17 November, 2024 12:03 PM IST | Paris | Jigisha Jain
જીઝેલ પેલીકોટ
૭૧ વર્ષનાં જીઝેલ પેલીકોટ માનતાં હતાં કે તેમનું લગ્નજીવન ખૂબ સુંદર અને પ્રેમાળ રીતે વ્યતીત થઈ રહ્યું છે, પણ જ્યારે પતિના એક કારનામાને કારણે તેના કમ્પ્યુટરમાંથી જીઝેલના અઢળક ન્યુડ ફોટો મળી આવ્યા ત્યારે ધીમે-ધીમે કરતાં ભેદ ખૂલતા ગયા અને ખબર પડી કે ૧૦ વર્ષથી પતિ વિવિધ પુરુષો દ્વારા તેને બેભાન કરીને બળાત્કાર કરાવતો રહ્યો હતો. એ ખુલાસા પછી જીઝેલે ખૂણામાં બેસીને સોરવાવાને બદલે પોતાની સાથે થયેલા અત્યાચારનો હિંમતભેર અને જાહેરમાં સામનો કરવાનું જિગર દાખવ્યું એની દાસ્તાન રૂંવાડાં ખડાં કરી દે એવી છે
ફ્રાન્સમાં ડૉમિનિક પેલીકોટ નામનો ૭૧ વર્ષનો માણસ પોતાની પત્નીને ઍન્ગ્ઝાયટીની દવા આપીને બેભાન કરતો અને પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને લોકોને તેના પર બળાત્કાર કરવા માટે બોલાવતો. આ બધું તે રેકૉર્ડ પણ કરતો. દવાની અસર હેઠળ કાંઈ ન જાણતી ૩ બાળકોની મા અને ૭ બાળકોની ગ્રૅન્ડ મા એવા ભ્રમ સાથે જીવતી હતી કે તે એક સામાન્ય પ્રેમાળ દાંપત્ય જીવન જીવી રહી છે. જ્યારે તેની સામે આ વિડિયો-ફોટો આવ્યા ત્યારે તેનો આ ભ્રમ તૂટી ગયો. આ બાબતે તેણે નિર્ધારિત કર્યું કે આ કેસ હું ઓપન ટ્રાયલ તરીકે લડીશ જે સાથે ફ્રાન્સમાં શરૂ થયો એક જુવાળ. ચાલો, શેમને બીજી તરફ શિફ્ટ કરીએ જેનો સંદેશ સ્પષ્ટ છે કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીએ શરમાવાની જરૂર નથી. બળાત્કાર જે કરે છે તે વ્યક્તિએ શરમ અનુભવવી જોઈએ.
દક્ષિણ-પૂર્વ ફ્રાન્સમાં માઝાન નામનું એક ટાઉન છે જેની એક સુપરમાર્કેટમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં અમુક સ્ત્રીઓએ ૭૧ વર્ષના એક ભાઈ ડૉમિનિક પેલીકોટ સામે ફરિયાદ કરી કે તે તેમના સ્કર્ટ નીચે કૅમેરા રાખીને એના ફોટો પાડતો હતો. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે તેની પત્ની તેની વહારે આવી. તેણે કહ્યું કે મારો પતિ તો ખૂબ સારો છે. મને ખૂબ જ પ્રેમ કરે છે, કોઈ ગેરસમજ થઈ હશે. પોલીસે તેની પત્નીને ફોટો બતાવ્યા ત્યારે તેની પત્નીને લાગ્યું કે આખી જિંદગી તેણે આવું કાંઈ કર્યું નથી તો હવે શા માટે તે આવું કરે! પોલીસે ડૉમિનિકનો ફોન, લૅપટૉપ બધું જપ્ત કર્યું અને તપાસ આદરી ત્યારે તેની પાસેથી કશુંક એવું નીકળ્યું જે બાબતે આજે આખું ફ્રાન્સ હચમચી ગયું છે.
