કાતિલ કાર્ટેલ... મેક્સિકોના ખૂંખાર ડ્રગ લૉર્ડ‍્સ સાથે એક પત્રકાર પંગો લે છે ત્યારે (પ્રકરણ 27)

11 May, 2024 06:52 AM IST  |  Mumbai | Bharat Ghelani, Parth Nanavati

આખી વાર્તા અહીં વાંચો

પ્રતીકાત્મક તસવીર

‘બાય ધ વે...’ 
અનુપ સામે આંખ મિંચકારીસહેજ સ્મિત રમાડી બિપિન મારુએ ભાનુને પૂછ્યું :
‘તારા આ અનુપભઈનું એક ટૉપ સીક્રેટ કહું?’ 
પ્રેસ-કૉન્ફરન્સમાં મચેલી અફરાતફરી પછી અનુપ, ભાનુ અને બિપિન મારુ સિવિલ હૉસ્પિટલમાં અનુપની ડીલક્સ રૂમમાં પરત આવ્યા. બ્રેકિંગ ન્યુઝની જબરદસ્ત સફળતાથી ‘પૉઇન્ટ બ્લૅન્ક’ વીકલીના તંત્રી તરીકે બિપિન મારુ જબરા ખુશ હતા. ભાનુ પણ નહોતો માની શકતો કે આવા ગજબનાક બ્રેકિંગ ન્યુઝમાં તે પણ સામેલ હતો. 
એ જ વખતે બિપિન મારુએ ભાનુને અચાનક પૂછ્યું :
‘બાય ધ વે, તને તારા આ અનુપભઈનું એક ટૉપ સીક્રેટ કહું?’ 
 ભાનુને નવાઈ લાગી : ‘હવે તે વળી અનુપભઈનું બીજું ટૉપ સીક્રેટ શું હશે?’ 
‘સાંભળ, આ વાત મેં અને અનુપે તારાથી અને અનેકથી પણ છુપાવી હતી.’
ભાનુના ચહેરા અને આંખોમાં વિસ્મય પ્રગટ્યું : ‘શું?’

બિપિન મારુએ વાત આગળ વધારી : 
‘અનુપે એ રાતે સુભાષ બ્રિજ પરથી સાબરમતીમાં છલાંગ મારી ત્યારે તે ગંભીર ઘવાયો-બેહોશીમાંથી કોમામાં જતો રહ્યો પછી એવી કટોકટી સર્જાઈ કે તેને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો. બ્રેઇનનું બીજું ઑપરેશન પણ કરવું પડે. સદ્ભાગ્યે સમયસરની સચોટ સરવારથી તે કોમામાંથી તરત જ બહાર આવી ગયો ત્યારે ‘સિવિલ’ના ડીન-ડૉક્ટર ટીમને અમે વિશ્વાસમાં લઈને બહાર એવી જ વાત ફેલાવી કે ‘અનુપ હજી કોમામાં છે, વેન્ટિલેટર પર છે ને તેની હાલત બહુ જ ગંભીર છે. ક્રિટિકલ છે.’ 
‘પણ આમ કરવાનું કારણ શું?’ ભાનુ હજી પણ અવઢવમાં હતો.
‘કારણ હતું...’ 
હવે અનુપે વાતનો દોર સાધી લેતાં ઉમેર્યું : 

