નગુણા ગુરુનો ત્યાગ કરવો એ સાચા શિષ્યની નિશાની છે

21 July, 2024 10:55 AM IST  |  Mumbai | Swami Satchidananda

આજનો ગુરુમંત્ર એકથી વધુ ગુરુ હવે જરૂરી બન્યા છે

પ્રતીકાત્મક તસવીર

જોકે બહુગુરુવાદમાં બધા માટે સમાન કૃતજ્ઞતા ભાવ રાખવો એ ગેરવાજબી અને સદ‍્ગુુરુના અપમાન સમાન છે. આજે ગુરુપુર્ણિમાના દિવસે ગુરુ કેવા હોવા જોઈએ, શિષ્યની વિશેષતા શું અને ગુરુની ગરિમા ક્યારે વધે જેવા મુદ્દાઓ પર ક્રાન્તિકારી વિચારધારા ધરાવતા પદ્‍મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના વિચારો જાણીએ...

ગુરુનો વ્યવહારુ અર્થ છે વજન. ગુરુતમ મતલબ કે મહત્તમ, વધારે હોય એવું. આ વાતને શાસ્ત્રોક્ત ગુરુ સાથે સીધો સંબંધ છે. ગુરુમાં ત્રણ પ્રકારનું વજન હોવું જોઈએ. ગુરુમાં ચારિત્ર્યનું વજન હોવું જોઈએ, તેઓ જ્ઞાનનું વજન ધરાવનારા હોવા જોઈએ અને તેમનામાં લગીરેય સ્વાર્થ ન હોવો જોઈએ. અર્થાત્ નિઃસ્વાર્થપણાનું વજન તેમનામાં હોવું જોઈએ. જો આમાંથી કોઈ એક વાતનો પણ અભાવ હોય તો એ ગુરુ ન કહેવાય. ચારિત્ર્ય, જ્ઞાન અને નિઃસ્વાર્થ ભાવ; એમ ત્રણ દૃષ્ટિ એક થાય તે જ સાચું માર્ગદર્શન આપી શકે અને જે માર્ગદર્શન આપે તેનું નામ ગુરુ, માર્ગદર્શન લે તેનું નામ શિષ્ય.

આ ગુરુની તમને સામાન્ય સમજણ આપી, પણ અફસોસ સાથે કહેવું પડે છે કે અત્યારના સમયમાં ગુરુની વ્યાખ્યા બહુ નાની કરી નાખી છે અને હું તો કહીશ કે એને બહુ બગાડી પણ નાખી છે. કાનફૂંકા કે કંઠીબંધાઓને ગુરુ ન કહેવાય, તે ભલે પોતાને ગુરુ ગણાવતા રહે, પણ એવા ગુરુઓ જીવનમાં અજવાશ લાવવાનું કામ નથી કરતા. અત્યારે ગુરુની જે વ્યાખ્યા બગડી છે એની પાછળ માત્ર બની બેઠેલા ગુરુઓ જ જવાબદાર હોય એવું નથી, એની પાછળ પ્રજાનો એક વર્ગ પણ જવાબદાર છે.

પથ્થર દીઠી આંખ મીંચી...

