સંયુક્ત છીએ એટલે સુખી છીએ

15 May, 2024 01:37 PM IST  |  Mumbai | Heena Patel

બદલાતી જીવનશૈલીને કારણે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હવે લગભગ લુપ્ત થવા જઈ રહી છે

પરિવારોની તસવીર

હવે નાનાં ઘરોને કારણે લોકો ઇચ્છે તોય સંયુક્ત કુટુંબમાં રહેવાનું મુશ્કેલ છે. બદલાતી જીવનશૈલીને કારણે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હવે લગભગ લુપ્ત થવા જઈ રહી છે ત્યારે મુંબઈ જેવા શહેરમાં પણ આશાના કિરણ સમાન કેટલાક સંયુક્ત પરિવારો છે જેમને આજે પણ જૉઇન્ટ ફૅમિલીમાં જ રહેવાની મજા આવે છે. આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ ફૅમિલીઝ નિમિત્તે હિના પટેલે દસથી વધુ સભ્યો સાથે રહેતા હોય એવા પરિવાર પાસેથી જાણવાની કોશિશ કરી કે જૉઇન્ટ ફૅમિલીની કઈ બાબતો ન્યુક્લિયર ફૅમિલીમાં મિસ થાય છે

એક વહુ પિયર જાય તો બીજી વહુઓથી ઘર સચવાઈ જાય

દહિસરમાં એકસાથે ૧૩ સભ્યોનો વળિયા પરિવાર રહે છે. આ પરિવારમાં ભરતભાઈ, બાલકૃષ્ણભાઈ અને ગિરીશભાઈ આ ત્રણ ભાઈઓ છે. ભરતભાઈનાં પત્ની કિશોરીબહેન છે અને તેમને એક દીકરી હિરલ છે. બાલકૃષ્ણભાઈનાં પત્ની સોનલબહેન છે અને તેમને એક દીકરો રાજ અને દીકરી નિ​કિતા છે. ગિરીશભાઈનાં પત્ની મીનાબહેન છે અને તેમને દીકરો વિવેક અને દીકરી રિચા છે. નિકિતાનાં લગ્ન ચિરાગ સાથે થયાં છે અને તે તેના સાસરે છે. રાજનાં હજી બે મહિના પહેલાં જ પિન્કી સાથે લગ્ન થયાં છે. વિવેકની પત્ની નમ્રતા છે અને તેમને એક દીકરો વિહાન છે. આટલો મોટો પરિવાર એકસાથે તેમના પાંચ બેડરૂમ-હૉલ-કિચન (BHK)ના ફ્લૅટમાં રહે છે. વળિયા પરિવારનો વસઈમાં કપડાંનો શોરૂમ છે. 

પરિવારના સભ્યો વચ્ચે કેવો પ્રેમ છે એ વિશે MBBSનો અભ્યાસ કરતી હિરલ કહે છે, ‘અમારી ફૅમિલીમાં બધા વચ્ચેનું બૉન્ડિંગ ખૂબ સારું છે. મારી બહેન નિકિતા નાની હતી ત્યારે તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. મારી મમ્મી કિશોરીબહેનની પણ ની-ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ છે. આવી મેડિકલ ઇમર્જન્સીના સમયમાં પરિવારના સભ્યો એકબીજાના પડખે ઊભા હોય. ઘણી વાર કોઈ વસ્તુને લઈને નાનો-મોટો ઝઘડો થઈ જાય, પણ એ બધું થોડા સમય માટે જ હોય. એ પછી ફરી પાછું બધું નૉર્મલ થઈ જાય. અમે એકબીજા માટે મનમાં કોઈ દ્વેષ રાખીને ન બેસીએ.’
ઘરમાં એકસામટા આટલા બધા લોકોની રસોઈ બનાવવાનું કામ કઈ રીતે થાય છે એ વિશે હિરલ કહે છે, ‘ઘરનું કામ પણ અમે હળી-મળીને કરીએ. ૧૩ જણની રસોઈ હોય એટલે ઘરની સાસુ-વહુઓ મળીને રસોડાનું કામ વહેંચીને કરે. એવું નહીં કે ઘરમાં વહુઓ આવી ગઈ છે તો બધું કામ તે લોકો જ કરશે અને સાસુ બેસી રહેશે. એક પછી એક પરિવારની વહુઓ પિયરમાં જાય તો તેમની ગેરહાજરીમાં ઘરની બીજી મહિલાઓ ઘર સંભાળી લે.’

