08 December, 2020 05:49 PM IST | Mumbai | Mavji Maheshwari
ભોજાય હૉસ્પિટલ
આજે પણ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સંપૂર્ણ નથી. માઇલો સુધી તબીબી સારવાર સમયસર ન મળે એવી સ્થિતિ કચ્છમાં પણ હતી. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં માંડવી છોડ્યા પછી છેક નારાયણ સરોવર સુધી એકેય સર્જિકલ હૉસ્પિટલ નહોતી. મોટા ભાગનું કચ્છ જિલ્લા પંચાયતનાં દવાખાનાંમાં મળતી સારવાર આશ્રિત હતું. એવા સમયે ૧૯૯૮ના અંતમાં માંડવી તાલુકાના નાના એવા ભોજાય ગામે ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આધુનિક સવલતો ધરાવતી હૉસ્પિટલ તૈયાર થઈ અને એ સાથે જ કચ્છની તબીબી સેવાનો એક નવો અધ્યાય શરૂ થયો. માંડવી તાલુકાના નાના એવા ભોજાય ગામમાં હૉસ્પિટલ છે અને એ કરુણાથી છલકે છે એની ખબર લોકોને ભૂકંપ પછી પડી. ૨૦૦૧ના ભૂકંપમાં આખાય કચ્છનું તબીબી માળખું ધ્વંશ થઈ ગયું ત્યારે ખરા ટાણે ભોજાય સર્વોદય ટ્રસ્ટની હૉસ્પિટલે અભૂતપૂર્વ કામ કર્યું, સાથે-સાથે કચ્છ અને ગુજરાતમાં ભોજાય હૉસ્પિટલનું નામ ગાજતું થઈ ગયું.
આઝાદી બાદ કચ્છમાં તબીબી માળખું ગોઠવાયું ખરું, પરંતુ કાચા માર્ગો, જૂજ વાહનો, અંધારિયો સમય લોકોને પીડા વેઠવા મજબૂર કરતો હતો. જોકે એ સમયે અમુક ગામોમાં સખાવતી દવાખાનાં પણ ચાલતાં હતાં, જેમાંનાં મહત્તમ દવાખાનાંઓ કચ્છના કંઠીપટમાં વીસા ઓસવાળ જૈનોનાં ગામોમાં હતાં. કચ્છના તબીબી જગતનો ઇતિહાસ લખવામાં આવે તો કંઠીપટના વીસા ઓસવાળ જૈનોની સેવાઓ અગ્રસ્થાને આવી શકે. વીસા ઓસવાળ જ્ઞાતિ દ્વારા જ માંડવી તાલુકાના બિદડા ગામે ૧૯૭૨માં બિદડા સર્વોદય ટ્રસ્ટની સર્જિકલ હૉસ્પિટલ શરૂ થઈ. એ હૉસ્પિટલે કચ્છમાં અદ્ભુત આરોગ્ય સેવાઓ આપી છે. અત્યારે પણ આપી રહી છે, પરંતુ બિદડા ગામ તાલુકાના મુખ્ય માર્ગ પર અને માંડવીથી નજીક આવેલું છે. એ હૉસ્પિટલમાં એવાય લોકો હતા જેઓ અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારની હાલતથી વાકેફ હતા. એમાં ભોજાય ગામના લોકો પણ હતા, જેઓ માંડવી છોડ્યા પછીના વિસ્તારમાં આવેલાં ગામડાંની સ્થિતિથી વાકેફ હતા, પરંતુ કોઈને એવો વિચાર નહોતો આવ્યો કે અબડાસા વિસ્તાર તરફનાં ગામડાંઓને નજીક પડે એવી કોઈ હૉસ્પિટલ ઊભી કરવી. ૧૯૯૬માં ભોજાયના ઉત્સાહી યુવાનો અને સખાવતી દાતાઓએ ‘ભોજાય સર્વોદય ટ્રસ્ટ’ની રચના કરી. આમ તો એ ટ્રસ્ટનો હેતુ હૉસ્પિટલ બનાવવાનો નહોતો, પરંતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કૅમ્પ યોજી ગ્રામીણ વિસ્તારને આરોગ્ય સેવા પહોંચાડવાનો હતો. ઉપરાંત કુદરતી આફતો સમયે અમુક જાતની સેવા આપવી એવું નક્કી કરવામાં આવેલું, પરંતુ કુદરત કંઈ જુદું ગોઠવી રહી હતી.