આઘાતજનક રીતે ભેદ ખૂલ્યો
ડૉમિનિક પેલીકોટના કમ્પ્યુટરમાં એક ફોલ્ડર મળ્યું જેનું નામ હતું અબ્યુઝિસ, જેની અંદર તેની પત્ની જીઝેલ પેલીકોટના ફોટો અને વિડિયો હતા જેમાં તે નગ્ન, બેભાન અવસ્થામાં હતી. જુદા-જુદા પુરુષો એ સમયે તેની સાથે હતા. પોલીસે જીઝેલને આ ફોટો અને વિડિયો બતાવ્યા ત્યારે પહેલાં તો તે ખુદને ઓળખી જ ન શકી. તેણે નકાર્યું કે આ હું નથી. આ આંતરવસ્ત્રો મારાં નથી. આ પુરુષો કોણ છે એની મને ખબર નથી. દરેકેદરેક વિડિયો અને ફોટોમાં તે બેભાન જ હતી અને જુદા-જુદા પુરુષો આવીને તેની સાથે શારીરિક સંબંધમાં જોડાઈ રહ્યા હતા. તપાસ સઘન કરાતાં જાણ થઈ કે ડૉમિનિક પોતાની પત્ની જીઝેલને અમુક ઍન્ગ્ઝાયટીની દવા આપીને બેભાન કરી નાખતો અને પછી અજાણ્યા લોકોને ઇન્ટરનેટ પરથી પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે ઘરે બોલાવતો હતો, પણ એ માટે તે પૈસા નહોતો લેતો. તે ફક્ત આ આખી પ્રક્રિયાને શૂટ કરતો. ફિલ્મિંગ કરવું તેને ગમતું. ફિલ્મ ઉતારી લીધા પછી એક વેબસાઇટ પર તે આના વિશે ચર્ચા પણ કરતો. પછીથી તેણે કબૂલ્યું કે કોઈ પરપુરુષ મારી પત્ની પર બળાત્કાર કરતો હોય એ જોઈને મને સંતોષ મળતો. અમુક ફોટો-વિડિયો તે અલગ-અલગ લોકો સાથે શૅર પણ કરતો. તે ખુદ પણ પોતાની પત્ની સાથે આ રીતે સેક્સ કરતો જ્યારે તે બેભાન હાલતમાં હોય. જુલાઈ ૨૦૧૧થી લઈને ઑક્ટોબર ૨૦૨૦ સુધીના ૨૦,૦૦૦થી વધુ વિડિયો અને ફોટો તેની પાસેથી મળી આવ્યા હતા, જેના પરથી ખબર પડી હતી કે જીઝેલ પર ૭૨ જુદા-જુદા પુરુષો દ્વારા ૯૨ વખત આ પ્રકારે બળાત્કાર થયો હતો જેમાંથી ૫૦ પુરુષોની ઓળખ થઈ શકી છે.
સુખદ સહજીવનની ભ્રાંતિ
પોલીસને બે વર્ષ લાગ્યાં આ વિડિયો પરથી આટલા બધા લોકોની ઓળખ કરતાં. આ બાબતે ફ્રાન્સની કોર્ટમાં ડૉમિનિક પેલીકોટ અને બીજા ૫૦ પુરુષો પર કેસ ચાલી રહ્યો છે જે ૨૧થી લઈને ૬૮ વર્ષ સુધીની ઉંમરના છે. જીઝેલને એક વર્ષમાં ૪૫૦ કરતાં વધુ વાર ઍન્ગ્ઝાયટીની દવાઓ તેની જાણ બહાર ખવડાવવામાં આવી છે એના પુરાવા પણ મળ્યા જેની કાર્યવાહી આ વર્ષના ડિસેમ્બર સુધી ચાલશે. ડૉમિનિક અને જીઝેલ ૧૮ વર્ષની ઉંમરે એકબીજાને મળ્યાં હતાં અને ટૂંક સમયમાં જ ૧૯૭૩માં પરણી ગયાં હતાં. તેમને બે દીકરા અને એક દીકરી છે જે હાલમાં પૅરિસમાં રહે છે. એ ત્રણ સંતાનોનાં ૭ બાળકો છે જેમનાં તે બન્ને ગ્રૅન્ડ પેરન્ટ્સ ગણાય. ડૉમિનિક ઇલેક્ટ્રિશ્યન હતો. એ પછી તેણે રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ પણ કર્યું હતું. એક સમયે તે ફાયર અલાર્મ અને કમ્પ્યુટરનાં સાધનો માટેનો ટેક્નિકલ સેલ્સ એજન્ટ પણ રહી ચૂક્યો છે. એક સમયે EDF નામની એક ઇલેક્ટ્રિક કંપનીમાં ડૉમિનિક અને જીઝેલ બન્ને કામ કરતાં હતાં. પછીથી એ પણ ખબર પડી કે ડૉમિનિકે જીઝેલના નામે ઘણી મોટી લોન પણ લઈ રાખી છે. મઝાનમાં તેઓ જ્યાં રહેતાં હતાં એ ભાડાનું ઘર હતું જ્યાં તેમનાં બાળકો નિયમિત આવતાં-જતાં રહેતાં.
