સંતાનની જાસૂસી કરવા શું તમે સોશ્યલ મીડિયા પર બનાવ્યું છે ફેક અકાઉન્ટ?

21 April, 2023 05:20 PM IST  |  Mumbai | Jigisha Jain

સંતાન ઊંધા રવાડે ચડી ન જાય એટલે માતા-પિતા તેના પર નજર રાખે એ સમયની માગ છે. જોકે નજર રાખવી અને જાસૂસી કરવી એમાં ફરક છે, એ ફરકને સમજવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા જેવી વર્ચ્યુઅલ સ્પેસમાં સંતાન શું કરે છે એ જાણવા માટે આજકાલ ઘણાં માતા-પિતા ફેક આઇડી બનાવીને સંતાનના ફ્રેન્ડ લિસ્ટમાં જોડાઈ જવા મથે છે. સંતાન ઊંધા રવાડે ચડી ન જાય એટલે માતા-પિતા તેના પર નજર રાખે એ સમયની માગ છે. જોકે નજર રાખવી અને જાસૂસી કરવી એમાં ફરક છે, એ ફરકને સમજવો જરૂરી છે

બોરીવલીમાં રહેતી પ્રિયા પોતાના પિતા પ્રવીણભાઈ પર ખૂબ બગડી હતી જ્યારે તેને ખબર પડી કે તેની જોડે ઇન્સ્ટાગ્રામ પર ચૅટ કરનારો રોહિત બીજું કોઈ નહીં, તેના પિતા છે. આખા ઘરને તેણે માથે લીધું હતું કે આવું કરવાની શું જરૂર છે? ત્યારે પ્રવીણભાઈએ તેને એ જવાબ આપેલો કે હું ફક્ત જાણવા માગતો હતો કે તું ખોટા રસ્તે તો નથી. આ બનાવે પ્રિયાને અંદરથી તોડી દીધી હતી. તેણે પ્રવીણભાઈને પૂછ્યું કે તમને મારા પર એટલો પણ ભરોસો નથી? તેમણે કહ્યું, તારા પર છે પણ દુનિયા પર નથી. પણ એ જવાબ પ્રિયા માટે પૂરતો નહોતો. તેણે ફરીથી પૂછ્યું કે આની શું જરૂર હતી? ત્યારે પિતાએ યાદ દેવડાવતાં કહ્યું કે હું તને એમનેમ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલત તો તું એ સ્વીકારત? પેલા દિવસે તારા બધા મિત્રો ઘરે આવેલા ત્યારે રીનાની મમ્મી સોશ્યલ મીડિયા પર ફોટો નીચે ગમે તેવી કમેન્ટ કરીને તેને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકે છે એમ કહીને તમે બધા તેના પર ખૂબ હસતા હતા અને તેં તો એમ પણ કહેલું કે માતા-પિતાએ સોશ્યલ મીડિયા પર સંતાનના ફ્રેન્ડ લિસ્ટમાં હોવું જ ન જોઈએ. આ સાંભળીને પ્રિયા હતપ્રભ રહી ગઈ. તેણે પૂછ્યું, પપ્પા, અમે બધા મિત્રો મારા રૂમમાં બેસીને વાતો કરતા હતા. રૂમ બંધ હતો છતાં તમે આ બધું સાંભળતા હતા? તમે મારી જાસૂસી કર્યા કરો છો? એ પછી દલીલો ઘણી થઈ પણ બંને પક્ષે મનનું સમાધાન ન થયું. એ બનાવ પછી પ્રિયા અને તેના પિતા પ્રવીણભાઈના સંબંધો હલી ગયા છે. સોશ્યલ મીડિયાના ફ્રેન્ડ લિસ્ટમાં તેમની ધરાર એન્ટ્રીને કારણે રિયલ લાઇફમાં બાપ-દીકરી વચ્ચેની ફ્રેન્ડશિપ અસર પામી છે. તેઓ કંઈ પણ પૂછે તો ટૂંકાણમાં જવાબ આપી પ્રિયા પોતાના કામમાં બિઝી થઈ જાય છે. હવે તે પહેલાંની જેમ કૉલેજમાં આ થયું કે મારા આ મિત્રે આજે તો હદ કરી એવી કોઈ વાતો ઘરે કરતી નથી.