‘પેલા પ્રધાનના માણસો કે તેના પાળેલા પેલા ખાખી વર્દીવાળા પોલીસ ગુંડા ફુટેજવાળો મોબાઇલ ન મળે તો એની શોધમાં અહીં આવી હૉસ્પિટલમાં પહોંચીને મારું એન્કાઉન્ટર પણ કરી નાખે! તેમને ઊંધા માર્ગે દોરવા બિપિનસર બહાર અને મીડિયામાં ખોટા ખબરફેલાવતા રહ્યા કે અનુપના બચવાના ચાન્સ બહુ ઓછા છે.’ 
સહેજ શ્વાસ લેવા અનુપ થોભ્યો એટલે બિપિન મારુએ વાત આગળ વધારી : 
‘આ તરફ તું મોબાઇલની શોધમાં લાગી ગયો હતો એટલે પ્રધાનનો જમાઈ-નતાશા અનેપોલીસવાળા તારી પાછળ લાગી ગયાં અને એ દરમિયાન અનુપ થોડો સ્વસ્થ થયો એટલે અમે અહીં હૉસ્પિટલમાં જ સાથે મળીને મોબાઇલના ઓરિજનલ ફુટેજને એડિટ કરતા ગયા અનેઅનુપની સ્ટોરી-કૉમેન્ટરી એમાં ઉમેરતા ગયા, કારણ કે આ સ્ટોરી એવી હૉટ થઈ ગઈ હતી કે એને વધુ છુપાવી શકાય એમ નહોતી. ગમે ત્યારે ધડાકો કરવો પડે ને સમય આપણી પાસે બહુ ઓછો રહ્યો હતો.’
‘ઓ... આટલી બધી તૈયારી ને એ પણ આટલી ગુપચુપ?’ 
 ‘યેસ, પત્રકાર સજ્જ હોય ને તંત્રી સજાગ હોય ત્યારે જ આવા બ્રેકિંગ ન્યુઝ આપી શકાય!’ 
 થાક્યો હોવા છતાં અનુપના ચહેરા પર કામ સારી રીતે પૂરું કર્યાનો સંતોષ હતો. બિપિન મારુ તેની આ નવી સિદ્ધિથી સાતમા આસમાને હતો ને આ બધું સાંભળીને ભાનુ તો ચકિત સાથે અવાક હતો.
અનુપ-બિપિન મારુનું સીક્રેટ સાંભળી ભાનુ ચકિત થઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ પ્રધાનના જમાઈ ડૉ. સમીર ખોખાણી અને ટીવી-ચૅનલ ‘ન્યુઝ નાઓ’ની બ્યુરો ચીફ નતાશા ગર્ગને પણ ચકિત કરવા CBIની ટીમ પાળજ ફાર્મહાઉસમાં પ્રવેશી ચૂકી હતી!

‘સમીર, સમીર ઊઠ.’ પીઠ-ગળે ડ્રેસિંગ કરેલી નતાશાએ પાસેના સોફા પર પડેલા સમીરને ઢંઢોળ્યો.
 વૉડકા-પેઇનકિલર અને ઊંઘની ટૅબ્લેટ્સના કૉકટેલથી લથબથ ઘેને ચડી ગયેલા સમીરને છેલ્લા કલાકોમાં તેની આસપાસની દુનિયામાં કેવો તહેલકો મચી ગયો છે એની કોઈ જ ખબર નહોતી. નતાશાની હાલત પણ એવી જ હતી. આ તો તેની દેખરેખ માટે રહેલી નર્સે તેને ઉઠાડી ટીવી પરના ન્યુઝ દેખાડ્યા ત્યારે શું બની ગયું છે એનું ભાન નતાશાને થયું.
‘શું થયું બેબી?’ સમીરે બીડેલી આંખો માંડ અડધી ખોલીને પૂછ્યું.
‘સર, હમ બેબી નહીં, હમ બાબા હૈ. ઔર આપ કો લેને આએ હૈં. આઇ ઍમ યજ્ઞેશ ત્રિપાઠી ફ્રૉમ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન.’
સામે ઊભેલી પોલીસ અને CBIની ટીમ જોઈને સમીરનું ઘેન તત્કાલ ઊતરી ગયું.
સમીર અને નતાશાની હાલત જોઈને ત્રિપાઠીએ ઍમ્બ્યુલન્સ મગાવી ને બન્નેને ગાંધીનગરની સરકારી હૉસ્પિટલમાં પોલીસની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કર્યાં.

