હસ્તગિરિનો એકેએક પથ્થર અમે જીર્ણોદ્ધારમાં વાપર્યો

22 December, 2024 05:03 PM IST  |  Mumbai | Chandrakant Sompura

મંદિર અને દેરાસર સાથે આસ્થા જોડાયેલી હોય છે એટલે ત્યાં વપરાયેલી તમામ સામગ્રીને પણ અતિશય કીમતી માનીને આગળ વધવાની જવાબદારી સંભાળવી થોડું અઘરું છે

હસ્તગિરિ જૈન તીર્થનું આ દૃશ્ય આંખને જ નહીં, મનને પણ શાતા પહોંચાડે છે.

આપણે વાત કરીએ છીએ પાલિતાણાના હસ્તગિરિ જૈન તીર્થની. હસ્તગિરિ તીર્થની ટોચ પરથી એક બાજુ શેત્રુંજયનાં દર્શન થાય છે. આ સ્થાનને દેરાસર કહેવાને બદલે તીર્થ તરીકે ઓળખવામાં આવે છે એનું મુખ્ય કારણ એ કે ત્યાં મૂળનાયક આદેશ્વર ભગવાનની સાથોસાથ જૈન ધર્મના અન્ય ત‌ીર્થંકરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ તીર્થમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એની વાત કરું.

તીર્થમાં મૂળનાયકના સ્થાનને બાદ કરતાં તમામ દિશામાંથી એક્ઝિટ ડોર આપવામાં આવ્યા છે, જેને ત્રિવેણી માર્ગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જૈનોના દેરાસરમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. બીજાં પણ ઘણાં મંદિરોમાં ત્ર‌િવેણી માર્ગ હોય છે, પણ જૈનો તો આ વાતનું ખૂબ ધ્યાન રાખે છે. આજે મુંબઈ જેવા મેટ્રો શહેરમાં જગ્યા નાની હોય એટલે એનું પાલન ન થઈ શકે એવું બની શકે, પણ ત્ર‌િવેણી માર્ગ ધરાવતા મંદિર કે દેરાસરમાં સકારાત્મક ઊર્જાનું પ્રમાણ બહુ મોટા પાયે હોય છે. તમે ત્યાં દર્શન કરો ત્યારે જે ધન્યતાનો અનુભવ થાય એને શબ્દોમાં ક્યારેય વર્ણવી ન શકાય. અદ્ભુત અનુભવ છે એ.

હસ્તગિરિની વાત કરીએ તો હસ્તગિરિ તીર્થનું કામ શરૂ થયું એ સમયે ત્યાંનો મોટા ભાગનો વિસ્તાર અવાવરું હતો. વાત ૭૦ના દશકની છે. એ સમયના ટ્રસ્ટીઓની ઇચ્છા હતી કે આ તીર્થ સાથે સંકળાયેલી એકેએક વસ્તુનો ઉપયોગ થાય. એટલે કે માત્ર મૂર્તિ જ નહીં, એ સમયે તીર્થમાં વપરાયેલા પથ્થરો પણ વાપરીએ અને તીર્થ મોટું કરીએ છીએ તો એ સિવાયના પથ્થરો અને માર્બલ આપણે લાવીએ. અહીં એક વાત કહેવાની.

વપરાયેલા પથ્થરોને ફરી ઉપયોગ કરવાયોગ્ય બનાવવાની પ્રક્રિયા અઘરી અને સમય લેનારી છે. એની સફાઈ કરવાની, એના પર થયેલી હવામાનની અસરો દૂર કરવાની અને એ પછી પથ્થરો કાઢતી વખતે એના પર જે નુકસાની થઈ હોય એ પૂરવાની. આ કામમાં ખાસ્સો સમય જતો હોય છે તો સાથોસાથ કાળજી પણ પુષ્કળ રાખવી પડે છે. મેં હંમેશાં જોયું છે કે આસ્થા બહુ મહત્ત્વનું કામ કરે છે. મંદિર માટે વપરાયેલો સામાન્ય પથ્થર પણ ભગવાન સમાન હોય છે એટલે જ્યારે કોઈ તીર્થનો જી‌ર્ણોદ્ધાર કરવાનો આવે અને એ પણ ડેડલાઇન સાથે કરવાનો આવે ત્યારે અમારે કારીગરો વધારી દેવા પડે છે, જેથી કામ ઓછું થાય તો પણ રોજની ઝડપ અકબંધ રહે.

હસ્તગિરિ તીર્થમાં મૂળ તમામ સામગ્રી અકબંધ રાખવામાં આવી હતી અને સૌથી અગત્યનું એ પણ હતું કે એ અકબંધ રાખ્યા પછી અમે જે નવા પથ્થરો વાપર્યા, નવો માર્બલ વાપર્યો એને પણ જૂનાના કલર જેવા કરીને જ વાપર્યા હતા એટલે કે જૂના પથ્થરોને શક્ય હોય એટલા નવા બનાવવાના અને નવા પથ્થરને શક્ય હોય એ રીતે જૂના કરવાના, જેથી જોનારા લોકોને ક્યાંય આંખમાં ખૂંચે નહીં અને તીર્થ પ્રત્યેની તેમની આસ્થા અને શ્રદ્ધા પણ અકબંધ રહે.

jain community columnists gujarati community news culture news religion religious places gujarati mid-day