સાચું કહેજો, આ વર્ચ્યુઅલની લાયમાં ઍક્ચ્યુઅલી આપણે જીવીએ છીએ ખરા?

06 October, 2024 03:49 PM IST  |  Mumbai | Sairam Dave

મોબાઇલને કારણે આપણા જીવનમાં આવેલા ફેરફારોને જો એક વાર ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે કે આપણે ખુશ હોવાનો દેખાડો કરતાં સાચું જીવવાનું ભૂલી ગયા છીએ

પ્રતીકાત્મક તસવીર

મોબાઇલ આવ્યા પછી આપણા જીવનની ડિક્શનરીમાં નવાં-નવાં દુઃખ એન્ટર થયાં. કવરેજ નથી, ટાવર નથી, પેલી ઑનલાઇન છે અને જવાબ દેતી નથી!

એક સમયે જીવનનું વહાલ ટપાલ સાથે, અંતર આંતરદેશીય કવર સાથે અને હૃદયના તાર પોસ્ટઑફિસના ટેલિગ્રામ સાથે જોડાયેલા હતા. તાર ઇઝ ઇક્વલ ટુ માઠા સમાચાર. આવી માન્યતા હમણાં સુધી ગામડાંમાં પ્રવર્તતી હતી. કોઈનો તાર આવે એટલે વાંચ્યા પહેલાં પોક મુકાઈ જતી અને નહાવાનું ગરમ પાણી ચૂલે ચડી જતું.

સૌથી પહેલાં પીળાં પાટિયાંની દુકાનવાળી ‘ઝેરોક્સ’ આવી હતી. મારા એક મિત્ર ઝેરોક્સની દુકાનમાં સબટાઇટલ બોર્ડ મારેલું કે ‘અહીં દરેક ભાષામાં ઝેરોક્સ કાઢી આપવામાં આવશે.’ ગામમાં દરેકને આ ‘ઝેરોક્સ’ બોર્ડનું ગૌરવ પણ હતું. નવરા બેઠાં સફેદ કાગળની ઝેરોક્સ કેવી આવે? આ ચકાસણી આ લખનારે પણ કુતૂહલપૂર્વક કરેલી.

ત્યાર બાદ ગામેગામ STD PCO આવ્યા. કમ્યુનિકેશન ક્રાન્તિથી દૂરનાં કનેક્શન રીચાર્જ થયાં, પણ ગામડાંમાં STD PCOનું ફુલ ફૉર્મ કોઈને નહોતું આવડતું, કારણ કે ફુલ ફૉર્મ આવડે તો જ ફોન લાગે એવો નિયમ ક્યારેય બન્યો નહોતો. પરંતુ STD એટલે સબસ્ક્રાઇબર ટ્રન્ક ડાયલિંગ અને PCO એટલે પબ્લિક કૉલ ઑફિસ, આટલું બધું અઘરું તો અભણ લોકોને શેં યાદ રહે? કો’ક શ્યામભાઈ પિત્રોડાએ આ STDની શોધ કરી છે એટલે શ્યામનો ‘s’ અને પિત્રોડાનો ‘TD’ સ્પેલિંગમાં લીધો હશે અને ‘PCO’ એ શ્યામભાઈના બાપુજીનું નામ હશે એવું મારા જેવા કેટલાયે માની લીધેલું.

STDની અંદર અંગત વાત કરવા માટે એક ‘ઘોલકુડી’ જેવી કાચની ઍન્ટિ ચેમ્બર સૌએ જોયેલી. જોકે એ ચેમ્બરમાં થનારી તમામ વાત બધાને બહાર સંભળાતી. અમુકને તો એમ હતું કે મુંબઈથી ફોન આવ્યો હોય તો આપણે જોરથી વાત કરીએ તો જ અવાજ મુંબઈ પહોંચે. અમુક લજ્જાશીલ પુત્રવધૂઓ તો STDમાં સસરાને લાજ કાઢીને જ ફોન લગાડતી. ત્યાર બાદ વચગાળાની સરકારની જેમ ‘પેજર’ની એન્ટ્રી થઈ. જોકે એ ટેક્નૉલૉજી સર્વવ્યાપી થાય એ પહેલાં જ જરી ગઈ. પછી વારો આવ્યો કુંવરશ્રી મોબાઇલનો. એક સમયે લેધરના કટારમાં કમર પર લટકતો મોબાઇલ રિવૉલ્વર કરતાં વધુ રૂઆબદાર હતો. નોકિયા 1100 નંબરનો મોબાઇલ જ્યારે બસમાં રણકતો ત્યારે થોડી વાર બસ પણ સ્લો થઈ જતી. કોઈ એલિયનને જોતા હોય એ રીતે લોકો મોબાઇલધારક સામે નજર માંડતા, તો વળી નોકિયાનો જ 3310 મોબાઇલ જેની પાસે હતો એ તો બે-ચાર રિંગ વધુ વાગવા દેતા જેથી સૌને જાણ થાય કે ભાઈ પાસે આ નવા માયલો ફોન છે.

