21 November, 2024 02:42 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
મૉર્ગમાં માથું ફાડી નાખે એવી વાસ પ્રસરી ગઈ અને સોનુના પેરન્ટ્સે બૉડી પર નજર કરી. બૉડી પર એક પણ કપડું નહોતું. પાણીને કારણે લાશ ફુલાઈ ગઈ હતી તો એ લાશ પર માછલીઓએ મારેલા મોઢાને કારણે ઠેર-ઠેર ચાઠાં પણ પડી ગયાં હતાં. જોકે એ બધા વચ્ચે પણ ફુલાયેલી લાશના હાથ પર કોતરાયેલું ટૅટૂ ઊડીને આંખે વળગતું હતું. જમણી હથેળીના છેડે, કાંડા પાસે કરાવેલા એ ટૅટૂમાં અંગ્રેજીમાં મોટો ‘S’ લખ્યો હતો અને એ કૅરૅક્ટરની આજુબાજુ બહુબધાં હાર્ટ પણ હતાં.
સોનુની મમ્મીની આંખમાં આંસુ બાઝી ગયાં અને તેમનાથી ડૂસકું મુકાઈ ગયું, તેમના વર્તનમાં આવેલા ચેન્જ સાથે જ રાણે પારખી ગયા કે આ સોનુ જ છે.
lll
‘સાહેબ, હવે આરોપી મળે કે નહીં, શું ફરક પડવાનો... અમે અમારી દીકરી તો ગુમાવી દીધી...’ સોનુના પપ્પાની આર્ગ્યુમેન્ટ ખોટી નહોતી, પણ આશાવાદનો અભાવ પણ છલકાતો હતો, ‘રહેવા દો હવે આ કેસ-બેસ. અમારે એ એક પણ લપમાં પડવું નથી.’
‘જો આપણે તપાસ નહીં કરીએ તો તમારી સોનુની જેમ ભવિષ્યમાં બીજી દીકરીઓ જીવ ગુમાવશે. રમેશભાઈ, કેસ પાછો ન ખેંચવાનો હોય. માનો મારી વાત...’ ઇન્સ્પેક્ટર રાણેએ સોનુની મમ્મી સામે જોયું, ‘તમે તો આમને સમજાવો. આપણે આરોપી સુધી પહોંચીએ, આરોપી પકડાય એ બહુ જરૂરી છે. સમજાવો તમે આમને...’
‘સમજાવીને શું કરવાનું સાહેબ?’ શબ્દો જુદા પણ ભાવના એ જ, ‘તેઓ સાચું જ કહે છેને કે દીકરી તો પાછી આવવાની નથી તો પછી શું કામ કુટુંબની ખોટી બદનામી કરવી?’
‘જુઓ તમે...’ ઊંડો શ્વાસ લઈને ઇન્સ્પેક્ટર રાણેએ કહ્યું, ‘તમે કેસ પાછો ખેંચી લેશો તો પણ અપમૃત્યુને કારણે આ કેસની તપાસ તો થશે જ. હા, એવું બને કે એ ઇન્ક્વાયરી ટૂંક સમય માટે ચાલે અને પછી તરત બંધ કરી દેવામાં આવે, પણ હું તમને એટલી ગૅરન્ટી આપું છું કે તમે એક વીક, ફક્ત એક વીક મને સાથ આપજો, આપણે સોનુના મર્ડરર સુધી ૧૦૦ ટકા પહોંચી જઈશું...’
‘તમારી પાસે છે કોઈ પ્રૂફ કે એવી વાત જેને લીધે અમે હવે તમને વધારે સમય આપીએ?’ રમેશભાઈના સવાલમાં વજૂદ હતું, ‘આપણે કેટલા સમયથી સાહેબ, સોનુને શોધતાં હતાં! એક પુરાવો મળ્યો નહીં કે એક માણસ એવો મળ્યો નહીં જે એવું કહે કે સોનુ ક્યાં ગઈ, કોની સાથે ગઈ અને કેવી રીતે ગઈ?’
