્યુશન કરતાં, આજુબાજુમાં બ્લાઉઝ પીસ વેચતાં. મેં જૉબ છોડી પણ બૉસ મારાથી ખુશ એટલે મને તેમના એસ્ટેટ એજન્ટ પાર્ટનર સાથે જોડાવા કહ્યું. હું જોડાયો, પણ તેમની સાથે ન ફાવ્યું કારણ કે તે તોછડાઈ કરતા, માણસને રિસ્પેક્ટ ન આપે, અપમાન કરે. ગમેતેટલું કામ કરું તોય ગાળો સાંભળવી પડે, તેથી મારું મન ઊઠી ગયું અને મેં એક કેટરરની ઑફિસની બહાર એક ટેબલ મૂકી મારું પોતાનું એસ્ટેટ એજન્ટનું કામ શરૂ કર્યું, જેનું નામ હતું દેવ એસ્ટેટ એજન્સી. એમાંય કોઈ ડીલ નહોતી થતી, કારણ કે સાથે હું નાટકો પણ કરતો હતો તેથી શનિ-રવિ કામ બંધ રાખતો. ફ્લૅટ જોવા લોકો આ બે દિવસ જ પ્રિફર કરે તેથી આમાં પણ બહુ જામ્યું નહીં. પાંચથી ૬ મહિના ચાલ્યું પણ એકેય ડીલ ન થઈ.’
હું ઍક્ટર બની ગયો
એ દરમિયાન ‘જો જીતા વોહી સિકંદર’ ફિલ્મની દેવેનભાઈને ઑફર આવી. આ એવી રીતે બન્યું કે કૉલેજમાં આમિર ખાન તેમની સાથે હતો. દેવેન સારો ઍક્ટર હોવાથી ડિરેક્ટરને તેમનું નામ સજેસ્ટ કર્યું. દેવેનભાઈ ડિરેક્ટરને મળ્યા, ‘માલગુડી ડેઝ’નું કામ તેમણે જોયું અને લઈ લીધા. શૂટિંગ માટે બે મહિના ઊટી અને કોડાઇકેનાલ જવાનું હતું. દેવેનભાઈ કહે છે, ‘મને લાગ્યું હવે દેવ એસ્ટેટ એજન્સીને તો તાળાં જ મારવાં પડશે. પપ્પાને કહ્યું, મને બે મહિના જવા દો. વળી વિચાર આવ્યો અને પપ્પાની પરમિશન માગી કે મને બે વરસ આપો, હું એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં નસીબ અજમાવવા માગું છું, જો કંઈ નહીં થાય તો પાછો આવી જઈશ, CA-CS કે કોઈ પણ જૉબ કરી લઈશ, તમે રજા આપશો? પપ્પાએ હા કહી, વધુ વરસ જોઈએ તો પણ લે. મમ્મીને પૂછ્યું તો કહે મને વાંધો નથી પણ સમાજ, સગાંસંબંધીઓ શું કહેશે? ફિલ્મમાં છોકરો બગડી જશે, ખોટી લત અને વ્યસનો લાગશે. મેં કહ્યું આ બધું જો થવાનું હશે તો હું કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોઈશ તો થશે જ, તમને તમારા સંસ્કાર પર ભરોસો છેને? ફિલ્મમાં રહીને પણ મને મારી સીમાઓની ખબર છે. મમ્મીને તેમના સંસ્કારો પર ભરોસો હતો, કહ્યું સગાં તો આમ પણ કહેશે ને તેમ પણ કહેશે; બોલવાવાળા બોલશે, તારામાં ટૅલન્ટ છે, તને શોખ છે તો તું અજમાવી જો. હું બે મહિના શૂટિંગ માટે ગયો. આ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ હતો કે હું CA બનવા માગતો હતો અને ઍક્ટર બની ગયો. શૂટિંગ બે મહિનાના બદલે બે વરસ ચાલ્યું. ‘જો જીતા વોહી સિકંદર’ રિલીઝ થઈ પછી મને ઑફરો પર ઑફરો આવવા લાગી. ઘણી ફિલ્મો અને સિરિયલો કરી, સૌથી પહેલાં ‘દેખ ભાઈ દેખ’, ‘ઑફિસ ઑફિસ’, ‘એક મહલ હો સપનોં કા’ અને આ દોર ચાલ્યો.’
વધુ સારા રોલ કરવા છે
કોઈ ઇચ્છા અધૂરી છે? દેવેનભાઈ કહે છે, ‘હું સંતોષી જીવ છું. જે છે એમાં સંતોષ માનું છું. મારી ઇચ્છાઓ બહુ નાની-નાની હોય છે જેમ કે સિંગલ રૂમમાં રહેતો ત્યારે વન રૂમની, પછી વન બેડરૂમની, ટૂ બેડરૂમ, થ્રી બેડરૂમ, ફોર... કાંદિવલી વેસ્ટમાં હાલ મારું પેન્ટહાઉસ છે. હું નાનાં સપનાં જોઉં છું. પૈસા પાછળ નથી દોડતો, કોઈ સાથે સરખામણી નથી કરતો. મહેનત કરું છું, ભગવાન પર ભરોસો છે. એટલીબધી દોડાદોડ નથી કરતો કે પરિવારને સમય ન આપી શકું. ‘બા, બહૂ ઔર બેબી’ વખતે પાંચથી ૬ વર્ષ પરિવારને વધુ સમય નહોતો આપી શક્યો, કારણ કે મારા પર શોના ક્રીએટિવ ડિરેક્ટરની પણ ઘણી મોટી જવાબદારી હતી. હું દિવસમાં બે-ત્રણ શિફ્ટમાં કામ નથી કરતો. એક જ શિફ્ટ કરવાની, મહિનાના ત્રીસે દિવસ કામ નહીં કરવાનું. થોડા દિવસ પરિવાર અને પોતાના માટે રાખું છું જેથી વધુ સારું પર્ફોર્મ કરી શકું. સારાએવા રોલ મારે કરવા છે જે હજી સુધી નથી કર્યા.’
