મોહબ્બત તો એક જાવેદા ઝિંદગી હૈ

30 December, 2022 04:32 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

કમલ હાસન સાથે કન્ફ્યુઝ થઈ જઈએ એવું નામ ધરાવતા શાયર હસન કમાલે લખેલું આ ગીત એકલતાની જાહોજલાલી હોય તે જ સાંભળી શકે. બહુ ઓછાં સૉન્ગ એવાં છે જે સાંભળવા માટે ધીરજ હોવી જોઈએ. આ સૉન્ગ એ કૅટેગરીમાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

ગીત એમ જ લખાતું નથી. ગીતમાં લાગણી, પ્રેમ અને સંવેદના ભળે અને એ ભળ્યા પછી જે શબ્દોનું સંયોજન ઊભું થાય એ અકલ્પનીય હોય છે. હસન કમાલ એવા જ શાયર છે, જેમણે આપણી આસપાસના વાતાવરણને ભરવાનું કામ અદ્ભુત રીતે કર્યું છે.

‘તોસે નૈના લાગે પિયા સાંવરે,

નહીં બસ મેં અબ યે જિયા સાંવરે

મોહબ્બત તો એક જાવેદા ઝિંદગી હૈ

તોસે નૈના લાગે મિલી રોશની

તોસે મન જો લાગા મિલી ઝિંદગી...’

આ ગીત સાંભળ્યું છે તમે?

ફિલ્મનું નામ યાદ અપાવી દઉં, ફિલ્મ છે ‘અનવર’. ફિલ્મ ડિરેક્ટ મનીષ ઝાની પહેલી ફિલ્મ ‘માતૃભૂમિ’ ક્રિટિકલી બહુ વખણાઈ હતી અને ફિલ્મ પણ એટલી જ અદ્ભુત હતી. સ્ત્રીભ્રૂણ હત્યાને જેટલી શાર્પનેસ સાથે ‘માતૃભૂમિ’માં દેખાડવાનું કામ એ ફિલ્મમાં થયું હતું એ ખરેખર બહુ સરસ હતું. પાંચ પુરુષ વચ્ચે એક કન્યાનું સંયોજન ઊભું થાય તો સમાજની કેવી હાલત થાય એ વાત ‘માતૃભૂમિ’માં દેખાડવામાં આવી હતી તો મનીષ ઝાએ ‘અનવર’માં નવા જ વિષયને હાથમાં લીધો હતો.

એ વિષય શું હતો અને એમાં કેવી રીતે હિન્દુત્વને જોડવામાં આવ્યું હતું એની ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે, પણ એ પહેલાં આપણે વાત કરવાની છે એ અદ્ભુત ગીતની, જેના લિરિક્સ આર્ટિકલની શરૂઆતમાં લખ્યા છે,

‘તોસે નૈના લાગે પિયા સાંવરે...’

આ ગીતની ત્રીજી પંક્તિમાં એક શબ્દ આવે છે, જાવેદા ઝિંદગી. શું થાય એનો અર્થ, જાણો છો તમે? આ શબ્દનો અર્થ સમજતાં પહેલાં તમને એક વાત કહીશ કે ૨૦૦૧ પછીના અરસામાં બૉલીવુડમાં એક બહુ મોટો ફરક આવ્યો. લાંબાં ગીતો લખાતાં બંધ થઈ ગયાં અને બીજું કે સૉન્ગ્સ ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવાં થઈ ગયાં. અત્યારે સાંભળો અને તરત જ ભૂલી જાઓ. મૅગી ખાધા પછી કેમ બે કલાક પછી ફરીથી કંઈક ખાવા જોઈએ એના જેવું જ. અત્યારે તમે જે સૉન્ગ સાંભળ્યું એ બે કલાક પછી નવેસરથી ભૂખ ઉઘાડશે. પહેલાંનાં ગીતોમાં એવું નહોતું. એ સૉન્ગ તમે સાંભળતા હો તો તમારા મનમાં ટાઢક પ્રસરાવે. વારંવાર એ સૉન્ગ સાંભળો તો પણ તમારું મન ભરાય નહીં અને એ સૉન્ગ તમને એકધારું, સતત ભૂખ આપતું રહે. ભૂખ કેવી, એ જ સૉન્ગને ફરી-ફરી સાંભળવાનું મન થાય એવી.