‘સાહેબ, અંદરખાને તો અમે સોનુના નામનું નાહી નાખ્યું’તું કે છોકરી આપણો ઉદ્ધાર કરવાની નથી અને આમેય અમારે ક્યાં દીકરીના આધારે રહેવું’તું?’
બોલવાનું શરૂ કરતાં પહેલાં રમેશભાઈનાં વાઇફે પતિના હાથ પર હાથ મૂક્યો એ વાત રાણેએ નોંધી હતી.
‘થવા કાળ થઈ ગયું, હવે આપણે વાત પૂરી કરીએ... તમને આટલા હેરાન કર્યા એ બદલ તમે અને ભગવાન અમને માફ કરે...’
સોની-કપલ ઊભું થયું અને ટેબલ પર મૂકેલો કેસ પાછો ખેંચવાની ઍપ્લિકેશન રાણેએ હાથમાં લીધી.
‘તમારી આ અરજી કાલે અપલોડ કરી દઈએ છીએ, આજનો દિવસ રહેવા દો.’
‘આમ પણ આજે નેટ બંધ છે...’ મિશ્રા તરત ઇન્સ્પેક્ટર રાણેના ટેબલ પાસે આવ્યો, ‘સવારથી એકેય ફાઇલ અપલોડ નથી થતી. જેણે અર્જન્ટ ફૉરેન જવાનું છે એ પાસપોર્ટવાળા બિચારા તો બહુ હેરાન થઈ ગયા છે.’
‘આપણે કાલે મળીએ...’ ઊભા થઈને ઇન્સ્પેક્ટર રાણેએ બે હાથ જોડ્યા, ‘તમે નહીં આવો તો પણ ચાલશે. હું તમને અપડેટ આપી દઈશ...’
lll
‘સોનુનો ફ્લૅટ જે સોસાયટીમાં છે એમાંથી બહાર નીકળવાનો એક જ ગેટ છે અને એ એક જ રોડ છે...’ પેનડ્રાઇવ ટેબલ પર મૂકતાં મિશ્રાએ કહેવાનું શરૂ કર્યું, ‘આ રોડની લેફ્ટ અને રાઇટ સાઇડમાં જ રોડ આવે છે એ રોડ પહેલાં બન્ને બાજુએ કુલ ૧૪ CCTV કૅમેરાનાં આ ફુટેજ છે...’
‘તેં જોયાં?’
‘હા સર... પણ એમાં ખાસ કંઈ જોવા નથી મળ્યું...’ જવાબ આપ્યા પછી મિશ્રાએ ચોખવટ પણ કરી, ‘જે-જે ડાઉટફુલ મૂવમેન્ટ્સ છે એ બધી સેકન્ડ સાથે માર્ક કરી છે. એક વાર સાથે બેસી જઈએ તો તમને બધી દેખાડી દઉં...’
lll
‘જે એક ગાડી આવે છે એ ગાડીમાં સોનુની સોસાયટીમાંથી કોઈ આવીને બેસતું નથી, પણ ગાડી જે તરફ પાર્ક હતી એ દિશામાંથી એક છોકરી આવે છે અને તે એ ગાડીમાં બેસી જાય છે.’ CCTV ફુટેજ જોયા પછી રાણેએ મિશ્રા સાથે વાત શરૂ કરી હતી, ‘એ છોકરીની જે હાઇટ છે એ જોતાં તે સોનુ હોય એવું લાગતું નથી.’
‘સાહેબ, તે ટ્રાય પણ નથી કરતી કે પોતાનું મોઢું છુપાયેલું રહે.’
‘એવી ટ્રાય તેણે કરવી પડે એવું મને લાગતું નથી. ઑલરેડી છોકરી ઘરે ચિઠ્ઠી મૂકીને ગઈ હતી કે પોતે ઘરમાંથી જાય છે અને પછી કૉન્ટૅક્ટ કરશે. મીન્સ, સિમ્પલ. તે ઘરનાઓથી વાત છુપાવવા તો નહોતી માગતી...’ રાણેની વાતમાં તથ્ય હતું, ‘મને નવાઈ એ વાતની છે કે એક જૉગર રાહ જોઈને ઊભો છે, તેને લેવા માટે એક કાર આવે છે, જે કાર છોકરી ચલાવે છે અને સવારે સાડાપાંચ વાગ્યામાં છોકરીએ ચહેરા પર સ્પેક્ટ્સ પહેર્યાં છે...’
