૮૦ વર્ષે નૉનસ્ટૉપ પાંચ કિલોમીટર દોડી શકો તમે?

03 April, 2024 08:19 AM IST  |  Mumbai | Heena Patel

બોરીવલીના ૮૦ વર્ષના રાજેન્દ્ર સંઘરાજકા રવિવારે ઇન્ફિનિટી મૉલમાં આયોજિત પાંચ કિલોમીટરની રેસમાં ઊતર્યા હતા. એટલે જ તેમનું ફોકસ જીતવાને બદલે રેસમાં કઈ રીતે એન્જૉય કરતાં-કરતાં દોડવું એના પર હતું.

રાજેન્દ્ર સંઘરાજકા

લાકડીના સહારે ચાલવાની ઉંમરમાં બોરીવલીના ૮૦ વર્ષના રાજેન્દ્ર સંઘરાજકાએ રવિવારે યોજાયેલી મૅરથૉનમાં આ પરાક્રમ કરી દેખાડ્યું હતું. વૉકિંગ, લાફિંગ, યોગ, મેડિટેશન, ડાન્સિંગ, સિન્ગિંગ જેવી અનેક પ્રવૃત્તિઓમાં રત રહીને ખુશખુશાલ રહેતા આ દાદાજી પાસેથી જીવન જોશભેર કઈ રીતે જિવાય એ શીખવા જેવું છે

સફર કા મઝા ઉઠાતે ચલો 
મંઝિલ તો અંત હૈ 
ઉસકા ક્યા ઇંતઝાર...

આ વિચારને સાર્થક કરતા બોરીવલીના ૮૦ વર્ષના રાજેન્દ્ર સંઘરાજકા રવિવારે ઇન્ફિનિટી મૉલમાં આયોજિત પાંચ કિલોમીટરની રેસમાં ઊતર્યા હતા. એટલે જ તેમનું ફોકસ જીતવાને બદલે રેસમાં કઈ રીતે એન્જૉય કરતાં-કરતાં દોડવું એના પર હતું. સવારે સાત વાગ્યે શરૂ થયેલી આ મૅરથૉન રેસ દાદાએ એક કલાકમાં પૂરી કરી હતી. તેમની શારીરિક તંદુરસ્તીને જોઈને કહેવું મુશ્કેલ છે કે તેઓ જીવનની આઠ દાયકાની સફર કાપી ચૂક્યા છે. મૅરથૉનમાં દોડવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે રાજેન્દ્રભાઈ કહે છે, ‘આ મૅરથૉનમાં ભાગ લેવા માટે મારા જમાઈ પ્રતીકે મને કહ્યું હતું. છતાં એમાં ભાગ લેવાનો મારો બહુ વિચાર નહોતો, પણ મારી પત્ની નિરૂપમાએ મને પ્રોત્સાહિત કર્યો એટલે પછી અંતે મેં મારા જમાઈ સાથે મૅરથૉનમાં દોડવાનું નક્કી કર્યું. મેં અગાઉ કોઈ દિવસ આ રીતે મૅરથૉનમાં ભાગ લીધો નહોતો, પણ મારો આ અનુભવ સારો રહ્યો હતો.’