જો કોઈની માનસિકતા આવી હોય તો તે ભક્ત ન કહેવાય, એવી જ રીતે દરેકમાં ગુરુત્વ શોધવાની માનસિકતા ધરાવતા હોય તેને પણ શિષ્ય ન કહેવાય. ભક્ત તો નરસિંહ મહેતાને કહેવાય કે ઉપરવાળો જવાબ ન આપે તો પણ તે પોતાની ભક્તિમાં લીન રહે અને થાકી-હારીને કૃષ્ણ ભગવાને તેને જવાબ આપવા નીચે ધરતી પર આવવું પડે અને શિષ્યની વાત આવે ત્યારે એકલવ્ય આંખ સામે આવવો જોઈએ. હું એક ગુરુને પકડીને બેસવાની વાત નથી કરતો, હું પોતે એક ગુરુપ્રથાનો વિરોધી છું, પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે જેમ ગુરુની વ્યાખ્યા બહુ મહત્ત્વની છે એવી જ રીતે શિષ્યની વ્યાખ્યા પણ સમજવાનો સમય આવી ગયો છે. તમે જેને ગુરુ બનાવો છો તે ગુરુ ખરેખર સદ્ગુરુ છે કે નહીં એ જોવાની જવાબદારી શિષ્યની છે. જો એ જવાબદારીમાં શિષ્ય ચૂકે તો તે પોતાનું તો અહિત કરે જ છે, પણ સાથોસાથ તેનું પણ અહિત કરે છે જેને તેણે ગુરુનો દરવાજો દેખાડી દીધો છે. હું કહેતો આવ્યો છું કે ગુરુ નહીં મળે તો ચાલશે, આખું જીવન ગુરુહીન રહી શકાય, પણ ગુરુઘંટાલ ન મળી જાય એને માટે જાગ્રત રહેજો. કુગુરુ ભટકાય નહીં એને માટે હું પ્રજાને બહુગુરુવાદને અમલમાં મૂકવા માટે કહેતો આવ્યો છું. દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા તો પછી આપણે તો તેમની સામે સૂક્ષ્મ છીએ, આપણે તો બનાવવા જ રહ્યા.

ગુરુ એક હોય તો તે ક્યારેક ગેરલાભ લેવાનું વિચારે અને શિષ્ય પણ આંધળો-બહેરો થઈને તેનું બધું સાંભળ્યા કરે. પોતાની બુદ્ધિ વાપરે જ નહીં, પણ જો બહુગુરુવાદ હોય તો સાચા-ખોટાની સમજણ ડેવલપ થાય અને જો એવું થાય તો સરળતાથી સારા-ખરાબનો ભેદ સમજાવાનો શરૂ થાય. બહુગુરુવાદમાં મા-બાપ અને શિક્ષકનો સમાવેશ પણ થાય તો રોજીરોટી આપનારાનો સમાવેશ થાય, પણ એક વાત હંમેશાં યાદ રાખવી કે બહુગુરુવાદમાં બધા સાથે સમાન કૃતજ્ઞતા ભાવ રાખવો ગેરવાજબી અને સદ્ગુરુના અપમાન સમાન છે. હું તો ઘણાં એવાં છોકરા-છોકરીઓને જોઉં કે દિવાળીમાં જેમ બધાને શુભેચ્છા આપતાં ફરે એવી રીતે ગુરુપૂર્ણિમા જેવા સદ્ભાવના ધરાવતા દિવસમાં પણ આખા ગામમાં કાગળ નાખતાં ફરે. જ્યાં-જ્યાંથી જ્ઞાન મળે છે એ બધી જગ્યાએથી જ્ઞાન લેવાનું અને એ જ્ઞાન આપનારા સૌકોઈને ગુરુ ગણવા, પણ કહ્યું એમ સદ્ગુરુ સરીખું માન આપવામાં સભાન રહેવું અનિવાર્ય છે. એ સભાનતા નથી રહેતી એમાં જ ગુરુઘંટાલ જનમવાના શરૂ થઈ જાય છે.

સાચા ગુરુની ખબર કેવી રીતે પડે?

વાજબી કહેવાય એવો આ પ્રશ્ન કોઈના પણ મનમાં જન્મે. આ પ્રશ્ન અનેક વખત મને પૂછવામાં આવ્યો છે અને એ પછી મેં આપેલા જવાબથી બનીબેઠેલા અનેક ગુરુઓને પેટમાં સૂળ ઊપડ્યું છે, પરંતુ એ જ સત્ય છે એટલે અહીં પણ એ જ જવાબ આપવાનું મન થાય છે.

ગુરુ હોય કે ગોદડું, સારાં છે કે નહીં એની ખબર તો નીવડ્યે જ પડે. બાકી બંધ પડીકાના આધારે પૅકિંગનાં વખાણ થાય, ગુણના નહીં. ક્ષણવારમાં ક્યારેક કોઈને ગુરુ સરીખું સન્માન આપવું. એવી રીતે ગુરુ બનાવી લેવા એ તો કૂવામાં પડવા જેવું થાય. વાત હોય કે વિચાર કે વસ્તુ, એનો અનુભવ કરવો પડે. લાંબા સમયના અનુભવ પછી જ ખબર પડે કે વ્યક્તિ સારી છે કે નહીં. જો એ અનુભવ પછી ખબર પડે કે જેને તમે ગુરુ માન્યા હતા તે લાયક નથી, યોગ્ય નથી તો તેનો ત્યાગ કરવો જોઈએ.

ઘણાને એમાં સંકોચ થતો હોય છે કે એવું કરીએ તો આપણે નગુણા લાગીએ, પણ એવું નથી. ખરાબ ને ખોટું કરનારાને જો એની ચિંતા ન હોય તો વ્યક્તિને એનો ત્યાગ કરવામાં સંકોચ શાનો હોવો જોઈએ. આપણને ખબર પડે કે જે નૌકામાં આપણે બેઠા છીએ એમાં ઘણાં કાણાં છે, જળ ભરાય છે અને જો એમ જ જળ ભરાવાનું ચાલુ રહેશે તો નૌકા પણ ડૂબવાની અને એમાં બેસનારાને પણ ડુબાડવાની. એવા સમયે જેમ નૌકાનો ત્યાગ કરવો એ દૂરંદેશી છે એમ જ નઠારા ગુરુની સમજણ આવી ગયા પછી તેનો ત્યાગ કરવો એ જ દૂરંદેશી છે. નગુણા ગુરુનો ત્યાગ કરવો એ સદ્‍શિષ્યની નિશાની છે, પણ એવું કરવામાં પ્રજાના મનમાં શરમ અને ભય રહે છે. જે ભય ન રાખે અને સારા વિચારો, સારી વર્તણૂકને આંખ સામે રાખીને પોતાના માર્ગ પર આગળ વધે તે સદ્‍શિષ્ય છે અને સદ્‍શિષ્ય પાસેથી જ અપેક્ષા હોય કે તે નગુણા કે કુગુરુને છોડીને આગળ વધે.

આજના આ આધુનિક સમયમાં ગુરુપ્રથાનો અમલ વધ્યો છે, જે સારી વાત છે, પણ આ પ્રથાના અમલની સાથોસાથ જો કુગુરુ છોડવાની પ્રથા પણ શરૂ થાય અને એનું કારણ પણ લોકો સામે રજૂ કરવામાં આવતું રહે તો સમાજ પર એની વ્યાપક સકારાત્મક અસર ઊભી થાય, જે આજના સમયની સાચી માગ છે.

ગુરુ કેવો હોય?

૧. ગુરુ એ છે જે સૌમ્યતા છોડતા નથી. ન ગમતી પરિસ્થિતિ તેમને વિચલિત કરતી નથી. કારણ કે ગમવું કે ન ગમવું એ તેમની યાદીમાં હોતું નથી.
૨. શીખવતી વખતે અશાંત ન થાય એ ગુરુ. પચાસમી વખત શીખવતી વખતે પણ તેના સ્વભાવનો મૃદુભાવ અકબંધ રહે છે, કારણ કે કટુતા તેનામાં
હોતી નથી.
૩. ઘમંડથી પર હોય તેનું 
નામ ગુરુ. પોતે જ સર્વેસર્વા છે એવું ગુરુની વાત કે વર્તનમાં જોવા મળતું નથી. કારણ કે એ ગર્વ પચાવ્યા પછી જ ગુરુત્વ જન્મે છે.
૪. અન્યને જશ આપે તે જ સાચો ગુરુ. પોતાની સાથે જોડાયેલા શિષ્યો વિના કાર્યની સફળતા શક્ય નથી એવું પ્રસ્થાપિત કરી જાણે તે જ મોટા પદની ગરિમા જાળવે.
પ. જાકારો ન આપે તે ગુરુ. યાદ રહે કે સદ્‍શિષ્ય કુગુરુને જાકારો આપે, પણ સદ્ગુરુ કુશિષ્યને જાકારો ન આપે. કારણ કે કુશિષ્યને સદ્‍શિષ્ય બનાવવાની જવાબદારી તેના શિરે છે, જે એનો સ્વીકાર કરે તે સાચો ગુરુ.

જો કોઈ તમને ગુરુ માને તો...

જો તમને કોઈ ગુરુ માને તો તમારી જવાબદારી વધી જાય છે. ગુરુવરપદે આવ્યા પછી તમારે માત્ર પોતાનું પદ જ નથી જાળવવાનું, પણ એ જાળવતાં-જાળવતાં શિષ્ય બનનાર વ્યક્તિના મનમાં પણ પોતાનું સ્થાન અકબંધ રાખવાનું છે અને સાથોસાથ ગુરુપદની ગરિમાને પણ જાળવવાની અને એમાં ઉત્તરોત્તર વધારો કરતા રહેવાનું છે. આ કાર્ય કઠિન છે. ઘણા કહે છે કે શિષ્યએ જ ગુરુની વાત માનવી જોઈએ, પણ હું એવું નથી માનતો. જો શિષ્યની વાતમાં સચ્ચાઈ હોય અને એનાથી ગુરુના જીવનમાં ચારિત્ર્ય કે જ્ઞાનના ક્ષેત્રમાં લાભ થવાનો હોય કે પછી ગુરુના જીવનને એક નવી દિશા સાંપડતી હોય તો શિષ્યની વાત માનવામાં ગુરુએ શેહ-સંકોચ રાખવાં જોઈએ નહીં. જેમ ‘જેની વાતમાં વજન તે ગુરુ’ એવી જ રીતે જેની વાતનું વજન સમજી શકે તે પણ ગુરુ છે. ગુરુપદ પર પહોંચ્યા પછી જો એવો ભ્રમ મનમાં પ્રબળ બને કે પોતાને કશા જ્ઞાનની આવશ્યકતા નથી તો એ ગુરુપદ નકામું છે. તેણે ગુરુપદનો ત્યાગ કરવો જોઈએ અને શિષ્યભાવની જવાબદારી જેમણે સ્વીકારી હોય એ સૌને પણ મુક્ત કરવા જોઈએ.

આજના દિવસની ખાસ વાત

ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યની રાહ જુએ તે સદ્ગુરુ નથી. ગુરુ એ છે જે સંસારી શિષ્યને સમજણ આપી તેને સંસારમાં વ્યસ્ત રાખે અને પોતે તેનાથી દૂર રહી પોતાના સંન્યાસને સન્માનિત કરે. સંસાર છોડીને દૂર નીકળી જનારા ગુરુઓ શું કામ ફરી-ફરીને સંસારીઓ તરફ આકર્ષાતા હોય છે એ વાતનો અચંબો મને આજે પણ છે. ગુરુવંદના માટે તેમની ચરણરજ લેવી કે તેમને દંડવત્ કરવા અનિવાર્ય નથી. ગુરુપૂર્ણિમાના દિવસે સમયસર ગુરુ પાસે પહોંચી જઈ, તેમની વંદના કરનારા શિષ્ય જો બાકીના દિવસોમાં ગુરુની આજ્ઞા કે ગુરુના સિદ્ધાંતોનું પાલન ન કરતા હોય તો એ વંદના શૂન્ય સમાન છે. ગુરુએ ચીંધેલા માર્ગ પર આગળ વધીને ગુરુની નામના વધારવી એનાથી મોટી બીજી કોઈ ગુરુવંદના નથી એ જ આજના દિવસનો સાચો સંદેશ છે.

વાતચીત અને શબ્દાંકનઃ રશ્મિન શાહ

columnists Rashmin Shah