આજે તમે કોની મહેનતથી પોતાનું ઘરનું ઘર મેળવવા લોન મેળવી શકો છો એ ખબર છે?

16 July, 2023 03:37 PM IST  |  Mumbai | Aashutosh Desai

૧૯૫૨માં હસમુખભાઈ ઠાકોરભાઈ પારેખે ભારતમાં હાઉસિંગ ફાઇનૅન્સ શરૂ થવું જોઈએ એવું સપનું જોયું. સપનું સાકાર કરવા માટે તેમણે કમર કસી અને નિવૃત્તિ પછી ૧૯૭૭માં તેમની મહેનત રંગ લાવી.

પ્રતીકાત્મક તસવીર

જ્યારે ભારતમાં કોઈ સામાન્ય વ્યક્તિ પોતાનું ઘર લેવાનું વિચારે ત્યારે ૬૦થી ૭૦ ટકા રકમ તેને રોકડામાં આપવી પડતી હતી એટલું જ નહીં, એ માટે કોઈ લોન કે બીજી સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. કન્ઝ્યુમર ફાઇનૅન્સ જેવો વિચાર તો હજી દેશમાં જન્મ્યો સુધ્ધાં નહોતો. ભારતનું અર્થતંત્ર મૂડીની અછતવાળું અર્થતંત્ર હોવાથી મૂડી સામે ધિરાણ આપવા સિવાય બીજી કોઈ જ જોગવાઈ કે સુવિધા હજી દેશમાં નહોતી. એ સમયે ૧૯૫૨માં હસમુખભાઈ ઠાકોરભાઈ પારેખે ભારતમાં હાઉસિંગ ફાઇનૅન્સ શરૂ થવું જોઈએ એવું સપનું જોયું. સપનું સાકાર કરવા માટે તેમણે કમર કસી અને નિવૃત્તિ પછી ૧૯૭૭માં તેમની મહેનત રંગ લાવી

ગયા અઠવાડિયે એચડીએફસી અને એચડીએફસી બૅન્કનું મર્જર થઈ ગયું. એચડીએફસીના શૅર હોલ્ડર્સને હવે એચડીએફસી બૅન્ક્સના શૅર્સ મળશે. ભારતમાં હાઉસિંગ લોન લઈને પોતાનું ઘર લઈ શકાય એવું સપનું સાકાર આ એચડીએફસીના કારણે શક્ય બન્યું. આ એ જ બૅન્ક છે જેનો પબ્લિક ઇશ્યુ આવ્યો હતો ત્યારે એ ભરણું પૂર્ણ ભરાયું પણ નહોતું. આ એ બૅન્ક છે જેનું એક્સચેન્જમાં લિસ્ટિંગ ઇશ્યુ ભાવ કરતાં નીચેના ભાવે થયું હતું. અને હા, આ એ જ બૅન્ક છે જેનો ભાવ એક સમયે માત્ર ૭ રૂપિયા થઈ ગયો હતો. આ બધી વિગતો વાંચતાં નવાઈ લાગી રહી છે, નહીં? પણ સત્ય હકીકત છે. કઈ રીતે અને શું છે કહાણી એ વિગતે જાણીએ તો કંઈક મજા પડે, ખરું કે નહીં?