‘મોમિન સાહેબ, કહું છું આપણે હાઈ કોર્ટમાં જઈને આગોતરા જામીન લઈ લઈએ. મારો ભાણેજ વકીલ છે. તેની પાસે પહોંચી જઈએ.’ મહીડાએ કહ્યું.
સમીરની સૂચના મુજબ બન્ટી અને સુખદેવને લઈને પાળજના સૂર્યા ફાર્મહાઉસ પરએ બન્ને પહોંચેલા. સાથે લાવેલા બન્ટી અને સુખદેવને એક ઓરડીમાં ધકેલી દીધા હતા. 
 એ જ ફાર્મહાઉસની પાછળ આવેલા આઉટહાઉસમાં ઊભી કરેલી એક લૅબમાં પ્રધાનનો પુત્ર સાવન તેના નવા દોસ્ત પાટીલ સાથે ક્રિસ્ટલ મૅથ બનાવવાના પ્રયોગ કરવામાં વ્યસ્ત હતો.
 સિનિયર ઇન્સ્પેક્ટર મોમિનના સાળાએ વૉટ્સઍપ પર તેને અનુપની પ્રેસ-કૉન્ફરન્સ અને પ્રધાનની ધરપકડના વિડિયો ફૉર્વર્ડ કર્યા. મોમિનને એ સમાચાર જાણવા મળ્યા ત્યારથી તે અને મહીડા વૉડકાની બૉટલ ખોલીને ટીવી સામે ખોડાઈ ગયેલા. 
‘દોસ્ત મહીડા, હવે બહુ મોડું થઈ ગયું છે. હાઈ કોર્ટથી આગોતરા જામીનની ગોઠવણ કરીએ એ પહેલાં CBIવાળા આપણને ઝડપી લેશે.’ 
મોમિનના અવાજમાં ચોખ્ખી નિરાશા છલકાતી હતી. સહેજ વિચારીને તેણે મહીડાને કહ્યું : 
 ‘તમે એક કામ કરો, પેલા બન્નેને છોડી દો. તેમને આ બે હજાર રૂપિયા આપીને કહો કે ભાગી જાય અહીંથી!’ મોમિને પાકીટમાંથી રૂપિયા કાઢતાં કહ્યું.
 મ્યુનિસિપાલિટીના પાંજરામાંથી છૂટેલા કૂતરાની જેમ ભયભીત એવા બન્ટી અને સુખદેવ ફાર્મહાઉસમાંથી દોડતા બહાર નીકળ્યા ને ક્યાંય સુધી દોડતા-ભાગતા રહ્યા..
 તેમના ગયા બાદ મોમિને અને મહીડાએ પોતપોતાના ઘરે ફોન કરીને જણાવી દીધું કે ‘અમે એક ખાસ ડ્યુટી પર છીએ. અમારો કૉન્ટૅક્ટ ન કરવો. અમે સામેથી કરીશું.’ 
આ પછી ફાર્મહાઉસમાં ખાંખાંખોળા કરીને પ્રધાનના બેડરૂમની એક છૂપી તિજોરી શોધી કાઢી. એને જેમ-તેમ કરીને તોડી. પછી એમાં રહેલા દસ-બાર લાખની રોકડ અને થોડાંસોનાનાં બિસ્કિટ લઈને મોમિન-મહીડાએ વેશપલટો કર્યો. લુંગી, ગંજી અને માથે ફાળિયું બાંધીને ફાર્મહાઉસની પાછળના ખેતરમાંથી સરકી ગયા.

 પ્રધાનના ફાર્મહાઉસ પરથી લૂંટ કરીને ભાગેલા ઇન્સ્પેક્ટરમોમિન અને મહીડા પાળજ ગામના પાદરે હજી માંડ પહોંચ્યા હશે એ જ વખતે પ્રધાનના ફાર્મહાઉસના આઉટહાઉસમાં જબરદસ્તવિસ્ફોટથયો. એ એટલો જોરદાર હતો કે આઉટહાઉસની સાથે-સાથે આગળ આવેલાફાર્મહાઉસની ઇમારતનાય ફુરચેફુરચા ઊડી ગયા. સાથે આગની જ્વાળા ભભૂકી ઊઠી.
આ દુર્ઘટના બની એ પહેલાં આઉટહાઉસમાં પ્રધાનનો પુત્ર સાવન અને તેનો દોસ્ત પાટીલ બન્ને ત્યાં ક્રિસ્ટલ મૅથ બનાવવાના પ્રયોગ કરવામાં વ્યસ્ત હતા.
 એ જ વખતે પ્રધાનના એક સચિવે દિલ્હીથી સાવનને ફોન કરીને બ્રેકિંગ ન્યુઝ અનેપ્રધાનની અરેસ્ટ વગેરેની માહિતી આપીને ફાર્મહાઉસમાંથી તાત્કાલિક છટકી જવા કહ્યું. આ સમાચાર મળતાં ત્યાંથી ભાગી જવાની ઉતાવળમાં ક્રિસ્ટલ મૅથ બનાવવાનો પ્રયોગ સમેટી લેવાને બદલે સાવન બધું ત્યાં જ પડતું મૂકીને ઉતાવળે ભાગવા ગયો ત્યાં જ વિનાશક વિસ્ફોટ થયો એની અગ્નિજવાળામાં સાવન અને પાટીલ બન્ને સપડાઈ ગયા. એ સાથે પ્રધાનજીના એક નઠારા વંશજ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