‘સાહેબ, તેણે જે હૂડી પહેરી છે એની પણ જરૂર ત્યારે નહોતી... હમણાં-હમણાં જરાક ઠંડી પડે છે
પણ ત્યારે ક્યાં એવી ઠંડી હતી કે સવારના તમારે કાન ઢાંકે એવી હૂડી પહેરવી પડે...’
‘વાત એમ છે કે સોનુને આવીને ભૂત લઈ ગયો, પણ જો એ વિઝ્યુઅલ સોનુના હોય તો એનો અર્થ એવો થાય કે સોનુએ જઈને ભૂતને પિકઅપ કર્યો અને તે ત્યાંથી રવાના થઈ...’
‘હા પણ સાહેબ, એનો અર્થ એવો પણ થાય કે સોનુએ ભલે ચિઠ્ઠીમાં લખ્યું હોય કે તે સવારે પાંચ વાગ્યે રવાના થઈ, પણ એવું નહીં હોય. સોનુ રાતે જ ઘરમાંથી નીકળી ગઈ હશે અને પછી તે પોતાના બૉયફ્રેન્ડને લેવા માટે સવારે ઘર પાસે આવી હોય.’
‘પૉસિબલ છે, પણ આખી વાત કન્ફ્યુઝિંગ છે.’ ઇન્સ્પેક્ટર રાણે જબરદસ્ત ગૂંચવાયા હતા, ‘જો, હું તને આખો ઇન્સિડન્ટ કહું છું, પૉસિબલી આ ઘટના એ રીતે બની છે...’
રાણેએ આંખ બંધ કરી અને આખી ઘટનાના તાણાવાણા તેના મનમાં એક પછી એક ગૂંથાવા માંડ્યા, જે તેમણે મિશ્રાને કહેવાનું શરૂ કર્યું.
lll
સોનુ ઘરથી અપસેટ છે. તેની પાસે તેના પેરન્ટ્સ માટે અઢળક ફરિયાદો છે અને એ ફરિયાદો સાવ નાખી દેવા જેવી નથી. ક્યાંક ને ક્યાંક તેના પેરન્ટ્સ ફરજ ચૂક્યા જ છે. ઘરમાં એકલી પડી ગયેલી સોનુએ પોતાનું સાથી બનાવ્યું સોશ્યલ મીડિયાને અને એવું કરવા જતાં તેના મનમાં આવ્યું કે પોતે શું કામ સોશ્યલ મીડિયા સ્ટાર ન બને?
સોશ્યલ મીડિયા સ્ટાર બનવા માટે પાયાની જે જરૂરિયાત હતી એ કૅમેરા તો હાથમાં જ હતો એટલે સોનુએ પોતાની રીતે વિડિયો બનાવવાનું શરૂ કર્યું. પૉપ્યુલર થવા માટે સોનુએ જે રસ્તા અપનાવ્યા એ ચીપ હતા અને એ ચીપ રસ્તાઓએ સોનુને તેના પેરન્ટ્સથી વધારે દૂર કરી. સોશ્યલ મીડિયા સ્ટાર બનવાની દિશામાં સોનુ આગળ વધતી રહી અને એ દરમ્યાન તેની લાઇફમાં કોઈ એક શખ્સ આવ્યો, જેના પ્રેમમાં સોનુ પડી. એ શખ્સનું નામ સોનુએ ક્યાંય રિવિલ થવા દીધું નહીં અને કાં તો પેલી વ્યક્તિ ઇચ્છતી નહોતી કે તેનું નામ સામે આવે એટલે સોનુએ પોતાનો જે તકિયા કલામ હતો ‘ભૂત’ એ જ નામ પેલા શખ્સને આપી દીધું.
