મેક્સિકોના ખૂંખાર ડ્રગ લૉર્ડ‍્સ સાથે એક પત્રકાર પંગો લે છે ત્યારે.....કાતિલ કાર્ટેલ (પ્રકરણ ૧૭)

02 March, 2024 07:06 AM IST  |  Mumbai | Parth Nanavati

હજારની સાથે અમે લોકોએ એક મોબાઇલ પણ લૂંટ્યો હતો. મારો દોસ્ત સુનીલ એ લઈને આવે છે આપને મળવા. લેટેસ્ટ મૉડલ છે અલ્ટ્રા.’ અમરીશે આજીજી કરી.

ઇલસ્ટ્રેશન

‘ઓ મૅડમ, એક્સક્યુઝ મી.’

બન્ટીએ પોતાની બાજુમાંથી પસાર થયેલી બુરખાધારી મહિલાને જોઈ. અહીં ઊભા-ઊભા રાહ જોઈને તે કંટાળી  ગયો હતો. તેને થયું કે આ મોહતરમાને પૂછી જોઉં કે ‘આ બાઇક કોની છે? અને એ વ્યક્તિ કયા ફ્લૅટમાં રહે છે?’

‘ઓ મૅડમ. એક્સક્યુઝ મી.’

બન્ટીએ બુરખામાં છુપાયેલા સુનીલને ઉદ્દેશીને ફરી કહ્યું, પણ સુનીલે એ અવાજ ન સાંભળ્યો હોય એમ અપાર્ટમેન્ટના ગેટ તરફ તેની જવાની ચાલ ઉતાવળી કરી.

આ બુરખાવાળી મોહતરમાના આવા વર્તનથી બન્ટીને સહેજ નવાઈ લાગી ને પેલીની પુરુષ જેવી ચાલથી તેને શંકા પણ પડી.

 ‘ઓ મૅમ... ઓ બેન... એક મિનિટ’ કહીને તે ઝડપથી સુનીલની પાછળ ગયો.

સુનીલે તેની પાછળથી આવતા બન્ટીને જોઈને બહારની તરફ દોટ મૂકી.

‘અરે, આ બુરખાવાળી બાઈ તો પેલો બાઇકવાળો જ છે!’ બન્ટી તેની પાછળ દોડ્યો-ચિલ્લાયો,  :

  ‘ઊભો રે’જે સાલા!’

બન્ટીએ દોડીને સુનીલનો પીછો કર્યો એટલે સુનીલે દોટ મૂકી. રાતનો સમય હોવાને કારણે રસ્તા પર નહીંવત્ અવરજવર હતી છતાં બે-ત્રણ માણસે જોયું કે બન્ટી કોઈ બુરખો પહેરેલી મહિલાની પાછળ દોડી રહ્યો છે એટલે અબળાને મદદ કરવાની ભાવનાથી એક ભાઈએ બન્ટીને આંતર્યો.

 ‘ઓ બંધુ, શું છે આ બધું?’

 ‘ઓ તું બાજુ પર ખસ.’ કહીને બન્ટીએ પેલાને ધક્કો માર્યો એટલે બંધ દુકાનના પાટિયે બેઠેલા એક માણસે આ જોયું : 

‘દવેસાહેબ, શું થયું? કોણ છે આ?’

‘અરે, આ ભાઈ કો’ક લેડીઝ માણસની પાછળ દોડે છે,’ દવેએ કહ્યું.

‘કેમ ભાઈ, શું પ્રૉબ્લેમ છે? દવેસાહેબ, પોલીસ કન્ટ્રોલમાં ફોન કરો. એ લોકો તરત આવશે.’ બીજા માણસે સલાહ આપી.

‘હા, એ બરાબર...’ કહીને દવેએ પોતાનો ફોન કાઢ્યો.

દરમિયાન આ તકનો લાભ લઈને સુનીલ એક રિક્ષામાં બેસી ગયો. બન્ટીએ એ જોયું. હવે અહીંથી સરકી જવામાં જ ભલાઈ છે. નાહક અહીં પોલીસ આવે ને ‘વેસ્પા’ની ડિકીમાંથી બૉટલ નીકળે તો બીજું લફરું.