 રાજકારણમાં કેન્દ્ર-રાજ્ય કક્ષાના પ્રધાન જયરાજ પટેલની ગણના એક વગદાર વ્યક્તિ તરીકે થતી. તેમની ધરપકડથી દેશના રાજકારણમાં એક રીતે ભૂકંપ જ આવ્યો હતો. અનુપ રાજ્યગુરુના રહસ્યસ્ફોટ પછી ટીવી-ઍન્કરોની ભાષામાં કહીએ તો કેન્દ્ર સરકારની સંખ્યાબંધ એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. CBIથી લઈને મની લૉન્ડરિંગ માટે એન્ફોર્સમેન્ટડિરેક્ટરેટ (ED), ઇન્કમ-ટૅક્સ, રિઝર્વ બૅન્ક એ ઉપરાંત મેક્સિકો ડ્રગ લૉર્ડ્સનો ગુજરાતમાં પગપેસારો થઈ ગયો હતો એટલે નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો (NCB) પણ સપાટાબંધ કામે લાગી ગયો હતો. 
ત્રણેક મહિના બાદ...
મની લૉન્ડરિંગ અને ડ્રગ્સ કાંડ ઉપરાંત અન્ય અનેક આરોપોની ચાર્જશીટ સાથે જયરાજ પટેલને દિલ્હીથી અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેમના જમાઈડૉ. સમીર ખોખાણીને પાલનપુરની જેલમાં મોકલવામાં આવ્યો.
ઠેર ઠેર દરોડ પાડીને પ્રધાનની નામી-બેનામી મિલકત-બૅન્ક અકાઉન્ટ્સ EDએ સીલ કર્યાં છે. RBIએ ‘સૂર્યા સહકારી બૅન્ક’નું લાઇસન્સ રદ કરીને એને બંધ કરાવી દીધી છે.
સસરા-જમાઈ પર આરોપનામાં ઘડાઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ સુધ્ધાંએ તેમનીજામીનની અરજી ફગાવી દીધી છે.
નતાશા ગર્ગ વધુ સ્માર્ટ નીકળી. ટોચની લીગલ ટીમની સલાહ લઈને પોતાના બચાવમાં એવું બ્યાન આપ્યું કે પ્રધાન અને તેના જમાઈના કૌભાંડનો પર્દાફાશ કરવા એક પત્રકાર તરીકે તેણેસમીર સાથે ‘હૂંફાળા’ સંબંધ કેળવ્યા હતા. બાકી તે ડ્ર્ગ્સ કે મની લૉન્ડરિંગમાં ક્યાંય સંડોવાઈ નથી.જરૂર પડે તે તાજની સાક્ષી બનવા તૈયાર છે! 
આ દરમિયાન ‘ન્યુઝ નાઓ’ ચૅનલવાળા તેને બ્યુરો ચીફ તરીકે દૂર કરે એ પહેલાં નતાશાએ ખુદ સામેથી જૉબ છોડી દીધી છે!
પત્રકાર જગતમાં રાતોરાત આગવી નામના મેળવનારા અનુપ રાજ્યગુરુની નિમણૂક હવે
ટીવી-ચૅનલ ‘ ન્યુઝ નાઓ’ના બ્યુરો ચીફ તરીકે કરવામાં આવી છે.
ભાનુને ‘પૉઇન્ટ બ્લૅન્ક’ વીકલીમાં જુનિયર રિપોર્ટર તરીકે બિપિન મારુએ જૉબ આપી છે. તે હવે સાંજની કૉલેજમાં જર્નલિઝમનો ડિપ્લોમા કરે છે.
પ્રધાનની દીકરી - સમીરની પત્ની સંગીતાએ પ્રધાનનો રડ્યો-ખડ્યો કારભાર સાંભળી લીધો છે ને સમીરને ડિવૉર્સની નોટિસ ફટકારી છે.
અજય ગણાત્રા હવે સંગીતાનો રાઇટ હૅન્ડ બની તેની સાથે જોડાઈ ગયો છે.
 વેશપલટો કર્યો હોવા છતાં મોમિન અને મહીડા રાજસ્થાન બૉર્ડર પર ઝડપાઈ ગયા પછીકેસ પતે નહીં ત્યાં સુધી તેમને સર્વિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 ભાનુ સાથે પ્રધાનની મર્સિડીઝમાં છુપાઈને સપના વૉટર પાર્ક પહોંચેલો ભોલા તિવારી ત્યાંની લોહિયાળ લીલા જોયા પછી પોલીસ આવે એ પહેલાં ઘટનાસ્થળથી પ્રધાનની મર્સિડીઝમાં સડસડાટ અમદાવાદ પહોંચી ગયો હતો. આ વાત તેણે પ્રેસ-કૉન્ફરન્સ પછી ભાનુને કહી અને સાથે સોગંદ ખાધા કે કોઈનો મોબાઇલ તફડાવવાનો નહીં! 
 બે પોલીસવાળા પાસેથી માંડ છટકવા મળ્યું પછી બન્ટીએ પણ કસમ ખાધા કે મોબાઇલ લે-વેચનો બેનંબરી ધંધો ક્યારેય ન કરવો.
 ઘવાયેલો આર્મેન્ડો આજકાલ જયપુરમાં નાર્કોટિક્સ બ્યુરોના સેફ હાઉસનો મહેમાન બની મેક્સિકોના સિનોલિના કાર્ટેલનાં રહસ્યો છતાં કરી રહ્યો છે. એ બધી માહિતી ઇન્ટરપોલને પહોંચાડવામાં આવી છે. પરિણામે દુનિયાભરના સિનોલિના કાર્ટેલના ડ્રગ અને મની લૉન્ડરિંગના કામકાજ પર ભીંસ વધી ગઈ છે.
આર્મેન્ડોનો સાથી હ્યુગો પોલીસની નજરથી છટકીને વાયાનેપાલ પૂર્વ યુરોપના કોઈ શહેરમાં છુપાયો છે.
મેક્સિકોના ડ્રગ લૉર્ડ્સના કહેવાથી આર્મેન્ડો–હ્યુગોને અમદાવાદ ઍરપોર્ટ પર કોણે ઘાતક શસ્ત્રો સપ્લાય કર્યાં એનું પગેરું પણ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે શોધી કાઢીને રાજસ્થાનમાંથીસપ્લાયરની ગૅન્ગને ઝબ્બે કરી છે. 
અનુપ રાજગુરુ નામના એક ગુજરાતી પત્રકારે વિશ્વના સૌથી મોટા ડ્રગ કાર્ટેલની આવી હાલત કરી છે એ વાત કાર્ટેલના બૉસ અલ લોકોના માન્યામાં નથી આવતી. બધું શાંત પડે પછી કોઈ શાર્પશૂટરને ભારત મોકલી પેલા પત્રકાર અનુપને પતાવી દેવાનો તે પ્લાન ઘડી રહ્યો છે...