સોનુને ઓળખનારા બધાને એ ભૂત વિશે ખબર છે, પણ એ ભૂત કોણ છે, ક્યાં રહે છે અને કેવો દેખાય છે એની કોઈને ખબર નથી. સોનુ આ ભૂત નામના પાત્રના પ્રેમમાં એવી પડી કે તેણે પોતાનું સર્વસ્વ ભૂતને અર્પણ કરી દીધું, જેમાં તે પ્રેગ્નન્ટ પણ થઈ. સોનુ બાળક ઇચ્છતી હતી અને એમાં ભૂતનો વિરોધ પણ નહોતો એટલે સોનુએ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી.
lll
‘આ વાત કદાચ છે... બને કે પેલો ભૂત બાળક સ્વીકારવા રાજી ન હોય, પણ સોનુની ઇચ્છા હોય કે બાળક કન્ટિન્યુ કરવું.’ મિશ્રાએ રાણેને અટકાવતાં કહ્યું, ‘કદાચ એ બાળકને કારણે જ સોનુનું મર્ડર થયું હોય?’
‘રાઇટ, કારણ એ બાળક જ છે. એ સિવાય તો આ મર્ડરનો કોઈ મોટિવ દેખાતો નથી.’ ઇન્સ્પેક્ટર રાણેએ વાતને પોતાના તાણાવાણા સાથે કનેક્ટ કરતાં ઘટનાને કન્ટિન્યુ કરી અને કહ્યું, ‘ઘટનાના દિવસનાં જે ફુટેજ છે એને જ આપણે સાચાં માનીએ અને ઘટનાને સમજવાની કોશિશ કરીએ તો... લેટરમાં લખ્યું છે એમ સોનુ સવારે પાંચ વાગ્યે નહીં, પણ રાતે જ બહાર નીકળી ગઈ હતી અને તેણે ભૂતને ઘરે આવવા કહ્યું હતું. ભૂત આવ્યો અને સોનુ તેને લઈને રવાના થઈ ગઈ.’
‘પહેલો સવાલ, સોનુએ આવું ખોટું શું કામ લખવું પડ્યું?’ મિશ્રાએ વાત પર વજન મૂક્યું, ‘જો રાતે ૧૨ વાગ્યે જ તે ચિઠ્ઠી લખે છે અને તેને રોકનારું કોઈ નથી તો પછી ટાઇમની બાબતમાં આવું ખોટું લખવાનું કારણ શું?’
‘પૉઇન્ટ...’ રાણેએ મુદ્દાને સ્પષ્ટ કર્યો, ‘ઇન્ક્વાયરીને આડા રસ્તે
ચડાવવા માટે...’
‘ઇન્ક્વાયરી શું કામ ખોટી દિશામાં લઈ જવાની?’
‘પોલીસ તેમને શોધે નહીં...’
‘સર, પોલીસ તો આમ પણ તેને શોધવાની નહોતી. જે છોકરી આટલું ડૅરિંગ કરી શકે તેને કદાચ ખબર જ હોય કે ૧૮ વર્ષથી મોટી છોકરી કોની સાથે જાય અને શું કરે એ વિશે પોલીસ પણ તેને પૂછપરછ કરી ન શકે... સિવાય કે ઍક્ટિવિટી
ક્રિમિનલ હોય.’
‘આ સોનુના મનનો વિચાર નથી... કોઈ જાતની ઇન્ક્વાયરી ન થાય અને પોલીસ આ કેસમાં ઇન્વૉલ્વ ન થાય એવી ઇચ્છા પેલા ભૂતની છે...’ અજાણતાં જ ઇન્સ્પેક્ટ રાણેનું તીર નિશાન પર લાગ્યું, ‘જો મિશ્રા, મર્ડર પાછળ અત્યારે એક જ મોટિવ છે. પટાવવા જતાં છોકરી ગળે પડી ગઈ અને હવે તેનાથી હાથ ખંખેરવા છે. પ્રયાસ બધા પ્રકારના થયા હશે કે જેમાં સોનુથી છુટકારો મેળવી શકાય, પણ સોનુએ એમ સાથ નહીં છોડ્યો હોય એટલે નાછૂટકે ભૂતે પ્લાન બનાવ્યો અને એ પ્લાન મુજબ તેણે સોનુને રસ્તામાંથી હટાવી દીધી.’