એનર્જી કા રાઝ| આ દાદાની એનર્જી જોઈને કોઈને પણ મનમાં એવો સવાલ તો આવે, ઇસકા રાઝ ક્યા હૈ? તેમના ડેઇલી રૂટીનમાં વૉકિંગ, લાફિંગ, યોગ-પ્રાણાયામ, મેડિટેશન હોય છે અને એટલે જ તેઓ  ફિઝિકલી અને મેન્ટલી એકદમ ફિટ છે. દૈનિક જીવન વિશે જણાવતાં રાજેન્દ્રભાઈ કહે છે, ‘હું દરરોજ સવારે સાડાછ વાગ્યે ઊઠી જાઉં. એ પછી તૈયાર થઈને આઠ વાગ્યે ઘરેથી લાફિંગ ક્લબ જવા માટે નીકળું. લાફિંગ ક્લબ મારા ઘરથી અઢી કિલોમીટર દૂર છે એટલે અડધો કલાક ચાલીને હું ત્યાં પહોંચું. એક કલાક મારું લાફિંગ સેશન ચાલે. એ પછી ત્યાંથી પરત ચાલીને જ ઘરે આવું. એટલે પાંચ કિલોમીટરનો વૉક મારો સવારે જ થઈ જાય. દસ વાગ્યે ઘરે આવીને ચા-નાસ્તો કરી પછી થોડા સમય બાદ યોગ-પ્રાણાયમ કરવા બેસું. એ લગભગ ૩૦ મિનિટ સુધી કરું. સાંજે ફરી હું પાછો મારા ઘરથી ૧૫ મિનિટ દૂર આવેલા બ્રહ્માકુમારી સેન્ટરમાં જાઉં. અહીં ધાર્મિક પ્રવચન બાદ ૧૫ મિનિટ ધ્યાન કરાવે. તો આ બધી વસ્તુને કારણે મારું તન તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહે છે.’

શાયરીના શોખીન | રાજેન્દ્રભાઈ એકદમ મોજીલા સ્વભાવના છે. તેમને ડાન્સિંગ, સિન્ગિંગ, શાયરીનો ખૂબ શોખ છે. તેમના આ શોખ વિશે હોંશે-હોંશે વાત કરતાં તેઓ કહે છે, ‘પોઇસર જિમખાના સિનિયર સિટિઝન પરિવાર કે પછી દાદા-દાદી પાર્કમાં સિનિયર સિટિઝન માટેના કાર્યક્રમોનું આયોજન થયું હોય ત્યાં હું સિન્ગિંગમાં ભાગ લઉં છું. હું મારી પત્ની સાથે કપલ ડાન્સમાં પણ પાર્ટ લઉં છું. મારી પત્ની પણ મારી જેમ ખૂબ જ ઍક્ટિવ છે. મને શાયરીનો પણ ખૂબ શોખ છે.’ 

સોશ્યલ-સર્કલ | સોશ્યલી પણ ખૂબ ઍક્ટિવ એવા રાજેન્દ્રભાઈ પોઇસર જિમખાના સિનિયર સિટિઝન પરિવાર ગ્રુપના કમિટી મેમ્બર છે. પચાસ સભ્યો સાથે ૨૦૦૬માં શરૂ થયેલા આ ગ્રુપમાં આજે ૭૫૦ જેટલા સભ્યો છે. આ ગ્રુપની ઍક્ટિવિટી વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘અમે દર મહિને એકવાર ગેટ-ટુગેધર રાખીએ જેમાં અમે વિવિ​ધ એન્ટરટેઇનમેન્ટના પ્રોગ્રામો રાખીએ, કોઈની મૅરેજ-ઍનિવર્સરી હોય તો એ સેલિબ્રેટ કરીએ, સાંજે ડિનર હોય. એ સિવાય થિયેટરમાં ડ્રામા કે પિક્ચર જોવાનો અને પિકનિકનો પ્રોગ્રામ પણ ગોઠવીએ છીએ.’
રાજેન્દ્રભાઈ તાતા સ્ટીલમાં એન્જિનિયર હતા અને તેમનાં પત્ની નિરૂપમા શિક્ષિકા હતાં. અત્યારે બન્ને નિવૃત્ત છે અને તેમની બન્ને દીકરીઓ પણ સાસરે સેટલ્ડ છે. બધી જવાબદારી નિભાવીને મુક્ત થઈ ગયા બાદ હવે પતિ-પત્ની જીવનના આ તબક્કાને મન ભરીને માણી રહ્યાં છે. આ વિશે રાજેન્દ્રભાઈ કહે છે, ‘ભગવાનની એટલી અમારા પર કૃપા છે કે હું અને મારી પત્ની અમે બન્ને ફિઝિકલી ફિટ છીએ.’

columnists life and style health tips