આ દરમિયાન ૧૧ કરોડની કૅશ લઈને પોતાના બે સાથી અમરીશ અને સુનીલ સાથે ભાગેલી શાલિનીનું શું થયું? 
એ જાણવા માટે થોડા ફ્લૅશબૅકમાં 
જવું પડશે...
એ રાતે સપના વૉટર પાર્કના શૂટઆઉટ બાદ શાલિની-અમરીશ-સુનીલ ભાગ્યાં પછી રતલામ-મુંબઈ હાઇવે પરના એક પંજાબી ઢાબા પાસે બીજી બપોરે તેઓ રોકાયાં. ત્યાં જ ત્રણેયે લંચ લીધું. ઢળતી સાંજે ઢાબાના આગળના ભાગમાં ટ્રક-ડ્રાઇવરોના આરામ માટે મૂકેલા ખાટલા પર સૂતેલો અમરીશ સફાળો જાગ્યો પછી બાજુના ખાટલા પર પડેલા સુનીલને તેણે ઢંઢોળીને ઉઠાડ્યો. આસપાસ શાલિની કયાંય દેખાતી નહોતી.
‘સુનીલિયા.. ઊઠ.. શાલિની ક્યાં ગઈ?’
સુનીલે ચોતરફ નજર ફેરવી. શાલિની નજરે ન ચડી, પણ તેની નજર ખાટલાની નીચે પડેલી શાલિનીના મોટા દુપટ્ટા જેવા કપડાની પોટલી પર પડી હતી. બન્નેએ એને ખોલીને જોયું તો એમાં કરન્સીનાં ઘણાંબધાં બંડલ હતાં. 
 ‘આ શું છે?’ બન્નેએ એકમેકની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. ત્યાં બન્નેના મોબાઇલ એકસાથે બીપ થયા અને બન્નેની મોબાઇલ સ્ક્રીન પર શાલિનીનો ચહેરો પ્રગટ્યો અને એની રેકૉર્ડેડ વૉઇસ નોટ શરૂ થઈ : હાઇ ડિયર અમુ ઍન્ડ સુનીલ : આ સાથે તમારા બન્ને માટે ૧૦ લાખ મૂકીને જાઉં છું. તમારી વાત સાચી છે, આ તમારી ગેમ નથી. આમ છતાં આ ગેમમાં મનેહેલ્પ કરવા માટે થૅન્ક્સ... ચાલો, કિસ્મતમાં હશે તો ફરી ક્યારેક મળીશું. ત્યાં સુધી ડોન્ટ મિસ મી. લવ! 
- શાલિની
 બન્ને સમજી ગયા કે શાલિની તેમને આબાદ લલ્લુ બનાવી ગઈ. થોડા કલાક પહેલાં અહીં લંચ-બ્રેક લીધો ત્યારે ૧૧ કરોડના દલ્લાની ઉજવણીરૂપે શાલિનીએ આગ્રહ કરીને બન્નેને પીવરાવેલી વ્હિસ્કીમાં શાણી શાલિનીએ ઊંઘની ગોળીઓ ભેળવી દીધેલી. એ બન્ને ઘેનમાં ત્યાં જ ઢળી ગયા પછી આ કાંડમાં સાથ આપવા બદલ તેમની ‘મહેનત’ના ૧૦ લાખ રૂપિયા મૂકી જઈને શાલિની બાકીના ૧૦ કરોડ ૯૦ લાખ લઈને હવામાં ઓગળી ગઈ હતી! 
(સમાપ્ત)