આજના જમાનાની વહુઓને ઘરમાં કઈ છૂટ મળે છે જે તેમને નહોતી મ‍ળી એ વિશે કિશોરીબહેન કહે છે, ‘અમારા ઘરની મહિલાઓને ચોક્કસ રકમ આપવામાં આવે છે. તેમને એ પૈસાથી કિટી પાર્ટી કરવી હોય કે મૂવી જોવી હોય તો એ કરી શકે છે. હું પરણીને સાસરે આવી ત્યારે વહુઓને પોતાના શોખ પૂરા કરવા માટે પૈસા આપવાનો રિવાજ નહોતો. અમારે તો સાસરે સાડી પહેરીને જ રહેવું પડતું, પણ હવે વહુઓને ડ્રેસ અને બધું પહેરવાની છૂટ છે.’ એવી ક​ઈ વસ્તુ છે જે વર્ષો પછી પણ બદલાઈ નથી તો એ વિશે જણાવતાં ભરતભાઈ કહે છે, ‘આજે પણ અમે ત્રણે ભાઈઓ દુકાનથી રાત્રે ઘરે આવીને એકસાથે જ જમવા બેસીએ. વર્ષો જૂનો આ નિયમ હજી અમે જાળવી રાખ્યો છે. પરિવારના બાકીના સભ્યો તેમની અનુકૂળતાએ જમવા બેસે, પણ અમને સાથે જ જમવા જોઈએ. અમારો ત્રણે ભાઈઓ વચ્ચેનો પ્રેમ જ અમારા પરિવારને એકસાથે જોડી રાખે છે.’

ડિનર-ટેબલ પર બધા સાથે જમવાની કે ટીવી જોતાં-જોતાં વાતો કરવાની મજા જ ઑર છે

મલબાર હિલમાં રહેતા અને ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા જ્યોતીન દોશીના પરિવારની સ્ટોરી તમને કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગશે. જ્યોતીનભાઈનાં લગ્ન ૩૪ વર્ષ પહેલાં ટીના દોશી સાથે થયાં હતાં. આ દંપતીને પોતાનું કોઈ સંતાન નથી. જ્યોતીનભાઈએ તેમના નાના ભાઈ હિતેનના દીકરા ફેનિલને તેમ જ કાકાના દીકરા મનીષના બે દીકરા ભવ્ય અને દર્શનને દત્તક લીધા છે. અત્યારે જ્યોતીનભાઈ સાથે તેમનાં પત્ની ટીના, માતા ઉષાબહેન, હિતેનભાઈનાં પત્ની કોમલ, ફેનિલ, તેની પત્ની આશના, ભવ્ય, તેની પત્ની મેઘા અને દર્શન રહે છે. જ્યોતીનભાઈ જે ​બિલ્ડિંગમાં રહે છે એમાં તેમના પાંચ ફ્લૅટ છે. જ્યોતીનભાઈ જે ફ્લોર પર રહે છે ત્યાં તેમના ત્રણ ફ્લૅટ એકબીજા સાથે કનેક્ટેડ છે. એમાં જ્યોતીનભાઈ, તેમનાં માતા ઉષાબહેન, પત્ની ટીનાબહેન, ભાભી કોમલબહેન અને દર્શન રહે છે; જ્યારે બાકીના બે અલગ ફ્લૅટ છે એમાં ફેનિલ અને ભવ્ય તેમની પત્ની સાથે રહે છે જેથી તેમને પ્રાઇવસી મળી રહે. જ્યોતીનભાઈના પરિવારના પાંચ ફ્લૅટ છે, પણ તેમનું કિચન એક જ છે. 

પોતાના પરિવાર વિશે જણાવતાં જ્યોતીનભાઈ કહે છે, ‘અમારા ઘરમાં નિયમ છે કે સવારનો બ્રેકફાસ્ટ અને રાતનું ડિનર એકસાથે બેસીને જ કરવાનાં. અમારું રસોડું એક છે એટલે બધાની રસોઈ એકસરખી જ બને એવું જરાય નથી. અમારા ઘરે ફુલ ટાઇમના મહારાજ છે એટલે બ્રેકફાસ્ટ કે ડિનરમાં જેને જે ખાવું હોય એ કહી દે. એ પછી આખો દિવસ બધા પોતપોતાના કામમાં ​બિઝી હોય એટલે સીધા રાત્રે ડિનર-ટેબલ પર મળીએ. અમારા ઘરે ટીવી પણ એક જ છે જે અમે રાત્રે ડિનર કર્યા પછી એકસાથે જોવા બેસીએ અને ગપ્પાં મારીએ. કોઈને કોલ્ડ કૉફી પીવી હોય, કોઈને ફ્રૂટ્સ ખાવાં હોય, કોઈને આઇસક્રીમ ખાવો હોય તો એ ખાય. એ પછી રાત્રે સૂવાનો ટાઇમ થાય એટલે બધા છૂટા પડીએ. અમારા ઘરે પહેરવા-ઓઢવાની, ખાવા-પીવાની, હરવા-ફરવાની ફુલ ફ્રીડમ છે. ફક્ત બિઝનેસ-રિલેટેડ જે પણ ડિસિઝન હોય એ હું લઉં, કારણ કે મારાં સંતાનો હજી શીખી રહ્યાં છે. મારો અને મારાં  સંતાનો વચ્ચે પિતા-પુત્રનો નહીં પણ મિત્રો જેવો સંબંધ છે. અમારા ઘરમાં કોઈને કોઈ જાતનું વ્યસન નથી. 