‘સૉરી અંકલ. મારી વાઇફ હતી. ઘેરથી ગુસ્સે થઈને નીકળી છે. ઇટ્સ ઓકે. આવી જશે એ ઘેર પાછી.’ કહીને બન્ટી ફ્લૅટના કમ્પાઉન્ડમાંથી પોતાનું ‘વેસ્પા’ લઈને ત્યાંથી નીકળી ગયો.

  ‘ઘેર જઈને પેલી છમકછલ્લો શાલિનીને રિમાન્ડ પર લેવી પડશે.’ બન્ટીએ વિચાર્યું.

lll

‘બોલ તો તારી ગર્લફ્રેન્ડ સાથે મળીને તમે લોકોએ ક્યાં લૂંટ કરી?’ મહીડાએ ચાની પ્યાલી અમરીશને આપતાં પૂછ્યું.

અમરીશને લઈને મહીડા ‘હોટેલ ગોલ્ડન પામ’થી થોડે આગળ રસ્તા પર આવેલી એક ચાની લારી પર આવેલો.

‘સર, શાલિની આ લૂંટમાં સામેલ નહોતી, પણ તેણે પ્લાનિંગ કરેલું.’

‘અચ્છા! તો લૂંટમાં બીજું કોણ સામેલ હતું?’

‘સાહેબ, હું ને મારો દોસ્ત સુનીલ કોટેચા.’ અમરીશ પોપટની બોલવા માંડ્યો.

 ‘બરાબર, તો તેં અને સુનીલે મળીને ક્યાં લૂંટ કરી ને આ શાલિની કોણ છે?’

 ‘સાહેબ, આ શાલિની મારી ગર્લફ્રેન્ડ છે ને તેના કાકાને ત્યાં લૂટ કરી.’

 ‘વાહ, તો કાકાને ડાયમન્ડનો બિઝનેસ છે કે ઝવેરાતનો શોરૂમ?’ મહીડાએ સિગારેટ સળગાવી.

 ‘ના સર, મોબાઇલ વેચવા ને રિપેર કરવાની શૉપ છે એમની. મોબાઇલ ઍક્સેસરીઝ, જૂના મોબાઇલ લે-વેચનું કામ કરે છે.’

‘તો કેટલાની લૂંટ કરી?’ મહીડાને હવે ધીરે-ધીરે ક્રોધ ચડી રહ્યો હતો.

‘સાહેબ, બત્રીસ હજાર રૂપિયાની.’

 ‘એ બત્રીસ હજાર રૂપિયા અત્યારે તારી પાસે છે?’

‘ના સર, હોટેલ પર રેઇડ પડી ત્યારે એ લઈને શાલિની ત્યાંથી ભાગી ગઈ.’

 ‘વાહ, અક્કલના ઇસ્કોતરા. તારા જેવો ઉલ્લુ મેં જોયો નથી. ચાલ, ગાડીમાં

બેસ.’

‘સૉરી, સાહેબ... પણ ૩૨

હજારની સાથે અમે લોકોએ એક મોબાઇલ પણ લૂંટ્યો હતો. મારો દોસ્ત સુનીલ એ લઈને આવે છે આપને મળવા. લેટેસ્ટ મૉડલ છે અલ્ટ્રા.’ અમરીશે આજીજી કરી.

‘એ અલ્ટ્રા ફોન હું કહું ત્યાં તારી એવી જગ્યાએ ઘુસાડી દઈશ કે...! ચાલ ઊભો થા.’ અમરીશને બોચીથી પકડીને મહીડાએ તેને ઊભો કર્યો :

‘તારો ફોન અને લાઇસન્સ આપ અને ચાલતી પકડ. તારી પાસે ચોવીસ કલાક છે એક લાખ રૂપિયા ભેગા કરવા માટે. એની વ્યવસ્થા કરીને તારા ફોન પર ફોન કરજે અને હા, જો ચોવીસ કલાકમાં તારો ફોન નહીં આવે કે લાખ રૂપિયાની વ્યવસ્થા નહીં થઈ હોય તો પછી હું તને અને તારા દોસ્તને શોધીને એવી તો બજાવીશ કે તમને અફસોસ થશે કે પેદા થવા માટે!’ મહીડાના કડક ચહેરા અને કરડાકીભર્યા અવાજથી અમરીશ ધ્રૂજી ગયો.

‘હા સાહેબ, સો ટકા.’ અમરીશે પોતાનો ફોન ને ડ્રાઇવિંગ લાઇસન્સ મહીડાને સોંપી દીધા.