સપનાં એવાં જુઓ જે સૂવા ન દે

૧૭ ઑક્ટોબર, ૧૯૭૭ની સાલ જ્યારે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC) નામની એક પબ્લિક લિમિટેડ કંપનીની સ્થાપના થઈ. કંપનીને ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન નામની એક ફાઇનૅન્શિયલ કંપની, જેને આજે આપણે આઇસીઆઇસીઆઇ તરીકે ઓળખીએ છીએ એનો સપોર્ટ પણ મળ્યો, પછી શું? તો રસપ્રદ કહાણી હવે જ શરૂ થાય છે. સાલ હતી ૧૯૭૮, એચડીએફસીએ નાણા ભંડોળ મેળવવા માટે સામાન્ય જનતા પાસે જવાનું નક્કી કર્યું. કંપનીના ૩,૯૯,૮૭૪ શૅર્સ સામાન્ય રોકાણકારોને આપી તેમની પાસે પ્રતિ શૅર ૧૦૦ (ફેસ વૅલ્યુ) રૂપિયા પ્રમાણે નાણાં મેળવવા માટે પબ્લિક ઇશ્યુ (IPO) બહાર પાડવામાં આવ્યો. કંપની નવી હતી અને સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને ઘર ખરીદવા માટે લોન આપતી હતી. એ સમયે આ કન્સેપ્ટ આપણા દેશમાં હજી નવો હતો. આથી સામાન્ય જનતાને કદાચ કંપની પર હજી એટલો વિશ્વાસ નહોતો કે પૈસા ભરી તેના શૅરમાં રોકાણ કરે. એચડીએફસીનો આ પબ્લિક ઇશ્યુ પૂર્ણપણે ભરાયો પણ નહીં. ૧૦૦ રૂપિયાનો એ શૅર ઇશ્યુ ભાવ કરતાં પણ નીચા ભાવે એટલે કે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો એટલું જ નહીં, ૧૯૯૨ની સાલમાં આ જ કંપનીનો શૅર સાવ તળિયે જઈ પડ્યો. એક શૅરનો ભાવ માત્ર ૭ રૂપિયા. ભલભલા છાતીવાળા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે બૅન્કરનો શ્વાસ ધીમો પડી જાય એવી આ પરિસ્થિતિ હતી.

પણ છતાં પોતાની કંપની અને પોતાના ઍડ્મિનિસ્ટ્રેશનમાં વિશ્વાસ ધરાવતા કંપનીના પ્રમોટર ત્યાર પછીનાં ત્રણ જ વર્ષમાં બૅન્કિંગ ક્ષેત્રે પ્રવેશે છે અને ૧૯૯૫ની સાલમાં એચડીએફસીની બૅન્કિંગ સેવા આપતી કંપની એચડીએફસી બૅન્કનો પબ્લિક ઇશ્યુ લઈને ફરી એક વાર જાહેર જનતા પાસે આવે છે. પહેલી કંપનીનો ઇશ્યુ પૂર્ણ ભરાયો પણ નહોતો એ જ કંપનીના એ જ પ્રમોટર્સનો આ પબ્લિક ઇશ્યુ અધધધ ૫૩ગણો ઓવર સબ્સ્ક્રાઇબ થયો.

હસમુખભાઈ ઠાકોરદાસ પારેખ

આવી રોલરકોસ્ટર સફરમાંથી પસાર થઈ ચૂકેલી એચડીએફસી સ્થપાઈ કઈ રીતે એમ જો આપણે પૂછીએ તો એનો જવાબ છે HTP. જી હા, ૧૦ માર્ચ, ૧૯૧૧ના સુરતના ચાલમાં રહેતા હસમુખભાઈ ઠાકોરદાસ પારેખ. એક સાવ સામાન્ય ઘરમાં જન્મેલો આ છોકરો નાનપણથી જ હોશિયાર અને મહેનતુ તો હતો જ પણ કાબેલિયત અને બુદ્ધિપ્રતિભા હોવા માત્રથી જીવનમાં સફળતા નથી મળી જતી. ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે કિશોર વયના હસમુખે ભણતરની સાથે-સાથે પાર્ટટાઇમ નોકરી પણ કરવી પડે એમ હતું. હોશિયાર હસમુખ આ બધા સાથે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ભણ્યા પણ અને સાથે જ મુંબઈની સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં લેક્ચરર તરીકે નોકરી પણ કરતા રહ્યા.