ઘરમાં સવારે કોઈને ચા પીવાની પણ ટેવ નથી.’ હજી દોઢ વર્ષ પહેલાં જ આ પરિવારમાં પરણીને આવેલી વહુ મેઘા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તે કહે છે, ‘મારા સસરા તેમનાં ત્રણે સંતાનોને સગાં સંતાનોથી પણ વિશેષ રાખે છે. હું ઘરની વહુ છું, પરંતુ મને પણ તેમણે એક દીકરીની જેમ જ રાખી છે. લગ્ન પહેલાં મનમાં ઘણા સવાલો હતા કે ફૅમિલીમાં બધા કેવા હશે? હું તેમની સાથે ભળી શકીશ કે નહીં? જોકે સાસરે આવ્યા પછી મને એવું લાગ્યું નથી કે હું અહીં નવી આવેલી છું. સાથે હોઈએ ત્યારે નાની-નાની વસ્તુની વૅલ્યુ વધી જતી હોય છે. જેમ કે કોઈ ફૅમિલીમાં ફક્ત હસબન્ડ-વાઇફ જ રહેતાં હોય અને બન્ને વર્કિંગ હોય તો સાંજે ઘરે આવીને થોડીઘણી વાતો કરીને સૂઈ જાય, પણ જો તમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા હો તો તમને ઘરે જવાની એક્સાઇટમેન્ટ હોય. ડિનર-ટેબલ પર બધા સાથે જમવાની કે ટીવી જોતાં-જોતાં વાતો કરવાની જે મજા હોય એ એક અલગ લેવલની હોય. હું શનિવાર-રવિવારની રાહ જોઉં કે ક્યારે એ આવે અને ફૅમિલી સાથે આખો દિવસ પસાર કરવા મળે. ઘણી વાર કોઈ કામ માટે કે ટૂર પર ગયું હોય તો ઘરમાં સોપો પડી ગયો હોય એવું ફીલ થાય. અમારા ઘરના વડીલો એટલા સરળ અને મળતાવડા સ્વભાવના છે કે નાના સાથે નાના બનીને અને મોટા સાથે મોટા બનીને ક​ઈ રીતે રહેવું એ તેમને આવડે છે.’

સૌથી મોટો ફાયદો એ છે કે તમારાં બાળકો ક્યારે મોટાં થઈ જાય એની ખબર નથી પડતી

મલાડમાં રહેતા ગોહિલ પરિવારમાં કુલ ૧૦ સભ્યો છે. પરિવારમાં બચુભાઈ અને તેમનાં પત્ની પાર્વતી, તેમના બે દીકરા જેમાં મોટો દીકરો વિશાલ અને નાનો દીકરો નિકુંજ, વિશાલની પત્ની ભૂમિકા અને નિકુંજની પત્ની પૂર્ણિમા, વિશાલ-ભૂમિકાને દીકરી મહેક અને દીકરો કાવ્ય તેમ જ નિકુંજ-પૂર્ણિમાને બે દીકરા રાજવીર અને યશવીર છે. આ પરિવાર તેમના 3.5 BHKના ફ્લૅટમાં એકસાથે રહે છે. વિશાલ અને નિકુંજ બન્ને ભાઈઓ સાથે મળીને કિડ્સ રેડીમેડ ગાર્મેન્ટ્સનો બિઝનેસ ચલાવે છે. પરિવારમાં બન્ને ભાઈઓ વચ્ચેના પ્રેમને વર્ણવતાં નિકુંજ કહે છે, ‘મારા અને મોટા ભાઈ વચ્ચે રામ-લક્ષ્મણ જેવા રિલેશન છે. કામધંધાની જવાબદારી એકની ગેજહાજરીમાં બીજો ભાઈ સંભાળી લે. મારાં બાળકોનો કોઈ વાંક હોય તો તેમને વઢવાનો મારાં ભાઈ-ભાભીને પૂરો હક છે. અમે એમ ન વિચારીએ કે મારાં બાળકોને એ લોકો શું કરવા ટોકે છે? મારા માટે મારા ભાઈનાં સંતાનો પણ મારાં જ છે અને તેમના માટે પણ મારાં સંતાનો તેમનાં જ છે.’