દવાની અસર
સૌથી દુખદ ઘટના એ છે કે જીઝેલને લાગતું હતું કે તે એક પ્રેમભર્યું સામાન્ય જીવન જીવી રહી છે. તેનો પતિ ખૂબ સારો માણસ છે જે તેનું ઘણું ધ્યાન રાખી રહ્યો છે. તેની સાથે શું થઈ રહ્યું છે એનો તેને જરાજેટલોય અંદાજ નહોતો. તેના પર થયેલા બળાત્કાર વિશે તેના મગજમાં કોઈ ઘટના રેકૉર્ડ જ નહોતી થઈ. એ સુખી દાંપત્ય જીવનની ભ્રમણામાં તેણે આખું જીવન પસાર કરી નાખ્યું હતું. દાદા-દાદી કે નાના-નાની બન્યા પછી આ પ્રકારની કોઈ હકીકત તેની સામે આવશે એની કલ્પના પણ તેના મગજમાં નહોતી. જીઝેલની તબિયત પર તેણે લીધેલી ગોળીઓની ઘણી ગંભીર અસર થઈ હતી. તેના ઘણા વાળ ખરી ગયા, તેનું વજન ૧૬ કિલો જેટલું ઊતરી ગયું, તેની યાદશક્તિ સાવ પાંખી થઈ ગઈ. તેનાં બાળકોને લાગવા માંડેલું કે મમ્મીને અલ્ઝાઇમર થઈ ગયું છે. આજે કયો દિવસ છે, કાલે શું કર્યું હતું જેવી સામાન્ય માહિતી તે ભૂલવા માંડેલી. એક દિવસ તે ઊઠી ત્યારે તેને લાગ્યું કે આ વાળ તેણે ક્યારે કપાવ્યા? તેને યાદ જ નહોતું કે તે ગઈ કાલે વાળ કપાવવા ગઈ હતી.
વેબસાઇટ પર ખુલ્લેઆમ
ડૉમિનિકના કમ્પ્યુટરમાં એક પ્રાઇવેટ ચૅટરૂમ હતી જેનું નામ હતું ‘અ સન ઇન્સુ’ જેનો અર્થ થાય તેની જાણ બહાર. જેમાં લોકો પોતાના સ્ત્રીપાર્ટનરની જાણ કે મરજી વગર તેની સાથે જે સેક્સ કરતાં એ વિશે ત્યાં આવીને વાતો કરતા. જેમાં મોટા ભાગના પોતાના પાર્ટનરને દવા ખવડાવતા હતા. ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં આ વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર ૨૩,૦૦૦ ક્રિમિનલ કેસ નોંધાયા હતા અને જૂન ૨૦૨૪માં આ વેબસાઇટ બંધ થઈ. આ વેબસાઇટ પર પોતાની પત્ની પર બળાત્કાર કરવા માટે લોકોને આમંત્રણ મોકલાતાં અને એ પછી સાથે મળીને એના વિડિયો પણ જોવાતા.