સમયની માગ 

ભારતીય પેરન્ટ્સનો હંમેશાં એ દુરાગ્રહ રહે છે કે તેમના સંતાનના જીવનના દરેક ખૂણા વિશે તેમને માહિતી હોવી જોઈએ. એ શું ખાય છે, ક્યાં જાય છેથી લઈને એ શું વિચારે છે, એને શું ગમે છે એ બધું જ માતા-પિતા જાણતાં હોવાં જોઈએ, કારણ કે આ બધાની વચ્ચે એમને ભટકાવનારાં પરિબળો પણ ઘણાં છે એટલે એ સમયની માગ છે એની ના નહીં. બાળકો આજકાલ મોટા ભાગનો સમય સોશ્યલ મીડિયા પર જ વિતાવતાં હોય છે. તો સંતાન એના પર શું કરે છે એ જિજ્ઞાસાને વશ થઈને પણ માતા-પિતાને તેમની સાથે સોશ્યલ મીડિયા પર જોડાવું હોય છે. પરંતુ મોટા ભાગે બાળકોને પોતાનાં માતા-પિતાને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ્સ નથી જ બનાવવા હોતાં. એ વિશે વાત કરતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ ગાલા સાવલા કહે છે, ‘સૌથી પહેલી વાત તો એ કે સોશ્યલ મીડિયા નજીકના સંબંધો માટે છે જ નહીં. હું નથી માનતી કે સોશ્યલ મીડિયા પર માતા-પિતા કે બાળકો કે ઘરનાં સગાંસંબંધીઓએ એકબીજા સાથે જોડાવું જોઈએ. એ પ્રકારનો દુરાગ્રહ જ ખોટો છે.’ 

આવી ભૂલ ન કરો

જ્યારે સંતાન સોશ્યલ મીડિયા પર માતા-પિતાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતું નથી ત્યારે એનો સીધો અર્થ તો એ થયો કે એ તમને કહેવા નથી માગતું કે એણે સોશ્યલ મીડિયા પર શું પોસ્ટ કર્યું છે અથવા તમારાથી એ છુપાવા માગે છે તો આ એક સમસ્યા છે. એ વિશે વાત કરતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન અને પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસીડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘પહેલી વાત તો એ કે એ દુનિયા સાથે જે શૅર કરવા માગે છે એ તમને નથી કહી રહ્યું એ વાત કોઈ પણ માતા-પિતાને કઠે, પરંતુ આ બાબતને હૅન્ડલ કરવામાં ચૂક ન કરતાં. માતા-પિતા ફેક અકાઉન્ટ બનાવીને પોતાના સંતાનને ફૉલો કરીને તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર નજર રાખે એ ઇચ્છનીય નથી જ. આ રીતે તમે તેનો ભરોસો ખોઈ બેસશો. જો તમે ઇચ્છતા હો કે સંતાન તમને બધું જ કહે કે શૅર કરે તો એના માટે તમારે એવા સંબંધ એની સાથે બાંધવો પડે. પહેલાં એ સંબંધ બાંધો. પછી તમારે છૂપી રીતે તેના પર નજર રાખવાની જરૂર નહીં પડે.’  