અત્યારે ભોજાય સર્વોદય ટ્રસ્ટની હૉસ્પિટલ જેમના નામ સાથે જોડાયેલી છે તે પાનબાઈ કારુભાઈ નાગડા નામનાં વૃદ્ધા પરિવાર સાથે મુંબઈથી ભોજાય આવ્યાં અને બીમાર પડ્યાં. એ દિવસે રવિવાર હતો. શ્રીમંત પરિવારે ચોમેર વાહનો દોડાવ્યાં, પણ ક્યાંય ડૉક્ટર હાજર નહોતા. આખરે માંડવીમાં ઓળખાણને નાતે એક ડૉક્ટર આવ્યા અને તેમણે પાનબાઈની વેદના શાંત કરી. ૯૦ વર્ષનાં પાનબાઈના હૈયામાં મોટી ઊથલપાથલ થઈ. તેમણે એ રાતે પોતાના શ્રીમંત દીકરાને બોલાવીને કહ્યું, ‘દીકરા, તમારી પાસે તો પૈસો છે, તમે બધે પહોંચી શકો છો, પણ આ બાજુ ગરીબ દીકરાની મા પણ બીમાર પડતી હશેને? પોતાની માનું વાક્ય ધર્મપ્રેમી દીકરા કલ્યાણજીભાઈ નાગડાની છાતી સોંસરવું નીકળી ગયું. તેમણે મુંબઈ જઈને પોતાના અન્યોને પોતાના મનની વાત કરી. એ પછી ભોજાયમાં પૂર્ણકદની હૉસ્પિટલ ઊભી કરવાનાં ચક્રો ગતિમાન થયાં. કચ્છની વીસા ઓસવાળ જ્ઞાતિની વિશેષતા એ છે કે તેઓ પોતાના વતન કચ્છ માટે દાન દેવામાં ક્યારેય નબળો વિચાર કરતા નથી. દુષ્કાળ હોય, ભૂકંપ હોય, વાવાઝોડું આવ્યું હોય કે કોઈ ધાર્મિક કાર્ય હોય; કંઠીપટના વીસા ઓસવાળો હંમેશાં માતૃભૂમિની પડખે રહ્યા છે. ભોજાય ગામે હૉસ્પિટલનું નિર્માણ થવાનું છે એ જાણી સખાવતી દાતાઓ ભોજાય સર્વોદય ટ્રસ્ટની પડખે ઊભા રહ્યા. હૉસ્પિટલના નિર્માણનું કાર્ય આરંભાઈ ગયું. એની પ્રગતિના સમાચાર વાંચી ભૂજના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી મુકેશ ઝવેરી, જેઓ એ વખતે ગુજરાત ખાણ ખનિજ નિગમના ડિરેક્ટર હતા. તેઓ ભોજાય જેવા નાનકડા ગામમાં બનતી હૉસ્પિટલ જોઈને રાજી થયા અને જીએમડીસી તરફથી પચીસ લાખ જેટલું દાન અપાવ્યું. આખરે ૧૯૯૮ના ડિસેમ્બર મહિનામાં ભોજાય સર્વોદય ટ્રસ્ટની જીએમડીસી પ્રેરિત માતુશ્રી પાનબાઈ કારુભાઈ પાલણ નાગડા હૉસ્પિટલ ભોજાયના પાદરે તૈયાર થઈ ગઈ. ત્યારે ટ્રસ્ટીઓને કલ્પના પણ નહોતી કે એક વર્ષ પછી એક વિનાશક આફત કચ્છ પર ત્રાટકવાની છે અને જેમાં ભોજાય હૉસ્પિટલ ચાવીરૂપ કાર્ય કરવાની છે. ભૂકંપ સમયે જ્યારે તબીબી સેવાઓ તંબુઓમાં ચાલતી એવા સમયે ભોજાયની હૉસ્પિટલ સલામત હતી. ભૂકંપ પછી આ હૉસ્પિટલે અભૂતપૂર્વ સેવાનું કાર્ય કર્યું.
