18 June, 2024 09:16 AM IST | Ahmedabad | Rashmin Shah
હિતેશ પટણી
તમે કોઈને દયનીય પરિસ્થિતિમાં જુઓ અને તમારી આંખો ભરાઈ આવે તો સમજી શકાય પણ કોઈને દયનીય પરિસ્થિતિમાં જોયા પછી પણ તેનામાં રહેલી ટૅલન્ટને તમે પારખી જાઓ તો તમને કયા સ્તરનું તાજ્જુબ થાય? તાજ્જુબ થયા પછી તમે શું કરો?
આ અને આવા અનેક સવાલના જવાબ આપવાનું કામ લોઅર પરેલમાં રહેતાં હિતેશ પટણીએ કર્યું છે. ઑટિઝમ જેવા ઓછા ચર્ચાયેલા પણ મોટી માત્રામાં એ પ્રૉબ્લેમનો સામનો કરતાં બાળકોને ધ્યાનમાં રાખીને ત્રીસી વટાવી ચૂકેલા હિતેશે સૉન્ગ લખ્યું, જે સોશ્યલ મીડિયા અને મ્યુઝિક-ઍપ પર ધૂમ મચાવે છે. હિતેશે લખેલા એ અન્ડરડૉગ
ટાઇટલ-સૉન્ગને અત્યાર સુધી અલગ-અલગ પ્લૅટફૉર્મ પર ૧૦ લાખથી વધુ લાઇક મળી ચૂકી છે. હિતેશ કહે છે, ‘લાઇક કે રેવન્યુના હેતુથી મેં આ સૉન્ગ તૈયાર જ નહોતું કર્યું. મેં તો માત્ર એ સમજાવવા માટે આ સૉન્ગ તૈયાર કર્યું કે એ બાળકોની ભાવનાને આપણે દિલથી સમજી શકીએ. મેં તો ઑટિઝમનાં એક પણ બાળકને જોયાં નહોતાં કે અમારા પરિવારમાં પણ અમે આ પ્રૉબ્લેમ જોયો નહોતો એટલે હું પણ આ તકલીફ સહન કરતા લોકો વિશે બહુ ઓછું જાણતો હતો પણ તેમને મળ્યા પછી, જોયા પછી મને કહેવાનું મન થયું કે આ કોઈ એવો મેજર પ્રૉબ્લેમ નથી કે દુનિયા એનાથી અંતર રાખે. બસ, એટલું જ છે કે એ સ્લો લર્નર છે અને સ્લો લર્નર હોવાને કારણે તેમનામાં કૉન્ફિડન્સનો થોડો અભાવ છે, પણ એ બધા વચ્ચે તેમનામાં ઈશ્વરે ટૅલન્ટ પણ ખૂબ ભર્યું છે.’
કેમ ખબર પડી ટૅલન્ટની?
હિતેશ પટણીનો જન્મ અમદાવાદમાં અને કર્મભૂમિ મુંબઈ. મ્યુઝિક-મેકિંગનો જબરદસ્ત શોખ ધરાવતા હિતેશે અગાઉ કેટલાંક સિંગલ્સ બનાવ્યાં હતાં તો અનેક નામી મ્યુઝિક-ડિરેક્ટર માટે કામ પણ કર્યું છે. કેવી રીતે ઑટિઝમનું ગીત તૈયાર કરવાનું મનમાં આવ્યું એ વિશે વાત કરતાં હિતેશ કહે છે, ‘ઑલમોસ્ટ બે વર્ષ પહેલાંની વાત છે. હું મારી એક ફ્રેન્ડ સાથે અમદાવાદ ગયો. મારી એ ફ્રેન્ડની કઝિનને ઑટિઝમ હોવાને કારણે અમારે તેને લઈને થેરપી-ક્લિનિક લઈ જવાનું બન્યું. ત્યાં જઈને હું ફૉર્મ ભરતો હતો ત્યાં મારા કાનમાં બીટ સંભળાઈ. મેં થોડું ધ્યાન આપ્યું અને પછી હું ફરી ફૉર્મ ભરવામાં લાગી ગયો. હજી તો અડધી મિનિટ થઈ હશે ત્યાં તો ધીન ધીન ધા, ધીન ધીન ધા... કરતી બીટ-બૉક્સિંગનો અવાજ મારા કાને આવ્યો. જે પ્રકારે રાગમાં એ બીટ-બૉક્સિંગ ચાલતી હતી એ જોઈને મેં આજુબાજુ જોયું તો આઠેક વર્ષનો એક છોકરો બેઠો-બેઠો મોઢેથી વગાડતો હતો. ક્લિનિકની ફૉર્માલિટી પડતી મૂકીને હું પેલા છોકરા પાસે ગયો અને જઈને મેં તેને પૂછ્યું કે તમારું નામ શું છે તો બાજુમાં બેઠેલી મમ્મીએ મને કહ્યું કે તે બોલી નથી શકતો. આઇ વૉઝ સરપ્રાઇઝ્ડ કે તે બોલતો નથી તો પછી આ કેવી રીતે કરી શકે?’