ભણતર પૂર્ણ થયું અને હસમુખભાઈએ ફાઇનૅન્સ ક્ષેત્રે કરીઅર બનાવવાના આશય સાથે મુંબઈની એક સ્ટૉકબ્રોકિંગ કંપની હરકિશનદાસ લખમીદાસમાં નોકરી સ્વીકારી લીધી. સાલ હતી ૧૯૫૧-’૫૨ની. આ જ સમય હતો એક ઊર્જાથી ભરપૂર એવા તરવરિયા યુવાન માટે જ્યારે કંઈક નવું કરવાનો નિર્ણય લેવામાં આવે. ૧૬ ફેબ્રુઆરી, ૧૯૫૨ના હરકિશનદાસ લખમીદાસની કંપની માટે હસમુખભાઈએ એક પ્રપોઝલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. આ પ્રપોઝલ દ્વારા હસમુખભાઈએ સરકારને નિવેદન કર્યું કે જે રીતે લંડનમાં હાઉસિંગ સોસાયટીઝ બાંધવા માટે હાઉસિંગ ફાઇનૅન્સ કંપની કામ કરે છે એ જ રીતે હરકિશનદાસની કંપની પણ ભારતમાં એક હાઉસિંગ ફાઇનૅન્સ કંપની શરૂ કરવા માગે છે. નવી-નવી આઝાદી મળી હતી, દેશ આર્થિક સ્થિરતા મેળવવા વિશે વિચારે એ પહેલાં જ પાડોશી દેશ સાથે યુદ્ધના કપરા દિવસો પણ જોયા હતા. આથી હસમુખભાઈની દૂરંદેશી તરફ દૃષ્ટિ કરવામાં પણ સરકારને રસ નહોતો. તેમનો એ પ્રસ્તાવ નામંજૂર થઈ ગયો.

૧૯૫૬ની સાલમાં હસમુખભાઈએ નવી શરૂ થયેલી કંપની ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ICICI)માં ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકેની નોકરી સ્વીકારી લીધી. ૧૯૭૨ની સાલમાં કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર પદે પહોંચ્યા અને આ સમયે હસમુખભાઈએ ફરી એક વાર નવી પ્રપોઝલ તૈયાર કરી. આ વખતે આ પ્રપોઝલ આઇસીઆઇસીઆઇ તરફથી બૅન્ક ઑફ બરોડા સંદર્ભે કરવામાં આવી. તેમણે સરકારને કહ્યું કે સરકારે બૅન્ક ઑફ બરોડાની એક પેટા કંપની તરીકે હાઉસિંગ ફાઇનૅન્સ કંપની શરૂ કરવી જોઈએ. સાથે જ એ પ્રપોઝલમાં તેમણે એ પણ જણાવ્યું કે સરકારે બૅન્કોને હાઉસિંગ માટે લોન આપવાની છૂટ આપવી જોઈએ. સરકારે આ પ્રસ્તાવ સામે વિચારીશું એવો જવાબ તો આપ્યો પણ વાસ્તવમાં ક્યારેય કોઈ વિચાર થયો જ નહીં અને હસમુખભાઈની પ્રપોઝલ ફરી એક વાર અભેરાઈએ ચડી ગઈ. બીજાં ચાર વર્ષ બાદ ૧૯૭૬ની સાલમાં હસમુખ પારેખ નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમણે આઇસીઆઇસીઆઇને એ મુકામે પહોંચાડી દીધી હતી કે દેશનો દરેક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ અને ઑન્ટ્રપ્રનર પોતાના એકમ માટે નાણાંની જરૂર હોય તો સૌથી પહેલાં આઇસીઆઇસીઆઇના દરવાજે દસ્તક આપતો હતો. આ સમય સુધીમાં હસમુખ ઠાકોરદાસ પારેખ તેમના હુલામણા શૉર્ટ નેમ HTP તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યા હતા.

મૉર્ગેજ સેક્ટરના પિતામહ

હા, સપનાં જોવાની, એને જીવવાની અને સાકાર કરવાની કોઈ ઉંમર નથી હોતી. નિવૃત્ત થઈ ચૂકેલા હસમુખ પારેખે છેક ૬૬ વર્ષની ઉંમરે પોતાની એક ફાઇનૅન્શિયલ કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો અને ભારતના લેન્ડિંગ બિઝનેસ સેક્ટરમાં સદાકાળ માટે અમર થઈ ગયા.