એ જ વખતે મહીડા પર મોમિનનો ફોન આવ્યો એટલે તેણે હાથનો ઇશારો કરીને અમરીશને રવાના પાડ્યો.

  ‘ભાઈ મહીડા, પત્યું કે નહીં તમારું રેઇડનું નાટક? યાર, તોડપાણી કરવા તમે લોકો કેવા-કેવા પેંતરા કરો છો.’ મોમિન બગડ્યો.

 ‘અરે શું પઠાણસાહેબ, તમારી જેમ મંત્રીના ઘેરથી દર મહિને નિયમિત કવર નથી આવતાને એટલે અમારે આવાં ગતકડાં કરવાં પડે... બોલો-ફરમાવો.’ મહીડાએ સામું પરખાવ્યું.

 ‘ભાઈ, મેં હૉસ્પિટલ પર તપાસ કરાવી છે. ત્યાં અનુપને લાવ્યા ત્યારે એની પાસેથી કોઈ મોબાઇલ ફોન મળ્યો નથી. મંત્રીના જમાઈની પેલી બહેનપણી નતાશા પણ કહે છે અનુપ મોબાઇલ લઈને પુલ પરથી કૂદેલો.’

‘એટલે એનો અર્થ એવો કે કાં તો ફોન પુલની નીચેના ભાગમાં પડ્યો હશે કે કોઈકને મળ્યો હશે અથવા અનુપની સાથે ને સાથે  ફરતા પેલા ભાનુ પાસે હોવો જોઈએ.’

‘એક્ઝૅક્ટ્લી. પણ જો મોબાઇલ ભાનુ પાસે હોય તો એ અત્યાર સુધીમાં કોઈ ન્યુઝ ચૅનલ પાસે પહોંચી ગયો હોત, પણ આપણા મીડિયાના સોર્સિસ પ્રમાણે એ લોકોનો કોઈએ સંપર્ક કર્યો નથી.’ મોમિને સમજાવ્યું.

 ‘પઠાણસાહેબ, આજે બહુ થાક્યો છું. એક કામ કરો, આપણે આવતી કાલે સાંજે પાછા ઘટનાસ્થળે મળીએ અને ત્યાં થોડો ધોકો ફેરવીએ.’ મહીડાએ સૂચન કર્યું.

‘હા, મેં એટલા માટે જ ફોન કર્યો છે કે તમે કાલે સાંજે મને સુભાષ બ્રિજ પર મળો.’

‘હા પણ ભઈસા’બ, તમે પેલા બે મેક્સિકન મવાલીને સાથે ન લાવતા.’ એ રાતે આર્મેન્ડોનું ‘ધાંય... ધાંય’ મહીડાને યાદ આવી ગયું.

 ‘અરે, એ બેઉને ઍરપોર્ટ પર ઉતારી દીધા ને તેમની ગન પણ

મારી પાસે છે તો કાલે સાંજે પહોંચો સુભાષ બ્રિજ.’  

lll

આ તરફ બાજા દિવસની સવારે અનુપના ફોનની ભાળ મેળવવા માટે ભાનુ રિવરફ્રન્ટ પર ગયો. ત્યાં તેના સદનસીબે પેલો ભોલો તિવારી ચાની ટપરી પર હાજર હતો.

‘ઓ ભૈયા, કેમ છો?’ ભોલા તિવારીને જોતાં જ ભાનુ ઓળખી ગયો એટલે તેણે દૂરથી બૂમ પાડી.

‘કૌન હૈ ભાઈ તૂ?’ ભોલો તિવારી અવઢવમાં હતો.

‘અરે, વો દિવસ તમે હેલ્પ કરેલાને, મારા સાહેબ કો. ઉપર સે નીચે ગિર ગયા થા... યાદ આયા?’ ભાનુએ તૂટી-ફૂટી હિન્દી-ગુજરાતીમાં કહ્યું.

‘અરે હાં.. હાં...યાદ આયા. સાંભળો, મને ગુજરાતી પણ આવડે છે. બોલો, શું કામ છે?’ ભોલા તિવારીએ જવાબ આપ્યો.

‘અરે સરસ, તો એ દિવસે મારા સાહેબ અહીં પડી ગયેલા ત્યારે તેમનો મોબાઇલ ખોવાઈ ગયેલો.

તમે જોયેલો?’