દીકરી કૅરોલિને પુસ્તક લખ્યું છે જેનું ટાઇટલ છે ‘ઍન્ડ આઇ સ્ટાૅપ્ડ કૉલિંગ યુ પાપા’
દીકરીએ લખ્યું પુસ્તક
ડૉમિનિક પાસે મળેલા ફોટોમાં તેની બે પુત્રવધૂઓના ફોટો પણ હતા. જ્યારે તેઓ ઘરે આવતાં કે ડૉમિનિક અને જીઝેલ તેમના ઘરે જતાં ત્યારે તે બાથરૂમમાં કૅમેરા છુપાવીને તેમના ફોટો લેતો. ડૉમિનિકે તેની દીકરી કૅરોલિનનો આંતરવસ્ત્રો પહેરેલો એક ફોટો પણ ઇન્ટરનેટ પર મૂક્યો હતો. કૅરોલિને ૨૦૨૨માં લખેલા પુસ્તક ‘ઍન્ડ આઇ સ્ટૉપ્ડ કૉલિંગ યુ પાપા’માં તેણે નોંધ્યું છે કે અમારા ઘરની એક પણ સ્ત્રી આમાંથી બાકાત નહોતી રહી શકી. જીઝેલ પર કરવામાં આવેલો દરેક બળાત્કાર ખૂબ વ્યવસ્થિત રીતે પ્લાન કરવામાં આવતો. બહારથી આવનાર માણસ ઘરથી દૂર ગાડી પાર્ક કરીને આવતો. જીઝેલ જ્યાં સુધી દવા ખાઈને બેભાન ન થઈ જાય ત્યાં સુધી એ માણસ પોતાની ગાડીમાં રાહ જોતો બેસી રહેતો. એ માણસ પરફ્યુમ લગાવી શકતો નહીં કે સ્મોકિંગ પણ ન કરી શકતો, કારણ કે કોઈ ગંધથી જીઝેલ ભાનમાં આવી જાય તો? એ માણસના હાથ પણ ઠંડા ન રહે એની તાકીદ કરવામાં આવતી. તેનાં બધાં કપડાં લિવિંગરૂમમાં ઉતારીને જ એ માણસ બેડરૂમમાં આવતો જ્યાં જીઝેલનાં કપડાં બદલાવીને તેને કોઈ જુદા પ્રકારનાં આંતરવસ્ત્રો પહેરાવીને સુવડાવવામાં આવી હોય. હદ તો ત્યાં થતી કે બહારથી આવનાર પુરુષોને કૉન્ડોમ પહેરવાની મનાઈ ફરમાવવામાં આવતી હતી. તપાસ દરમ્યાન ખબર પડી કે એક વ્યક્તિ HIV પૉઝિટિવ હતી. એ જાણ્યા પછી જીઝેલની તપાસ થઈ પણ ભગવાનની કૃપાથી તેને HIV થયો નહોતો છતાં તેને ચાર જુદા પ્રકારના સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ થયા હતા જેના ઇલાજ થકી તે સારી થઈ ગઈ છે.
શિફ્ટ ધ શેમ મૂવમેન્ટ
આ બધી વાતોના ખુલાસા થયા બાદ જીઝેલે તાત્કાલિક ડૉમિનિક સાથે તલાક લીધા અને તેનું ઘર છોડીને બહાર નીકળી ગઈ. હાલમાં ડૉમિનિક અને બીજા ૫૦ લોકો પર જે કેસ ચાલી રહ્યો છે એ માટે જીઝેલે ઓપન ટ્રાયલની માગણી કરી હતી જેનો અર્થ એ થયો કે આ કેસ બાબતે કોર્ટ, મીડિયા અને બહારની તમામ વ્યક્તિ દરેકેદરેક સબૂત અને દરેક વાત જાણી શકે. કોર્ટમાં વિડિયો અને ફોટો પણ લોકો સામે બતાવવામાં આવ્યા હતા. જીઝેલ અને તેના વકીલનું કહેવાનું એવું હતું કે જે થયું એમાં તે પોતે શા માટે શરમાય? તેનો આ બધામાં કોઈ વાંક જ નહોતો. જેણે ખોટું કર્યું છે તે વ્યક્તિએ શરમાવું જોઈએ, તેમને નીચાજોણું થવું જોઈએ. જેની સાથે ખોટું થયું છે એ વ્યક્તિએ શા માટે લજ્જાવું? જીઝેલની આ વાત પરથી સમગ્ર ફ્રાન્સમાં ‘શિફ્ટ ધ શેમ - અધર સાઇડ’ના નામે કૅમ્પેન શરૂ થઈ છે. ઓપન ટ્રાયલની માગણી પોતાનામાં એક બોલ્ડ સ્ટેપ છે જે જીઝેલે લીધું જેને દુનિયાભરના નારીવાદીઓ વખાણી રહ્યા છે.