૧૯૭૬ની સાલમાં નિવૃત્ત થઈ ગયા પછી પણ બે વર્ષ સુધી HTP આઇસીઆઇસીઆઇ બોર્ડમાં ચૅરમૅન પદ પર રહી કંપની માટે પોતાની ફરજ બજાવતા રહ્યા. પણ આ બાવીસ વર્ષો દરમિયાન પણ દિમાગમાં જન્મેલો પેલો વિચાર તેમણે ક્યારેય આથમવા નહોતો દીધો. કરીઅર દરમિયાન બે વાર મૂકવામાં આવેલા પ્રસ્તાવ રિજેક્શન જોઈ ચૂક્યા હોવા છતાં HTP પોતાના આ સપના બાબતે એટલા દૃઢ હતા કે તેમણે એ માટે કોઈ ઠોસ પગલું ભરવાનો નિર્ધાર કરી લીધો હતો. અને એ વિચાર હતો ભારતના સામાન્ય નાગરિકને પોતાનું ઘર વસાવવાનું સપનું પૂર્ણ કરવામાં મદદ કરવાનો. નિવૃત્તિ પછીના વર્ષથી જ તેમણે તેમના આ સપના માટે કામ કરવા માંડ્યું. HTPએ કદાચ વિચાર્યું પણ નહોતું કે તેમનું આ સપનું તેમને ભવિષ્યમાં દેશના મૉર્ગેજ સેક્ટરના પિતામહ તરીકે સ્થાપિત કરશે.

આ એ સમયની વાત છે જ્યારે ભારતમાં કોઈ સામાન્ય વ્યક્તિ પોતાનું ઘર લેવા વિચારે ત્યારે ૬૦થી ૭૦ ટકા રકમ તેને રોકડામાં આપવી પડતી હતી એટલું જ નહીં, એ માટે કોઈ લોન કે બીજી સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. ઉપરાંત મૅનેજમેન્ટ લેવલ પર નોકરી કરતા કંપનીના ઉચ્ચ હોદ્દેદ્દારોની આવક પણ મર્યાદિત હતી. કંપની લૉ બોર્ડની કલમ ૨૧૭ પ્રમાણે દરેક કંપનીના શૅરધારકોને ઉચ્ચ હોદ્દેદારોના મહેનતાણાની વિગતો જાહેર કરાવવી પડતી. એ પ્રમાણે વાર્ષિક પગાર ૩૬,૦૦૦ સુધી જ મર્યાદિત હતો. કન્ઝ્યુમર ફાઇનૅન્સ જેવો વિચાર તો હજી દેશમાં જન્મ્યો સુધ્ધાં નહોતો. ભારતનું અર્થતંત્ર મૂડીની અછતવાળું અર્થતંત્ર હોઈ મૂડી સામે ધિરાણ આપવા સિવાય બીજી કોઈ જ જોગવાઈ કે સુવિધા હજી દેશમાં નહોતી.

હોમ ફાઇનૅન્સ માટે એક ખાનગી ક્ષેત્રની કંપની સ્થાપવાની મંજૂરી સરકાર પાસે મેળવવાની આશા રાખવી એ પણ એ દિવસોમાં કોઈ નાની વાત નહોતી પણ આવી કોઈક જરૂરિયાત દેશને છે એ વિશે HTPને એટલો વિશ્વાસ હતો કે તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકે પોતાની કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો.

RBIના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. આઇ. જી. પટેલે લખ્યું હતું કે HTP તેમના સપના અને ગુણોને વાસ્તવિકતામાં તબદીલ કરવા માટે સક્ષમ છે. સાથે જ તેમણે નોંધ્યું હતું કે HTPએ સપનાંનો બહુવચનમાં ઉપયોગ કર્યો હતો, કારણ કે સપનાં ઘણાં હતાં. તેમનાં પોતાનાં અને અન્યનાં, જે બધાં જ HTPએ સાકાર કરી દેખાડ્યાં. પણ તેમણે આવું શા માટે લખવું પડ્યું? HTPએ એવું તે શું કર્યું?

૧૯૭૮માં ડી.બી.રેમેડિયોસે મલાડમાં ઘર બાંધવા માટે એચડીએફસી પાસેથી ૩૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી. એ વખતે લોન મેળવનાર કરતાં લોન આપનારાઓના ચહેરા પર બમણી ખુશી હતી. 