મોબાઇલની વાત નીકળતાં તિવારી સતર્ક થઈ ગયો :

      ‘ના રે, હું તો એ ભાઈની હાલત જોઈને ગભરાઈ ગયેલો...’

‘અરેરે, બહુ અગત્યનો હતો એ ફોન. એ ફોનનો જો કોઈ અતોપતો આપે તો અમારા સાહેબે એના માટે ઇનામ જાહેર કર્યું છે.’ ભાનુએ

ગુગલી નાખી.

‘ઇનામ? કેટલું ઇનામ?’ તિવારી હવે ચકરાવે ચડ્યો.

      ‘ભાઈ, ફોન આટલો મોંઘો હતો એટલે ઇનામ તો વધારે જ હોયને.’

‘અરે, પણ કેટલું ઇનામ?’ તિવારીની ઉત્સુકતા વધી.

‘૮૦ હજારથી લાખ રૂપિયા!’ ભાનુએ લેગ બ્રેક નાખ્યો. લાખ રૂપિયા જેવડી મોટી રકમ સાંભળી તિવારીનું ઈમાન હલી ગયું.

‘લાખ રૂપિયા એક ફોન માટે? બહુ મોટી રકમ કહેવાય. ચાલો, હું તપાસ કરું...’ તિવારી પણ ખેલાડી હતો. એ જલદી ક્રીઝ છોડીને લેગ બ્રેકને ફટકારે એમ નહોતો.

‘હા ભાઈ, ફોનમાં પ્રૉપર્ટીના અગત્યના કાગળો ને બીજા ડૉક્યુમેન્ટ્સ હતા. જો ફોન મળે તો અમારા સાહેબ ખુશ થઈને લાખ રૂપિયા તો અચૂક આપી દેશે.’

તિવારીની વાત સાંભળીને, તેના હાવભાવ જોઈને ભાનુને ખ્યાલ આવી ગયો કે પેલો ફોન આ ઇસમે જ હવા કર્યો હશે એટલે તેણે સીધી લાખ રૂપિયાની વાત કરી તિવારીના ગળે ગાળિયો કસ્યો.

‘સારું, મને તમારો નંબર આપો. હું તપાસ કરીને ફોન કરીશ.’

તિવારી બોલ્યો.

‘અરે ભાઈ, અર્જન્ટ છે. તમે તપાસ કરો હું ત્યાં સુધી તમારી ટપરી પર થોડો ચા- નાસ્તો કરું. જુઓ, તપાસ  તો કરો... તમારા નસીબમાં લાખ રૂપિયા છે કે નહીં.’

‘ઓકે, પણ ફોન સામે કૅશ જોઈશે...’ ભાનુને ચા-બિસ્કિટ આપીને તિવારી ટપરી પર ભાનુ બેઠો હતો ત્યાંથી થોડે દૂર જઈને તેણે બન્ટીને

ફોન લગાડ્યો.

‘બન્ટી ભૈયા, ભોલે તિવારી બોલ રહે હૈં. વો આપકો ફોન દિયે થે ના. હમારે કઝિન કે સાથ આયે થે.’ તિવારી સીધો મુદ્દા પર આવ્યો.

‘હાં, તો ક્યા હૈ?’ બન્ટીએ તોછડાઈ ચાલુ કરી.

‘મારે એ ફોન વેચવો નથી. એ પાછો જોઈએ છે બન્ટી ભૈયા.’ તિવારીએ નમ્રતાથી કહ્યું.

‘કેમ બે? કેમ પાછો જોઈએ છે? ફોનનો તો મેં સોદો કરી નાખ્યો.’

‘અરે, બન્ટી ભૈયા, તમે સોદો કૅન્સલ કરી નાખો. મારે એ ફોન રાખવો છે.’ તિવારી પણ હવે અકળાયો.

‘ઓ બંધુ, આ સબ્જીમંડી નથી તારા ગામની, એક વાર સોદો થઈ ગયો એટલે વાત ફાઇનલ. તું કાલે આવીને તારું પેમેન્ટ લઈ જજે.’ બન્ટી બગડ્યો.