માનસિકતા
ભારતમાં સ્ત્રી વિરુદ્ધ જેટલા પણ ક્રાઇમ થયા છે એમાં આપણે ત્યાં આજે પણ સ્ત્રીઓ પોતાની જાતને દોષી માનતી હોય છે. સ્ત્રીઓ માને કે નહીં, સમાજ તો એમ જ માનતો હોય છે. એને કારણે જ સ્ત્રીઓ વિરુદ્ધના ક્રાઇમ જલદીથી સામે આવતા નથી. આ બાબતે વાત કરતાં બૉમ્બે હાઈ કોર્ટનાં ઍડ્વોકેટ અને ઍક્ટિવિસ્ટ આભા સિંહ કહે છે, ‘આપણે ત્યાં આજે પણ સ્ત્રી વિરુદ્ધ કોઈ પણ ક્રાઇમ થયો તો પહેલાં એને છુપાવો એ માનસિકતા જોવા મળે છે જેને લીધે બળાત્કારીઓ નિર્ભીક થઈને ફરે છે. વર્જિનિટીને એકદમ પ્રીમિયમ બનાવીને રાખી દીધી છે. એક સમયે આપણે ત્યાં ફિલ્મો એવી બનતી કે કોઈ સ્ત્રી પર રેપ થયો તો તેની ઇજ્જત જતી રહી, તે ક્યાંયની ન રહી, અપવિત્ર થઈ ગઈ જેવી વાતો કરવામાં આવતી જેને લીધે સમાજમાં એ સ્થાપિત થઈ ગયું કે તમારા પર બળાત્કાર થયો છે તો તમારી સાથે ખરાબ થઈ ગયું છે માટે તમારે શરમ અનુભવવી. આ વાતને બદલવાની ખૂબ જરૂર છે. હું તો બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને સર્વાઇવલ જેવું નામ નથી આપવા માગતી, હું તેમને વિક્ટોરિયસ વુમન તરીકે સંબોધવા માગીશ, કારણ કે તે જેમાંથી પસાર થઈ છે અને એ પછી તે લડત માટે પણ તૈયાર થઈ એ પોતાનામાં જીત છે. આપણે ત્યાં અપરાધીનું મોઢું ઢાંકવામાં આવે છે એ રીત બદલવી જોઈએ. ખાસ કરીને સ્ત્રી વિરુદ્ધ ક્રાઇમ કરનારા લોકોનું મોઢું ખુલ્લું દેખાવું જોઈએ. તેમને સમાજે બેઇજ્જત કરવા જોઈએ. તેમના પર થૂ-થૂ થશે તો એક ક્લિયર સંદેશ જશે કે આ લોકોએ શરમ અનુભવવાની છે, સ્ત્રીએ નહીં. બળાત્કારીઓને આપણે શું કામ સમાજની નાલેશીથી બચાવીએ?’
કાયદો ક્યાં ટૂંકો પડે છે
ભારતમાં કાયદો સ્ત્રીને એ હક આપે છે જેથી તેની ઓળખ અકબંધ રહે, તેની વાત સમાજમાં ખુલ્લી રીતે ન ફેલાય, કારણ કે બધાને ખબર પડી જશે તો લોકો તેના વિશે શું વિચારશે અને તેણે બીજી કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એવી બીક તેને લાગતી હોય છે. આપણા દેશમાં ભાગ્યે જ ઓપન ટ્રાયલ માટે કોઈ છોકરી તૈયાર થાય, ઊલટું નાલેશીના ડરથી છોકરીઓ કેસ કરવા તૈયાર નથી થતી. જે વિશેનું કારણ સ્પષ્ટ કરતાં ઍડ્વોકેટ આભા સિંહ કહે છે, ‘આપણે ત્યાં બળાત્કારના કેસ ખૂબ લાંબા ચાલે છે. વર્ષોનાં વર્ષ એમાં નીકળી જાય તો સ્ત્રીને તે બળાત્કારી વધુ હેરાન કરે એવી આપણે તેમને તક પૂરી પાડીએ છીએ. ત્રણ મહિનાની અંદર બળાત્કારના કેસ સૉલ્વ થઈ જવા જોઈએ અને તેમને આજીવન કારાવાસ થવો જોઈએ, કારણ કે જ્યારે એવું નથી થતું ત્યારે સ્ત્રી સંકટમાં મુકાઈ જાય છે. આરોપી એની સજા પૂરી કરીને બહાર આવે છે અને સ્ત્રી પર ઍસિડ ફેંકી દે છે કે તેને વધુ ખરાબ રીતે હેરાન કરે છે. એનાથી પણ વધુ ચિંતાજનક એ છે કે બળત્કારના કેસમાં કન્વિક્શન રેટ ૨૯ ટકા જ છે. જોવા મળ્યું છે કે જે રેપકેસ સાબિત ન થઈ શકે અને આરોપી છૂટી જાય એ સ્ત્રીનું જીવન વધુ ખરાબ કરી નાખે છે એટલે ડરીને ઘણી સ્ત્રીઓ ફરિયાદ નથી કરતી કે કેસ નથી કરવા માગતી. આ બધાં કાયદાને લગતાં લિમિટેશન છે જેને કારણે આપણે સ્ત્રીઓને પૂરી રીતે ન્યાય નથી અપાવી શકતા.’