ભોજાયની હૉસ્પિટલમાં રોજની ઓપીડી તો ખરી. ઉપરાંત આ ટ્રસ્ટ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં જઈને જુદા-જુદા રોગના નિદાન કૅમ્પો યોજે છે. જે કેસમાં ઑપરેશન કરવાનું જરૂરી હોય એની વિગત લઈને જ્યારે ભોજાયમાં મેડિકલ કૅમ્પ યોજાય ત્યારે તે દરદીઓને બોલાવી વિનામૂલ્યે ઑપરેશન કરી આપે છે. મેડિકલ કૅમ્પ વર્ષમાં અવારનવાર યોજાતા રહે છે. ભોજાય સર્વોદય ટ્રસ્ટને મૂળ ભોજાયના જ એક ઓલિયા જેવા માણસ મળ્યા, જેમના વિચારોએ આખાય કચ્છને પ્રભાવિત અને અચંબિત કર્યા છે. તેમનું નામ આમ તો લીલાધર માણેકભાઈ ગડા છે, પરંતુ આખુંય કચ્છ તેમને ‘અધા’ તરીકે ઓળખે છે. કચ્છી શબ્દ અધાનો અર્થ પિતા એવો થાય છે. ખરેખર તેમણે આ હૉસ્પિટલને એક પ્રેમાળ પિતાની જેમ હૂંફ આપી છે. આ હૉસ્પિટલ ફીટ-વાઈના રોગીઓ માટે અલગ કૅમ્પ યોજે છે, તો સ્ત્રી રોગના વિવિધ કૅમ્પ થાય છે, જેમાં બહુ બહાર ન આવેલા ‘ફિસ્ટૂલા’ નામના રોગની સર્જરી આ હૉસ્પિટલની વિશેષતા છે. અહીં આવનાર પાસે મામૂલી ચાર્જ લવાય છે. દરદી ઉપરાંત એક બરદાસીને પણ દરદી જેટલો સમય રોકાય એટલો સમય રહેવા-જમવાની સુવિધા મફત આપવામાં આવે છે. છેલ્લાં ૨૧ વર્ષથી અવિરત તબીબી સેવા આપતી હૉસ્પિટલને કારણે હવે ભોજાયનું નામ પણ જાણીતું બન્યું છે. ભોજાય એક નાનકડું ગામડું છે. અહીં ડૉક્ટર્સ રહી શકે એ માટેની તમામ સુવિધાઓ છે તેમ છતાં, તબીબી ક્ષેત્રમાં ઊછળતી આકાંક્ષાઓ ક્યારેક કાયમી સ્પેશ્યલ ડૉક્ટર્સની અછત સર્જે છે, પરંતુ એ માટે ટ્રસ્ટ વિવિધ કૅમ્પ યોજીને સેવાનો હિસાબ સરભર કરે છે. આ હૉસ્પિટલમાં સર્જિકલ કૅમ્પ દરમિયાન વીસા ઓસવાળ જ્ઞાતિના ડૉક્ટર્સની ફોજ ઉપરાંત દેશના ખ્યાતનામ રોગ નિષ્ણાતો માનદ સેવા આપે છે. એવી જ વૉલિન્ટર સેવા જ્ઞાતિના યુવાનો આપે છે. અત્યાર સુધીમાં ભોજાયની હૉસ્પિટલે કરેલા કૅમ્પના આંકડા અચરજમાં નાખી દે એવા છે. ભોજાય સર્વોદય ટ્રસ્ટે ભૂકંપ સમયે આસપાસના વિસ્તારોમાં મકાનો ઊભાં કરવામાં પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભૂકંપ પછી આખાય કચ્છમાં સૌપ્રથમ પુનર્નિર્માણ પામેલું ગામ ભોજાય છે. લીલાધર ગડાએ ભૂકંપ સમયે એક સૂત્ર આપ્યું ‘માણસને ઊભા કરો, મકાનો આપોઆપ ઊભાં થઈ જશે’ એ સૂત્ર વિશ્વ કક્ષાએ સ્વીકારાયું હતું.
એ હકીકત છે કે ગુજરાતના અન્ય વિસ્તારોની સરખામણીમાં કચ્છમાં આંખના રોગીઓની સંખ્યા પ્રમાણમાં વધારે છે. એટલે ભોજાય સર્વોદય ટ્રસ્ટે ૨૦૧૧માં રતનવીર આંખની હૉસ્પિટલ શરૂ કરી, જે આંખને લગતી તમામ સારવાર અને ઑપરેશન સાધારણ ચાર્જમાં કરી આપે છે. સોમવારથી શુક્રવાર દરમિયાન કોઈ પણ સમયે આંખની સારવાર માટે ઉપલબ્ધ રતનવીર આંખની હૉસ્પિટલના યુનિટે અત્યાર સુધીમાં હજારો આંખોમાં અજવાળાં પાથર્યાં છે. અત્યારે ભોજાય સર્વોદય ટ્રસ્ટની હૉસ્પિટલે તદ્દન મફત ડાયાલિસિસ યુનિટ ઊભું કર્યું છે. નવનીત પ્રકાશનનું નામ ગુજરાત અને મુંબઈમાં જાણીતું છે. નવનીત પ્રકાશન ગૃહના પરિવાર દ્વારા નિર્માણ પામેલું ડાયાલિસિસ યુનિટ અત્યારે ગરીબ દરદીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. એક તરફ જ્યારે તબીબી સારવાર અત્યંત મોંઘી બનતી જઈ રહી છે. ગરીબ લોકો આર્થિક સંકડામણના કારણે શરીરની વેદના સહી લેવા વિવશ બનતા હોય એવા સંજોગોમાં ભોજાયની હૉસ્પિટલ પશ્ચિમ કચ્છના ગ્રામીણ વિસ્તારો માટે રણમાં મીઠી વીરડી બની રહી છે.