પરિવારનાં સંતાનો એકબીજા સાથે હળી-મળીને કઈ રીતે રહે છે એ વિશે પૂર્ણિમા કહે છે, ‘અમારાં બાળકો પણ એકબીજા સાથે હળી-મળીને રહે. અફકોર્સ, બાળકો છે એટલે તેમની વચ્ચે ઘણી વાર ઝઘડા પણ થાય. મારી જેઠાણીનાં બન્ને સંતાનો કૉલેજમાં છે, જ્યારે મારાં બન્ને બાળકો સ્કૂલમાં ભણે છે તો એ લોકો મારાં બાળકોને સ્ટડીમાં પણ હેલ્પ કરે. સંયુક્ત પરિવારમાં રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારાં બાળકો ક્યારે મોટાં થઈ જાય એની ખબર પડતી નથી. મારે બહાર જવાનું હોય તો મારાં બાળકોને મારી જેઠાણી સંભાળી લે એટલે હું ચિંતામુક્ત થઈને બહાર જઈ શકું.’ પરિવારમાં દેરાણી-જેઠાણી અને સાસુ-વહુના સંબંધો વિશે વાત કરતાં ભૂમિકા કહે છે, ‘અમે બન્ને સગી બહેનોની જેમ રહીએ. મને જમવાનું સારું બનાવતાં આવડે એટલે હું રસોડું સંભાળી લઉં અને મારી દેરાણી બીજાં કામ કરે. તે બહાર ગઈ હોય તો હું બધાં જ કામ પતાવી દઉં. એમ ન વિચારું કે તેના ભાગનું કામ તે ઘરે આવીને કરશે. અમે બન્ને વહુના સાસુ સાથે પણ સારા સંબંધ છે. મારાં સાસુને પગની સમસ્યા છે એટલે વધુ ચાલી શકે નહીં, પણ એમ છતાં બેડ પર બેઠાં-બેઠાં શાક સમારવાનું અને બીજાં કામ કરી આપે.’

ઘરમાં બધાની પસંદનું ધ્યાન રાખીને રસોડું સંભાળતાં ભૂમિકાબહેન કહે છે, ‘પરિવાર મોટો છે એટલે રસોઈનું કામ વધારે જ હોય. ઉપરથી ઘરમાં બધાની પસંદ અલગ-અલગ હોય એટલે અમારે દરરોજ બે શાક તો બનાવવાં જ પડે. ઘણી વાર બાળકો માટે પાણીપૂરી કે એવું કંઈ બનાવ્યું હોય તો મોટાઓ માટે તો અલગથી જમવાનું બનાવવું જ પડે. 
જોકે અમારા પરિવારનો નિયમ છે કે રવિવારે રાતનું ડિનર બહારનું જ હોય એટલે એક દિવસ રસોડામાંથી છુટ્ટી મળે.’

જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા હો તો ઘરમાં તમને કદી એકલવાયું લાગે જ નહીં, ગૅરન્ટી

મલાડમાં ફુરિયા પરિવારમાં પ્રવીણભાઈ ફુરિયા તેમનાં પત્ની પુષ્પાબહેન; તેમના દીકરાઓ રાજેન, ફેનિલ અને રોવિન; રાજેનની પત્ની જિનલ, ફેનિલની પત્ની સેજલ અને રોવિનની પત્ની બિનલ; રાજેન-જિનલનો દીકરો પ્રિયાંશ અને દીકરી વંશિતા, ફેનિલ-સેજલની દીકરી શ્વેની તેમ જ રોવિન-બિનલનો દીકરો નિરીક્ષ આમ કુલ ૧૨ સભ્યો 3BHKના ફ્લૅટમાં રહે છે. આ પરિવારનો રેડીમેડ ગાર્મેન્ટ્સનો ફૅમિલી બિઝનેસ છે. 