એક મિનિટના સોળ રૂપિયે આઉટ ગોઇંગથી શરૂ થયેલી આ યાત્રા મફતના ભાવ પર આવીને ઊભી રહી છે, જેના આપણે સૌ સાક્ષી છીએ. મોબાઇલમાં વૉટ્સઍપ આવ્યું ત્યારથી તો વર્ચ્યુઅલ વર્લ્ડ પર વાતુંનાં પૂર ઊમટ્યાં છે. જેશ્રી ક્રિશ્નનું JSK, જે સિયારામનું JSR, ગુડ મૉર્નિંગનું GM, જે માતાજીનું JM કોણે ક્યારે કરી નાખ્યું એની કોઈને ખબર જ ન રહી. OKમાંથી હવે ખાલી ‘K’ લખાય છે. શબ્દોને બદલે લીલા, પીળા અને લાલ ઇમોજીથી વાત થાય છે. લોકગીતોમાં છેલ્લે ‘લોલ’ શબ્દ આવતો, જ્યારે વૉટ્સઍપ ચૅટમાં ગમે ત્યારે વચ્ચે ‘LOL’ ઘૂસી જાય છે.

અતિરેક એટલો વધ્યો છે કે એક સમયે મોબાઇલ હોવો એ મોટાઈ હતી તો અત્યારે ‘હું મોબાઇલ નથી વાપરતો!’ આ સ્ટેટમેન્ટ આશ્ચર્ય સાથે ગૌરવ પ્રદાન કરનારું બનતું જાય છે. તમે પરણેલા છો કે કુંવારા? જેટલો જ પર્સનલ સવાલ હવે ‘તમારો મોબાઇલ નંબર શું છે?’ એ બની ગયો છે. આઇફોન સર્વવ્યાપી બની જતાં હવે અમુક ‘આઇફોનિયાવ’ અરીસાની સામે ઊભા રહીને રોજ સેલ્ફી પાડે છે, જેથી ગામને ખબર પડે કે ભાઈ કે બહેન પાસે 16-પ્રો છે. દર ત્રીજી મિનિટે વાંદરા જેવું ડાચું કરીને સેલ્ફી પાડતી આખી જનરેશનના હોઠ સાંઢિયાની જેમ લબડી તો નહીં જાયને? આવી વ્યર્થ ચિંતા મને સતાવતી રહે છે.

ડાયનોસૉરની ડોક જેવા લાંબા-લાંબા મેસેજ જેમાં નીચે Read More લખેલું આવે છે. આવો મેસેજ વાંચીને મને એક વાચકે ફોન કર્યો કે ‘સાંઈ, આ રીડમોર-ભાઈ મને ગુજરાતીમાં બહુ સરસ મેસેજ મોકલે છે!’ મેં કહ્યું ‘એ રીડમોરભાઈની મમ્મી ગુજરાતી હતાં એટલે એ માતૃભાષાને બહુ ચાહે છે.’

કોઈને વૉટ્સઍપમાં બ્લૉક કરવો એ ‘વર્ચ્યુઅલ ડિવૉર્સ’ કહેવાય. કોઈ મોબાઇલનો પૅટર્ન લૉક ખોલતું હોય અથવા કમ્પ્યુટરમાં પાસવર્ડ ટાઇપ કરતું હોય ત્યારે સહેજ મોં ફેરવી લેવાને ‘સંસ્કાર’ કહેવાય. આજે લોકોને જેટલી તિજોરીના લૉકની ચિંતા નથી એટલી મોબાઇલના લૉકની ચિંતા છે.

તમે તમારું D.P. છ મહિના સુધી ન બદલાવો એ ‘વર્ચ્યુઅલ જડતા’ કહેવાય. તમે D.P. દિવસમાં ત્રણ વાર બદલાવો એ ‘વર્ચ્યુઅલ નવરાઈ’ કહેવાય. પોતાના સ્ટેટસમાં મગના દાણા જેવા ચાલીસ-ચાલીસ ફોટા મૂકવા એ ‘વર્ચ્યુઅલ ઊભરો’ કહેવાય. તમારું ‘Last Seen’ છુપાવવું એ ‘વર્ચ્યુઅલ કિન્નાખોરી’ કહેવાય. ફલાણી કે ફલાણાને ઑનલાઇન ભાળી એની વાંહે પડી જવું એ ‘વર્ચ્યુઅલ ઉત્તાંબર’ કહેવાય. કોઈનો મેસેજ વાંચીને બ્લુ ટિક થઈ જાય પછી તેને જવાબ ન આપો એ ‘વર્ચ્યુઅલ નીંભરતા’ કહેવાય. સમયે સૉફ્ટવેર અપડેટ ન કરવો એ ‘વર્ચ્યુઅલ આળસ’ કહેવાય. જાણીતા અને જૂના મિત્રો કે સ્વજનોના વૉટ્સઍપ ગ્રુપમાંથી માઠું લગાડીને નીકળી જવું એ ‘વર્ચ્યુઅલ પ્રીમૅચ્યોરિટી’ કહેવાય. પોતાના D.P.માં એક પણ ફોટો ન રાખવો એ ‘વર્ચ્યુઅલ વાયડાઈ’ કહેવાય. વૉટ્સઍપમાં ‘ડિલીટ ફૉર એવરીવન’ કરવું એ ‘સામૂહિક ષડયંત્ર’ છે. તેમ જ ‘ડિલીટ ફૉર એવરીવન’ કરવા જતાં ‘ડિલીટ ફૉર મી’ થઈ જવું એ ‘વર્ચ્યુઅલ ધર્મસંકટ’ છે.

દોસ્તો, તમને નથી લાગતું કે આવાં વર્ચ્યુઅલ ધર્મસંકટો સૌ અનુભવી રહ્યા છીએ? વર્ચ્યુઅલી આપણે બહુ ખુશ હોવાનું દેખાડીએ છીએ, પણ વર્ચ્યુઅલની લાયમાં ઍક્ચ્યુઅલી આપણે જીવીએ છીએ ખરા?

columnists