HDFCનો જન્મ

આ એ સમયની વાત છે જ્યારે ભારતીયોએ ટેલિફોન કે ગૅસ કનેક્શન લેવા માટે પણ વર્ષોની રાહ જોવી પડતી હતી. અરે, બજાજ સ્કૂટર ખરીદવા માટે પણ વર્ષોનું વેઇટિંગ લિસ્ટ હતું. એવા સમયમાં HTPએ નક્કી કર્યું કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન નામની મારી કંપની એના ગ્રાહકોને સિંગલ પૉઇન્ટ સોલ્યુશન તરીકે વિશ્વની શ્રેષ્ઠ કક્ષાની સેવા પ્રદાન કરશે. તેમણે કહ્યું કે જો ઘર માટે ઋણ આપવાવાળા પ્રામાણિક હશે તો ઋણ લેવાવાળા પણ પ્રામાણિક જ રહેશે. આ વિચારે પહેલી વાર મુંબઈના એક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા મુંબઈકરને HTPની કંપની HDFCએ હોમલોન આપી. આ એ સમય હતો જ્યારે દેશમાં આવો કોઈ કન્સેપ્ટ હજી આવ્યો નહોતો. આથી એના પર નિયમન રાખતી સંસ્થા કે કાયદો હોવાની તો વાત જ ક્યાંથી હોય?

૧૯૭૭ની એ સાલ જ્યારે આર્થિક ઉદારનીતિ આવવાને હજી ૧૪ વર્ષની વાર હતી અને સ્ટાર્ટઅપ જેવો કોઈ કન્સેપ્ટ આવવાને તો છેક ૪૦ વર્ષની વાર હતી. પણ છતાં એમ કહી શકાય કે ૭૦નો એ દાયકો દેશને માંધાતા ઑન્ટ્રપ્રનર આપવાનો દાયકો સાબિત થયો હતો. ૧૯૭૩ની સાલમાં ધીરુભાઈ અંબાણીએ તેમની નાનકડી પૉલિએસ્ટર ફર્મને ‘રિલાયન્સ’નું નામ આપી મોટા ફલક પર વિસ્તારવાનું નક્કી કર્યું. ૧૯૭૬ની સાલમાં અનિલ અગ્રવાલજીએ કેબલ મૅન્યુફૅક્ચરિંગ કંપની શરૂ કરી, જે આજે વેદાંતા તરીકે જાણીતી સ્ટીલ કંપની બની ચૂકી છે અને ૧૯૭૭ની સાલમાં એક તરફ હસમુખભાઈએ HDFC શરૂ કરી અને બીજી તરફ કરસનભાઈ નામના બીજા એક ગુજરાતીએ નિરમાના નામથી ડિટર્જન્ટ પાઉડર વેચવાની શરૂઆત કરી.  

૧૯૯૨ની સાલમાં તો એક સમય એવો આવી ગયો હતો કે લોકોને HDFC અને રિલાયન્સ નામની આ બંને કંપનીઓ આર્ટિફિશ્યલ બબલ લાગવા માંડી હતી અને લોકો એ વિચારી રહ્યા હતા કે આ બે બબલમાંથી કયો ફુગ્ગો પહેલાં ફાટશે? કારણ કે બ્લૅક મની (રોકડ રકમ) એ ઘર લેવા માટે અતિઆવશ્યક પરિબળ હતું. એવા સમયમાં HTP કહેતા હતા કે ‘તમે એક મધ્યમવર્ગના વ્યક્તિ પર ભરોસો કરી શકો છો!’ પણ કોઈ કાયદો નહીં હોવાને કારણે કંપનીએ ધીરેલાં નાણાંની સુરક્ષાનો વિચાર કરવો એ પણ એટલું જ જરૂરી હતું. આથી નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ એક ગ્રાહકને કંપની ઍગ્રીમેન્ટની રકમ સામે ૭૦ હજારથી વધુ રકમનું ધિરાણ નહીં કરે. પરંતુ એની સામે સૌથી મોટું જોખમ એ હતું કે રોકડની ચુકવણીને કારણે ઍગ્રીમેન્ટ મોટી અમાઉન્ટનો થતો જ નહોતો. તો હવે કરવું શું? એના ઇલાજ તરીકે HDFCએ એક સિસ્ટમ શરૂ કરી. કંપનીનો ટેક્નિકલ સ્ટાફ સાઇટ પર જે ઘરનું વૅલ્યુએશન કરશે અને તે જે રકમ નિર્ધારિત કરે એના જ ૭૦ ટકા રકમ ધિરાણ તરીકે આપવી. સાથે જ એ ઍગ્રીમેન્ટના અમાઉન્ટ કરતાં વધુ પણ ન હોવી જોઈએ. આને કારણે થયું એવું કે વાસ્તવમાં HDFCએ ઍગ્રીમેન્ટની રકમ સામે ૩૦થી ૪૦ ટકા રકમ જ લોન તરીકે આપવાનો વારો આવતો.