૨૦૦૧ પછીનાં સૉન્ગ્સ નાનાં પણ થઈ ગયાં. બે મિનિટમાં તો પૂરાં થઈ જાય. બહુ-બહુ તો ત્રણ મિનિટ અને ચાર મિનિટ તો હદ થઈ ગઈ સાહેબ. એ ગીત તો લાંબું કહેવાય. હા, અમુક કમ્પોઝર હજી પણ એવા છે જે સૉન્ગ એની રીતે પૂરું ન થાય એ વાત સમજે છે અને તેઓ આજે પણ લાંબાં સૉન્ગ્સને એટલું જ પ્રાધાન્ય આપે છે. મિથુન એવો જ કમ્પોઝર છે જે ગીતને પ્રામાણિક રહે છે, એના શબ્દોને, લય અને રાગને પ્રામાણિક રહીને આગળ વધે છે. આપણે જે સૉન્ગની વાત કરીએ છીએ એ ‘જાવેદા ઝિંદગી’ સૉન્ગ કુલ સાડાઆઠ મિનિટનું છે, હા, એક્ઝૅક્ટ ૮ મિનિટ અને ૩૧ સેકન્ડનું. એ આખું સૉન્ગ તો અત્યારે હું તમારી પાસે વર્ણવવાનું કામ નહીં કરું, પણ હા, એનો આસ્વાદ ચોક્કસ કરાવીશ, કારણ કે એ સૉન્ગ ચરણામૃત જેવું છે. મિથુને કમ્પોઝ કરેલા આ સૉન્ગ ક્ષિતિજ તરાયથી શરૂ થાય છે અને એક્ઝૅક્ટ ૪૭મી મિનિટે આ જ સૉન્ગમાં શિલ્પા રાવ દાખલ થાય છે. શિલ્પાનો અવાજ ઉમેરાય છે ત્યારે તમે એ સાઉન્ડ એન્જિનિયરિંગની કમાલ સાંભળો. અવાજ જે રીતે ઘૂમરાય છે, જે રીતે એનું સ્ટ્રક્ચર બદલાય છે. શું કહું તમને?

આહાહાહા.

તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય.

આખું ગીત સુફિયાના છે, સતત એમાં તબલાનો સાથ છે. સિંગર ક્ષિતિજ ત્રણ વર્ષનો હતો ત્યારથી ક્લાસિકલ સંગીત શીખતો હતો અને શિલ્પા રાવની તો વાત જ નિરાળી છે. તેના જેવી ઉમદા સિંગર આજે તમે બૉલીવુડમાં શોધવા જાઓ તો પણ મળે નહીં. ખાસ કરીને આ પ્રકારનાં સૉન્ગ્સ માટે તેનાથી ઉમદા અવાજ તમને બીજા કોઈ પાસેથી મળે નહીં.  

‘તોસે નૈના લાગે પિયા સાંવરે...’ કૃષ્ણભક્તિનું ગીત છે અને એ લખ્યું છે હસન કમાલે. મેં અગાઉ પણ કહ્યું છે કે કળાને ધર્મ કે મજહબ સાથે કોઈ સંબંધ નથી. જાવેદ અખ્તર અને એ. આર. રહમાને અનેક એવાં સૉન્ગ્સ આપણને આપ્યાં છે જેને આપણે હિન્દુ તહેવારો દરમ્યાન જોરશોરથી વગાડીએ છીએ. અખ્તરસાહેબ કે રહેમાન જ નહીં, બીજા પણ અનેક એવા કમ્પોઝર અને લિરિસિસ્ટ રાઇટર છે જેમનો મજહબ જુદો છે, ધર્મ જુદો છે અને એ પછી પણ અદ્ભુત કામ બીજા ધર્મ માટે કર્યું છે.

હસન કમાલની વાત કરું તો, હસન મૂળ લખનઉના. કમલ હાસન સાથે કન્ફ્યુઝ થઈ જવાય એવું નામ ધરાવતા આ શાયરે સલમા આગાની સુપરહિટ ફિલ્મ ‘નિકાહ’નાં ગીતો લખ્યાં હતાં. આજે પણ એ જનરેશનના લોકો પાસે તમે સલમા આગાનું નામ બોલશો કે તરત જ તે ‘નિકાહ’નાં ગીતોની લાઇન બોલી બતાવશે અને બોલે પણ શું કામ નહીં. કેવાં-કેવાં અદ્ભુત ગીતો હતાં એ.