નવલકથા પાછળની કથા...
એક વાક્યમાં અમારે કહેવું હોય તો : 
 ‘જબરો જલસો પડી ગયો અમને આ ક્રાઇમકથા આલેખવામાં!’ 
 આ કથા આમ તો ૨૦ પ્રકરણના ઇરાદા સાથે શરૂ કરી હતી, પણ ‘મિડ-ડે’ પ્રિન્ટ તેમ જ ઈ-પેપરના અનેક-અનેક વાચકો (વત્તા અમારા ફેસબુક-વૉટ્સઍપ ગ્રુપનાં વર્તુળો)ને આ કથા ગમી છે એવા પડઘા પડતા રહ્યા પછી અમને બીજાં ૭ પ્રકરણ ઉમેરવાની ‘વરદી’ મળી એમાં અમને સર્જકોને જસ્ટ જલસો પડી ગયો.
આ અગાઉ ‘મિડ-ડે’ માટે અમે ચાર પ્રકરણની મિની નૉવેલ (ખેલ ખતરનાક) લખી હતી. એ કદાચ અમારા માટે ટી-ટ્વેન્ટી હતી તો આ ‘કાતિલ કાર્ટેલ’ વન-ડે છે. (‘ટેસ્ટ મૅચ’ પણ ક્યારેક લખાશે!) આ વખતની કથાની મજા એ હતી કે એનાં ૧૦ પ્રકરણ એકસાથે આગોતરાં લખાયા પછી પાંચ વત્તા પાંચ ઍડ્વાન્સ લખાતાં ગયાં.
(ન અમને ટેન્શન કે ન તો ‘મિડ-ડે’ તંત્રી વિભાગને ત્રાસ!)
 આની બીજી મજા એ હતી કે અમે બન્ને એક આમચી મુંબઈ-ભારતમાં તો બીજો સિડની- ઑસ્ટ્રેલિયામાં... બન્ને શહેર વચ્ચે ચાર કલાક ૩૪ મિનિટનો સમય તફાવત, પણ વૉટ્સઍપને લીધે અમે એકમેકને સાચવી લેતા એમાં સમયની એ સરહદ લોપાઈ ગઈ. 
અમારી આ ધારાવાહિક નવલની ઘટનાઓને રેખાચિત્રો દ્વારા સાકાર કરવા માટે જાણીતાચિત્રકાર જયદેવ અગ્રાવતને અહીં કેમ ભુલાય? 
આ કથા-પ્રવાસ દરમિયાન સતત અમારી સાથે રહ્યા એવા ‘મિડ-ડે’ના ભૂતપૂર્વ તંત્રી બાદલ પંડ્યા તેમ જ ફીચર-એડિટર સેજલ પટેલનો વિશેષ આ-ભા-ર. 
અને અમારી આ થ્રિલર કથાના પ્રત્યેક પ્રકરણનાં મોજથી પગેરું દબાવતા વાચકોને સૌથી ખાસમખાસ થૅન્ક યુ!

columnists gujarati mid-day