‘બન્ટી ભૈયા, પ્યાર સે બોલ રહે હૈં તો આપ સમઝ નહીં રહે, ભૈયા. હમેં પૈસા નહીં, હમેં ફોન ચાહિએ ઔર ફોન હી લે કે વાપસ જાએંગે. આપ હમરી બાત સમઝ લો, વર્ના હમ અપની ઓકાત પર ઉતર જાએંગે તો આપ કો મહંગા પડેગા!’ તિવારીએ હવે રીતસરની ધમકી આપી અને બન્ટી આગળ કંઈ બોલવા જાય એ પહેલાં ફોન કાપી નાખ્યો.

‘સમાચાર અચ્છા છે. ફોનનો પત્તો મળી ગયો છે. કાલે બપોર સુધીમાં મળી જશે. સાંજે તમને ફોન કરું છું. આપણે જે ટાઇમ નક્કી કરીએ એ વખતે તમે અહીં આવી જજો. આવતી કાલે.’ હરખાતાં તિવારીએ સમાચાર આપ્યા.

‘ઓકે ભૈયા. મારું નામ ભાનુ, આ મારો નંબર છે. તમે મિસ કૉલ કરી દો.’ ભાનુએ પોતાનો ઉત્સાહ છુપાવતાં કહ્યું.

‘હમ હૈ ભોલે તિવારી. લાઇએ નંબર.’ તિવારીએ પોતાનો ફોન કાઢ્યો.

lll

ભોલા તિવારીને રિવરફ્રન્ટ પર મળીને ભાનુ હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે હૈયે થોડી શાતા મળે એવા સમાચાર એ મળ્યા કે એના અનુપભઈ હવે ધીરે-ધીરે મેડિકલ ટ્રીટમેન્ટને પ્રતિસાદ આપી રહ્યા છે. સારવાર કરી રહેલી ડૉક્ટર ટીમનું કહેવું હતું કે હજી અનુપ  વેન્ટિલેટર પર હતો, પણ તેનાં વાઇટલ પૅરામીટર્સ-હાર્ટ-બ્લડ-પ્રેશર-શુગર-કિડની હવે યથાવત્ થઈ રહ્યાં હતાં. આ એક આશાસ્પદ લક્ષણ હતું.

ભાનુ આ સમાચારથી ખુશ હતો. તેની ઇચ્છા હતી કે અનુપભઈ કોમામાંથી બહાર આવે ત્યારે તેમનો ફુટેજવાળો મોબાઇલ તેના હાથમાં સોંપી દેવાય તો ઉત્તમ!  

જોકે એ સાંજ સુધી ભોલાનો ફોન આવ્યો નહીં એટલે ભાનુને ચિંતા થવા લાગી. ફોનનો જો તિવારીને પત્તો લાગી જ ગયો છે તો અનુપભઈનો એ ફુટેજવાળો ફોન તરત પરત મેળવી લેવો બહુ જરૂરી હતો. જરૂર પડે તો ભોલા તિવારીની સાથે જઈને ફોન ઘરભેગો કરવો પડશે. ઢળતી સાંજે ભાનુ રિવરફ્રન્ટ પર જવા નીકળી ગયો.

બીજી બાજુ ભોલો તિવારી તેને મળવાના એક લાખ રૂપિયાને લઈને સાતમા આસમાને હતો. પોતાના રિક્ષાવાળા કઝિન સુખદેવને પાર્ટી કરવા માટે રિવરફ્રન્ટ પર બોલાવ્યો હતો. પાસેની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દેશી દારૂના ઠેકા પર જઈને જશ્ન મનાવવાના એ પ્લાનમાં હતો. સુખદેવના આવવાની રાહ જોઈને ભોલો રિવરફ્રન્ટની ટપરી પર બેઠો હતો.

રિવરફ્રન્ટ પર પહોંચીને ભાનુ ટપરી પર બેઠેલા તિવારીની દિશા તરફ આગળ  વધ્યો એ જ વખતે મોમિન અને મહીડાને તેણે આવતા જોયા.

મંત્રીના ફાર્મહાઉસ પર અવારનવાર આવતા ઇન્સ્પેક્ટર મોમિનને તો ભાનુ સારી રીતે ઓળખાતો હતો. તેમને જોઈને ભોલા તરફ જવાને બદલે ભાનુ ગુપચુપ થોડે દૂર સરકી  ગયો ને જલ્દી કોઈની નજરે ન ચડે એ રીતે ખડો રહી ગયો. ધડકતા હૃદયે સામેનો નજારો જોવા લાગ્યો :

‘હવે શું થશે?’

 

ક્રમશ:

columnists