જો HTPની વ્યવહારકુશળ નીતિ અને વ્યક્તિગત પ્રતિષ્ઠા બંને દ્વારા કંપની આ રીતે આગળ ન વધી હોત તો શક્ય છે કે આપણા જેવા ભારતીયોની ઘણી પેઢીઓ પાસે ક્યારેય અપાર્ટમેન્ટ ન હોત. એચડીએફસીએ એક દાયકાથી વધુ સમય સુધી ‘એકમાત્ર હાઉસિંગ ફાઇનૅન્સ કંપની’ તરીકે આ સેક્ટર પર શાસન કર્યું અને સેવા કરી.

દીપક પારેખ

૧૯૯૨ની સાલ અને એ જ હસમુખ ઠાકોરદાસ પારેખ જેમની બે-બે પ્રપોઝલ ભારત સરકાર ઠુકરાવી ચૂકી હતી એ જ સરકારે આ સાલમાં HTPને દેશના મૉર્ગેજ સેક્ટરમાં અનન્ય યોગદાન માટે ‘પદ્મભૂષણ’ના સન્માનથી નવાજ્યા. ૧૯૯૪ની ૧૮ નવેમ્બરે ૮૩ વર્ષની જૈફ વયે HTP જેવા દૂરંદેશી બૅન્કર અને ફાઇનૅન્સરનું નિધન થયું અને તેમના હાથ નીચે તૈયાર થયેલો તેમનો ભત્રીજો દીપક પારેખ હવે HDFCનું સુકાન સાંભળવા માટે તૈયાર હતો.

‘બાપ તેવા બેટા!’ ઉક્તિને સાચી ઠરાવતાં દીપક પારેખે એક જ વર્ષમાં બૅન્કિંગ ક્ષેત્રે પ્રવેશવાનો નિર્ણય કરતાં HDFC બૅન્કનો પબ્લિક ઇશ્યુ બહાર પાડવામાં આવ્યો. જાણે ‘તારા કાકા જેવો જ અનુભવ તને પણ મળશે!’ એવું ઈશ્વરે દીપકભાઈને કહ્યું હોય એમ ૫૩ ગણા ભરાયેલા આ ઇશ્યુવાળી કંપની HDFC બૅન્કનો ભાવ ૧૯૯૫ની સાલમાં જ એક સમયે ૪ રૂપિયા થઈ ગયો હતો.

ત્યાર પછી દીપકભાઈ આદિત્ય પુરીને બૅન્કનું સુકાન સંભાળવા માટે લઈ આવ્યા અને HDFC અને HDFC બૅન્કે કેવી પ્રગતિ કરી એ બધી વાતો તો આપણે સૌ જાણીએ જ છીએ. ૪૦ બિલ્યન ડૉલરના આ મેગા મર્જર સાથે હવે HDFC બૅન્ક વિશ્વની ચોથા ક્રમાંકની સૌથી મોટી બૅન્ક બની ચૂકી છે. જે. પી. મૉર્ગન, બૅન્ક ઑફ ચાઇના અને બૅન્ક ઑફ અમેરિકા બાદ ભારતની HDFC બૅન્ક ૧૭૨ બિલ્યન ડૉલર સાથે વિશ્વની ચોથી સૌથી મોટી બૅન્ક છે.

columnists