મિશ્રા કંઈ પૂછે એ પહેલાં જ રાણેએ કહ્યું, ‘હવે આગળની ઘટના કેવી રીતે બની હશે એ વિશે તું સાંભળ...’
lll
ભૂતના કહેવા મુજબ, સોનુએ રાતે જ ઘર છોડી દીધું અને સોનુ ગાડી લઈને સવારે ફરી ભૂતને લેવા માટે પહોંચી. ભૂત અને સોનુ રવાના થયાં. શરૂઆતના દિવસોમાં સોનુ અને ભૂત ફર્યાં, એ દરમ્યાન પણ ભૂતે સોનુને અબૉર્શન માટે સમજાવી હશે પણ સોનુ માની નહીં હોય એટલે નાછૂટકે ભૂતે નક્કી કરવું પડ્યું હશે કે સોનુને રસ્તામાંથી હટાવ્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી.
સોનુને રસ્તામાંથી હટાવ્યા પછી પણ તેના પેરન્ટ્સના ફોન સોનુને આવવાના ચાલુ રહ્યા, જે ભૂત માટે માથાનો દુખાવો બન્યા.
lll
‘સોનુ સાથેની રિલેશનશિપ દરમ્યાન ભૂત એટલું સમજી ગયો હતો કે સોનુ તેના પેરન્ટ્સને અને પેરન્ટ્સ પણ સોનુને સમય આપતાં નથી. એ લોકો વચ્ચે કંઈ એવી નિયમિત વાતો નહીં થતી હોય. મમ્મી કે પપ્પા પણ સોનુને ફોન નહીં કરતાં હોય અને ધારો કે કરતાં હોય તો સોનુના રફ જવાબ પછી પેલા લોકો સામે કંઈ કહી નહીં શકતાં હોય...’ ઇન્સ્પેક્ટર રાણેની આંખો પહોળી થઈ અને તેઓ ઊભા થઈ ગયા, ‘એક મિનિટ મિશ્રા...’
‘સોનુની ટ્રાવેલ હિસ્ટરી...’ મિશ્રા કંઈ પૂછે એ પહેલાં જ રાણે બોલ્યા, ‘ભૂત અને સોનુ અગાઉ પણ ક્યાંક બહાર ગયાં હશે અને કાં તો સોનુ ભૂતને મળવા તેની પાસે ગઈ હોય એવું બની શકે... એ દરમ્યાન ભૂતે ઑબ્ઝર્વ કર્યું હશે કે સોનુને તેના પેરન્ટ્સના કોઈ ફોન નથી આવતા...’
‘એ તો બે-ત્રણ દિવસને સર... વધારે દિવસો થાય તો કોઈ પણ માબાપ પોતાની દીકરીને ફોન કરે. ન ગમતી હોય તો પણ માબાપ જવાબદારી તો નિભાવી લે...’
‘રાઇટ પણ... મિશ્રા, પૉસિબલ છે કે ભૂતના મનમાં એમ હોય કે બે-ત્રણ દિવસમાં બધું પૂરું થઈ જશે અને નહીં તો તે સોનુથી છુટકારો મેળવી તેના ફોનથી પણ છુટકારો મેળવી લેશે એટલે વાત અહીં સુધી પહોંચશે જ નહીં, એને બદલે સમય લંબાયો અને વાત આપણા સુધી પહોંચી ગઈ...’
રાણે ઊભા થઈ ગયા.
‘મને સોનુની ટ્રાવેલ હિસ્ટરી જોઈએ છે, તાત્કાલિક...’ રાણેના ચહેરા પર ચમક હતી, ‘સોનુની ટ્રાવેલ હિસ્ટરી આપણને ભૂત સુધી ટ્રાવેલ કરાવશે... હન્ડ્રેડ પર્સન્ટ...’
વધુ આવતી કાલે