તારી ગલીની જેવી મને રહેગુઝર મળે

03 December, 2023 12:13 PM IST  |  Mumbai | Hiten Anandpara

એક વાક્યમાં કશુંક કહી દેવું સહેલું નથી. અનુભવે એમાં જીવ આવે. મોટા ભાગની કહેવતો નાની હોય છે, છતાં બહુ જ ઓછા શબ્દોમાં ભાવ સચોટ રીતે વ્યક્ત થાય.

પ્રતિકાત્મક તસવીર

દરેક વૃક્ષ ફળે એવું જરૂરી નથી અને બધાને બધું મળે એ તો શક્ય જ નથી. ઇચ્છાઓનું બકેટ-લિસ્ટ સીમિત રાખવું પડે. અન્યથા એના ભાર નીચે જ આપણે દબાઈ જઈએ. મુકુલ ચોકસી ટૂંકમાં લાંબી સમજ 
આપે છે...

આખા નગરની જલતી દીવાલોને કળ વળે
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે
ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે

એક વાક્યમાં કશુંક કહી દેવું સહેલું નથી. અનુભવે એમાં જીવ આવે. મોટા ભાગની કહેવતો નાની હોય છે, છતાં બહુ જ ઓછા શબ્દોમાં ભાવ સચોટ રીતે વ્યક્ત થાય. આવી કહેવતો ગોઠવીને નહીં પણ વર્ષોના નિચોડ પછી બનતી હોય છે અને એનો સર્જનારો અજ્ઞાત જ રહે છે. શબ્દોની પાંખે અર્થોના આકાશમાં ઊડવાની એક મજા હોય છે. ડૉ. પ્રફુલ્લા વોરા અર્થને વિસ્તારે છે...
આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે
ભાગ્યનું પરબીડિયું અકબંધ છે
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે

સગપણ લોહીની સાથે જન્મે છે. સંબંધ સંપર્કથી બંધાય છે. આપણા સંપર્કમાં આવનારાને પણ આપણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ ઋણાનુબંધ હોઈ શકે. ઘણી વાર જોવા મળે છે કે કોઈ અજાણ્યો માણસ આવીને આપણને છેતરી જાય. તો એનાથી વિપરીત જેની સાથે ભાગ્યે જ કોઈ ઓળખાણ હોય એવો માણસ મુસીબતના સમયમાં આપણને ઉગારી લે. આવું ગણિત સમજાતું નથી. જોકે એક વાત જરૂર સમજવા જેવી છે કે આપણે દાન-પુણ્ય કદાચ ન કરી શકીએ, પણ કોઈના માટે દુઆ તો કરી જ શકીએ. સાચી દુઆમાં ઘણી તાકાત હોય છે. ખલીલ ધનતેજવી આવી દુઆ માગે છે...

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે
યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે

કોઈના પર પોતાની ખુશીઓ ન્યોછાવર કરી દેવી આસાન નથી. એના માટે પ્રેમ જોઈએ. કેટલાય લોકો એકપક્ષી પ્રેમમાં આખી જિંદગી વિતાવી દેતા હોય છે. એમાં રંજ જરૂર હોય, પણ પ્રેમમાં ઉઝરડો ન પડ્યો હોય. મનહર મોદી કામના કરે છે...    
તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે
ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

સુખ વહેંચવાથી ઘટતું નથી, વધે છે. સુખ માત્ર પૈસા કે સંપત્તિમાં જ નથી સમાયું. એનો વિશેષ અર્થ સગપણમાં અને સંબંધમાં નિખરે છે. ઘણી વેળા સુખ અને સમૃદ્ધિ મળે, પણ સંતોષ નથી મળતો. સંતોષ સુખ કરતાં પણ એક સોપાન આગળ હોય છે. શૂન્ય પાલનપુરી એક અલગારી અવસ્થાની વાત કરે છે...

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે
એવું દરદ ન આપ કે જેની દવા મળે
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના
સાચો અદલ તો એ જ કે એને સજા મળે

ગુના વગરની દુનિયા હોય તો કેવું સારું. આ વિચાર માત્ર કલ્પના બનીને રહી જાય છે, હકીકત કંઈ જુદી જ નીકળે. પોલીસના ચોપડે ગુનાઓ ઓછા નોંધાય એવું બનતું નથી. અરે, કેટલાય ગુના તો નોંધાતા પણ નથી. કેટલાય લોકોની અડધી જિંદગી કોર્ટ-કચેરીનાં ચક્કરમાં વેડફાઈ જાય છે. કેસ પ્રેમની અદાલતમાં ચાલતો હોય અને જજ કિસ્મત કુરૈશી હોય તો આવો ચુકાદો મળી 
શકે...

રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે
જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે

લાસ્ટ લાઇન
સ્વર્ગનું સોપાન

ચાહું છું કોઈ એવી જગા પર સફર મળે
જ્યાં કોઈ ના મળે ને તમારી ખબર મળે

સુખ પામવાનો એ જ હવે એક માર્ગ છે
જે કંઈ મને મળે એ મુકદ્દર વગર મળે

પાથરશું ખરતાં પાન જ્યાં ધરતા હતા ફૂલો
જાયે ભલે વસંત, ભલે પાનખર મળે

લાગે મને કે ભટકું છું મંઝિલની આસપાસ
તારી ગલીની જેવી મને રહેગુઝર મળે

છે મારી કેવી સ્વાર્થરહિત સુખની ભાવના?
કહેતો નથી દુઆમાં કદી કે અસર મળે

દુનિયાના લોક કહે છે પ્રણયને તો આંધળો
શો અર્થ છે હવે જો કોઈની નજર મળે

સોપાન મારે કાજ જે થઈ જાય સ્વર્ગનું
‘બેફામ’ સૃષ્ટિમાં મને એવી કબર મળે

બરકત વીરાણી - બેફામ
જન્મશતાબ્દી વર્ષ

columnists gujarati mid-day hiten anandpara