એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે

19 November, 2023 03:58 PM IST  |  Mumbai | Hiten Anandpara

આખરે તો આ તહેવારો આપણને એકબીજા સાથે જોડવા માટે હોય છે અને આપણી આશાને ધબકતી રાખવા માટે હોય છે.

પ્રતીકાત્મક તસવીર

દિવાળીના દીવાએ આવતા વર્ષ સુધી વિરામ લીધો છે. મુંબઈગરાઓએ બેસતા વર્ષ પછીના દિવસે કામકાજે જવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં સામાન્ય રીતે લાભપાંચમ પછી કામકાજની રિધમ પાછી પકડાતી હોય છે. તહેવારોના વિરામ આપણને રીચાર્જ કરે છે. આખરે તો આ તહેવારો આપણને એકબીજા સાથે જોડવા માટે હોય છે અને આપણી આશાને ધબકતી રાખવા માટે હોય છે. સંદીપ પૂજારા લખે છે...
તમે માનો છો જેવું, સાવ એવું પણ નથી હોતું
ન આવે અંત જેનો, ક્યાંય એવું રણ નથી હોતું
શું એની ભવ્યતા છે, જાણવા ભીતર જવું પડશે
હૃદય નામે હવેલીને, કોઈ આંગણ નથી હોતું
ભીતર સુધી જવાનો માર્ગ સહેલો નથી હોતો. કલરવ સુધી પહોંચવા કોલાહલોને દૂર કરવા પડે. તાજેતરમાં એક સમાચાર વાંચ્યા. કોઈક ગામના લોકો ધ્વનિપ્રદૂષણ કરે એવા ફટાકડા ફોડતા નથી, કારણ કે દસેક કિલોમીટર દૂર પંખીનું અભ્યારણ્ય છે. જો તેઓ ફોડે તો હજારો પંખીઓની શાંતિમાં ભંગ પડે. આવી સંવેદના ખરેખર આવકાર્ય પણ છે અને અનિવાર્ય પણ છે. મસમોટા અવાજવાળા ફટાકડાઓથી પ્રાણીઓ અને પંખીઓની શું હાલત થતી હશે એ શહેરીજનો  વિચારતા નથી. આનંદ માણવો જરૂરી છે, પણ કોઈને શોક કરાવીને કે શૉક આપીને નહીં. ડૉ. મહેશ રાવલ શીખ આપે છે...
ફૂલોની વાત લઈને નીકળાય, તો નીકળજે 
સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે
એકાંતે કોણ આવે? ભરચક ભરી જો, હરપળ
ઊજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે
ખિસ્સામાં કાંટા રાખીને ફૂલોની વાત કરવાનો કોઈ અર્થ નથી. ઘણા લોકો પોતાનું કામ કઢાવવા મીઠી જબાન રાખીને સામેવાળાને ફસાવતા હોય છે. એ અર્થમાં મીઠી છૂરી એવો શબ્દપ્રયોગ ખરેખર સાર્થક લાગે છે. આર્થિક છળકપટથી બચવા રિઝર્વ બૅન્કની જાહેરાતમાં સતત કહેવાય છે - સતર્ક રહો. કેટલાય વરિષ્ઠ નાગરિકો ઑનલાઇન છેતરપિંડીમાં લાખો રૂપિયા ગુમાવે છે. રીઢા ગુનેગારો નકલી આધાર કાર્ડના આધારે અસલી પૈસા પડાવી જાય છે. આશિત હૈદરાબાદી આદમીની ફિતરતે પકડે છે...
જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી
દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી
આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના
શેની કરે તલાશ આ છાયામાં આદમી?
દેખાવથી જુદા અને સ્વભાવથી જુદા માણસોને પકડવા અઘરા હોય છે. અરે, અન્યની વાત જવા દો, આપણા મનની વાત કરીએ તોય ભોંઠા પડવાનું આવે. સવારે કંઈ કહે અને રાતે કંઈ કહે. ઘડીકમાં આમ વિચારે, ઘડીકમાં તેમ વિચારે. સમયાંતરે વિરોધાભાસ પ્રગટ થતો રહે. ભાવેશ ભટ્ટ મનની ચંચળતા દર્શાવે છે... 
કશું પૂછે નહીં તમને અને દેખે નહીં તમને
અજાણ્યા કૈંક લોકો એમ આવે-જાય સપનામાં
બધા દુનિયાથી જે મન લઈને આવે છે ઘરે પાછા
અમુક એવું જ મન રાખી ઘરેથી જાય દુનિયામાં
કામકાજથી ઘરે પાછા આવીએ ત્યારે આપણને આરામ અને શાંતિની અપેક્ષા હોય છે. એમાં જો ઘરમાં તડાફડી ફૂટતી હોય તો ઑફિસમાં જ બેસી રહેવાનું મન થાય. જે ઘર ચલાવવા માટે આપણે કમાઈએ છીએ એ ઘર જો ગૂંગળાતું હોય તો પૈસાનું રૂપાંતર પીડામાં થઈ જાય. ક્યાંક કજિયા-કંકાસ હોય, ક્યાંક રોજમેળ પણ ન મળે  અને મનમેળ પણ ન મળે, ક્યાંક વળી અહંકાર આસન જમાવીને બેઠો હોય. દિનેશ ડોંગરે નાદાન ઘર્ષણનાં કારણોમાં એક મહત્ત્વના શબ્દને ચીપિયાથી પકડે છે... 
વાતમાં ને વાતમાં આવે પરંતુ
નાન્યતરની જાતમાં આવે પરંતુ
સાવ બિનશરતી સમર્પણ હું કરું, ને
એમની સોગાતમાં આવે પરંતુ
બિનશરતી વાત જવા દો, સમર્પણની ભાવના જ ઓસરતી જાય છે. ભગવાન સામે પણ આપણું સમર્પણ ટર્મ અને કન્ડિશન સાથે હોય છે. એટલે એને સમર્પણ કહેવું કે સોદો એવી મૂંઝવણ થાય. આપણી ફરિયાદ અને આપણો શક એટલા બળકટ હોય કે શ્રદ્ધા બિચારી દબાઈ જાય. આપણી પાસે ગોપીભાવ નથી જે ડૉ. રશીદ મીર આલેખે છે...
હો પ્રતીક્ષા તો નહીં આવે કદી
હોય ના સંભવ તો અકસર આવશે
ગોપીઓ ઉત્કંઠ છે આઠે પ્રહર
આ જ રસ્તે પાછા ગિરધર આવશે

columnists gujarati mid-day hiten anandpara