પરિવારમાં ભાઈઓ વચ્ચેના સંબંધો વિશે વાત કરતા રોવિન કહે છે, ‘અમે ત્રણે ભાઈઓનો એક જ મંત્ર છે. ઘરે આવ્યા બાદ કોઈએ ધંધાની વાત ન કરવી. બિઝનેસને લઈને અમને કોઈ ચિંતા હોય તો એની અસર પત્ની કે સંતાનો પર ન પડવા દઈએ. ભાઈઓ વચ્ચે વણકહી એટલી સમજણ છે કે કોઈ સમસ્યા આવી હોય ત્યારે બધા એકબીજા માટે ઊભા રહી જઈએ, એકબીજા સાથે આદરથી વાત કરીએ અને કોઈને ખોટું લાગી જાય એવી વાત ન કરીએ. બિઝનેસને લઈને કોઈ દિવસ અમારી વચ્ચે મતભેદ થાય તો પણ એ ઑફિસ સુધી જ સીમિત રાખીએ.’
જેમ ભાઈઓમાં આપસી સમજણ છે એવું જ પરિવારની મહિલાઓનું છે. ઘરમાં દેરાણી-જેઠાણીના સંબંધો વિશે વાત કરતાં બિનલ કહે છે, ‘હું ચાર વર્ષથી પરણીને સાસરે આવી છું. આટલાં વર્ષોમાં મેં મારાં જેઠ-જેઠાણીના મોઢેથી એવું નથી સાંભળ્યું કે અમારે અલગ રહેવું છે, કારણ કે અમારા બધાના મનમાં સાથે રહેવાની ભાવના છે. અમે દેરાણી-જેઠાણી વચ્ચેના સંબંધમાં બધું સારું જ છે એવું હું નહીં કહું. અમારી વચ્ચે ઘણી વાર મતભેદો થાય છે, પણ અમે ‍વધુ સમય સુધી એકબીજાથી નારાજ થઈને બેસી ન રહીએ, પણ વાતચીત કરીને સમસ્યા ઉકેલી લઈએ. ઘરની વહુઓને બધી વસ્તુની ફ્રીડમ છે. શૉપિંગ કરવું હોય કે ક્યાંક બહાર જવું હોય તો કોઈ હિસાબ નહીં માગે કે કોઈ પૂછશે નહીં કે શું કામ બહાર જવું છે.’

પરિવારનાં બાળકો વિશે વાત કરતાં બિનલ કહે છે, ‘મારો નિરીક્ષ હજી ૧૪ મહિનાનો છે. ઘણી વાર મારી ઊંઘ પૂરી ન થઈ હોય અને મારું બાળક રડતું હોય તો મારી જેઠાણીનાં બાળકો તેને રમાડવા લઈ જાય અને મને કહે કે કાકી તમે સૂઈ જાઓ, આને અમે સંભાળી લઈશું. ઘણી વાર મારી મમ્મી મને ​વિડિયો-કૉલ કરીને કહે કે નિરીક્ષનો ચહેરો દેખાડ, પણ તે મારી પાસે હોય જ નહીં. તેને પરિવારના બીજા સભ્યો રમાડતા હોય. બીજાં બાળકોની સાથે રહીને મારું બાળક ઝડપથી મોટું થઈ રહ્યું છે એવું મને લાગે છે.’

સંયુક્ત પરિવારમાં રહેવાના નાના-મોટા ગેરફાયદા હશે, પણ ફાયદા વધુ છે એમ જણાવતાં બિનલ કહે છે, ‘ઘણી વાર આપણે એકલા રહેતા હોઈએ તો એકલવાયું લાગે, પણ જૉઇન્ટ ફૅમિલીમાં તમારી પાસે ઘરે જ એટલા બધા સભ્યો હોય કે તમને એકલું લાગે જ નહીં. તમારે બહાર પણ કોઈ ફ્રેન્ડ શોધવા જવાની જરૂર ન પડે. ઘરના લોકો જ તમારા માટે કાફી હોય છે. ક્યારેક આપણે બીમાર પડીએ તો આપણને હસબન્ડના ટિફિનની કે બાળકને સાચવવાની કોઈ ચિંતા ન હોય, કારણ કે બીજા સભ્યો તેમની સંભાળ રાખવા માટે હોય છે. જૉઇન્ટ ફૅમિલીમાં રિસ્પૉન્સિબિલિટીની સાથે ફ્રીડમ પણ મળે છે. જેમ કે જો અમારે હસબન્ડ-વાઇફને ક્યાંક જવું હોય તો મારા જેઠ બિઝનેસ સંભાળવા અને જેઠાણીઓ ઘર સંભાળવા માટે હોય જ છે.’

life and style columnists sex and relationships gujaratis of mumbai