26 March, 2023 04:11 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતિકાત્મક તસવીર
કોઈ ગમતું જણ આપણી સામે આવે તો દિવસ ગુલાબી અને આંખો નવાબી થઈ જાય. એમ થાય કે સિલિકૉન વૅલીનું જે થવાનું હોય એ થાય, આપણી મિલિકૉન વૅલી વિકસવી અને વિસ્તરવી જોઈએ. બંધ આંખે પતંગિયાની કલ્પના કરવી અને ખુલ્લી આંખે ઊડાઊડ કરતાં પતંગિયાં જોવામાં ફેર રહેવાનો. મનોજ ખંડેરિયા આહવાન કરે છે...
શ્વાસને સાવ છુટ્ટા મેલી દે
તું હવાની હવેલી ખોલી નાખ
બીજમાંથી સીધી પૂનમ દઈ દે
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ
માથા પરથી બોજ ખંખેરવો અઘરો હોય છે, છતાં જ્યારે વર્ષોનાં વર્ષ આ બોજ વેંઢારવાનો હોય ત્યારે કોઈ છટકબારી શોધી લેવી પડે. રોજ રડવાનું આવે તો આંખો છોલાઈ જવાનો ભય રહે. અવરોધોના આક્રમણ વચ્ચે થોડી નિરાંતની ક્ષણ ગોતી લેવી પડે, જે વિટામિનની ગોળી જેવું કામ આપે. રશીદ મીર વિરોધાભાસ સાથે જિંદગીની વાસ્તવિકતા પણ નિરૂપે છે...
હો પ્રતીક્ષા તો નહીં આવે કદી
હોય ના સંભવ તો અક્સર આવશે
વાયરો આવે ન આવે તોય શું?
પાંદડાં ખરવાનો અવસર આવશે
કોઈ જીવ અહીં શાશ્વતી લઈને નથી આવ્યો. જિંદગીના ઍરપોર્ટ પર આગમન સાથે પ્રસ્થાન પણ નિશ્ચિત હોય છે. એ દરમ્યાન શક્તિ પ્રમાણે ગતિ અને પ્રગતિ કરી ગૌરવ હાંસલ કરવાનું હોય. આવડે એવું જીવવાનું અને સમજાય એટલું સુધરવાનું. જયંત ડાંગોદરા સંગીત ભીતર તરફ દૃષ્ટિને વાળે છે...
શ્વાસની સિતાર ઝાલી એકલા બેઠા છીએ
આવડે એવી બજાવી એકલા બેઠા છીએ
કોણ આવે-જાય છે આ શ્વાસમાં એ ખોજવા
બારણે પ્હેરો લગાવી એકલા બેઠા છીએ
જરૂર પડે ત્યારે બારણે પહેરો ભરવો પડે અને સરહદ પર તો પહેરો ભરવો જ પડે. પાકિસ્તાનની અવળચંડાઈ અને ચીનની ખંધાઈ વર્ષોથી ચાલી આવે છે અને ચાલવાની છે. સરહદને સશક્ત કરવા માટે જે ખર્ચો કરવો પડે એ કરવો જ પડે. પ્રત્યેક શાસકની ફરજ હોય છે પ્રજાની રક્ષા કરવાની. વિદેશી શસ્ત્રો માટે હાથ ફેલાવતો આપણો દેશ ધીરે-ધીરે વિદેશમાં શસ્ત્રો મોકલવાની સ્થિતિ તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યો છે. આ બધી વાતો સ્વપ્ન જેવી લાગે. ઉદ્યોગ સાહસિકોને મોકળું મેદાન અને આર્થિક ઉત્તેજન મળે તો શું થઈ શકે એનું પરિણામ દેખાઈ રહ્યું છે. અનેક વૈશ્વિક પડકારો વચ્ચે કિરણસિંહ ચૌહાણનો આશાવાદ ટકાવી રાખે છે...
ન મળવાની ચીજો મળી પણ શકે છે
ઘણી વાર સ્વપ્નો ફળી પણ શકે છે
અહીં ઠેકઠેકાણે આવે વળાંકો
તું મરજી પ્રમાણે વળી પણ શકે છે
માર્ગમાં આવતા વળાંક પર સરકતી વખતે વાહને સંભાળવું પડે. જિંદગીમાં આવતા વળાંક વખતે આપણે તકેદારી રાખવી પડે. કેટલીક વાર અસમંજસ કે અનિર્ણાયકતાને કારણે હાથમાંથી સોનેરી તક સરી જાય. સવારે ૧૦ વાગ્યે ટ્રેનની તત્કાલ ટિકિટ કઢાવવાની હોય અને પથારીમાં પડ્યા રહીએ તો બુકિંગ કંઈ આપણી રાહ જોવાનું નથી. દરેક ક્ષેત્રમાં એટલી સ્પર્ધા હોય કે ગાફેલ રહીએ તો સણકા હાથ લાગે. અમર પાલનપુરી સંબંધોને તાગીને વાત માંડે છે...
દિલમાં જેઓ રાગ ન વાવે
એના ભાગે દુઃખ ન આવે
સુખમાં એને શું કરવાના?
દુઃખમાં જેઓ કામ ન આવે
દુઃખમાં સ્વજનો અને મિત્રો કામ આવે. સ્વજનોની મૂડી આપણી પાસે હોય છે જે આપણે સાચવવાની હોય. મિત્રોની મૂડી ઊભી કરવાની હોય. સમસ્યા ત્યારે થાય જ્યારે આ સંબંધોમાં સ્વાર્થ ભળી જાય. પડીકાનો કાગળ ખોલીને ફેંકી દઈએ એટલી સરળતાથી સ્વાર્થને બાજુએ મૂકવો અઘરો છે. રતિલાલ સોલંકી એટલે જ લખે છે...
કાયમ હો કે વચગાળાનું
વળગણ સૌને અજવાળાનું
સંબંધોને અંકગણિત બસ
માફક આવે સરવાળાનું
લાસ્ટ લાઇન