હમ પાંચ : જે.ડી. મજીઠિયા, આતિશ કાપડિયા, પરેશ ગણાત્રા, દેવેન ભોજાણી અને વિપુલ શાહ
પૅશન એ જ પ્રોફેશન
દેવેનભાઈ આ બાબતે પોતાને નસીબદાર માને છે. તેઓ કહે છે, ‘ઍક્ટર અને ડિરેક્ટર તરીકે લોકોનો પ્રેમ મળ્યો, થોડા પૈસા પણ મળ્યા, પૉપ્યુલરિટી અને આત્મસંતોષ મળ્યાં. સફળતા મળી, ડિરેક્ટર અને ઍક્ટર તરીકે આટલાબધા અવૉર્ડ્સ મળ્યા.’
દેવેનભાઈમાં આ ટૅલન્ટ બચપણથી જ હતી. ત્રીજા ધોરણમાં હતા ત્યારે એક નાટક કર્યું હતું. ઑડિશન પછી મેઇન રોલ તેમને મળ્યો. ‘આત્મનું કલ્યાણ’ નામનું વર્ધમાનની વાત કહેતું આ નાટક ટેલિવિઝન પરના ‘સંતાકૂકડી’ પ્રોગ્રામ માટે પસંદ થયું હતું. નાના પડદે તેમની પહેલી સિરિયલ ‘માલગુડી ડેઝ’ હતી, જેમાં અલગ-અલગ વાર્તાના અલગ એપિસોડ હતા એમાં નિત્યા નામના એપિસોડમાં તેમણે નિત્યાનો મેઇન રોલ કરેલો. કૉલેજ દરમિયાન આ સિરિયલ તેમણે કરી હતી.
દેવનભાઈ એક મહત્ત્વની વાત કરતાં કહે છે, ‘પર્સનલી હું બહુ શાંત અને ઓછાબોલો છું. જોકે મેં મારા સ્વભાવથી વિરુદ્ધ પ્રકારના રોલ કર્યા છે.’
આ હું કદી નહીં ભૂલું
દેવેનભાઈએ ભારે હૃદયે એક પ્રસંગ કહ્યો, ‘ત્રણચાર દાયકાથી હું, પરેશ ગણાત્રા, જે.ડી., આતિશ કાપડિયા, વિપુલ શાહ પાક્કા દોસ્ત, સગા ભાઈ જેવા. અમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં એકબીજાનો પ્રભાવ. વાત ૨૫-૩૦ વર્ષ પહેલાંની છે. શોભા ખોટેનું એક નાટક જોવા અમને ઇન્વિટેશન હતું તેથી હું, આતિશ કાપડિયા અને તેની ગર્લફ્રેન્ડ ઍલિસન (જે હવે તેની વાઇફ છે)જવાનાં હતાં. અમે ત્રણ હતાં એટલે ટૅક્સી કે ટ્રેનમાં જવાનાં હતાં પણ આતિશને કામ આવ્યું તેથી કહે તમે જઈ આવો. મેં મારી બાઇક લીધી. હું ક્યારેય ફાસ્ટ બાઇક નહોતો ચલાવતો. અમે બાઇક પર વરલી ગયાં. શો પત્યો ને ઘરે આવતાં હતાં. મારી ડાબી બાજુ બસ હતી. બસ અચાનક ઊભી રહી અને એક માણસ આગળ આવી ગયો. તેને બચાવવા મેં બ્રેક મારી અને અમે ઊછળીને દૂર પડ્યાં, મોટો અકસ્માત થયો, મારી હેલ્મેટ પણ તૂટી ગઈ, લોકો અમને ટૅક્સીમાં નાખી હૉસ્પિટલ લઈ ગયા. મને પાટાપિંડી થઈ પણ બચી ગયો, પણ ઍલિસનને ભારે બ્રેઇન-ઇન્જરી થઈ. જ્યારે ડૉક્ટરે કહ્યું કે તેની બચવાની ઉમ્મીદ કમ છે ત્યારે તો મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. જોકે તે બચી ગઈ પણ કોમામાં સરી પડી. ૩ મહિના પછી કોમામાંથી બહાર આવી પણ તેના જમણા અંગે પૅરૅલિસિસ થયો જે ઘણાં વર્ષ રહ્યો. હવે થોડી રિકવર થઈ છે. જોકે અમારી દોસ્તી એવી ને એવી જ છે, પણ હું ગિલ્ટી ફીલ કરું છું. મને મિત્રો અને સગાં સમજાવે છે કે હું આમાં માત્ર નિમિત્ત બન્યો છું, પણ આજે પણ મારી આંખમાં પાણી આવી જાય છે કે હું નિમિત્ત બન્યો. મને હેલ્મેટનું મહત્ત્વ પણ સમજાયું. જો એ ન હોત તો આજે હું ન હોત. આતિશ પણ મને સમજાવે છે કે આમાં તારો કોઈ વાંક નથી, પણ તેની સાથે જે થયું એમાં હું નિમિત્ત બન્યો એનો મને આજે પણ અફસોસ છે.’