જોયેલો એ છોકરો અને સાંભળેલી એ બીટ-બૉક્સિંગે હિતેશના મનમાં ઘર કરી લીધું. હિતેશ કહે છે, ‘મને પહેલી વાર સમજાયું કે ઑટિઝમ પ્રૉબ્લેમ નથી, પણ જો એને તમે સમજવાની કોશિશ કરો તો એ વરદાન બની શકે છે. મુંબઈ આવીને મેં નક્કી કર્યું કે મારે એ બાળકોની વાત લોકો સુધી લઈ જવી જોઈએ અને તેમના મનમાં શું ચાલતું હશે એ વાત મારે બધાને મ્યુઝિક-થ્રૂ કહેવી જોઈએ. મેં ટ્રાય શરૂ કરી, પણ કંઈ લખાતું નહોતું. મારે કરવું હતું રૅપ સૉન્ગ, કારણ કે બાળકોમાં રૅપ પૉપ્યુલર છે.’ હિતેશ લખવાની ટ્રાય કરે પણ કાગળ પર એવું કંઈ અસરકારક આવે નહીં એટલે તેણે એક રસ્તો અપનાવ્યો.
શું હતો એ રસ્તો?
હિતેશ પટણીએ મનોમન નક્કી કરી લીધું કે જ્યાં સુધી હવે લિરિક્સ લખાશે નહીં ત્યાં સુધી હવે તે ઑટિઝમ બાળકની જેમ વર્તશે. હિતેશ કહે છે, ‘પહેલાં તો મેં નેટ પર બહુ રિસર્ચ કર્યું અને પછી મારી ફ્રેન્ડની કઝિનની બૉડી અને માઇન્ડ-લૅન્ગ્વેજને મેં મારામાં ઉતારીને એ રીતે રહેવાનું શરૂ કરી દીધું. ઘરમાં પણ હું એવી જ રીતે રહું. ધીમે-ધીમે હું એક વાત સમજ્યો કે ઑટિઝમ ફેસ કરતાં બાળકો સ્લો લર્નર છે અને એને લીધે તેમનામાં કૉન્ફિડન્સનો અભાવ હોય છે જેને કારણે મોટા ભાગના છોકરાઓ આઇ-કૉન્ટૅક્ટ ટાળે છે. બસ, મને ફીલિંગ્સ સમજાવી શરૂ થઈ એટલે મેં એને લિરિક્સમાં લેવાનું શરૂ કર્યું.’
હિતેશે આ સિંગલને ટાઇટલ આપ્યું છે ‘અન્ડરડૉગ’. હિતેશ કહે છે, ‘ખરેખર ઑટિઝમ ચાઇલ્ડ અન્ડરડૉગ જેવાં છે, જે તેનામાં રહેલી હિડન ટૅલન્ટને તમે ઓળખી લો અને પછી એના પર કામ કરો તો એ બચ્ચાંઓ બહુ દૂર સુધી પહોંચી શકે છે. ડેટા કેટલો સાચો એની તો મને નથી ખબર, પણ નેટ પર સર્ફિંગ કરતાં મેં વાંચ્યું કે ટેસ્લાનો માલિક ઇલૉન મસ્ક પણ ઑટિઝમ ચાઇલ્ડ છે અને મેં એવું પણ વાંચ્યું કે દુનિયાના બેસ્ટ સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાન પણ ઑટિઝમ પ્રૉબ્લેમ ફેસ કરતા હતા, પણ તેમના હિડન ટૅલન્ટની તેમને ખબર પડી ગઈ અને આજે તેઓ ક્યાં પહોંચી ગયા.’
‘અન્ડરડૉગ’ સૉન્ગ માટે અનેક કંપનીઓ ખર્ચ કરવા તૈયાર હતી તો કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી, પણ હિતેશે નક્કી કરી રાખ્યું હતું કે આ સૉન્ગ તે ઇન્કમ માટે નહીં, બચ્ચાંઓની લાગણી પહોંચાડવા માટે જ કરશે એટલે તેણે સૉન્ગ પોતાની સેવિંગ્સમાંથી જ પ્રોડ્યુસ કર્યું. હિતેશ કહે છે, ‘લિરિસિસ્ટ હું, સિંગર હું અને મ્યુઝિકનું કમ્પોઝિશન પણ મારું હતું એટલે એક લાખથી પણ ઓછા ખર્ચમાં આ સૉન્ગ પ્રોડ્યુસ થઈ શક્યું પણ મને ખુશી એ વાતની છે કે મારે જે કહેવું હતું એ હું કહી શક્યો છું.’ ૨૦૨૩માં રિલીઝ થયેલા ‘અન્ડરડૉગ’ના શબ્દો વાંચશો તો તમે પણ કહેશો કે હા, ઑટિઝમ ચાઇલ્ડનાં ઇમોશન્સને વાચા આપવાનું કામ બખૂબી થયું છે.