આ પણ વાંચો :  પરિવારજનોને અપરાધભાવથી બચાવવા બનાવો લિવિંગ વિલ

નાનપણમાં પાયો 

વિશ્વાસ કોઈ પણ સંબંધનો પાયો છે જે માતા-પિતા અને સંતાન વચ્ચે હોવો જ જોઈએ. એના પર ભાર આપતાં સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘નાનપણમાં દરેક માતા-પિતા તેના બાળકને શીખવે છે કે સાચું બોલવું. પરંતુ જ્યારે સંતાન તમને આવીને કહે છે કે મમ્મી, મેં આ તોડી નાખ્યું. અને તમે તેને આ બાબતે ખિજાઓ છો એ સમયે સંતાન સમજે છે કે તેણે તમને આવીને સાચું કહ્યું એટલે તેને વઢ પડી. તે એવું નથી સમજતું કે તેને વઢ એટલે પડી છે કે તેણે એ વસ્તુ તોડી. આમ ત્યાં તેનો વિશ્વાસ ભાંગ્યો. એવી જ રીતે જ્યારે તમે ફેક અકાઉન્ટ બનાવીને તેની સાથે સોશ્યલ મીડિયા પર જોડાઓ છો ત્યારે પણ તેનો વિશ્વાસ તૂટે છે. આવા નાના મોટા બનાવો તમારા બંનેના સંબંધના પાયાને હચમચાવે છે. આવી જાસૂસીથી ફાયદો કંઈ જ નથી, નુકસાન ઘણું મોટું છે.’ 

તો શું કરવું? 

સંતાનના જીવનમાં મહત્ત્વનું સ્થાન તમારું હોય અને એ તમને બધું જ કહે એ માટે ગાઢ સંબંધો બનાવવા જરૂરી છે. નાનપણથી જ એનો પાયો નાખવો પડે. પરંતુ જો એવું ન થયું હોય, એ સંબંધને મજબૂત ન કરી શકાયો હોય, રિયલ લાઇફમાં તેના તમે ફ્રેન્ડ ન બની શક્યા હો તો શું કરવું? એ વિશે સમજાવતાં દીપ્તિ ગાલા સાવલા કહે છે, ‘આજની તારીખે સંતાનને તમે કોઈ પણ વસ્તુ માટે ફોર્સ કરી શકતા નથી. તે એ જ કરશે જે તેમને ઠીક લાગશે. તો પછી ફક્ત નજર રાખવાથી કે તે ખોટા માર્ગે તો નથી જતા એનાથી ખાસ ફાયદો નથી. તમે જે ઇચ્છો છો કે એ તમારા આપેલા સંસ્કારને વળગી રહે કે એક સીમારેખાને ઉલંઘે નહીં તો તમારે એની જોડે વાત કરવી પડશે. કેમ એ માર્ગ યોગ્ય નથી અથવા તો કયા પ્રકારનું વર્તન ઠીક નથી એ વિશે એવી રીતે ચર્ચા કરવી પડશે, જેને લીધે તેના મગજમાં એ લૉજિક બંધ બેસે અને તે ખોટા માર્ગ તરફ ખુદ જ ન જાય. મિત્રતા નથી તો ઠીક છે, પણ માતા-પિતા બનીને પણ વાત તો કરી જ શકાય. આ અઘરું છે, પણ આ જ એકમાત્ર રસ્તો છે જેનું પરિણામ ઇચ્છનીય આવે છે.’

કેવી રીતે રોકવા?

ઘણાં બાળકો કે યુવાનો સોશ્યલ મીડિયા પર અભદ્ર ફોટો મૂકે છે, ગાળો વાપરે છે, પોતાની કે ઘરની ખાનગી કહી શકાય એવી વસ્તુઓ પણ પોસ્ટ કરી દેતા હોય છે. આ બધાથી 
તેમને દૂર રાખવા ખૂબ જ જરૂરી છે પણ અટકાવવા માટે તમારે તેની સાથે સોશ્યલ મીડિયા પર હોવાની જરૂર નથી. એ વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘સોશ્યલ મીડિયા પર 
જે પણ લોકો છે એનું ત્યાં હોવા પાછળનું મુખ્ય કારણ લોકો પાસેથી મળતો એક પ્રકારનો સ્વીકાર છે અથવા તો એ બસ, ગાડરિયા પ્રવાહમાં તણાઈને ત્યાં છે. પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે સંતાન શા માટે સોશ્યલ મીડિયા પર છે. જો તમને એ ખબર હશે તો તેને ખોટી દિશામાં આગળ વધતાં અટકાવી શકાશે. તમે તેને સહજ રીતે પણ જણાવી શકો કે સુરક્ષા માટે આ બાબતો કેટલી હદે યોગ્ય નથી. જો તેને પહેલેથી એજ્યુકેશન હશે તો તે આવી ભૂલ નહીં કરે.’ 

columnists Jigisha Jain