બદલાતું ચિત્ર
શા માટે સ્ત્રીએ શરમાવું જોઈએ કે છોછ અનુભવવો જોઈએ એ વાત ઘણા સમયથી સમાજમાં ચર્ચાનો વિષય બની છે અને એને કારણે બદલાવ આવવાનું પણ શરૂ થયું છે એ વિશે વાત કરતાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે કામ કરનાર સમાજસેવક અને સિનિયર ઍક્ટિવિસ્ટ પ્રોફેસર ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘આપણે ત્યાં નિર્ભયાના કેસમાં તેનાં મમ્મી-પપ્પાએ એ સ્ટૅન્ડ લીધેલું કે મારી દીકરીએ શરમાવાની જરૂર નથી. તેનો કોઈ વાંક નથી. કલકત્તામાં ગૅન્ગરેપનો ભોગ બનેલી બારડાન્સરના કેસમાં તે છૂપી રહી નહોતી જેનું કારણ એ હતું કે આ કેસમાં ઘણા નામી લોકો સંડોવાયેલા હતા. તેને લાગતું હતું કે જો એ લોકોથી છુપાઈ રહી તો તેને મારીને ફેંકાવી દેશે. જોકે તે તો મરી જ ગઈ અને આજે તેનો કેસ તેની દીકરી લડે છે. શક્તિ મિલ કમ્પાઉન્ડ થયેલા રેપકેસમાં માતા-પિતાએ જાહેરમાં કહેલું કે જે ૬ જણે મારી દીકરી પર બળાત્કાર કર્યો તેઓ ગુનેગાર છે, મારી દીકરી ગુનેગાર નથી, તે શરમ નહીં અનુભવે. તે નૉર્મલ જીવન જીવશે. હેલ્પલાઇન્સ, સારા કાયદાઓ, સમાજસેવી સંસ્થાઓ, વધતી જતી જાગૃતિને કારણે પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી બનતી જાય છે. એટલે જ કોવિડમાં આખા દેશમાંથી પોણાબે લાખ બાળકોએ તેમના પર વીતેલા સેક્સ્યુઅલ અબ્યુઝની ફરિયાદ હેલ્પલાઇન પર કરેલી. જો દેશનાં બાળકોમાં આટલી હિંમત હોય તો સ્ત્રીઓએ તો હિંમત કરવી જ રહી. આમ, ચિત્ર બદલાઈ રહ્યું છે.’
કાગડા બધે જ કાળા
આપણને ઘણી વાર એવું લાગે છે કે ભારતમાં જ આ તકલીફો વધુ છે, પણ વિશ્વસ્તરે જ્યારે આવા કેસ જોઈએ ત્યારે સમજાય છે કે સ્ત્રીવિરોધી વલણ બાબતે કાગડા બધે જ કાળા છે એ વિશે પોતાનો ગુસ્સો પ્રગટ કરતાં પ્રોફેસર ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘કોઈ પણ દેશમાં જ્યારે યુદ્ધ થાય ત્યારે સૌથી વધુ સ્ત્રીઓ સહન કરતી હોય છે. આજે વિશ્વસ્તરે યુક્રેનમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે. બળાત્કાર સદીઓથી એક ડિવાસ્ટેટિંગ વેપન તરીકે વપરાતું આવ્યું છે. દુનિયાભરના રેફ્યુજી કૅમ્પસ આ વાતના પુરાવા છે. સુદાન અને મણિપુરની હાલતથી આપણે અજાણ નથી. સુદાનમાં તો એક વાટકો સૂપના બદલામાં છોકરીઓ પાસેથી સેક્સની માગણી કરતા લોકો મળ્યા હતા. વિચારો કે માનવતા કઈ હદે મરીપરવારી છે. બળાત્કાર એ કોઈ એક દેશની સમસ્યા નથી કે નથી એ કોઈ એક સમાજની સમસ્યા. આ એક માનવતાલક્ષી પ્રશ્ન છે જેને માનવતાના ધોરણે સુધારવો રહ્યો. પરિસ્થિતિ નક્કી બદલાઈ રહી છે. ધીમે-ધીમે સારા બદલાવ આવી રહ્યા છે પણ આ માટે જીઝેલ જેવી અનેક સ્ત્રીઓની પ્રતિબદ્ધતા અનિવાર્ય રહેશે.’