‘દિલ કે અરમાં આંસુઓં મેં બહ ગયે...’ હોય કે પછી ‘દિલ કી યે આરઝુ થી કોઈ દિલરુબા મિલે...’ હોય. આ બધી હસનસાહેબની કમાલ. ‘કિસી નઝર કો તેરા ઇંતઝાર આજ ભી હૈ...’ ગીત યાદ છે. કલમની આ કમાલ દેખાડતું સૉન્ગ પણ હસન કમાલે લખ્યું છે. આવી જ કમાલ તેમણે કૃષ્ણભક્તિ દર્શાવતાં સૉન્ગ ‘તોસે નૈના લાગે પિયા સાંવરે’માં કરી છે અને એમાં ત્રીજી પંક્તિ તો સાહેબ, તમે ઓવારી જાઓ એ સ્તરની વાત કહી જાય છે,

‘મોહબ્બત તો એક જાવેદા ઝિંદગી હૈ...’

જાવેદા ઝિંદગી. આપણી વાત આ શબ્દથી શરૂ થઈ. જાવેદા એટલે ઇટર્નલ. શાશ્વત, કહો કે અમર. પ્રેમ ધબકતી એવી જિંદગી છે જે શાશ્વત છે. અંગ્રેજીમાં એક વાક્ય છે, લવ ઇઝ ધ કમ્પ્લીટ ફૉર્મ ઑફ લાઇફ. બસ, આ જ વાત હસન કમાલે પોતાની આ લાઇનમાં શાયરાના અંદાઝમાં દર્શાવી છે.

‘તોસે નૈના લાગે મિલી રોશની...’ કેટલી સરસ વાત, કેવી સરળ વાત. તારી નજરમાં નજર મળી અને મને રોશની મળી. કઈ રોશની, તો શાયર કહે છે જીવન જીવવાની સાચી દૃષ્ટિ મળી, જેમાં પ્રેમ છે અને કેવો પ્રેમ છે, તો કહે છે જાવેદા ઝિંદગી સમાન.

પ્રેમ કરવો જોઈએ, જો પ્રેમ કરો તો જ તમને એનો ખુશનુમા અનુભવ થાય. આ ખુશનુમા અનુભવ દર્શાવતા શબ્દો એ પછીની પંક્તિમાં આવે છે. જે તમે વાંચો તો તમારા મોઢામાંથી સહજ રીતે ‘આફરીન’ નીકળી જાય. 

‘શમા કો પિઘલને કા અરમાન ક્યોં હૈ

પતંગે કો જલને કા અરમાન ક્યોં હૈ

ઇસી શૌક કા ઇમ્તિહાં ઝિંદગી હૈ...’

ગીત એમ જ લખાતું નથી. એ ગીતમાં લાગણી, પ્રેમ અને સંવેદના ભળતી હોય છે અને એ ભળ્યા પછી જે શબ્દોનું સંયોજન ઊભું થાય એ અકલ્પનીય હોય છે. હસન કમાલ એવા જ શાયર છે, જેમણે આપણી આસપાસના વાતાવરણને ભરવાનું કામ અદ્ભુત રીતે કર્યું છે.

‘તોસે નૈના લાગે મિલી રોશની...’ કોઈ એવું ગીત નથી કે લાઇવ કૉન્સર્ટમાં ગાઈ શકાય કે પછી લોકો એના પર ડાન્સ કરે, ડીજે સંગીત પર થર્ટીફર્સ્ટનો ડાન્સ થાય. ના, આ એવું સૉન્ગ નથી. આ એકાંતની જાહોજલાલીનું ગીત છે. જેનામાં ધીરજ હોય તે જ આ સાંભળી શકે એવું ગીત છે. તમારા પ્લેલિસ્ટમાં આવાં કોઈ ગીતો ખરાં. કયાં ગીતો એવાં છે જે તમે અહીં વાંચવા ઇચ્છો છો. મેઇલ કરીને કહેતા રહેજો, આપણે એ સૉન્ગ બધા સાથે અહીં માણીશું, પણ નવા વર્ષની શરૂઆત આપણે કરીશું ‘અનવર’ અને આ સૉન્ગની વાત આગળ વધારીને...

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists