મુંબઈને લીલુંછમ બનાવવાનું મિશન છે મારું, એ પણ ફટાફટ

05 June, 2024 09:40 AM IST  |  Mumbai | Ruchita Shah

અને એટલે જ સાઉથ મુંબઈમાં રહેતાં અનુજા સંઘવીએ નિર્ધાર કર્યો છે કે મુંબઈમાં શક્ય હોય એટલાં વધુમાં વધુ સ્થળોએ વૃક્ષારોપણ થાય

મિયાવાકી પદ્ધતિથી આ રીતે પ્લાન્ટ્સનું રોપણ કરવાનું હોય છે.

સામાન્ય રીતે એક જંગલને તૈયાર થતાં ૧૦૦ વર્ષ લાગે. જોકે જૅપનીઝ દ્વારા ડેવલપ થયેલી મિયાવાકી પદ્ધતિથી જો વૃક્ષારોપણ કરો તો ૨૦ ફુટની લંબાઈનાં વૃક્ષો લગભગ ત્રણેક વર્ષમાં તૈયાર થઈ જાય અને ૧૦ વર્ષમાં ઘનઘોર જંગલનું નિર્માણ થઈ શકે. આજથી લગભગ ૬ વર્ષ પહેલાં મિયાવાકી પદ્ધતિથી જંગલ બની શકે છે એવા વિચાર સાથે સાઉથ મુંબઈમાં રહેતી અનુજા સંઘવી મુંબઈ મહાનગરપાલિકા પાસે આ પદ્ધતિથી વૃક્ષારોપણ માટેની પરવાનગી લેવા ગઈ ત્યારે ત્યાં બેસેલા ઑફિસર્સને આવું પણ કંઈ હોય એનો અંદાજ નહોતો. એકધારા પ્રયાસ ચાલુ રાખીને અનુજાએ મુંબઈ મહાનગરપાલિકા પાસેથી પરમિશન મેળવી અને મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણની અનોખી યાત્રા શરૂ થઈ. આજ સુધીમાં મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં મિયાવાકી પદ્ધતિથી લાખો વૃક્ષો વાવીને એની માવજત કરવામાં પાયાની ભૂમિકા ભજવી ચૂકેલી અનુજા એન્વાયર્નમેન્ટના જતનમાં કઈ રીતે સક્રિય ભૂમિકા ભજવી રહી છે એ જાણીએ.

અમેઝિંગ જર્ની

સાઉથ મુંબઈમાં જન્મેલી અનુજાએ અમેરિકાની યુનિવર્સિટીમાંથી ડેવલપમેન્ટ મૅનેજમેન્ટમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું છે અને એમાંથી જ અનાયાસ એન્વાયર્નમેન્ટની દિશા ખૂલી. એ પહેલો કિસ્સો યાદ કરતાં અનુજા કહે છે, ‘ડેવલપમેન્ટ મૅનેજમેન્ટની ડિગ્રી સાથે સરકારના ઘણા બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં હું કામ કરી રહી હતી. વેસ્ટ મૅનેજમેન્ટ, વૉટર પાઇપલાઇન મૅનેજમેન્ટના ઘણા પ્રોજેક્ટમાં વર્લ્ડ બૅન્ક અને સરકાર માટે કન્સલ્ટન્ટ તરીકે કામ ચાલતું. એક વાર આવા જ એક પ્રોજેક્ટ માટે રાજસ્થાન જવાનું બન્યું જ્યાં અમે વૉટર ટૅન્ક બનાવી રહ્યાં હતાં. ઍગ્રિકલ્ચર માટેની આ તૈયારી હતી, પણ ત્યાં એક ખેડૂત મળ્યો અને કહે મૅડમ અહીં અમારી પાસે પીવા માટે પાણી નથી. ગામની સ્થિતિ જોઈને હું દંગ રહી ગઈ હતી. લોકો દૂર-દૂરથી પાણી લાવતા હતા છતાં પૂરતું પાણી તો નહોતું જ મળતું. એ સમયે મનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને મારે આ પરિસ્થિતિ બદલવામાં કંઈક ભૂમિકા ભજવવી જોઈએ એવું થતું હતું.’

એ વિચાર મનમાં હતો ત્યારે જ એક એવી ઘટના બની જેણે અનુજામાં પોતે જે કરવા માગતી હતી એ દિશામાં આગળ વધવા માટે વધુ સ્પષ્ટતા આપવાનું કામ કર્યું. પૉન્ડિચેરીમાં અરવિંદાશ્રમ જ્યાં આવેલો છે એ ઓરોવિલમાં અનુજા તેના મિત્રો સાથે એક મ્યુઝિકલ કૉન્સર્ટમાં ગઈ હતી અને ત્યાં તેણે ખેતી તથા જંગલોના નિર્માણની કેટલીક અનોખી વાતો વિશે માહિતી મેળવી. અનુજા કહે છે, ‘એ ટ્રિપ મારા માટે વેકઅપ કૉલ હતો. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે હું કન્સલ્ટન્ટ હતી જ, પણ આ ડેવલપમેન્ટ સસ્ટેનેબલ હોય અને કુદરતનું સંવર્ધન કરનારો હોય એને પ્રૅક્ટિકલ થતાં મેં ઓરોવિલમાં જોયું. ત્યાં આવી બાબતોને લગતી ટ્રેઇનિંગ પણ અપાતી. ઓરોવિલમાં પણ ૧૯૭૦માં બલ્ક વૃક્ષારોપણ થકી જંગલ ઊભું કરવામાં આવ્યું હતું. ઓરોવિલમાં એક સૉલિટ્યુડ ફાર્મ જોયું જ્યાં જૅપનીઝ ફાર્મિંગ પદ્ધતિ ફુકવાકાનો ઉપયોગ થયો હતો. પર્માકલ્ચર નામનો એક કોર્સ મેં ત્યાં કર્યો જે પર્મા એટલે કે પર્મનન્ટ ખેતીને નવી પદ્ધતિઓની ચર્ચા કરતો હતો. ત્યાંની ઉજ્જડ જમીનને ખેતીલાયક બનાવીને એક આખું નગર ડેવલપ કરવામાં આવ્યું છે જે યુનિવર્સલ સિટી તરીકે ઓળખાય છે. આખી દુનિયાના લોકો અહીં આવે છે. અહીં જ મેં એક મહિનાની સસ્ટેનેબિલિટીની ટ્રેઇનિંગ પણ લીધી હતી.’

શરૂઆતથી શરૂઆત

અનુજાએ ઓરોવિલમાં જે ટ્રેઇનિંગ લીધી હતી એના પર કામ કરવાનું મનોમન ઠાની લીધું હતું પણ એ પહેલાં તેણે ૪ વર્ષ ભીંડીબજારના રીડેવલપમેન્ટ પ્લાન પર પણ પ્રોજેક્ટ મૅનેજર તરીકે કામ કર્યું હતું. અનુજા કહે છે, ‘જે શીખી એને અમલમાં મૂકવા માટે મારે શું કરવું એ વિચારી રહી હતી. જૅપનીઝ પ્લાન્ટેશન પદ્ધતિથી મુંબઈમાં ઝડપી ગતિએ પ્લાન્ટેશન કરી શકાય છે એ વાત તેમને સમજાઈ ગઈ હતી. ઓરોવિલમાં મેં લોકોના બંગલામાં મિયાવાકીથી પ્લાન્ટેશન થતું જોયું હતું. એને ઇમ્પ્લિમેન્ટ કરવું હતું, પણ શરૂઆત ક્યાંથી કરવી? એ દરમ્યાન પાલિતાણામાં આવેલા હસ્તગિરિ તીર્થમાં શરૂઆત કરવાનો આઇડિયા મારા અંકલે આપ્યો. તેઓ ત્યાં ટ્રસ્ટી હતા. શરૂઆત અમે લગભગ ૯૮૦ જેટલાં વૃક્ષોથી કરી અને અદ્ભુત રિઝલ્ટ મળ્યું. એટલે થયું કે હવે મુંબઈમાં મુંબઈ મહાનગરપાલિકા સામે આ પ્રપોઝલ મૂકું. મને ખાતરી હતી કે રિઝલ્ટ આવશે. જોકે એ સમયે એટલે કે ૨૦૧૮માં પાલિકામાં કામ કરતા અધિકારીઓને આવી કોઈ પદ્ધતિ વિશે ખબર નહોતી એટલે અઢળક ધક્કા ખાધા અને દુનિયાભરના ડિપાર્ટમેન્ટમાં ફર્યા પછીયે કોઈ પરિણામ ન આવ્યું. ત્યારે મારી ફ્રેન્ડે મને મહાનગરપાલિકાની એ સમયની કૉર્પોરેટર હર્ષિતા નાર્વેકરને મળવાનું કહ્યું. તેમને આખી વાત સમજાવી અને તેના સપોર્ટથી પરમિશન મળી ગઈ. ૫૦૦૦ પ્લાન્ટ્સનું વૃક્ષારોપણ કરવા માટે રોટરી ક્લબથી લઈને મારા ફ્રેન્ડ્સ, ફૅમિલી એમ જુદી-જુદી જગ્યાએથી ફન્ડ ભેગું કર્યું અને સરસ કાર્યક્રમ કરીને મિયાવાકીથી પ્લાન્ટેશન કર્યું. જોકે એ સમયે બીજી એક વાત એ સમજાઈ કે પહેલાં ત્રણ વર્ષ આ પ્લાન્ટ્સને ખૂબ માવજતની જરૂર હતી પરંતુ એ મેઇન્ટેનન્સ મહાનગરપાલિકાના માણસો દ્વારા થઈ નહોતું રહ્યું એટલે કફ પરેડના કોલાબા વુડ્સ ગાર્ડનમાં રોપેલા આ પ્લાન્ટ્સમાંથી અમુક પ્લાન્ટ ડેડ થઈ ગયા. એ મારા માટે લર્નિંગ હતું. એ પછી જેટલા પણ પ્રોજેક્ટ કર્યા એમાં પહેલાં ત્રણ વર્ષ એ પ્લાન્ટ્સનું ધ્યાન રાખવાની વ્યવસ્થા પણ પ્લાનિંગમાં કરી લીધી.’

પહેલા અનુભવ પછી અનુજા ફૉરેસ્ટ ક્રીએટર ગ્રુપ સાથે જોડાઈ ગઈ. એ પછી તો અઢળક પ્રોજેક્ટ પર કામ કર્યું. ઈવન મુંબઈમાં જ્યાંથી શરૂઆત કરેલી એ કોલાબા વુડ્સમાં પણ ત્રીસ હજાર જેટલાં બીજાં વૃક્ષો રોપ્યાં. ગોદરેજ કંપની સાથે મળીને સવા લાખ જેટલાં વૃક્ષો ઉમરગામ પાસેના દરિયાકિનારે વાવ્યાં જે દરિયાના જળસ્તરને મેઇન્ટેન કરવાનું કામ કરી શકે. અત્યારે પણ અનુજા જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ફાઉન્ડેશનના સપોર્ટથી એક લાખ વૃક્ષ મિયાવાકી પદ્ધતિથી લગાડવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગોવા ઍરપોર્ટ પાસે એકાવન હજાર વૃક્ષો વાવીને મિયાવાકી ફૉરેસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને સૌથી ચૅલેન્જિંગ પ્રોજેક્ટ એટલે કેમિકલ ફૅક્ટરીઓનું હબ ગણાતા અને જ્યાંનાં હવા-પાણી કેમિકલ્સને કારણે ખરાબ થઈ ગયાં છે એ તળોજામાં મિયાવાકી ફૉરેસ્ટ બનાવવાનો પ્રોજેક્ટ તેણે તૈયાર કર્યો છે.

નષ્ટ થઈ રહેલાં જંગલો ઝડપથી ઊભાં થાય એવું ઇચ્છો છો?

મિયાવાકી એ વૃક્ષોને ઝડપી ઉગાડીને ઓછા સમયમાં જંગલ બનાવવાની સૌથી ઇફેક્ટિવ પદ્ધતિ છે પણ એમાંય ઘણા પડકાર છે એની સ્પષ્ટતા કરતાં અનુજા સંઘવી કહે છે, ‘તમે જે કામ ૧૦૦ વર્ષે પરંપરાગત પદ્ધતિથી કરો એ મિયાવાકી પદ્ધતિથી ૧૦ વર્ષમાં થઈ શકે. ઉજ્જડ અને રસકસવાળી જમીનમાં પણ શ્રેષ્ઠ પરિણામ આ પદ્ધતિમાં અમને મળ્યું છે. જપાનની આ પદ્ધતિમાં ત્રણ ફુટ જેટલી જમીનને ઉપર-નીચે કરીને તમે માટીને થોડી હલાવતા હો છો. એ પછી એ જમીનમાં કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ જેવું ઑર્ગેનિક મટીરિયલ ઉમેરીને પછી મીડિયમ સાઇઝના પ્લાન્ટ્સનું રોપણ કરવાનું હોય છે. અહીં તમારે બે એકસરખા પ્લાન્ટ બાજુબાજુમાં નથી રોપવાના એ મહત્ત્વનું છે. એક ફૂલનો પ્લાન્ટ તો બીજો ફળનો, પછી કોઈ વેલો પછી કોઈ જુદો પ્લાન્ટ. લગભગ ૨૦ મીટરના અંતર પછી તમે સેમ પ્લાન્ટ રોપી શકો. પ્લાન્ટ્સ નજીક-નજીક રોપવાના હોય, પણ જુદી-જુદી વરાઇટીના હોય એ મહત્ત્વનું છે. આ પદ્ધતિથી થતી રોપણીમાં ગ્રોથ પણ ઝડપથી થાય અને જે-તે ઝાડનાં મૂળિયાં પણ ઊંડાં જાય. આજે જ્યારે આપણે રેસ અગેઇન્સ્ટ ધ ટાઇમને જીવી રહ્યા છીએ ત્યારે નષ્ટ થઈ રહેલાં જંગલો ઝડપથી ઊભાં થાય એ મહત્ત્વનું છે. તમે વિચાર કરો કે ૮૦ ટકા જંગલની જમીનમાંથી અત્યારે માત્ર ૨૦ ટકા જમીન પર જંગલ બચ્યાં છે. બાકી આપણે ખૂબ ભયંકર રીતે જંગલનું નિકંદન કાઢ્યું છે. એ સમયે તો આ પદ્ધતિ આશીર્વાદ સમાન છે. ત્રણ વર્ષમાં સરખી માવજત મળે તો ૨૦ ફુટની લંબાઈનાં ઝાડ ઊગી જાય છે. મુંબઈમાં તો આ પ્રકારનાં મિયાવાકી ફૉરેસ્ટ જેટલાં ઊભાં કરી શકાય એટલાં ઊભાં કરવાના પ્રયાસ કરવા જોઈએ જે આવનારા સમયમાં વધી રહેલી ગરમીથી અને પૂરથી આપણી રક્ષા કરશે. ગામડામાં પણ હવે કમ્યુનિટી ફૉરેસ્ટ ઊભાં કરવાની આવશ્યકતા છે.’

columnists gujarati mid-day south mumbai gujaratis of mumbai world environment day environment